રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું 75મા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન
Posted On:
25 JAN 2024 7:42PM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર,
75મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જ્યારે હું પાછું વળીને જોઉં છું કે વિકટ પરિસ્થિતિઓ હોવા છતાં આપણે કેટલી લાંબી યાત્રા કરી છે ત્યારે મારુ હદય ગર્વથી ભરાઈ જાય છે.
આપણા ગણતંત્રનું 75મુ વર્ષ, અનેક અર્થોમાં,દેશની યાત્રામાં એક ઐતિહાસિક પડાવ છે. આ ઉત્સવ ઉજવવાનો વિશેષ અવસર છે, જેમ આપણે સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આપણા દેશની અતુલનીય મહાનતા અને વિવધતા પૂર્ણ સંસ્કૃતિનો ઉત્સવ ઉજવ્યો હતો.
કાલના દિવસે આપણે બંધારણના પ્રારંભનો ઉત્સવ ઉજવીશું. બંધારણની પ્રસ્તાવના ‘અમે ભારતના લોકો‘ આ શબ્દોથી શરૂ થાય છે. આ શબ્દ, આપણાં બંધારણના મૂળ ભાવ, અર્થાત લોકતંત્રને રેખાંકિત કરે છે. ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા, લોકતંત્રની પાશ્ચાત્ય અવધારણાથી ઘણી વધારે પ્રાચીન છે, એટલા માટે ભારતને ‘લોકતંત્રની જનેતા’ કહેવામાં આવે છે.
એક લાંબા અને કઠિન સંઘર્ષ પછી 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ વિદેશી શાસનથી મુક્ત થયો. પણ તે સમયે દેશમાં સુશાસન તથા દેશવાસીઓની નિહિત ક્ષમતા તથા પ્રતિભાઓને યોગ્ય સ્વરૂપ મળે તે રીતે યથાયોગ્ય મૂળભૂત સિદ્ધાંતો તથા પ્રક્રિયાઓને સ્વરૂપ આપવાનું કાર્ય ચાલી જ રહ્યું હતું. બંધારણ સભાએ સુશાસનના દરેક પાસાઓ પર લગભગ ત્રણ વર્ષ સુધી વિસ્તૃત ચર્ચા કરી અને આપણા રાષ્ટ્રનો મહાન, આધારભૂત ગ્રંથ એટલે કે ભારતના બંધારણની રચના કરી. આજના દિવસે આપણે સૌ દેશવાસીઓ એ દૂરદર્શી જનનાયકો તથા અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ છીએ જેમણે આપણાં ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યુ હતું.
આપણો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ વધતાં અમૃતકાળના પ્રારંભિક દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક યુગાંતકારી પરિવર્તનનો કાળખંડ છે. આપણને આપણા દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો સોનેરી અવસર મળ્યો છે, આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક નાગરિકોનું યોગદાન મહત્વપૂર્ણ હશે. એટલા માટે હું દરેક દેશવાસીઓને, બંધારણમાં નિહિત, આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરવાનો અનુરોધ કરીશ. આ કર્તવ્ય આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા ત્યાં સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં, પ્રત્યેક નાગરિક માટે આવશ્યક દાયિત્વ છે. આ સંદર્ભમાં મને મહાત્મા ગાંધીનું સ્મરણ થાય છે. બાપુએ યોગ્ય જ કહ્યું હતું. “જેમણે માત્ર આધિકારોની જ ઈચ્છા રાખી છે, એવી કોઈ જ પ્રજા ઉન્નતિ કરી શક્તી નથી. કેવળ એ જ પ્રજા ઉન્નતિ કરી શકે, જેમણે કર્તવ્યોનું ધાર્મિક રૂપથી પાલન કર્યું છે.”
મારા પ્રિય દેશવાસીઓ,
ગણતંત્ર દિવસ, આપણાં આધારભૂત મૂલ્યો અને સિદ્ધાંતોનું સ્મરણ કરવાનો એક મહત્વપૂર્ણ અવસર છે. જ્યારે આપણે, એમાંથી કોઈ એક બુનિયાદી સિદ્ધાંત પર ચિંતન કરીએ છીએ, તો સ્વાભાવિકરૂપથી અન્ય સિદ્ધાંતો પર પણ આપણું ધ્યાન જાય છે. સંસ્કૃતિ, માન્યતાઓ અને પરંપરાઓની વિવિધતા આપણાં લોકતંત્રના ગર્ભિત પરિણામો છે. આપણી વિવિધતાનો આ ઉત્સવ સમતા પર આધારિત છે, જેને ન્યાય દ્વારા સંરક્ષીત કરવામાં આવે છે. આ બધુ, સ્વતંત્રતાના વાતાવરણમાં જ સંભવ થઈ શકે છે. આ મૂલ્યો અને સિદ્ધાંતોની સમગ્રતા જ આપણી ભારતીયતાનો આધાર છે. ડૉ. બી. આર. આંબેડકરના પ્રબુદ્ધ માર્ગદર્શનમાં પ્રવાહિત, આ મૂળભૂત જીવનમૂલ્યો અને સિદ્ધાંતોમાં વહેતી બંધારણની ભાવધારાએ, દરેક પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવા માટે સામાજિક ન્યાયના માર્ગ પર આપણે અડગ બનાવી રાખ્યા છે.
હું એ ઉલ્લેખ કરવા માગીશ કે સામાજિક ન્યાય માટે સતત યુદ્ધગ્રસ્ત રહેલા, શ્રી કર્પૂરી ઠાકુરજીની જન્મશતાબ્દીનો ઉત્સવ કાલે જ સંપન્ન થયો છે, કર્પૂરી જેઓ પછાત વર્ગોના સૌથી મહાન પક્ષકારોમાંના એક હતા, જેમને પોતાનું સમગ્ર જીવન તેઓના કલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું. તેઓનું જીવન એક સંદેશ હતું. પોતાના યોગદાનથી જાહેર જીવનને સમૃદ્ધ બનાવવા માટે, હું કર્પૂરીજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
આપણા ગણતંત્રની મૂળભવનાથી જોડાઈને 140 કરોડથી અધિક ભારતવાસીઓ એક કુટુંબની જેમ રહે છે. દુનિયાના સૌથી મોટા કુટુંબ માટે સહ-અસ્તિત્વની ભાવના ભૂગોળ દ્વારા લાદવામાં આવેલ બોજ નથી, પણ સામૂહિક ઉલ્લાસનો સહજ સ્ત્રોત છે. જે આપણા ગણતંત્ર દિવસના ઉત્સવમાં અભિવ્યક્ત થાય છે.
આ સપ્તાહના આરંભમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ રામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારંભ જોયો. ભવિષ્યમાં જ્યારે આ ઘટનાને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે, ત્યારે ઈતિહાસકારો, ભારત દ્વારા પોતાની સભ્યતાગત વારસાની નિરંતર શોધમાં, યુગાંતરકારી આયોજનના રૂપમાં તેનું વિવેચન કરશે. ઉચિત ન્યાયિક પ્રક્રિયા અને દેશના સર્વોચ્ચ અદાલતના નિર્ણય બાદ, મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. અને હવે આજે એક ભવ્ય સંરચનાના રૂપમાં શોભાયમાન છે. આ મંદિર ન કેવળ જન જનની આસ્થાઓ વ્યક્ત કરે છે. પણ ન્યાયિક પ્રક્રિયામાં આપણા દેશવાસીઓની અગાધ આસ્થાનું પ્રમાણ પણ છે.
વ્હાલા દેશવાસીઓ,
આપણા રાષ્ટ્રીય તહેવાર એવા મહત્વપૂર્ણ અવસર હોય છે, જ્યારે આપણે અતીત પર પણ દ્રષ્ટિપાત કરીએ છીએ અને ભવિષ્ય તરફ પણ જોઈએ છીએ. ગત ગણતંત્ર દિવસ પછીના એક વર્ષ પર નજર નાખીએ તો આપણે ખૂબ પ્રસન્નતા થાય છે. ભારતની અધ્યક્ષતામાં દિલ્લીમાં G20 શિખર સંમેલનનું એક સફળ આયોજન એક અભૂતપૂર્વ ઉપલબ્ધિ હતી. G20 સાથે જોડાયેલા આયોજનમાં જનસમાન્યની ભાગીદારી વિશેષરૂપથી ઉલ્લેખનીય છે. આ આયોજનમાં વિચારો અને સૂચનોનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ નહીં, પણ નીચેથી ઉપરની તરફ હતો. આ ભવ્ય આયોજનમાંથી એ પણ શીખ મળી છે કે સામાન્ય નાગરિકોને પણ આવા ગહન અને આંતર-રાષ્ટ્રીય મહત્વના મુદ્દાના ભાગીદાર બનાવી શકાય છે. જેનો પ્રભાવ અતંતઃ એમના પોતાના ભવિષ્ય પર પડે છે, G20 શિખર સંમેલનના માધ્યમથી GLOBAL SOUTHના અવાજના રૂપમાં ભારતના અભ્યુદયને પ્રોત્સાહન મળ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સંવાદની પ્રક્રિયામાં એક આવશ્યક તત્વનો સમાવેશ થયો.
જ્યારે સંસદે ઐતિહાસિક-મહિલા અનામત વિધેયક પસાર કર્યું તો આપણો દેશ સ્ત્રી પુરુષ સમાનતાના આદર્શ તરફ આગળ વધ્યો. મારુ માનવું છે કે નારીશક્તિ વંદન અધિનિયમ મહિલા સશક્તીકરણનું એક ક્રાંતિકારી મધ્યમ સિદ્ધ થશે. એનાથી આપણાં શાસનની પ્રક્રિયાઓને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં ઘણી સહાયતા મળશે. જ્યારે સામૂહિક મહત્વના મુદ્દા પર મહિલાઓની ભાગીદારી વધશે ત્યારે આપણી વહીવટી પ્રાથમિક્તાઓનું જનતાની આવશ્યતાઓ સાથે વધુ સારું સામંજસ્ય સર્જાશે.
આ કાળમાં (અવધિમાં) ભારત, ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં ઉતરનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન-૩ પછી ઇસરોએ એક સૌર મિશન પણ શરૂ કર્યું. હાલમાં જ આદિત્ય L-1ને સફળતાપૂર્વક ‘HALO-ORBIT’માં સ્થાપિત કરવામાં આવ્યું. ભારતે પોતાના પહેલા એક્સ-રે POLARIMETER SATELLITE, જેને એક્સ્પોસેટ કહેવામાં આવે છે, તેના પ્રક્ષેપણ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે. આ સેટેલાઇટ, અંતરિક્ષના ‘બ્લેક હોલ’ જેવા રહસ્યોનું અધ્યયન કરશે. વર્ષ 2024 દરમ્યાન અન્ય ઘણા અંતરિક્ષ અભિયાનોની યોજના બનાવવામાં આવી છે. પ્રસન્નતાનો વિષય એ છે કે ભારતની અંતરિક્ષયાત્રામાં અનેક નવી ઉપલબ્ધિઓ હાંસલ થવાની છે. આપણા પ્રથમ માનવ અંતરિક્ષ ઉડ્ડયન કાર્યક્રમ “ગગનયાન મિશન“ની તૈયારી સુચારું રૂપથી આગળ વધી રહી છે. આપણને આપણા વૈજ્ઞાનિકો તેમજ તકનીકી નિષ્ણાતો પર સદૈવ ગર્વ રહ્યો છે. પણ હવે તેઓ પહેલા કરતાં ઘણા વધુ ઊંચા લક્ષ્યો નિર્ધારિત કરે છે અને તેને અનુરૂપ પરિણામો પણ હાંસલ કરે છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમોનો ઉદ્દેશ સંપૂર્ણ માનવતાના કલ્યાણ માટે, વિજ્ઞાન તથા ટેકનોલોજીની ભૂમિકાને વધુને વધુ વિસ્તાર અને ઊંડાણ પ્રદાન કરવાનો છે. ISROના કાર્યક્રમો પ્રત્યે દેશવાસીઓમાં જે ઉત્સાહ દેખાય છે, તેનાથી નવી આશાઓનો સંચાર થાય છે. અંતરિક્ષ વિજ્ઞાનની આ નવી ઉપલબ્ધિઓથી યુવા પેઢીની કલ્પનાશક્તિને નવી પાંખો આપી છે. મને વિશ્વાસ છે કે આપણાં બાળકો અને યુવાનોમાં મોટા પાયા પર વિજ્ઞાન તરફ રુચિ વધશે અને તેઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત થશે. અંતરિક્ષ વિજ્ઞાનની આ ઉપલબ્ધિઓથી યુવાઓ, વિશેષમાં યુવાન મહિલાઓને પ્રેરણા મળશે કે તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને કાર્યક્ષેત્ર બનાવે.
આજનું ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. સુદઢ અને સ્વસ્થ અર્થવ્યવસ્થા આ આત્મવિશ્વાસનું કારણ પણ છે અને પરિણામ પણ. હાલના વર્ષોમાં કુલ સમગ્ર ઉત્પાદનોમાં આપણો વૃદ્ધિ દર મુખ્ય અર્થવ્યવસ્થામાં સૌથી વધુ રહ્યો છે. નક્કર આકારણીના આધાર પર આપણને પૂરો વિશ્વાસ છે, કે આ આસાધરણ પ્રદર્શન વર્ષ 2024 અને ત્યારબાદ પણ ચાલુ રહેશે. આ વાત મને વિશેષ રૂપથી ઉલ્લેખનીય લાગે છે કે દૂરગામી યોજના-દ્રષ્ટિથી અર્થવ્યવસ્થાને ગતિ પ્રાપ્ત થઈ છે, તેને અંતર્ગત વિકાસને દરેક રીતે વ્યાપક બનાવવા માટે વિચારશીલ જનકલ્યાણ અભિયાનોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મહામારીના દિવસોમાં સમાજના નબળા વર્ગોને મફત અનાજ ઉપલબ્ધ કરાવતી યોજનાઓનો વિસ્તાર સરકારે વધારી દીધો હતો. અને ત્યારબાદ નબળા વર્ગની આબાદીને આર્થિક સંકટથી બહાર આવવા માટે સહાયતા મળે એ હેતુથી આ કલ્યાણકારી યોજનાઓને ચાલુ રાખવામાં આવી. આ પહેલને વધુ વિસ્તરીત કરીને, સરકારે 81 કરોડથી વધુ લોકોને આવતા 5 વર્ષ સુધી મફત અનાજ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. સંભવત:, ઇતિહાસમાં એક પ્રકારનો સૌથી મોટો આ જનકલ્યાણ કાર્યક્રમ છે.
સાથે જ, દરેક નાગરિકોને જીવનનિર્વાહને સુગમ બનવવા માટે અનેક સમયબદ્ધ યોજનાઓ પણ કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. ઘરમાં સુરક્ષિત અને પર્યાપ્ત પેયજળની ઉપલબ્ધતાથી લઈને, પોતાનું ઘર હોવાના સુરક્ષા-જનક અનુભવ સુધી, આ તમામ બુનિયાદી ન્યૂનતમ આવશ્યક્તાઓ છે ન કે વિશેષ સુવિધાઓ. આ મુદાઓ કોઈપણ રાજકીય કે આર્થિક વિચારધારાથી પર છે, અને તેને માનવીય દ્રષ્ટિકોણથી જ જોવા જોઈએ. સરકારે માત્ર જનકલ્યાણ યોજનાઓનો વિસ્તાર અને સંવર્ધન જ નથી કર્યું, જન કલ્યાણની અવધારણાને પણ નવો અર્થ પ્રદાન કર્યો છે. આપણે સૌ એ દિવસે ગર્વનો અનુભવ કરીશું જ્યારે ભારત એવા દેશોમાં સામેલ થઈ જશે કે જ્યાં ભાગ્યે જ કોઈ બેઘર હોય. વ્યાપક કલ્યાણની આ વિચારસરણી સાથે “રાષ્ટ્રીય શિક્ષણનીતિ”માં ડિજિટલ વિભાજન વહેંચવા માટે તથા વંચિત વર્ગોના વિદ્યાર્થીઓના હિતમાં, સમાનતા પર આધારિત શિક્ષણ વ્યવસ્થાના નિર્માણને સમુચિત પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. “આયુષ્માન ભારત યોજના”ના વિસ્તારીત સુરક્ષાકવચ અંતર્ગત દરેક લાભાર્થીઓને સામેલ કરવાનું લક્ષ્ય છે. આ સંરક્ષણથી ગરીબ અને નબળા વર્ગના લોકોમાં એક બહુ મોટો વિશ્વાસ જાગ્યો છે.
આપણા ખેલાડીઓ એ આંતરાષ્ટ્રીય મંચો પર ભારતનું સન્માન વધાર્યું છે. ગયા વર્ષે આયોજિત ‘એશિયાઈ રમતો’માં આપણે 107 પદકોના નવા વિક્રમ સાથે ઇતિહાસ રચ્યો, અને એશિયાઈ પેરા- રમતોમાં આપણે 111 પદક મેળવ્યા, એ ખૂબ પ્રસન્નતાની વાત છે કે મહિલાઓ, આપણાં પદક- તાલિકામાં ખૂબ પ્રભાવશાળી યોગદાન આપી રહી છે. આપના શ્રેષ્ઠ ખેલાડીઓની સફળતાથી બાળકો વિભિન્ન રમતોમાં ભાગ લેવા માટે પ્રેરણા મળી છે. જેનાથી એમનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે. મને વિશ્વાસ છે કે નવા આત્મવિશ્વાસથી ભરપૂર આપણા ખેલાડીઓ, આગામી પેરિસ ઓલમ્પિકમાં હજી વધુ સારું પ્રદર્શન કરશે.
પ્રિય દેશવાસીઓ,
હાલના દિવસોમાં અનેક સ્થળો પર લડાઇઓ લડાઈ રહી છે અને દુનિયાના ઘણા બધા ભાગો હિંસાથી પીડિત છે. જ્યારે બે પરસ્પર વિરોધી પક્ષોમાં દરેક એમ માને કે માત્ર તેની જ વાત સાચી છે, અને બીજાની વાત ખોટી છે, તો આવી પરિસ્થિતિમાં સમાધાનયુક્ત તર્કના આધાર પર જ આગળ વધવું જોઈએ, કમનસીબે, તર્કના સ્થાન પર આપસી ભય અને પૂર્વગ્રહોએ ભાવાવેશને વધાર્યો છે. જેને કારણે સતત હિંસા થઈ રહી છે. મોટા પાયે માનવીય ત્રાસદીઓની અનેક દુઃખદ ઘટનાઓ બની છે, અને આપણે બધા આ માનવીય પીડાથી અત્યંત વ્યથિત છીએ. આ પરિસ્થિતિમાં આપણને ભગવાન બુદ્ધના સારગર્ભિત શબ્દોનું સ્મરણ થાય છે.
न ही वेरेन वेरानि, सम्मनतीध कुदाचनम्
अवेरेन च सम्मन्ति, एस धम्मो सनन्तनो
જેનો ભાવાર્થ છે:
‘અહી ક્યારેય શત્રુતાને શત્રુતાના મધ્યમથી શાંત નથી કરવામાં આવતી પણ અ – શત્રુતાના માધ્યમથી શાંત કરવામાં આવે છે. આ શાશ્વત નિયમ છે. ‘
વર્ધમાન મહાવીર અને સમ્રાટ અશોકથી લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સુધી, ભારતે સદૈવ એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે અહિંસા કેવળ એક આદર્શ માત્ર નથી, જેને હાંસલ કરવાનું કઠિન હોય, પણ એ એક સ્પષ્ટ સંભાવના છે. એટલું જ નહીં, અનેક લોકો માટે આ એક જીવંત યથાર્થ છે. આપણે આશા રાખીએ કે સંઘર્ષોમાં અટવાયેલા ક્ષત્રોમાં એ સંઘર્ષોને ઉકેલવા અને શાંતિ સ્થાપિત કરવાના માર્ગ શોધી કાઢવામાં આવશે.
વૈજ્ઞાનિક પર્યાવરણના સંકટમાંથી બહાર નીકળવામાં પણ ભારતનું પ્રાચીન જ્ઞાન, વિશ્વ સમુદાયનું માર્ગદર્શન કરી શકે એમ છે. ભારતને ઊર્જાના નવીકરણીય સ્ત્રોતોને પ્રોત્સાહન આપતા અને GLOBAL CLIMATE ACTIONને નેતૃત્વ પ્રદાન કરતું જોઈ મને ઘણી પ્રસન્નતા થાય છે. ભારતે, પર્યાવરણ પ્રત્યે સજાગ જીવનશૈલી અપનાવવા માટે ‘LIFE MOVEMENT’ શરૂ કરી છે. આપણા દેશમાં જળવાયુ પરિવર્તનના મુદ્દે સામનો કરવા માટે વ્યક્તિગત વ્યવહાર – પરિવર્તનને પ્રાથમિકતા અપાઈ રહી છે, તથા વિશ્વ – સમુદાય દ્વારા તેની પ્રસંશા થઈ રહી છે. દરેક સ્થાનમાં નિવાસી પોતાની જીવનશૈલી પ્રકૃતિને અનુરૂપ બનાવીને પોતાનું યોગદાન આપી શકે છે અને એમને એવું કરવું પણ જોઈએ. એનાથી, ન કેવળ ભાવિ પેઢીઓ માટે પૃથ્વીનું સંરક્ષણ કરવામાં સહાયતા મળશે, પણ જીવનની ગુણવત્તા પણ વધશે.
વ્હાલા દેશવાસીઓ,
આપણી સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થવાની- અમૃતકાળની અવધિ દરમિયાન અભૂતપૂર્વ તકનીકી પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ જેવા તકનીકી બદલાવ, અસાધારણ ગતિથી ચર્ચામાંથી બહાર આવીને, આપણા દૈનિક જીવનના અંગ બની બની ગયા છે. અનેક ક્ષેત્રોંમાં ભવિષ્ય સાથે જોડાયેલી આશંકાઓ ચિંતિત કરે છે, પણ અનેક ઉત્સાહજનક તકો પણ નજરે પડે છે. ખાસ કરીને યુવાનો માટે. આપણા યુવાનો વર્તમાનની સીમાઓથી પર જઈને નવી સંભાવના શોધે છે. તેઓના માર્ગમાંથી અવરોધોને દૂર કરી એમને તેઓની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકે તેવી સુવિધા પ્રદાન કરવા માટે આપણે દરેક સંભવ પ્રયાસ કરવાનો છે. આપણી યુવાન પેઢી ઈચ્છે છે કે દરેકને સમાન તક પ્રાપ્ત થાય. તેઓ સમાનતા સાથે જોડાયેલ જૂની શબ્દજાળ નથી ઇચ્છતા, પણ સમાનતાનો આપણાં અમૂલ્ય આદર્શનું યથાર્ખરૂપ જોવા માંગે છે.
વાસ્તવમાં,આપના યુવાનોના આત્મવિશ્વાસના બળ પર જ ભાવિ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. યુવાનોના મન-મસ્તિષ્કની માવજત કરવાનું કાર્ય આપણા શિક્ષક ગણ કરે છે. જે ખરા અર્થમાં રાષ્ટ્રનું ભવિષ્ય બનાવે છે, હું મારા એ ખેડૂત અને મજૂર ભાઈઓ અને બહેનો પ્રત્યે આભાર વ્યક્ત કરું છે, જેઓ ચૂપચાપ મહેનત કરે છે, અને દેશના ભવિષ્યને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપે છે. ગણતંત્ર દિવસના પવન પ્રસંગની પૂર્વસંધ્યાએ સૌ દેશવાસી આપણા સશસ્ત્રદળો, પોલીસ તથા અર્ધ લશ્કરી દળોને પણ કૃતજ્ઞતાપૂર્વક અભિનંદન આપે છે. તેઓની બહાદુરી અને સતર્કતા વિના આપણે એ પ્રભાવશાળી ઉપલબ્ધિઓ પ્રાપ્ત ન કરી શકત, જે આપણે હાંસલ કરી છે.
પોતાની વાણીને વિરામ આપતા પહેલા, હું ન્યાયપાલિકા અને સિવિલ સેવાઓ પણ શુભકામનાઓ આપવા માંગુ છું. વિદેશોમાં નિયુક્ત ભારતીય મિશનોના અધિકારિયો તથા પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને હું ગણતંત્ર દિવસના અભિનંદન આપું છું. આવો, આપણે સૌ યથાશક્તિ રાષ્ટ્ર તથા દેશવાસીઓની સેવામાં સ્વયંને સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ, આ આ શુભ સંકલ્પને સિદ્ધ કરવાના પ્રયાસ હેતુ આપ સૌને મારી હાર્દિક સુભકામના।
ધન્યવાદ, જયહિન્દ, જય ભારત.
YP/GP/JD
(Release ID: 1999704)
Visitor Counter : 320
Read this release in:
Marathi
,
Tamil
,
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Kannada