સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
કેવીઆઈસીના ચેરમેને 'વોકલ ફોર લોકલ'ની થીમ પર પાંચ દિવસના 'દિવાળી ઉત્સવ'નું ઉદ્ઘાટન કર્યું
11 નવેમ્બર સુધી ખાદીના ઉત્પાદનો પર 20 ટકા સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે
Posted On:
08 NOV 2023 4:08PM by PIB Ahmedabad
'મન કી બાત'ના 106મા એપિસોડમાં લોકોને સંબોધતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ તહેવારોના દિવસોમાં અને ખાસ પ્રસંગોએ સ્થાનિક સ્તરે નિર્મિત ઉત્પાદનોની ખરીદી કરે. તેમના નેતૃત્વ હેઠળ અને 'વોકલ ફોર લોકલ'ની ભાવનાને સશક્ત બનાવવા માટે, કનોટ પ્લેસ, નવી દિલ્હી ખાતે, અધ્યક્ષ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી ) શ્રી મનોજ કુમારે ગઈકાલે પાંચ દિવસના 'દિવાળી ઉત્સવ' ગ્રામશિલ્પ, ખાદી લાઉન્જનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીની અપીલ સાથે દિલ્હીના લોકોને જોડવા માટે 'દિવાળી ઉત્સવ' દરમિયાન સ્થાનિક ઉત્પાદનોની એક વિશેષ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સ્થાનિક સ્તરે ઉત્પાદિત ઉત્પાદનો સામાન્ય લોકો સુધી વધુને વધુ પહોંચે. જ્યારે ખાદીના ઉત્પાદનો વેચવામાં આવે છે, ત્યારે તે ગ્રામીણ ભારતમાં કામ કરતા કારીગરોને આર્થિક સ્વાવલંબન પ્રદાન કરે છે.
આ પ્રસંગે શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, "ખાદીપ્રેમીઓ માટે અહીં દરેક બજેટમાં સ્થાનિક ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. દિલ્હીમાં કુંભારો દ્વારા બનાવવામાં આવેલા માટીના દીવા જેવા ઉત્પાદનોથી માંડીને, લક્ષ્મી અને ગણેશની સુંદર મૂર્તિઓ, હસ્તકલાથી બનાવેલી માટીના મંદિરો, ગ્રામોદ્યોગ અને પીએમઇજીપી એકમો દ્વારા બાજરીમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ, મીણબત્તીઓ, અગરબત્તી, ખાદીના કારીગરો અને ડિઝાઇનરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાદી જેકેટ્સ અને વિવિધ ફેશનેબલ ખાદી વસ્ત્રોની એક ખાસ શ્રેણી પણ ઉપલબ્ધ છે."
દિવાળી ઉત્સવ અને અખંડ ભારતની ભાવનાની ઉજવણી કરતા, નવી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવન પણ વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જેમાં ખાદીના ઉત્પાદનો પર 20 ટકા સુધીની છૂટ અને ગ્રામોદ્યોગના ઉત્પાદનો પર 10 ટકા સુધીની છૂટનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અનુકરણીય નેતૃત્વ હેઠળ શ્રી કુમારે જણાવ્યું હતું કે, "ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદનોનું વેચાણ અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 1.34 લાખ કરોડને પાર કરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે એક જ નાણાકીય વર્ષમાં સૌથી વધુ 9.54 લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો વિક્રમ પ્રાપ્ત થયો છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબર, 2023ના રોજ ગાંધી જયંતીએ નવી દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા મુખ્ય ખાદી ભવનમાં રૂ.1.52 કરોડની ખાદીની બનાવટોનું એક જ દિવસનું વેચાણ થયું હતું. કેવીઆઈસી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે દરેકને તહેવારો દરમિયાન સ્વદેશી ખાદી ઉત્પાદનો ખરીદવા અપીલ કરી હતી, જેથી ગ્રામીણ વિસ્તારોમાં કેવીઆઇસી સાથે સંકળાયેલા લાખો કારીગરોને આજીવિકાની તકો મળી શકે."
આ કાર્યક્રમમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીશ્રી વિનીતકુમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1975622)
Visitor Counter : 201