સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળો માટે સમર્પિત ટેલી માનસ સેલ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા


વિશેષ ટેલી માનસ સેલ દેશભરના તમામ સશસ્ત્ર દળોના લાભાર્થીઓ માટે એક સમર્પિત માનસિક સ્વાસ્થ્ય સહાયક હેલ્પલાઇન તરીકે સેવા આપવા માટે કામ કરશે

ટેલી માનસ હેલ્પલાઈનને ઑક્ટોબર 2022માં લૉન્ચ થયા પછી 10 લાખથી વધુ કૉલ્સ પ્રાપ્ત થયા છે, જેમાં દરરોજ સરેરાશ 3,500 કૉલ્સ આવે છે

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ટેલી માનસ સેલ કાર્યરત છે

Posted On: 05 JUN 2024 12:21PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) અને સંરક્ષણ મંત્રાલય (MoD) વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, કે જેથી પુણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજમાં બે વર્ષના સમયગાળા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે MoHFW રાષ્ટ્રીય ટેલી-મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન ટેલી માનસના વિશેષ સેલના સંચાલનમાં બંને મંત્રાલયો વચ્ચે સહયોગને સુગમ બનાવી શકાય. એમઓયુ પર MoHFWના એએસ અને એમડી સુશ્રી આરાધના પટનાયક અને આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસીસના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ દલજીત સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.

વિશેષ ટેલી માનસ સેલનું ઉદ્ઘાટન 1લી ડિસેમ્બર, 2023ના રોજ પૂણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, પીવીએસએમ, યૂવાયએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતીય સૈન્ય દ્વારા સામનો કરવામાં આવતા અનન્ય તણાવને ઓળખીને, સશસ્ત્ર દળોમાં ટેલી મેન્ટલ હેલ્થ સર્વિસીસની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે. ઓપરેશનલ વાતાવરણ, સાંસ્કૃતિક પડકારો અને પ્રાદેશિક સંઘર્ષોથી સંબંધિત ચોક્કસ તાણ સશસ્ત્ર દળોમાં માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટે વિશેષ અભિગમની જરૂર છે. એમઓયુ પર હસ્તાક્ષર સાથે, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને તેમના પરિવારોના માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ધ્યાન આપવામાં આવશે અને સશસ્ત્ર દળોના લાભાર્થીઓને વિશિષ્ટ સંભાળની સીધી ઍક્સેસ મળશે, જેનાથી તે ખાતરી થશે કે તેમની અનન્ય માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાતોને તાત્કાલિક અને અસરકારક રીતે સમાધાન કરવામાં આવશે.

આ પ્રસંગે બોલતા આર્મ્ડ ફોર્સીસ મેડિકલ સર્વિસીસના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ દલજીત સિંહે જણાવ્યું કે સશસ્ત્ર દળોના જવાનો માટે માનસિક સ્વાસ્થ્ય પરામર્શની લાંબા સમયથી જરૂરિયાત હતી અને હવે, સમર્પિત ટેલી માનસ સેલ સાથે સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને તેમના પરિવારોને 24x7 નિર્ણાયક માનસિક સ્વાસ્થ્ય સહાય પ્રાપ્ત થશે, જેનાથી તેમની માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓનું વધુ અસરકારક રીતે સમાધાન થઈ શકશે.

આ કાર્યક્રમને સંબોધતા, સ્વાસ્થ્ય તેમજ કલ્યાણ મંત્રાલયના એડિશનલ સચિવ તેમજ નિર્દેશક સુશ્રી આરાધના પટનાયકે સશસ્ત્ર દળોની માનસિક સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં લઈને, તેમની વિશિષ્ટ માનસિક સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ પર ધ્યાન આપવાના મહત્વ પર ભાર મૂક્યો.

ટેલી માનસ એ ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (DMHP)નું ડિજિટલ વિસ્તરણ છે, જે વ્યાપક, સંકલિત અને સમાવિષ્ટ 24/7 ટેલી મેન્ટલ હેલ્થ સેવાઓ પ્રદાન કરે છે. આ પહેલ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) માં માનસિક સ્વાસ્થ્ય સહાયની સરળ ઍક્સેસ માટે ટોલ-ફ્રી નંબર, 14416 પ્રદાન કરે છે.

હાલમાં, તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 51 ઓપરેશનલ ટેલી માનસ સેલ કાર્યરત છે, જે 20 વિવિધ ભાષાઓમાં સેવાઓ પ્રદાન કરે છે. ઑક્ટોબર 2022માં તેની શરૂઆત થઈ ત્યારથી ટેલી માનસને 10 લાખથી વધુ કૉલ્સ પ્રાપ્ત થયા છે અને તે દરરોજ 3,500 કરતાં વધુ કૉલનું સંચાલન કરે છે. ડેટા માનસિક સ્વાસ્થ્ય સેવાઓ માટેની નોંધપાત્ર માંગ દર્શાવે છે અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને વ્યાપક અને સર્વસમાવેશક રીતે, ખાસ કરીને સશસ્ત્ર દળો જેવા વિશિષ્ટ સંદર્ભોમાં સંબોધવાના મહત્વને રેખાંકિત કરે છે.

આ કાર્યક્રમમાં આર્થિક સલાહકાર ડૉ કે કે ત્રિપાઠી; એર માર્શલ સાધના સક્સેના નાયર, વીએસએમ, ડાયરેક્ટર જનરલ હોસ્પિટલ સેવાઓ (સશસ્ત્ર દળો); મેજર જનરલ ધર્મેશ, અધિક મહાનિર્દેશક, સશસ્ત્ર દળોની તબીબી સેવાઓ (તબીબી સંશોધન, આરોગ્ય અને તાલીમ); કર્નલ સુભદીપ ઘોષ, વીએસએમ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (સ્વાસ્થ્ય) અને બંને મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2022805) Visitor Counter : 144