ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે વાતચીત કરી
નકસલવાદ માનવતા અને દેશની આંતરિક સુરક્ષા બંને માટે ખતરો છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે
નક્સલવાદીઓના માનવાધિકારોની હિમાયત કરનારાઓએ નક્સલવાદના કારણે પીડાતા લોકોના માનવાધિકારો પર પણ વિચાર કરવો જોઈએ
મોદી સરકાર અને છત્તીસગઢ સરકાર ત્રણ મહિનાની અંદર વામપંથી આતંકવાદથી પ્રભાવિત લોકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાપક યોજના લાવશે
મોદી સરકારની નીતિઓને કારણે, વામપંથી ઉગ્રવાદ હવે છત્તીસગઢના કેટલાક જિલ્લાઓ સુધી સીમિત રહી ગયો છે
માર્ચ 2026 સુધીમાં એલડબ્લ્યુઇને સંપૂર્ણપણે નાબૂદ કર્યા પછી બસ્તર ફરી એકવાર એક સુંદર, શાંતિપૂર્ણ, અને વિકસિત ક્ષેત્ર બની જશે
વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યક્રમો દ્વારા, મોદી સરકારનો નક્સલવાદીઓને સંદેશ છે કે મારનારથી બચાવનારો મોટો હોય છે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વામપંથી ઉગ્રવાદીઓને હિંસાનો ત્યાગ કરવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી છે
Posted On:
20 SEP 2024 12:30PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમાં બસ્તર શાંતિ સમિતિના નેજા હેઠળ છત્તીસગઢના વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના નક્સલવાદી હિંસાથી પ્રભાવિત 55 લોકો સામેલ હતા.
બસ્તર શાંતિ સમિતિએ છત્તીસગઢમાં નક્સલવાદથી પ્રભાવિત લોકોની દુર્દશાને ઉજાગર કરતી એક ડોક્યુમેન્ટરી પણ રજૂ કરી હતી. કેટલાક પીડિતોએ તેમની દુર્દશા ગૃહ મંત્રી સાથે શેર કરી હતી.
નક્સલવાદી હિંસાથી પીડિત લોકો સાથે વાતચીત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર માર્ચ, 2026 સુધી નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિઓને કારણે વામપંથી ઉગ્રવાદ હવે છત્તીસગઢના કેટલાક જિલ્લાઓ સુધી મર્યાદિત થઈ ગયો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નકસલવાદ માનવતા અને દેશની આંતરિક સુરક્ષા એમ બંને માટે જોખમરૂપ છે.
શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર અને છત્તીસગઢ સરકાર આગામી ત્રણ મહિનામાં વામપંથી ઉગ્રવાદથી અસરગ્રસ્ત લોકોનાં સંપૂર્ણ વિકાસ માટે વિસ્તૃત યોજના લાવશે. તેમણે કહ્યું હતું કે, આ યોજના મારફતે છત્તીસગઢ સહિત સમગ્ર દેશમાં વામપંથી ઉગ્રવાદથી અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ, રોજગારીની તકો અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, વામંપથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓ દ્વારા મોદી સરકારે નક્સલીઓને સંદેશ આપ્યો છે કે મારનારથી બચાવનારો મોટો હોય છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, નક્સલવાદીઓના માનવાધિકારોની હિમાયત કરનારાઓએ પણ નક્સલવાદના કારણે જે લોકોને નુકસાન થાય છે તેમના માનવાધિકારો પર વિચાર કરવો જોઈએ.
ગૃહ મંત્રીએ વામપંથી ઉગ્રવાદીઓને હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, માર્ચ, 2026 સુધીમાં વામપંથી ઉગ્રવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની સાથે બસ્તર ફરી એકવાર સુંદર, શાંતિપૂર્ણ અને વિકસિત થઈ જશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2056948)
Visitor Counter : 78
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada