પ્રધાનમંત્રીનું કાર્યાલય
મલેશિયાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
Posted On:
20 AUG 2024 4:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી દાતો'સેરી અનવર ઇબ્રાહિમ,
બંને પ્રતિનિધિમંડળના સભ્યો,
મીડિયાના આપણા મિત્રો,
નમસ્કાર!
પ્રધાનમંત્રી બન્યા બાદ અનવર ઇબ્રાહીમજીની આ પહેલી ભારત યાત્રા છે. મને ખુશી છે કે મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ તમને ભારતમાં આવકારવાની મને તક મળી છે.
મિત્રો,
ભારત અને મલેશિયા વચ્ચે ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને એક દાયકો પૂરો થઈ રહ્યો છે. અને છેલ્લાં બે વર્ષમાં પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમના સાથસહકારથી આપણી ભાગીદારીએ નવી ગતિ અને ઊર્જા પ્રાપ્ત કરી છે. આજે અમે પારસ્પરિક સહકારના તમામ ક્ષેત્રોની વિસ્તૃત ચર્ચા કરી છે. અમે નોંધ્યું છે કે અમારો દ્વિપક્ષીય વેપાર સતત પ્રગતિ કરી રહ્યો છે. ભારત અને મલેશિયા વચ્ચેનો વેપાર હવે ભારતીય રૂપિયા (આઈએનઆર) અને મલેશિયન રીંગિટ્સ (એમવાયઆર)માં સેટલ કરી શકાશે. ગયા વર્ષે મલેશિયાથી ભારતમાં 5 અબજ ડોલરના રોકાણ પર કામ કરવામાં આવ્યું છે. આજે અમે અમારી ભાગીદારીને "વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી" સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે. અમારું માનવું છે કે આર્થિક સહકારમાં હજી પણ ઘણી સંભાવનાઓ છે. દ્વિપક્ષીય વેપાર અને રોકાણનો વિસ્તાર થવો જોઈએ. આપણે સેમીકન્ડક્ટર્સ, ફિનટેક, સંરક્ષણ ઉદ્યોગ, એ.આઇ. અને ક્વોન્ટમ જેવી નવી ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં પારસ્પરિક સહકાર વધારવો જોઈએ. અમે ભારત અને મલેશિયા વચ્ચે વિસ્તૃત આર્થિક સહકાર સમજૂતીની સમીક્ષામાં વધારો કરવા પર ભાર મૂક્યો છે. ડિજિટલ કાઉન્સિલની સ્થાપના કરવાનો અને ડિજિટલ ટેકનોલોજીમાં સહકાર સ્થાપિત કરવા માટે સ્ટાર્ટ-અપ એલાયન્સની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના યુપીઆઈ અને મલેશિયાના પેનેટને જોડવા પર પણ કામ કરવામાં આવશે. સીઈઓ ફોરમની આજની બેઠકમાં નવી સંભાવનાઓ સામે આવી છે. અમે સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર સહકારની નવી સંભાવનાઓ પર પણ ચર્ચા કરી છે. આતંકવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈમાં પણ અમે એકમત છીએ.
મિત્રો,
ભારત અને મલેશિયા સદીઓથી એકબીજા સાથે જોડાયેલા છે. મલેશિયામાં રહેતા લગભગ ૩૦ લાખ ભારતીય વિદેશી લોકો બંને દેશો વચ્ચેનો જીવંત સેતુ છે. ભારતીય સંગીત, ખાણીપીણી અને તહેવારોથી લઈને મલેશિયાના "તોરણ ગેટ" સુધી, આપણા લોકોએ આ મિત્રતાને જાળવી રાખી છે. ગયા વર્ષે મલેશિયામાં ઉજવવામાં આવેલો 'P.I.O. દિવસ' ખૂબ જ સફળ અને લોકપ્રિય કાર્યક્રમ હતો. જ્યારે આપણા નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તે ઐતિહાસિક ક્ષણનો ઉત્સાહ મલેશિયામાં પણ અનુભવાયો હતો. કામદારોના રોજગાર અંગેના આજના કરારથી ભારતમાંથી કામદારોની ભરતીને પ્રોત્સાહન મળશે તેમજ તેમના હિતોનું રક્ષણ થશે. લોકોની અવરજવરને સરળ બનાવવા માટે અમે વિઝા પ્રક્રિયાઓને સરળ બનાવી છે. વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને સરકારી અધિકારીઓની તાલીમ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે આઇટીઇસી શિષ્યવૃત્તિ હેઠળ મલેશિયા માટે સાયબર સિક્યુરિટી અને એ.આઇ. જેવા અત્યાધુનિક અભ્યાસક્રમો માટે 100 બેઠકો ફાળવવામાં આવશે. મલેશિયામાં "યુનિવર્સિટી ટુન્કુ અબ્દુલ રહેમાન"માં આયુર્વેદ ચેરની સ્થાપના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુનિવર્સિટી મલાયામાં તિરુવલ્લુવર ચેર સ્થાપિત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હું આ તમામ વિશેષ પગલાઓમાં સહકાર આપવા બદલ પ્રધાનમંત્રી અનવર અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.
મિત્રો,
મલેશિયા આસિયાન અને ઇન્ડો-પેસિફિક રિજનમાં ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત આસિયાનની મધ્યસ્થતાને પ્રાથમિકતા આપે છે. અમે સંમત છીએ કે ભારત અને આસિયાન વચ્ચે એફટીએની સમીક્ષા સમયસર પૂર્ણ થવી જોઈએ. ભારત વર્ષ 2025માં મલેશિયાની સફળ આસિયાન અધ્યક્ષતાને સંપૂર્ણ સાથસહકાર આપશે. અમે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા માટે પ્રતિબદ્ધ છીએ. અને, તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનની હિમાયત કરીએ છીએ.
મહામહિમ,
અમે તમારી મૈત્રી અને ભારત સાથેના સંબંધો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા માટે આભારી છીએ. તમારી આ મુલાકાતે આગામી દાયકા માટે અમારા સંબંધોને નવી દિશા આપી છે. ફરી એક વાર, દરેકનો ખૂબ-ખૂબ આભાર.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2046972)
Visitor Counter : 113
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam