પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 16 FEB 2024 4:17PM by PIB Ahmedabad

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

 

વીર ધરા રેવાડીથી સમગ્ર હરિયાણાને રામ-રામ! હું જ્યારે પણ રેવાડી આવું છું ત્યારે ઘણી જૂની યાદો તાજી થઈ જાય છે. રેવાડી સાથેનો મારો સંબંધ કંઈક અલગ જ રહ્યો છે. હું જાણું છું કે રેવાડીના લોકો મોદીને ખૂબ વધારે પ્રેમ કરે છે. અને હમણાં, મારા મિત્ર રાવ ઈન્દ્રજીતજીએ કહ્યું તેમ, મુખ્યમંત્રી મનોહર લાલજીએ કહ્યું તેમ, 2013માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો, ત્યારે મારો પહેલો કાર્યક્રમ રેવાડીમાં યોજાયો હતો અને તે સમયે રેવાડીએ 272 પારના આશીર્વાદ આપ્યા હતા. અને તમારા એ આશીર્વાદ સિદ્ધ થયા. હવે લોકો કહી રહ્યા છે કે ફરી એકવાર હું રેવાડી આવ્યો છું, ત્યારે તમારા આશીર્વાદ છે, અબ કી બાર 400 પાર, એનડીએ સરકાર, 400 પાર.

સાથીઓ,

લોકશાહીમાં સીટોનું મહત્વ તો છે જ, પરંતુ મારા માટે તેની સાથે સાથે જનતા-જનાર્દનના આશીર્વાદ એ મારા માટે બહુ મોટી મૂડી છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે, તો તે તમારા સૌના આશીર્વાદને કારણે છે, તમારા આશીર્વાદની કમાલ છે. હું બે દેશોનો પ્રવાસ કરીને ગઈકાલે જ મોડી રાત્રે ભારત પાછો ફર્યો છું. આજે યુએઈ અને કતારમાં ભારતને જે પ્રકારનું સન્માન મળે છે, ભારતને દરેક ખૂણેથી શુભેચ્છાઓ મળે છે. એ સન્માન માત્ર મોદીનું નથી. તે સન્માન દરેક ભારતીયનું છે, તે તમારા બધાનું છે. જો ભારતે સફળ G-20 સંમેલન યોજ્યું, તો તે તમારા આશીર્વાદથી થયું છે. ભારતનો ત્રિરંગો ચંદ્ર પર ત્યાં પહોંચ્યો જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું, તો તે તમારા આશીર્વાદને કારણે થયું છે. 10 વર્ષમાં ભારત 11મા સ્થાનેથી ઉપર આવીને 5મી આર્થિક મહાસત્તા બની ગયું, આ પણ તમારા આશીર્વાદથી થયું છે. અને હવે મારા ત્રીજા કાર્યકાળમાં, મને આવનારાં વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે.

હરિયાણાનાં મારાં ભાઈઓ અને બહેનો,

વિકસિત ભારત બનાવવા માટે હરિયાણાનું વિકસિત થવું પણ ખૂબ જ જરૂરી છે. અને હરિયાણા ત્યારે જ વિકસિત થશે જ્યારે અહીં આધુનિક રસ્તાઓ બનાવવામાં આવશે. હરિયાણા ત્યારે જ વિકસિત થશે જ્યારે અહીં રેલવેનું આધુનિક નેટવર્ક હશે. હરિયાણા ત્યારે જ વિકસિત થશે જ્યારે અહીં મોટી અને સારી હૉસ્પિટલ હશે. થોડી વાર પહેલાં જ, મને આવાં કામો સાથે સંબંધિત લગભગ 10 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ હરિયાણાને સોંપવાની તક મળી. તેમાં રેવાડી એઈમ્સ છે, ગુરુગ્રામ મેટ્રો છે, ઘણી રેલ લાઈનો છે, નવી ટ્રેનો છે. આ પૈકી, જ્યોતિસરમાં કૃષ્ણ સર્કિટ યોજનાથી બનાવવામાં આવેલ એક આધુનિક અને ભવ્ય સંગ્રહાલય પણ છે. અને પ્રભુ રામના આશીર્વાદ એવા છે કે આજકાલ મને દરેક જગ્યાએ આવાં પવિત્ર કાર્યો સાથે જોડાવાની તક મળી જાય છે, તે રામજીની કૃપા છે. આ મ્યુઝિયમ વિશ્વને ભગવાન શ્રી કૃષ્ણના ગીતાના સંદેશ અને આ પાવન ધરાની ભૂમિકાનો પરિચય કરાવશે. હું આ સુવિધાઓ માટે રેવાડી સહિત સમગ્ર હરિયાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ભાઈનો અને બહેનો,

આજકાલ દેશ અને દુનિયામાં મોદીની ગૅરંટીની ખૂબ ચર્ચા થઈ રહી છે. અને રેવાડી તો મોદીની ગૅરંટીનું પ્રથમ સાક્ષી રહ્યું છે. અહીં પીએમ પદના ઉમેદવાર તરીકે મેં દેશને કેટલીક ગૅરંટી આપી હતી. દેશની ઈચ્છા હતી કે વિશ્વમાં ભારતની શાખ વધે. અમે આ કરી બતાવ્યું. દેશની ઈચ્છા હતી કે અયોધ્યામાં પ્રભુ રામનું ભવ્ય રામ મંદિર બને. આજે આખો દેશ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામ લાલાના દર્શન કરી રહ્યો છે. એટલું જ નહીં, કૉંગ્રેસના લોકો જે આપણા ભગવાન રામને કાલ્પનિક કહેતા હતા, જેઓ ક્યારેય ઇચ્છતા ન હતા કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને, તેઓ પણ હવે જય સિયા રામ બોલવા લાગ્યા છે.

સાથીઓ,

કૉંગ્રેસે દાયકાઓ સુધી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં અડચણો ઊભી કરી હતી. મેં તમને ગૅરંટી આપી હતી કે હું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને રહીશ. આજે, કૉંગ્રેસની લાખ કોશીશો છતાં, કલમ 370 ઇતિહાસના પાનામાં ખોવાઈ ગઈ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓ, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને તેમના અધિકાર મળવા લાગ્યા છે. તેથી જ લોકોએ વધુ એક સંકલ્પ લીધો છે અને જનતા જનાર્દન કહી રહી છે, તમે લોકો કહી રહ્યા છો - જેણે 370 હટાવી, તે ભાજપને ચાંલ્લો 370 બેઠકોથી થશે. ભાજપના 370 જ એનડીએને  400 પાર લઈ જશે.

સાથીઓ,

અહીં રેવાડીમાં જ મેં ભૂતપૂર્વ સૈનિકોને વન રેન્ક વન પેન્શન લાગુ કરવાની ગૅરંટી આપી હતી. કૉંગ્રેસના લોકો માત્ર રૂ. 500 કરોડ બતાવીને વન રેન્ક વન પેન્શન લાગુ કરવા માટે જુઠ્ઠું બોલતા હતા. મેં રેવાડીની વીર ધરાથી લીધેલા એ સંકલ્પને તમારા આશીર્વાદથી પૂરો કર્યો છે. અત્યાર સુધીમાં, ઓઆરઓપી હેઠળ, વન રેન્ક વન પેન્શન હેઠળ ભૂતપૂર્વ સૈનિકોને લગભગ-લગભગ રૂ. 1 લાખ કરોડ મળી ચૂક્યા છે. અને તેના મોટા લાભાર્થીઓ હરિયાણાના ભૂતપૂર્વ સૈનિકો પણ રહ્યા છે. જો હું એકલા રેવાડીના જ સૈન્ય પરિવારોની વાત કરું તો તેમને OROPમાંથી 600 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. તમે મને કહો કે, જેટલા પૈસા રેવાડીના સૈનિક પરિવારોને મળ્યા છે, એનાથી પણ ઓછા કૉંગ્રેસે આખા દેશના ભૂતપૂર્વ સૈનિકો માટે બજેટમાં રાખ્યા હતા, માત્ર 500 કરોડ. આવાં જુઠ્ઠાણાં અને છેતરપિંડીને કારણે જ દેશે કૉંગ્રેસને નકારી કાઢી છે.

સાથીઓ,

મેં રેવાડીના લોકોને અને હરિયાણાના પરિવારોને અહીં એઈમ્સ બનાવવાની પણ ગૅરંટી આપી હતી. આજે અહીં એઈમ્સનાં નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને આપણા રાવ ઈન્દ્રજીત તો, તેઓ બોલે ઓછું છે, પણ જે નક્કી કરે એની પાછળ લાગેલા રહે છે. આજે એઈમ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તો મારી ગૅરંટી કે અને હું તમને કહીશ કે આજે જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અને લોકાર્પણ અમે જ કરીશું. અને તેનાથી તમને વધુ સારી સારવાર પણ મળશે, યુવાનોને ડૉક્ટર બનવાની તક પણ મળશે. અને રોજગાર અને સ્વરોજગારની પણ ઘણી તકો ઊભી થશે. રેવાડીમાં દેશની 22મી એઈમ્સ બની રહી છે. છેલ્લાં 10 વર્ષમાં 15 નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. આઝાદી પછીથી લઈને 2014 સુધી દેશમાં લગભગ 380 મેડિકલ કૉલેજો બનાવવામાં આવી હતી. છેલ્લાં 10 વર્ષમાં 300થી વધુ નવી મેડિકલ કૉલેજો બનાવવામાં આવી છે. હરિયાણામાં પણ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કૉલેજ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સાથીઓ,

હું આવી અનેક ગૅરંટીઓ ગણાવી શકું છું જે દેશવાસીઓના આશીર્વાદથી પૂરી થઈ ચૂકી છે. પરંતુ, કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ શું છે? કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ દેશની અડધાથી વધુ વસ્તીને દાયકાઓ સુધી મૂળભૂત જરૂરિયાતોથી દૂર રાખવાનો છે, તરસાવવાનો છે. કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ દેશ અને દેશવાસીઓનાં હિત કરતાં માત્ર એક પરિવારનાં હિતને ઉપર રાખવાનો છે. કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ ઈતિહાસનાં સૌથી મોટાં કૌભાંડોનો છે. કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવાનો છે. કૉંગ્રેસનો ટ્રેક રેકોર્ડ સેના અને સૈનિકો બંનેને નબળા પાડવાનો છે. આ વાતો યાદ રાખવી જરૂરી છે, કારણ કે આજે પણ કૉંગ્રેસની ટીમ એ જ છે, નેતા એ જ છે, નિયત એ જ છે અને એ બધાની નિષ્ઠા એક જ પરિવાર પ્રત્યે છે. તો નીતિઓ પણ એવી જ હશે, જેમાં લૂંટ છે, ભ્રષ્ટાચાર છે, બરબાદી છે.

સાથીઓ,

કૉંગ્રેસ માને છે કે સત્તામાં રહેવું તેનો જન્મસિદ્ધ અધિકાર છે. એટલા માટે જ્યારથી આ ગરીબનો દીકરો પીએમ બન્યો છે ત્યારથી તે મારી વિરુદ્ધ એક પછી એક ષડયંત્ર કરતા રહ્યા છે. પણ ઈશ્વરરૂપી જનતા જનાર્દનના આશીર્વાદ મારી સાથે છે. કૉંગ્રેસનાં દરેક કાવતરાં સામે જનતા-જનાર્દન ઢાલ બનીને ઊભી રહી જાય છે. કૉંગ્રેસ જેટલાં વધુ કાવતરાં કરે છે, એટલો જ વધારે જનતા મને મજબૂત કરે છે, પોતાના આશીર્વાદ આપે છે. આ વખતે પણ કૉંગ્રેસે મારી સામે તમામ મોરચા ખોલી દીધા છે. પરંતુ મારા દેશની જનતાનું સુરક્ષા કવચ છે અને જ્યારે જનતાનું સુરક્ષા કવચ હોય છે, જનતા જનાર્દનના આશીર્વાદ હોય છે, જ્યારે માતાઓ અને બહેનો ઢાલ બનીને ઊભી હોય છે, ત્યારે સંકટોથી પાર પણ નીકળીએ છીએ અને દેશને આગળ પણ લઈ જઈએ છીએ. અને તેથી જ હું તમારા બધાના આશીર્વાદથી ભારતના ખૂણે ખૂણે જે અનુભવ કરી રહ્યો છું. એટલા માટે લોકો કહી રહ્યા છે – એનડીએ સરકાર, 400 પાર. એનડીએ સરકાર 400ને પાર. એનડીએ સરકાર 400 પાર. એનડીએ સરકાર, 400 પાર.

સાથીઓ,

એક પરિવારના મોહમાં ફસાયેલી કૉંગ્રેસ હરિયાણામાં પણ એવી જ હાલત છે, આજે તે તેના ઈતિહાસના સૌથી દયનીય તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમના નેતાથી પોતાનું એક સ્ટાર્ટ અપ સચવાતું નથી, આ લોકો દેશને સંભાળવાનાં સપના જોઈ રહ્યા છે. આજે કૉંગ્રેસની હાલત જુઓ, કૉંગ્રેસના જૂના નેતાઓ એક પછી એક તેમને છોડી જઈ રહ્યા છે. જેમણે એક સમયે તેમની સાથે જોડાવાનો ઈરાદો રાખ્યો હતો, તેઓ પણ એનાથી ભાગી રહ્યા છે. આજે સ્થિતિ એ છે કે કૉંગ્રેસ પાસે પોતાના કાર્યકરો પણ બચ્યા નથી. જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં તેઓ પોતાની સરકાર પણ સંભાળી શકતા નથી. આજે હિમાચલમાં લોકોને પગાર અને પેન્શન ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કૉંગ્રેસ સરકાર કર્ણાટકમાં વિકાસની યોજનાઓ પર પણ કામ કરી શકતી નથી.

ભાઈઓ અને બહેનો,

એક તરફ કૉંગ્રેસનું કુશાસન છે તો બીજી બાજુ ભાજપનું સુશાસન છે. અહીં 10 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે. તેથી, ગરીબ કલ્યાણની જે પણ યોજનાઓ મોદીએ બનાવી છે, તેનાં સોએ સો ટકા અમલીકરણમાં હરિયાણા અવ્વલ સ્થાને છે. હરિયાણા કૃષિ ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે અને અહીંના ઉદ્યોગોનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે. જે દક્ષિણ હરિયાણાને વિકાસમાં પાછળ રાખવામાં આવ્યું, આજે તે ઘણી તેજીથી આગળ વધી રહ્યું છે. દેશમાં રોડ હોય, રેલ હોય, મેટ્રો હોય, તેનાથી સંબંધિત જે મોટી પરિયોજનાઓ છે, તે આ જ ભાગમાંથી પસાર થાય છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી-દૌસા-લાલસોટના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન થઈ ગયું છે. દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હરિયાણાના ગુરુગ્રામ, પલવલ અને નૂહ જિલ્લામાંથી પસાર થાય છે.

સાથીઓ,

2014 પહેલા હરિયાણામાં રેલવેના વિકાસ માટે દર વર્ષે 300 કરોડ રૂપિયાનું સરેરાશ બજેટ મળતું હતું, 300 કરોડ રૂપિયા. આ વર્ષે હરિયાણામાં રેલવે માટે લગભગ-લગભગ 3 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. હવે જુઓ ક્યાં 300 કરોડ અને ક્યાં 3 હજાર કરોડ. અને આ ફરક છેલ્લાં 10 વર્ષમાં આવ્યો છે. રોહતક-મેહમ-હાંસી, જિંદ-સોનીપત જેવી નવી રેલવે લાઈનો અને અંબાલા કૅન્ટ-દપ્પર જેવી લાઈનોને ડબલ કરવાથી લાખો લોકોને ફાયદો થશે. આવી સુવિધાઓ ઉભી થાય ત્યારે જીવન પણ સરળ બને છે અને ધંધો પણ સરળ બને છે.

ભાઈઓ અને બહેનો,

આ વિસ્તારના ખેડૂતોને પાણીની ઘણી સમસ્યાઓ રહેતી હતી. આ સમસ્યાનાં નિરાકરણ માટે પણ રાજ્ય સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. આજે દુનિયાની સેંકડો મોટી કંપનીઓ હરિયાણામાંથી ચાલી રહી છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી છે.

સાથીઓ,

હરિયાણા ટેક્સટાઇલ અને એપેરલ ઉદ્યોગમાં પણ પોતાનું નામ ઊંચું કરી રહ્યું છે. દેશમાંથી નિકાસ થતી કાર્પેટમાંથી 35 ટકાથી વધુ અને લગભગ 20 ટકા કપડાં હરિયાણામાં જ ઉત્પાદિત થાય છે. આપણા લઘુ ઉદ્યોગો હરિયાણાના કાપડ ઉદ્યોગને આગળ લઈ જઈ રહ્યા છે. પાણીપત હૅન્ડલૂમ ઉત્પાદનો માટે, ફરીદાબાદ કાપડ ઉત્પાદન માટે, ગુરુગ્રામ તૈયાર વસ્ત્રો માટે, સોનીપત તકનીકી કાપડ માટે અને ભિવાની બિન-વણાયેલાં કાપડ માટે પ્રખ્યાત છે. છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારે એમએસએમઈ અને લઘુ ઉદ્યોગોને લાખો કરોડ રૂપિયાની સહાય પૂરી પાડી છે. તેનાં કારણે જૂના નાના ઉદ્યોગો અને કુટિર ઉદ્યોગો તો મજબૂત બન્યા જ છે, હરિયાણામાં હજારો નવા ઉદ્યોગો પણ સ્થપાયા છે.

સાથીઓ,

રેવાડી વિશ્વકર્મા સાથીઓની કારીગરી માટે પણ જાણીતું છે. અહીંની પિત્તળની કારીગરી અને હસ્તકલા ખૂબ જ પ્રખ્યાત છે. પ્રથમ વખત, અમે 18 વ્યવસાયો સાથે સંબંધિત આવા પરંપરાગત કારીગરો માટે પીએમ વિશ્વકર્મા નામની એક મોટી યોજના શરૂ કરી છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં દેશભરના લાખો લાભાર્થીઓ જોડાઈ રહ્યા છે. ભાજપ સરકાર આ યોજના પર 13 હજાર કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. આ યોજના આપણા પરંપરાગત કારીગરો અને તેમના પરિવારોનું જીવન બદલી નાખશે.

ભાઈઓ અને બહેનો,

મોદીની ગૅરંટી તેની સાથે છે જેની પાસે ગૅરંટી આપવા માટે કંઈ પણ નથી. દેશના નાના ખેડૂતો પાસે બેંકોને ગૅરંટી આપવા માટે કંઈ જ નહોતું. મોદીએ તેમને પીએમ કિસાન સન્માન નિધિની ગૅરંટી આપી. દેશના ગરીબ, દલિત, પછાત અને ઓબીસી પરિવારોનાં દીકરા-દીકરીઓ માટે બેંકોમાં ગૅરંટી આપવા જેવું કશું જ નહોતું. મોદીએ મુદ્રા યોજના શરૂ કરી અને ગૅરંટી વગર લોન આપવાનું શરૂ કર્યું. દેશમાં ઘણા સાથી શેરી વિક્રેતાઓ લારી-પાથરણાં પર નાના વેપાર કરતા આવ્યા છે. આ મિત્રો દાયકાઓથી શહેરોમાં આ કામ કરી રહ્યા છે. તેમની પાસે પણ ગૅરંટી આપવા માટે કંઈ નહોતું. પીએમ સ્વનિધિ યોજનાથી તેમની ગૅરંટી પણ મોદીએ લીધી છે.

સાથીઓ,

10 વર્ષ પહેલાં સુધી ગામડામાં આપણી બહેનોની શું હાલત હતી? બહેનોનો મોટાભાગનો સમય પાણીની વ્યવસ્થા કરવામાં, રસોઈ માટે લાકડાં કે અન્ય વ્યવસ્થા કરવામાં જ જતો હતો. મોદી મફત ગેસ કનેક્શન લાવ્યા, ઘરો સુધી પાણીના નળ લઈ આવ્યા. આજે હરિયાણાનાં ગામડાઓની મારી બહેનોને સુવિધાઓ મળી રહી છે, સમયની બચત થઈ રહી છે. એટલું જ નહીં, બહેનો આ સમયનો ઉપયોગ તેમની કમાણી વધારવા માટે કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. છેલ્લાં 10 વર્ષમાં અમે દેશભરની 10 કરોડ બહેનોને સ્વ-સહાય જૂથો સાથે જોડી છે. આમાં હરિયાણાની પણ લાખો બહેનો છે. બહેનોનાં આ જૂથોને લાખો કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. મારો પ્રયાસ એ જ છે કે બને તેટલી વધુને વધુ બહેનોને લખપતિ દીદીઓ બનાવી શકું. અત્યાર સુધીમાં 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. અમે થોડા દિવસ પહેલા જે બજેટ લાવ્યા છીએ તેમાં 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમે નમો ડ્રોન દીદી યોજના પણ શરૂ કરી છે. આ અંતર્ગત બહેનોનાં જૂથોને ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવશે અને તેમને ડ્રોન આપવામાં આવશે. આ ડ્રોનનો ઉપયોગ ખેતીમાં થશે અને બહેનોને વધારાની આવક આપશે.

સાથીઓ,

હરિયાણા અદ્‌ભૂત સંભાવનાઓનું રાજ્ય છે. હું હરિયાણાના પ્રથમ વખતના મતદારો, જે પહેલી વાર મતદાન કરવાના છે, જે 18-20-22 વર્ષની વયજૂથના છે એમને હું ખાસ કરીને કહીશ કે તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનવાનું છે. ડબલ એન્જિન સરકાર હરિયાણાને તમારા માટે વિકસિત હરિયાણા બનાવવામાં વ્યસ્ત છે. ટેક્નોલોજીથી લઈને ટેક્સટાઈલ સુધી, ટુરિઝમથી લઈને ટ્રેડ સુધી, અમે દરેક ક્ષેત્રમાં રોજગારની નવી તકો માટે પ્રયત્નશીલ છીએ. આજે સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા આતુર છે. અને હરિયાણા રોકાણ માટે એક ઉત્તમ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. અને રોકાણ વધવાનો અર્થ એ છે કે નોકરીની નવી તકો પણ વધી રહી છે. તેથી, ડબલ એન્જિન સરકારને તમારા આશીર્વાદ આ જ રીતે મળતા રહે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફરી એકવાર, હું તમને એઈમ્સ માટે, હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારી સાથે બોલો-

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ખૂબ ખૂબ આભાર.

AP/GP/JD


(Release ID: 2006707) Visitor Counter : 115