પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 FEB 2024 2:50PM by PIB Ahmedabad

જય જોહાર.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈજી, છત્તીસગઢના મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને છત્તીસગઢના ખૂણે-ખૂણેથી- મને કહેવામાં આવ્યું કે 90થી વધુ સ્થળોએ હજારો લોકો ત્યાં જોડાયેલા છે. ખૂણે ખૂણેથી જોડાયેલા મારા પરિવારજનો! સૌથી પહેલા તો હું છત્તીસગઢની તમામ વિધાનસભા બેઠકો સાથે જોડાયેલા લાખો પરિવારજનોને અભિનંદન આપું છું. વિધાનસભાની ચૂંટણીમાં આપે અમને સૌને ખૂબ આશીર્વાદ આપ્યા છે. તમારા આશીર્વાદનું જ પરિણામ છે કે આજે અમે વિકસિત છત્તીસગઢના સંકલ્પ સાથે તમારી વચ્ચે છીએ. ભાજપે બનાવ્યું છે, ભાજપ જ તેને વધુ સારું બનાવશે, આ વાત આજે આ આયોજન દ્વારા વધુ પુષ્ટ થઈ રહી છે.

સાથીઓ,

વિકસિત છત્તીસગઢનું નિર્માણ ગરીબો, ખેડૂતો, યુવા અને નારીશક્તિનાં સશક્તીકરણ દ્વારા થશે. વિકસિત છત્તીસગઢનો પાયો આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મજબૂત થશે. તેથી, આજે છત્તીસગઢના વિકાસ સાથે સંબંધિત લગભગ 35 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં કોલસા સાથે સંબંધિત, સૌર ઊર્જા સાથે સંબંધિત, વીજળી સાથે સંબંધિત અને કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સ છે. તેનાથી છત્તીસગઢના યુવાનો માટે રોજગારીની વધુ નવી તકો ઉભી થશે. છત્તીસગઢના મારા તમામ ભાઈ-બહેનોને, આપ સૌને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ ખૂબ અભિનંદન.

સાથીઓ,

આજે એનટીપીસીના 1600 મેગાવોટના સુપર થર્મલ પાવર સ્ટેશન સ્ટેજ-વનને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. આ સાથે જ આ આધુનિક પ્લાન્ટના 1600 મેગાવોટ સ્ટેજ-ટુનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ્સ દ્વારા દેશવાસીઓને ઓછા ખર્ચે વીજળી ઉપલબ્ધ થઈ શકશે. અમે છત્તીસગઢને સૌર ઊર્જાનું પણ એક બહુ મોટું કેન્દ્ર બનાવવા માગીએ છીએ. આજે જ રાજનાંદગાંવ અને ભિલાઈમાં ખૂબ મોટા સોલર પ્લાન્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં એવી વ્યવસ્થા પણ છે જેનાથી રાતે પણ આસપાસના લોકોને વીજળી મળતી રહેશે. ભારત સરકારનો ઉદ્દેશ્ય સૌર ઊર્જા દ્વારા દેશના લોકોને વીજળી પૂરી પાડવાનો અને સાથે જ તેમના વીજળીના બિલને શૂન્ય કરવાનો પણ છે. મોદી દરેક ઘરને સૂર્ય ઘર બનાવવા માગે છે. મોદી દરેક પરિવારને ઘરઆંગણે વીજળી ઉત્પન્ન કરીને અને તે જ વીજળી વેચીને કમાણીનું વધુ એક સાધન આપવા માગે છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, અમે પીએમ સૂર્યઘર – મફત વીજળી યોજના શરૂ કરી છે. હાલમાં આ યોજના 1 કરોડ પરિવારો માટે છે. આ અંતર્ગત સરકાર ઘરની છત પર સોલર એનર્જી પેનલ લગાવવા માટે મદદ કરશે અને સીધા બેંક ખાતામાં પૈસા મોકલશે. આનાથી 300 યુનિટ સુધીની વીજળી મફતમાં ઉપલબ્ધ થશે અને જે વધારાની વીજળી પેદા થશે તે સરકાર ખરીદશે. જેનાં કારણે પરિવારોને દર વર્ષે હજારો રૂપિયાની કમાણી થશે. સરકારનો ભાર આપણા અન્નદાતાને ઊર્જા પ્રદાતા બનાવવા પર પણ છે. સોલર પંપ માટે, સરકાર ઉજ્જડ જમીનો અને ખેતરોની બાજુમાં નાના નાના સોલર પ્લાન્ટ સ્થાપવા માટે પણ મદદ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો,

છત્તીસગઢમાં જે રીતે ડબલ એન્જિન સરકાર તેની ગૅરંટીઓ પૂરી કરી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. છત્તીસગઢના લાખો ખેડૂતોને 2 વર્ષનું બાકી બોનસ આપી દેવામાં આવ્યું છે. ચૂંટણી સમયે મેં તેંદુ પત્તા સંગ્રાહકોના પૈસા વધારવાની ગૅરંટી પણ આપી હતી. ડબલ એન્જિન સરકારે આ ગૅરંટી પણ પૂરી કરી દીધી છે. અગાઉની કૉંગ્રેસ સરકાર ગરીબોને ઘર બનાવતા પણ અટકાવતી હતી, અને અડચણો ઉભી કરતી હતી. હવે ભાજપ સરકારે ગરીબો માટે ઘર બનાવવા માટે ઝડપથી કામ કરી દીધું છે. સરકાર હવે ઝડપથી હર ઘર જલ યોજનાને પણ આગળ વધારી રહી છે. પીએસસી પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હું મહતારી વંદન યોજના માટે પણ છત્તીસગઢની બહેનોને અભિનંદન આપું છું. આ યોજનાનો લાભ લાખો બહેનોને મળશે. આ તમામ નિર્ણયો દર્શાવે છે કે ભાજપ જે કહે છે તે કરી બતાવે છે. એટલા માટે લોકો કહે છે કે, મોદીની ગૅરંટી એટલે ગૅરંટી પૂરી થવાની ગૅંરંટી.

સાથીઓ,

છત્તીસગઢમાં પરિશ્રમી ખેડૂતો, પ્રતિભાશાળી યુવાનો અને પ્રકૃતિનો ખજાનો છે. વિકસિત થવા માટે જે કંઈ પણ જરૂરી છે તે છત્તીસગઢમાં પહેલા પણ હતું અને આજે પણ છે. પરંતુ આઝાદી પછી જેમણે લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું, તેમની વિચારસરણી જ મોટી ન હતી. તેઓ માત્ર 5 વર્ષનાં રાજકીય સ્વાર્થને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેતા રહ્યા. કૉંગ્રેસે વારંવાર સરકારો બનાવી, પરંતુ ભવિષ્યના ભારતનું નિર્માણ કરવાનું ભૂલી ગઈ, કારણ કે તેનાં મનમાં સરકાર બનાવવી એ એકમાત્ર કામ હતું, દેશને આગળ લઈ જવો એ તેમના એજન્ડામાં જ ન હતું. આજે પણ કૉંગ્રેસનાં રાજકારણની દશા અને દિશા એ જ છે. કૉંગ્રેસ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણથી આગળ વિચારી જ શકતી નથી. જેઓ ફક્ત પોતાના પરિવાર માટે જ કામ કરે છે તેઓ ક્યારેય તમારા પરિવાર વિશે વિચારી શકતા નથી. જેઓ માત્ર પોતાના દીકરા-દીકરીઓનું ભવિષ્ય ઘડવામાં વ્યસ્ત છે તેઓ ક્યારેય તમારા દીકરા-દીકરીનાં ભવિષ્યની ચિંતા કરી શકતા નથી. પણ મોદી માટે તો તમે બધા, તમે જ મોદીનો પરિવાર છો. તમારાં સપનાં જ મોદીનો સંકલ્પ છે. તેથી, આજે હું વિકસિત ભારત-વિકસિત છત્તીસગઢ વિશે વાત કરી રહ્યો છું.

140 કરોડ દેશવાસીઓને, તેમના આ સેવકે પોતાના પરિશ્રમ, પોતાની નિષ્ઠાની ગૅરંટી આપી છે. 2014માં મોદીએ ગૅરંટી આપી હતી કે સરકાર એવી હશે કે સમગ્ર વિશ્વમાં દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થશે. આ ગૅરંટી પૂરી કરવા મેં મારી જાતને ખપાવી દીધી. 2014માં મોદીએ ગૅરંટી આપી હતી કે સરકાર ગરીબો માટે કોઈ કસર છોડશે નહીં. ગરીબોને લૂંટનારાઓએ ગરીબોના પૈસા પાછા આપવા પડશે. આજે જુઓ, ગરીબોના પૈસા લૂંટનારાઓ સામે કડક કાર્યવાહી થઈ રહી છે. જે પૈસા ગરીબોની લૂંટ થવાથી બચ્યા છે તે જ પૈસા ગરીબ કલ્યાણ યોજનાઓમાં કામ આવી રહ્યા છે. મફત રાશન, મફત સારવાર, સસ્તી દવાઓ, ગરીબો માટે ઘર, દરેક ઘરમાં નળનું પાણી, ઘેર-ઘેર ગેસ કનેક્શન, દરેક ઘરમાં શૌચાલય, આ બધાં કામ થઈ રહ્યાં છે. જે ગરીબોએ આ સુવિધાઓની કદી કલ્પના પણ ન કરી હતી, તેમનાં ઘરમાં પણ આ સુવિધાઓ પહોંચી રહી છે. આથી જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મોદીની ગૅરંટીવાળી ગાડી ગામેગામ આવી અને હવે માનનીય મુખ્‍યમંત્રીશ્રીએ ગૅરંટીવાળી ગાડીમાં કયાં કયાં કામો થયાં તેના તમામ આંકડાઓ જણાવ્‍યા, ઉત્સાહ વધારનારી બાબતો જણાવી.

સાથીઓ,

10 વર્ષ પહેલા મોદીએ વધુ એક ગૅરંટી આપી હતી. ત્યારે મેં કહ્યું હતું કે આપણે એવા ભારતનું નિર્માણ કરીશું કે જેનાં સપનાં આપણી અગાઉની પેઢીઓએ ખૂબ જ આશા સાથે જોયાં અને સાચવ્યાં હતાં. આજે જુઓ, ચારે બાજુ, આપણા પૂર્વજોએ જે સપના જોયાં હતાં ને તેવા જ નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. શું 10 વર્ષ પહેલા કોઈએ વિચાર્યું હતું કે ગામડાઓમાં પણ ડિજિટલ પેમેન્ટ થઈ શકે છે? બેંકનું કામ હોય, બિલ ભરવાનું હોય કે અરજીઓ મોકલવાની હોય, શું તે ઘરેથી શક્ય બની શકે છે? શું કોઈએ ક્યારેય વિચાર્યું હતું કે બહાર મજૂરી કરવા ગયેલો દીકરો આંખના પલકારામાં ગામમાં પોતાના પરિવારને પૈસા મોકલી શકશે? શું કોઈએ ક્યારેય વિચાર્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર પૈસા મોકલશે અને તરત જ ગરીબના મોબાઈલ પર મેસેજ આવશે કે પૈસા જમા થઈ ગયા છે. આજે આ શક્ય બન્યું છે. તમને યાદ હશે, કૉંગ્રેસના એક પ્રધાનમંત્રી હતા, તે પ્રધાનમંત્રીએ પોતાની જ કૉંગ્રેસ સરકાર માટે કહ્યું હતું, પોતાની સરકાર માટે કહ્યું હતું, તેમણે કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો મોકલીએ તો ગામડે જતા-જતા-જતા ફક્ત 15 પૈસા પહોંચે છે, 85 પૈસા રસ્તામાં જ ગાયબ થઈ જાય છે. જો આ જ સ્થિતિ રહેતે તો આજે તમે કલ્પના કરી શકો છો કે શું સ્થિતિ હોત? હવે તમે હિસાબ લગાવો કે, છેલ્લાં 10 વર્ષમાં ભાજપ સરકારે રૂ. 34 લાખ કરોડથી વધારે, રૂ. 34 લાખ કરોડથી વધુ, આ આંકડો નાનો નથી, ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે પૈસા દિલ્હીથી સીધા તમારા મોબાઇલ સુધી પહોંચી જાય છે. ડીબીટી દ્વારા દેશની જનતાના બેંક ખાતામાં 34 લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. હવે વિચારો, જો કૉંગ્રેસની સરકાર હોત અને 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસાવાળી જ પરંપરા હોત તો શું થાત, 34 લાખ કરોડ રૂપિયામાંથી 29 લાખ કરોડ રૂપિયા રસ્તામાં જ ક્યાંકને ક્યાંક કોઈ વચેટિયા ચાઉં કરી જતે. ભાજપ સરકારે મુદ્રા યોજના હેઠળ પણ યુવાનોને રોજગાર અને સ્વરોજગાર માટે 28 લાખ કરોડ રૂપિયાની સહાય આપી છે. જો કૉંગ્રેસની સરકાર હોત તો તેના વચેટિયાઓ પણ આમાંથી 24 લાખ કરોડ રૂપિયા મારી લેતે. ભાજપ સરકારે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બેંકોમાં પોણા ત્રણ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જો કૉંગ્રેસની સરકાર હોત તો તેમાંથી પણ સવા બે લાખ કરોડ રૂપિયા તો પોતાના ઘરે લઈ ગઈ હોત, ખેડૂતો સુધી તો પહોંચતે જ નહીં.

આજે આ ભાજપની સરકાર છે જેણે ગરીબોને તેમનો હક અપાવ્યો છે, તેમનો અધિકાર અપાવ્યો છે. જ્યારે ભ્રષ્ટાચાર અટકે છે, ત્યારે વિકાસની યોજનાઓ શરૂ થાય છે, રોજગારની ઘણી તકો ઉપલબ્ધ થાય છે. સાથે જ આસપાસના વિસ્તારો માટે શિક્ષણ અને આરોગ્યની આધુનિક સુવિધાઓ પણ ઉભી થાય છે. આજે જે પહોળા રસ્તાઓ બની રહ્યા છે, નવી રેલવે લાઈન બની રહી છે તે ભાજપ સરકારનાં સુશાસનનું જ પરિણામ છે.

ભાઈઓ અને બહેનો,

વિકસિત છત્તીસગઢનું સ્વપ્ન 21મી સદીની આધુનિક જરૂરિયાતોને પૂર્ણ કરતાં આવાં કામો દ્વારા પૂર્ણ થશે. છત્તીસગઢ વિકસિત થશે, તો ભારતને વિકસિત થતાં કોઈ રોકી શકશે નહીં.  આવનારા 5 વર્ષમાં જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે ત્યારે છત્તીસગઢ પણ વિકાસની નવી ઊંચાઈઓ પર હશે. આ ખાસ કરીને પ્રથમ વખતના મતદારો માટે, શાળા-કૉલેજમાં અભ્યાસ કરતા યુવા સાથીઓ માટે આ એક બહુ મોટી તક છે. વિકસિત છત્તીસગઢ, તેમનાં સપના પૂરાં કરશે. ફરી એકવાર આ વિકાસ કાર્યો માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

આભાર!

AP/GP/JD



(Release ID: 2008653) Visitor Counter : 67