નાણા મંત્રાલય
કેન્દ્રીય અંદાજપત્ર 2024-2025નો સારાંશ
ભારતનો ફુગાવો નિરંતર નીચો, સ્થિર અને 4 ટકાનાં લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે
5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની સવલત પૂરીપાડવા માટે 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથેની 5 યોજનાઓ અને પહેલો સાથેનું પ્રધાનમંત્રીનું પેકેજ
'વિકસિત ભારત'નું લક્ષ્ય હાંસલ કરવા માટે, અંદાજપત્રમાં સૌના માટે પૂરતી તકો ઊભી કરવાના ઉદ્દેશ્ય સાથે 9 પ્રાથમિકતાઓ પર એકધારા પ્રયત્નો કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે
અંદાજપત્ર 2024-25માં રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે
ખેડૂતો દ્વારા ખેતી થઈ શકે તે માટે 32 ક્ષેત્રો અને બાગાયતી પાકોની નવી 109 ઉચ્ચ ઉપજ આપતી તેમજ આબોહવા સામે ટકી શકે તેવી જાતો બહાર પાડવામાં આવશે
આવનારા બે વર્ષમાં, સમગ્ર દેશમાં 1 કરોડ ખેડૂતો કુદરતી ખેતીની શરૂઆત કરશે
આ વર્ષ માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે
1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે
બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને આવરી લેતા પૂર્વોત્તર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા પૂર્વોદય યોજના તૈયાર કરવામાં આવશે
મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં મહિલાઓ અને દીકરીઓ માટે લાભદાયક યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે
આ વર્ષે ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ, જેમાં ગ્રામીણ માળખાકીય વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે
મુદ્રા લોનની મર્યાદા વર્તમાન 10 લાખ રૂપિયા છે તેને વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે
સરકાર 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવા માટે એક વ્યાપક યોજના શરૂ કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ, 10 લાખ કરોડ રૂપિયાના રોકાણથી 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે
25,000 ગ્રામીણ વસાહતોને તમામ પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકાય તે માટે PMGSYનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે
1,000 કરોડ રૂપિયાના વેન્ચર કેપિટલ ફંડની મદદથી આગામી 10 વર્ષમાં અવકાશ અર્થતંત્રનું 5 ગણા સુધી વિસ્તરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો
4 કરોડ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરોને આવકવેરામાં મોટી રાહત આપવામાં આવી
Posted On:
23 JUL 2024 1:21PM by PIB Ahmedabad
ભાગ A
વૈશ્વિક અર્થતંત્ર નીતિગત અનિશ્ચિતતાઓના સકંજામાં જકડાયેલું હોવા હોવા છતાં, ભારતનો આર્થિક વિકાસ તેજસ્વી અપવાદ બની રહ્યો છે અને આગામી વર્ષોમાં પણ આવી જ સ્થિતિ જળવાઈ રહેશે. નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ભારતમાં ફુગાવું નીચો, સ્થિર રહ્યું છે અને 4 ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. મૂળભૂત ફુગાવો (બિન-ખાદ્ય, બિન-ઇંધણ) હાલમાં 3.1 ટકા છે અને નાશવંત માલનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં બજારમાં પહોંચે તેવું સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
વચગાળાનું અંદાજપત્ર
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વચગાળાના અંદાજપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે મુજબ, ચાર મુખ્ય જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમમાં ‘ગરીબ’, ‘મહિલાઓ’, ‘યુવાનો’ અને ‘અન્નદાતા’ (ખેડૂત)નો સમાવેશ થાય છે.
અંદાજપત્રની થીમ
શ્રીમતી સીતારમણે અંદાજપત્રની થીમ પર ધ્યાન આપતા જણાવ્યું હતું કે, આખા વર્ષ અને તેનાથી પણ ધ્યાન આપીને, આ અંદાજપત્રમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલો સાથેના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરી હતી. આ વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
અંદાજપત્રની પ્રાથમિકતાઓ
નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ‘વિકસિત ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધવા માટે, આ અંદાજપત્રમાં સૌના માટે પૂરતી તકો ઉભી થઈ શકે તે માટે નીચે ઉલ્લેખિત 9 પ્રાથમિકતાઓ પર એકધારા પ્રયત્નો કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
1. કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
2. રોજગાર અને કૌશલ્ય
3. સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
4. વિનિર્માણ અને સેવાઓ
5. શહેરી વિકાસ
6. ઊર્જા સુરક્ષા
7. માળખાકીય સુવિધા
8. આવિષ્કાર, સંશોધન અને વિકાસ
9. આગામી પેઢીના સુધારા
પ્રાથમિકતા 1: કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
નાણાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ઉત્પાદકતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સરકાર કૃષિ સંશોધન સેટઅપની વ્યાપક સમીક્ષા હાથ ધરશે. ખેડૂતો દ્વારા ખેતી થઈ શકે તે માટે 32 ક્ષેત્ર અને બાગાયતી પાકોની નવી 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા સામે ટકી શકે તેવી જાતો બહાર પાડવામાં આવશે.
આવનાર બે વર્ષમાં, સમગ્ર દેશમાં 1 કરોડ ખેડૂતો પ્રમાણીકરણ અને બ્રાન્ડિંગ દ્વારા સમર્થિત કુદરતી ખેતીમાં જોડાશે.
10,000 જરૂરિયાત આધારિત જૈવ ઇનપુટ સંસાધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.
કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, સરકાર તેમના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને વધુ મજબૂત બનાવશે અને સરસવ, મગફળી, તલ, સોયાબીન તેમજ સૂર્યમુખી જેવા તેલીબિયાં માટે 'આત્મનિર્ભરતા' પ્રાપ્ત કરશે.
સરકાર દ્વારા રાજ્યો સાથે ભાગીદારીમાં 3 વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનોના કવરેજ માટે કૃષિમાં ડિજિટલ જાહેર માળાખાકીય સુવિધા (DPI)ના અમલીકરણની સુવિધા પૂરી પાડવામાં આવશે.
શ્રીમતી સીતારમણે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી હતી.
પ્રાથમિકતા 2: રોજગાર અને કૌશલ્ય
નાણાં મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના પેકેજના ભાગ રૂપે સરકાર 'રોજગાર સાથે સંકળાયેલ પ્રોત્સાહન' માટે 3 યોજનાઓ અમલમાં મૂકશે. આ EPFOમાં નોંધણી પર આધારિત હશે અને પ્રથમ વખત નોંધણી થનારા કર્મચારીઓની સ્વીકૃતિ તેમજ કર્મચારીઓ અને નોકરીદાતાઓને સહકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઉદ્યોગજગતના સહયોગથી સરકાર દ્વારા કામકાજી મહિલાઓના છાત્રાયલોની સ્થાપના અને ઘોડિયાઘરની સ્થાપના દ્વારા કર્મચારીઓમાં મહિલાઓની ઉચ્ચ સહભાગીતાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
નાણાં મંત્રીએ કૌશલ્ય કાર્યક્રમનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારો તેમજ ઉદ્યોગજગત સાથે મળીને કૌશલ્ય પ્રધાન કરવા માટે પ્રધાનમંત્રી પેકેજ હેઠળ ચોથી યોજના તરીકે નવી કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાની જાહેરાત કરી છે. 5 વર્ષના સમયગાળામાં 20 લાખ યુવાનોને કૌશલ્યવાન બનાવવામાં આવશે અને 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને પરિણામલક્ષી અભિગમ સાથે હબ એન્ડ સ્પોક વ્યવસ્થાઓ તરીકે અપગ્રેડ કરવામાં આવશે.
તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સરકાર દ્વારા પ્રોત્સાહિત ભંડોળની બાંયધરી સાથે 7.5 લાખ રૂપિયા સુધીના ધીરાણની સુવિધા આપવા માટે મોડલ કૌશલ્ય ધીરાણ યોજનામાં સુધારો કરવામાં આવશે, જેનાથી દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ મળશે તેવી અપેક્ષા છે.
સરકારી યોજનાઓ અને નીતિઓ હેઠળ કોઈપણ લાભ માટે મેળવવા માટે પાત્રતા ન ધરાવતા હોય તેવા યુવાનોને મદદ કરવા માટે, તેમણે સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીના ધીરાણ માટે નાણાંકીય સહાયની જાહેરાત કરી હતી. આ ઉદ્દેશ્ય માટે ધીરાણની રકમના 3 ટકાની વાર્ષિક વ્યાજ માફી માટે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધા જ ઇ-વાઉચર આપવામાં આવશે.
પ્રાથમિકતા 3: સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
સંતૃપ્તિ અભિગમ વિશે વાત કરતા નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હસ્તકલાકારો, કારીગરો, સ્વ-સહાય જૂથો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ શેરી પરના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતી સહાયક આર્થિક પ્રવૃત્તિઓ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા, પ્રધાનમંત્રી સ્વનિધિ, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયાનો અમલ કરવામાં આવશે.
પૂર્વોદય
બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશને આવરી લેતા દેશના સમગ્ર પૂર્વીય પ્રદેશના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા પૂર્વોદય નામની યોજના ઘડવામાં આવશે. આમાં માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ અને આર્થિક તકોના નિર્માણને આવરી લેવામાં આવશે જેથી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ પ્રદેશને એક એન્જિન બનાવી શકાય.
પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન
નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે, સરકાર આદિવાસી બહુમતી ધરાવતા ગામડાંઓ અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ અપનાવીને 63,000 ગામડાઓને આવરી લઈને અને 5 કરોડ આદિવાસી લોકોને લાભ પહોંચાડવા માટે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરશે.
બેન્કિંગ સેવાઓનું વિસ્તરણ કરવા માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ભારતીય પોસ્ટ પેમેન્ટ બેન્કની 100 કરતાં વધુ શાખાઓની સ્થાપના કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે ગ્રામીણ માળખાકીય સુવિધાઓ સહિત ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા માટે 2.66 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રાથમિકતા 4: વિનિર્માણ અને સેવાઓ
MSMEના પ્રોત્સાહન આપવા માટે સહકાર
શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, આ અંદાજપત્રમાં MSME અને વિનિર્માણ ક્ષેત્ર અને તેમાં પણ ખાસ કરીને શ્રમ-સઘન વિનિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. એક અલગથી રચવામાં આવલું સ્વ-ધીરાણ બાંયધરી ભંડોળ, દરેક અરજદારને 100 કરોડ રૂપિયા સુધીનું બાંયધરી કવચ પૂરું પાડશે, જ્યારે ધીરાણની રકમ હજું પણ મોટી હોઈ શકે છે. એવી જ રીતે, જાહેર ક્ષેત્રની બેંકો ધીરાણ આપવા માટે MSMEનું મૂલ્યાંકન કરવા માટે બાહ્ય આકારણી પર નિર્ભર રહેવાના બદલે તેમની આંતરિત ક્ષમતાનું નિર્માણ કરશે. તેમણે MSME તણાવની સ્થિતિમાં હોય તે સમયગાળા દરમિયાન તેઓ બેંકનું ધીરાણ ચાલુ રાખી શકે તેવી સુવિધા આપવા માટે એક નવા વ્યવસ્થાતંત્રની પણ જાહેરાત કરી હતી.
મુદ્રા લોન
મુદ્રા લોન અંતર્ગત જેમણે ‘તરુણ’ શ્રેણી હેઠળ અગાઉ લોન લીધી હોય અને સફળતાપૂર્વક પરત ચુકવણી કરી હોય તેવા ઉદ્યોગસાહસિકો માટે વર્તમાન 10 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે.
ફૂડ ઇરેડિયેશન, ગુણવત્તા અને સલામતી પરીક્ષણ માટે MSME એકમો
MSME ક્ષેત્રમાં 50 બહુવિધ ઉત્પાદન ફૂડ ઇરેડિયેશન એકમોની સ્થાપના કરવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે. NABL માન્યતા સાથે 100 ખાદ્ય ગુણવત્તા અને સલામતી પરીક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના કરવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. MSME અને પરંપરાગત કારીગરોને તેમનાં ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચવા માટે સક્ષમ બનાવવાના હેતુથી જાહેર ખાનગી ભાગીદારી (PPP) માધ્યામમાં ઇ-કોમર્સ નિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.
ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પેકેજ હેઠળની પાંચમી યોજના તરીકે સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક વ્યાપક યોજના શરૂ કરશે.
પ્રાથમિકતા 5: શહેરી વિકાસ
શહેરી આવાસ
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની આવાસની જરૂરિયાતોને પૂરી કરવામાં આવશે. તેમાં આગામી 5 વર્ષમાં 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયનો સમાવેશ થશે.
પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા
રાજ્ય સરકારો અને બહુપક્ષીય વિકાસ બેંકો સાથે ભાગીદારી કરીને, સરકાર દ્વારા બેંકિંગથી સહાય આપી શકાય તેવી પરિયોજનાઓ દ્વારા 100 મોટા શહેરો માટે પાણી પુરવઠા, ગટરવ્યવસ્થા અને ઘન કચરાના વ્યવસ્થાપનને લગતી પરિયોજનાઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
PM સ્વનિધિ
તેમણે આગળ ઉમેર્યું હતું કે, શેરી પરના વિક્રેતાઓના જીવનમાં પરિવર્તન લાવવામાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને મળેલી સફળતાના આધારે, સરકાર આગામી પાંચ વર્ષમાં પસંદગીના શહેરોમાં 100 સાપ્તાહિક 'હાટ' અથવા સ્ટ્રીટ ફૂડ હબ વિકસાવવા માટે દર વર્ષે સહાયક યોજના શરૂ કરવાની પરિકલ્પના ધરાવે છે.
પ્રાથમિકતા 6: ઊર્જા સુરક્ષા
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ, 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત પ્રાપ્ત થઈ શકે તે માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ્સ સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત બિજલી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 1.28 કરોડથી વધુ નોંધણીઓ અને 14 લાખ અરજીઓ સાથે તેને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે.
વિકસિત ભારત માટે ઊર્જા મિશ્રણમાં પરમાણુ ઊર્જા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બનશે તેવી અપેક્ષા છે.
પ્રાથમિકતા 7: માળખાકીય સુવિધા
નાણાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધાઓના નિર્માણ અને તેમાં સુધારાઓ કરવાની દિશામાં વર્ષોથી કરેલા નોંધપાત્ર રોકાણના કારણે અર્થવ્યવસ્થા પર મજબૂત અનેકગણી અસર પડી છે. સરકાર અન્ય પ્રાથમિકતાઓ અને નાણાંકીય એકત્રીકરણની આવશ્યકતાઓ સાથે આગામી 5 વર્ષમાં માળખાકીય સુવિધાઓ માટે મજબૂત રાજકોષીય સમર્થન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ વર્ષે મૂડી ખર્ચ માટે 11,11,111 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે આપણા GDPના 3.4 ટકા છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)
નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, 25,000 ગ્રામીણ વસાહતો કે જેઓ તેમની વસ્તીમાં વૃદ્ધિના કારણે પાત્રતા ધરાવતા થયા હોય તેમને તમામ પ્રકારના હવામાનની સ્થિતિમાં કનેક્ટિવિટી પૂરી પાડવા માટે PMGSYનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવશે.
પ્રવેગક સિંચાઈ લાભ કાર્યક્રમ અને અન્ય સ્ત્રોતો દ્વારા બિહારમાં સિંચાઈ અને પૂરના નિવારણ માટે 11,500 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથેની પરિયોજનાઓ જેમ કે કોસી-મેચી ઇન્ટ્રા-સ્ટેટ લિંક અને 20 અન્ય ચાલુ તેમજ નવી યોજનાઓ માટે સરકાર નાણાંકીય સહાય પૂરી પાડશે જેમાં બેરેજ, નદી પ્રદૂષણ નિવારણ અને સિંચાઈ યોજનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. સરકાર આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમને પૂર વ્યવસ્થાપન, ભૂસ્ખલન અને સંલગ્ન પરિયોજનાઓ માટે પણ મદદ પૂરી પાડશે.
પ્રાથમિકતા 8: આવિષ્કાર, સંશોધન અને વિકાસ
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઇપના વિકાસ માટે અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ભંડોળનું પરિચાલન કરશે અને આ જાહેરાતને અનુરૂપ 1 લાખ કરોડ રૂપિયાના ધીરાણ પૂલ સાથે વ્યાપારી ધોરણે ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન અને આવિષ્કારને પ્રોત્સાહન આપવા માટે વચગાળાના અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ એક વ્યવસ્થાતંત્ર સ્થાપવામાં આવશે.
અવકાશ અર્થતંત્ર
આગામી 10 વર્ષમાં અવકાશ અર્થતંત્રમાં 5 ગણા જેટલું વિસ્તરણ કરવા પર અમે એકધારો ભાર મૂક્યો હોવાથી, 1,000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ ફંડ સ્થાપવામાં આવશે.
પ્રાથમિકતા 9: આગામી પેઢીના સુધારા
આર્થિક નીતિ માળખું
નાણાં મંત્રીએ કહ્યું હતું કે, સરકાર આર્થિક વિકાસ માટેનો સર્વોચ્ચ અભિગમ દર્શાવવા માટે એક આર્થિક નીતિ માળખું ઘડશે અને રોજગારીની તકોને વધુ સરળ બનાવવા માટે તેમજ ઉચ્ચ વૃદ્ધિ ટકાવી રાખવા માટે આગામી પેઢીના સુધારાની સંભાવના નિર્ધારિત કરશે.
શ્રમ સંબંધિત સુધારા
સરકાર રોજગાર અને કૌશલ્ય સહિત શ્રમિકો માટે સેવાઓની વિશાળ શ્રેણીની જોગવાઈ પૂરી પાડશે. ઇ-શ્રમ પોર્ટલ સાથે અન્ય પોર્ટલનું વ્યાપક એકીકરણ આવા વન-સ્ટોપ ઉકેલો મેળવવાનું સરળ બનાવશે. ઉદ્યોગ અને વેપાર માટે અનુપાલનની સરળતામાં વધારો કરવા માટે શ્રમસુવિધા અને સમાધાન પોર્ટલમાં સુધારો કરવામાં આવશે.
આબોહવા અનુકૂલન અને શમન માટે મૂડીની ઉપલબ્ધતામાં વધારો કરવા માટે સરકાર ક્લાયમેટ ફાઇનાન્સ માટે વર્ગીકરણ વિકસાવશે.
પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશી રોકાણ
પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશી રોકાણ માટેના નિયમો અને નિયમનો સરળ બનાવવામાં આવશે જેથી (1) પ્રત્યક્ષ વિદેશી રોકાણની સુવિધા, (2) નજ પ્રાધાન્યતા અને (3) વિદેશી રોકાણો માટે ભારતીય રૂપિયાનો ચલણ તરીકે ઉપયોગ કરવાની તકોને પ્રોત્સાહન આપી શકાય.
NPS વાત્સલ્ય
સગીરો માટે માતા-પિતા અને વાલીઓ દ્વારા આપવામાં આવતા યોગદાન માટેની યોજના ‘NPS-વાત્સલ્ય’ શરૂ કરવામાં આવશે. તેઓ જ્યારે પુખ્ત વયના થાય ત્યારે, આ યોજનાને વિના અવરોધે સામાન્ય NPS ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે.
નવી પેન્શન યોજના (NPS)
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે NPSની સમીક્ષા કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી સમિતિએ તેના કામમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે રાજકોષીય સમજદારી જાળવીને સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો ઉકેલ તૈયાર કરવામાં આવશે.
અંદાજપત્રીય અનુમાનો 2024-25
નાણાં મંત્રીએ એવી માહિતી આપી હતી કે, વર્ષ 2024-25 માટે ઋણ લેવા સિવાયની કુલ પ્રાપ્તિ અને કુલ ખર્ચ અનુક્રમે 32.07 લાખ કરોડ રૂપિયા અને 48.21 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. કરમાંથી થયેલી ચોખ્ખી આવક 25.83 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે અને રાજકોષીય ખાધ GDPના 4.9 ટકા હોવાનું અનુમાન છે.
તેમણે જણાવ્યું હતું કે, 2024-25 દરમિયાન ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા કુલ અને ચોખ્ખુ બજાર ઋણ અનુક્રમે 14.01 લાખ કરોડ રૂપિયા અને 11.63 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.
શ્રીમતી સીતારમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2021માં તેમના દ્વારા જાહેર કરવામાં આવેલા રાજકોષીય એકત્રીકરણના માર્ગે અર્થતંત્રને ખૂબ સારી રીતે સેવા આપી છે અને સરકાર આવતા વર્ષે ખાધનું સ્તર 4.5 ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય રાખશે.
ભાગ B
કેન્દ્રીય અંદાજપત્ર 2024-25માં દેશના ચાર કરોડ પગારદાર લોકો અને પેન્શનરોને પ્રત્યક્ષ વેરામાં રાહત આપવા ઉપરાંત, આગામી છ મહિનામાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરની વ્યાપક સમીક્ષા કરવા, તેમને વધુ સરળ બનાવવા, કરની ઘટનાઓ અને અનુપાલનના બોજમાં ઘટાડો કરવા અને કરનું માળખું વિસ્તૃત કરવાની માંગ કરવામાં આવી છે. અંદાજપત્રમાં કર આધારમાં સુધારો કરવા અને સ્થાનિક વિનિર્માણને ટેકો આપવા માટે કસ્ટમ કદ દરના માળખાની સમીક્ષા સાથે GST કર માળખાનું વ્યાપક તર્કસંગતકરણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આવકવેરા કાયદાની વ્યાપક સમીક્ષા પાછળ વિવાદો અને દાવાઓને ઘટાડવાનું અને અધિનિયમને સ્પષ્ટ, સંક્ષિપ્ત તેમજ વાંચવામાં સરળ બનાવવાનું લક્ષ્ય છે. નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કોર્પોરેટ અને વ્યક્તિગત આવકવેરા માટે મુક્તિ અને કપાત વિના કર પ્રણાલીના સરળીકરણની કરદાતાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે કારણ કે 2022-23માં પ્રાપ્ત થયેલા કુલ કોર્પોરેટ કરમાંથી 58 ટકાથી વધુ કર સરળીકૃત કર વ્યવસ્થામાંથી આવ્યો હતો અને બે તૃત્યાંશ કરતાં વધુ કરદાતાઓ નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થામાં રૂપાંતરિત થયા છે.
અંદાજપત્ર 2024-25માં નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે પગારદાર કર્મચારીઓની પ્રમાણભૂત કપાત 50,000/- રૂપિયાથી વધારીને 75,000/- રૂપિયા કરવામાં આવી છે. એવી જ રીતે, પેન્શનરો માટે કૌટુંબિક પેન્શન પરની કપાત 15,000/- રૂપિયાથી વધારીને 25,000/- રૂપિયા કરવામાં આવી છે. જો એસ્કેપ (બચી ગયેલી) આવક ₹ 50 લાખથી વધુ હોય તો જ આકારણીનું વર્ષ પૂરું થાય ત્યારથી ત્રણ વર્ષથી વધુ સમયની આકારણીઓને 5 વર્ષ સુધીના સમયમાં ફરીથી ખોલી શકાય છે. પગારદાર કર્મચારીને આવકવેરામાં 17,500/- રૂપિયા સુધીના લાભો આપવા માટે નવી કર વ્યવસ્થા દર માળખામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
આવકના સ્લેબ
|
કરનો દર
|
0 – 3 લાખ રૂપિયા
|
કોઈ કર નહીં
|
3 – 7 લાખ રૂપિયા
|
5 ટકા
|
7 – 10 લાખ રૂપિયા
|
10 ટકા
|
10 – 12 લાખ રૂપિયા
|
15 ટકા
|
12 – 15 લાખ રૂપિયા
|
20 ટકા
|
15 લાખ રૂપિયાથી વધુ
|
30 ટકા
|
કોષ્ટક 1: નવી કર વ્યવસ્થાનું કર માળખું
રોકાણને પ્રોત્સાહન આપવા માટે અને રોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અંદાજપત્રમાં તમામ વર્ગના રોકાણકારો માટે એન્જલ કર નાબૂદ કરીને ઉદ્યોગસાહસિકતાની ભાવના અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક ક્રૂઝનું સંચાલન કરતી વિદેશી શિપિંગ કંપનીઓ માટે ક્રૂઝ પર્યટનની પ્રચંડ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને એક સરળ કર વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. દેશમાં કાચા હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓને હવે સુરક્ષિત હાર્બર દરનો લાભ મળી શકશે જેનાથી હીરા ઉદ્યોગને ફાયદો થશે. આ ઉપરાંત, વિદેશી મૂડી આકર્ષવા માટે વિદેશી કંપનીઓ પર લાગતો 40 ટકાનો કોર્પોરેટ કરનો દર હવે ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે.
અંદાજપત્રમાં સખાવતી સંસ્થાઓ, TDS દરનું માળખું અને મૂડી લાભ (કેપિટલ ગેઇન) પર લાગતા કર માટે પ્રત્યક્ષ કર વ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવી છે. સખાવતી સંસ્થાઓ માટે બે કર મુક્તિ વ્યવસ્થાઓનું વિલિનીકરણ કરીને એક જ વ્યવસ્થા કરવામાં આવશે. ઘણી ચુકવણીઓ પર લાગુ કરવામાં આવતા 5 ટકા TDSનું 2 ટકા TDSમાં વિલિનીકરણ કરવામાં આવશે અને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા UTI સ્ટેન્ડ દ્વારા એકમોની ફરી ખરીદી કરવા પર લાગતો 20 ટકા TDS પાછો ખેંચવામાં આવશે. ઇ-કોમર્સ ઓપરેટરો પર લાગતો TDS દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે. હવે પગારમાંથી કપાયેલા TDS પર TCSની ક્રેડિટ આપવામાં આવશે. TDS સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની નિયત તારીખ સુધી TDSની ચૂકવણીમાં થતા વિલંબને અંદાજપત્રમાં નિરાપરાધ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. TDS નાદારી માટે સરળ અને તર્કસંગત કમ્પાઉન્ડિંગ માર્ગદર્શિકા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા ટૂંક સમયમાં આવશે.
મૂડી લાભોની વાત કરીએ તો, હવેથી અમુક નાણાંકીય અસ્કયામતો માટે ટૂંકી મુદતના લાભ પર પર 20 ટકાનો દર લાગુ પડશે. તમામ નાણાંકીય અને બિન-નાણાંકીય અસ્કયામતો પર લાંબા ગાળાના લાભો પર 12.5 ટકાનો દર લાગુ પડશે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગને લાભ પહોંચાડવા માટે મૂડી લાભની મુક્તિની મર્યાદા વધારીને 1.25 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવી છે. એક વર્ષ કરતાં વધુ સમય માટે રાખવામાં આવેલી સૂચિબદ્ધ નાણાંકીય અસ્કયામતો અને બે વર્ષ કરતાં વધુ સમય માટે રાખવામાં આવેલી બિન-સૂચિબદ્ધ અસ્કયામતો (નાણાંકીય અને બિન-નાણાંકીય)ને લાંબા ગાળાની અસ્કયામતો તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. બિન-સૂચિબદ્ધ બોન્ડ્સ અને ડિબેન્ચર્સ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને બજાર સાથે લિન્ક થયેલા ડિબેન્ચર્સ પર લાગુ પડતો મૂડી લાભ કર પહેલાંની જેમ ચાલુ રહેશે.
GSTના કારણે સામાન્ય માણસ પર લાગુ પડતા કર બોજમાં ઘટાડો થયો છે તેવી સ્વીકારીને અને તેને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સફળતા મળતી હોવાનું કહેતા કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, GSTના કારણે વેપાર અને ઉદ્યોગ માટે અનુપાલન બોજ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે. હવે સરકાર બાકીના ક્ષે6માં તેનું વિસ્તરણ કરવા માટે કર માળખાને વધુ સરળ અને તર્કસંગત બનાવવાની દૂરંદેશી ધરાવે છે. અંદાજપત્રમાં આગામી બે વર્ષમાં સુધારણા અને અપીલના આદેશોનો અમલ કરવા માટે આદેશ આપવા સહિત બાકી રહેલી કસ્ટમ્સ અને આવકવેરાની સેવાઓને વધુ ડિજિટલ બનાવવા અને પેપરલેસ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
વેપારમાં સરળતા અને વિવાદોમાં ઘટાડો કરવા માટે કસ્ટમ જકાતને તર્કસંગત બનાવવામાં આવી છે અને સુધારવામાં આવી છે. કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે, આ અંદાજપત્રમાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી વધુ ત્રણ દવાઓને કસ્ટમ જકાતમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે, જેમાં ટ્રાસ્ટુઝુમાબ ડેરક્સટેકન, ઓસિમેર્ટિનિબ અને દુર્વાલુમબનો સમાવેશ થાય છે. એક્સ-રે મશીનની ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર પર લેવામાં આવતી મૂળભૂત કસ્ટમ્સ જકાત (BCD)માં ઘટાડો કરવામાં આવશે. મોબાઈલ ફોન, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (PCBA) અને મોબાઈલ ચાર્જર પર BCD ઘટીને 15 ટકા કરવામાં આવી છે. નિર્ણાયક ખનીજોના પ્રસંસ્કરણ અને રિફાઇનિંગને વેગ આપવા માટે, આ અંદાજપત્રમાં લિથિયમ જેવા 25 દુર્લભ એવા જમીનમાંથી નીકળતા ખનીજો પર કસ્ટમ જકાતમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે અને તેમાંથી બે ખનીજો પર BCDમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અંદાજપત્રમાં સોલાર પેનલના ઉત્પાદન માટે કેપિટલ ગુડ્સને મુક્તિ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. ભારતની સીફૂડની નિકાસને વેગ આપવા માટે, બ્રૂડસ્ટોક, પોલીચેટ વોર્મ્સ, ઝીંગા અને ફિશ ફીડ પરની BCD ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. અંદાજપત્રમાં ભારતીય ચામડા અને કાપડની નિકાસની વસ્તુઓની સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્પાન્ડેક્સ યાર્નના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા મિથાઇલીન ડાઇફિનાઇલ ડાય-આઇસોસાઇનેટ (MDI)માં BCD 7.5 ટકાથી ઘટીને 5 ટકા કરવામાં આવી છે. સોના અને ચાંદી પર લેવામાં આવતી કસ્ટમ જકાત ઘટાડીને 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા કરવામાં આવી છે. ફેરો નિકલ અને બ્લિસ્ટર કોપર પર લાગતી BCD દૂર કરવામાં આવી છે, જ્યારે, એમોનિયમ નાઇટ્રેટ પર BCD 7.5 થી વધીને 10 ટકા સુધી કરવામાં આવી છે જેથી હાલની અને પાઇપલાઇનમાં રહેલી નવી ક્ષમતાઓને સમર્થન આપી શકાય. એવી જ રીતે, પર્યાવરણ સંબંધિત જોખમને ધ્યાનમાં રાખીને PVC ફ્લેક્સ બેનરો પરની BCD 10થી વધારીને 25 ટકા કરવામાં આવી છે. સ્થાનિક વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે, ચોક્કસ ટેલિકોમ ઉપકરણોના PCBA પર BCD 10થી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણાં મંત્રીએ વિવાદનું નિરાકરણ લાવવા અને પડતર મામલાઓના નિકાલ માટે, અપીલમાં વિલંબમાં પડ્યા હોય તેવા અમુક આવકવેરા સંબંધિત વિવાદોના નિરાકરણ માટે ‘વિવાદ સે વિશ્વાસ યોજના, 2024’નો પ્રસ્તાવ મૂક્યો છે. ઉચ્ચ અદાલતો, સર્વોચ્ચ અદાલત અને ટ્રિબ્યુનલ્સમાં પ્રત્યક્ષ કરવેરા, આબકારી અને સેવા કર સંબંધિત અપીલો દાખલ કરવા માટેની નાણાંકીય મર્યાદા અનુક્રમે 60 લાખ રૂપિયા, 2 કરોડ રૂપિયા અને 5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આગળ મુકદ્દમામાં ઘટાડો કરવા માટે અને આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પૂરી પાડવા માટે, સલામત બંદર નિયમોની સંભાવનાનું વિસ્તરણ કરવામાં આવશે અને ટ્રાન્સફર ભાવ આકારણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં આવશે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2035842)
Visitor Counter : 916
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Malayalam