પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમમ 2023નું ઉદઘાટન કર્યું


થિરુક્કુરલ, મણિમેકલાઇ અને અન્ય ક્લાસિક તમિલ સાહિત્યના બહુભાષી અને બ્રેઇલ અનુવાદોનો શુભારંભ કરાવ્યો

કન્યાકુમારી – વારાણસી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી આપી

"કાશી તમિલ સંગમમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને આગળ ધપાવે છે.

"કાશી અને તમિલનાડુ વચ્ચેનાં સંબંધો ભાવનાત્મક અને રચનાત્મક એમ બંને છે."

"એક રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ આધ્યાત્મિક માન્યતાઓમાં રહેલી છે."

"આપણો સહિયારો વારસો આપણને આપણા સંબંધોની ઊંડાઈનો અહેસાસ કરાવે છે"

Posted On: 17 DEC 2023 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી તમિલ સંગમ 2023નું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે કન્યાકુમારીવારાણસી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી આપી હતી તથા આ પ્રસંગે થિરુક્કુરલ, મણિમેકલાઈ અને અન્ય ક્લાસિક તમિલ સાહિત્યના બહુભાષી અને બ્રેઇલ લિપિ અનુવાદનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પ્રદર્શનનો વોકથ્રુ પણ લીધો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો હતો. કાશી તમિલ સંગમમનો ઉદ્દેશ તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી, પુષ્ટિ અને પુનઃશોધ કરવાનો છેજે દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન શિક્ષણની બે બેઠકો છે.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને મહેમાનો તરીકે નહીં, પણ તેમના પરિવારના સભ્યો તરીકે આવકાર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમિલનાડુથી કાશી પહોંચવાનો સરળ અર્થ એ છે કે ભગવાન મહાદેવનાં એક ધામથી બીજા નિવાસસ્થાન એટલે કે મદુરાઈનાં મીનાક્ષીથી કાશી વિશાલાક્ષી સુધીની યાત્રા કરવી. તમિલનાડુ અને કાશીના લોકો વચ્ચે અનન્ય પ્રેમ અને જોડાણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કાશીના નાગરિકોના આતિથ્ય સત્કારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભગવાન મહાદેવના આશીર્વાદની સાથે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહભાગીઓ કાશીની સંસ્કૃતિ, સ્વાદિષ્ટ વાનગીઓ અને યાદો સાથે તમિલનાડુ પરત ફરશે. પ્રધાનમંત્રી મોદીએ તમિલમાં સૌપ્રથમ વખત તેમના ભાષણના રિયલ-ટાઇમ અનુવાદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ભવિષ્યની ઘટનાઓમાં તેના ઉપયોગની પુનઃપુષ્ટિ કરી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કન્યાકુમારી-વારાણસી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી આપી હતી તથા આ પ્રસંગે થિરુક્કુરલ, મણિમેકલાઈ અને અન્ય ક્લાસિક તમિલ સાહિત્યના બહુભાષી અને બ્રેઇલ લિપિ અનુવાદનો શુભારંભ કરાવ્યો હતો. સુબ્રમણ્યમ ભારતીને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશી-તમિલ સંગમનાં વાઇબ્રેશન દેશ અને દુનિયામાં ફેલાઈ રહ્યાં છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગયા વર્ષે કાશી તામિલ સંગમની શરૂઆતથી અત્યાર સુધીમાં મઠનાં વડાઓ, વિદ્યાર્થીઓ, કલાકારો, લેખકો, શિલ્પકારો અને વ્યાવસાયિકો સહિત લાખો લોકો સામેલ થયાં છે તથા તે સંવાદ અને વિચારોનાં આદાનપ્રદાન માટે એક અસરકારક મંચ બની ગયું છે. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને આઇઆઇટી, ચેન્નાઈ દ્વારા સંયુક્ત પહેલ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જ્યાં આઇઆઇટી, ચેન્નાઇ એ વિદ્યા શક્તિ પહેલ હેઠળ વિજ્ઞાન અને ગણિતમાં વારાણસીથી હજારો વિદ્યાર્થીઓને ઓનલાઇન સહાય પ્રદાન કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરનાં આ ઘટનાક્રમો કાશી અને તમિલનાડુનાં લોકો વચ્ચે ભાવનાત્મક અને રચનાત્મક જોડાણનો પુરાવો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કાશી તમિલ સંગમ'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં જુસ્સાને આગળ વધારે છે. કાશી તેલુગુ સંગમમ અને સૌરાષ્ટ્ર કાશી સંગમમના સંગઠન પાછળ આ ભાવનાનો હાથ હતો, એમ તેમણે જણાવ્યું હતું. 'એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને દેશના તમામ રાજભવનોમાં અન્ય રાજ્યના સ્થાપના દિવસોની ઉજવણીની નવી પરંપરાથી વધુ બળ મળ્યું. પીએમ મોદીએ આદિનામ સંતોની દેખરેખ હેઠળ નવી સંસદમાં પવિત્ર સેંગોલની સ્થાપનાને પણ યાદ કરી હતી, જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારતની સમાન ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે, "'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં જુસ્સાનો આ પ્રવાહ આજે આપણાં દેશનાં આત્માને પ્રેરિત કરી રહ્યો છે."

પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, ભારતની વિવિધતા આધ્યાત્મિક ચેતનામાં ઘડાયેલી છે, જેનો સંકેત મહાન પાંડિયન રાજા પરાક્રમ પાંડિયને વ્યક્ત કર્યો હતો, જેમણે કહ્યું હતું કે, ભારતમાં દરેક જળ ગંગાજળ છે અને દેશની દરેક ભૌગોલિક સ્થિતિ કાશી છે. જ્યારે ઉત્તર ભારતમાં આસ્થાનાં કેન્દ્રો પર વિદેશી સત્તાઓ દ્વારા સતત હુમલાઓ થઈ રહ્યાં હતાં, ત્યારે પ્રધાનમંત્રીએ તેનકાસી અને શિવકાસી મંદિરોનાં નિર્માણ સાથે કાશીનાં વારસાને જીવંત રાખવાનાં રાજા પરાક્રમ પાંડિયનનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જી-20 શિખર સંમેલનમાં ભારતની વિવિધતાઓ પ્રત્યેનાં મહાનુભાવોનાં આકર્ષણને પણ યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં રાષ્ટ્રની વ્યાખ્યા રાજકીય પરિભાષામાં કરવામાં આવી છે, ત્યારે ભારત એક રાષ્ટ્ર તરીકે આધ્યાત્મિક માન્યતાઓમાંથી નિર્મિત છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આદિ શંકરાચાર્ય અને રામાંજુમ જેવા સંતોએ એક કર્યું છે. પ્રધાનમંત્રીએ શિવસ્થાનોની અદિના સંતોની યાત્રાઓની ભૂમિકાને પણ યાદ કરી હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આ યાત્રાઓને કારણે ભારત એક રાષ્ટ્ર તરીકે શાશ્વત અને અવિરત રહ્યું છે."

પ્રધાનમંત્રી મોદીએ પ્રાચીન પરંપરાઓ પ્રત્યે દેશના યુવાનોના સર્વોચ્ચ હિતો પર સંતોષ વ્યક્ત કર્યો હતો કારણ કે તેમણે નોંધ્યું હતું કે તમિલનાડુમાં મોટી સંખ્યામાં લોકો, વિદ્યાર્થીઓ અને યુવાનો કાશી, પ્રયાગ, અયોધ્યા અને અન્ય તીર્થસ્થળોની યાત્રા કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અયોધ્યામાં ભગવાન રામનાં દર્શન, જેમણે ભગવાન મહાદેવની સાથે રામેશ્વરમની સ્થાપના કરી હતી, એ દિવ્ય છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાશી તમિલ સંગમમાં ભાગ લેનારાઓની અયોધ્યા મુલાકાત માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ એકબીજાની સંસ્કૃતિને જાણવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે તેનાથી વિશ્વાસ વધે છે અને સંબંધ વધે છે. બે મહાન મંદિરોનાં શહેરો કાશી અને મદુરાઈનું ઉદાહરણ ટાંકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, તમિલ સાહિત્યમાં વાગાઇ અને ગંગા એમ બંનેની વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, "જ્યારે આપણને આ વારસાની જાણ થાય છે, ત્યારે આપણે આપણા સંબંધોની ઊંડાઈ અનુભવીએ છીએ."

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કાશી-તમિલ સંગમમનો સંગમ ભારતની વિરાસતને સશક્ત બનાવવાનું ચાલુ રાખશે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરશે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ કાશીની મુલાકાત લેનારા લોકો માટે આનંદદાયક રોકાણની આશા વ્યક્ત કરી હતી અને પ્રસિદ્ધ ગાયક શ્રીરામનો તેમના અભિનયથી સંપૂર્ણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા બદલ આભાર પણ માન્યો હતો.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એલ મુરુગન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

YP/JD



(Release ID: 1987533) Visitor Counter : 125