પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તરાખંડનાં પિથોરાગઢમાં બહુવિધ પરિયોજનાઓનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
12 OCT 2023 9:12PM by PIB Ahmedabad
ભારત માતા કી- જય!
ભારત માતા કી- જય!
ઉત્તરાખંડના લોકપ્રિય, યુવા મુખ્યમંત્રી ભાઈ પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી શ્રી અજય ભટ્ટજી, પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંકજી, રાજ્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, તમામ સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો. અને દેવભૂમિના મારા પ્રિય પરિવારજનો, આપ સૌને પ્રણામ. આજે તો ઉત્તરાખંડે કમાલ કરી બતાવી છે જી. આ પહેલા આવું દ્રશ્ય જોવાનો લહાવો કદાચ જ કોઇને મળ્યો હશે. આજે સવારથી હું ઉત્તરાખંડમાં જ્યાં પણ ગયો ત્યાં અદ્ભૂત પ્રેમ, અપાર આશીર્વાદ; એમ લાગતું હતું કે જાણે પ્રેમની ગંગા વહી રહી છે.
આધ્યાત્મિકતા અને અજોડ શૌર્યની આ ભૂમિને હું વંદન કરું છું. હું ખાસ કરીને વીર માતાઓને વંદન કરું છું. જ્યારે બદ્રીનાથ ધામમાં "જય બદ્રી-વિશાલ"નો ઉદ્ઘોષથાય છે, ત્યારે ગઢવાલ રાઈફલ્સના વીરોનો ઉત્સાહ વધી જાય છે. જ્યારે ગંગોલીહાટનાં કાલિકા મંદિરની ઘંટડીઓ "જય મહાકાલી"ના જયકારોથી ગુંજી ઉઠે છે, ત્યારે કુમાઉ રેજિમેન્ટના વીરોમાં અદમ્ય સાહસનોસંચારથવા લાગે છે. અહીંના માનસખંડમાં બાગેશ્વર, બૈજનાથ, નંદા દેવી, ગોલુ દેવતા, પૂર્ણાગિરી, કસાર દેવી, કૈંચી ધામ, કટારમાલ, નાનકમત્તા, રીઠાસાહેબ, અગણિત, અગણિત દેવ સ્થળોની શૃંખલાનો વૈભવ, આપણી પાસે બહુ મોટો વારસો છે. રાષ્ટ્રરક્ષા અને આસ્થાની આ તીર્થભૂમિ પર જ્યારે-જ્યારે આવ્યો છું, જ્યારે પણ આપનું સ્મરણ કર્યું છે, હું ધન્ય થઈ જાઉં છું.
મારા પરિવારજનો,
અહીં આવતા પહેલા મને પાર્વતી કુંડ અને જોગેશ્વરધામમાં પૂજા-અર્ચના કરવાનો લહાવો મળ્યો હતો. મેં દરેક દેશવાસીનાં સારાં સ્વાસ્થ્ય માટે અને વિકસિત ભારત માટેના સંકલ્પને મજબૂત કરવા માટે અને મારા ઉત્તરાખંડનાં તમામ સપનાં, તમામ સંકલ્પો સાકાર થાય એ માટે આશીર્વાદ માગ્યા છે.થોડા સમય પહેલા હું આપણા સીમા રક્ષકો અને આપણા જવાનોને પણ મળ્યો હતો. મને સ્થાનિક કલા અને સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી આપણી તમામ બહેનો અને ભાઈઓને મળવાની તક પણ મળી. એટલે કે ભારતની સંસ્કૃતિ, ભારતની સુરક્ષા અને ભારતની સમૃદ્ધિ સાથે જોડાયેલાં આ ત્રણેય સ્વરૂપમાં આ રીતે મારી આ નવા પ્રકારની યાત્રા પણ જોડાઇ ગઈ. સૌનાં દર્શન એક સાથે થઈ ગયાં. ઉત્તરાખંડનું આ સામર્થ્યઅદ્ભૂત છે, અનુપમ છે.તેથી જ મને વિશ્વાસ છે અને મેં બાબા કેદારનાં ચરણોમાં બેસીને આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મને વિશ્વાસ છે કે આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બનવાનો છે. અને આજે હું આદિ કૈલાશનાં ચરણોમાં બેસીને આવ્યો છું, મારા એ વિશ્વાસને ફરી એક વાર દોહરાવું છું.
ઉત્તરાખંડ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચે, આપ લોકોનું જીવન સરળ બને, એ માટે અમારી સરકાર આજે સંપૂર્ણ ઈમાનદારીથી, સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે અને માત્ર એક જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. હમણાં અહીં, 4 હજાર કરોડથી વધુનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક જ કાર્યક્રમમાં 4 હજાર કરોડ રૂપિયા, મારા ઉત્તરાખંડનાં ભાઈઓ અને બહેનો, શું તમે કલ્પના કરી શકો છો? આ પરિયોજનાઓ માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મારા પરિવારજનો,
ન તો આ રસ્તા મારા માટે નવા છે અને ન તો આપ સૌ સાથીઓનવા છે. ઉત્તરાખંડ સાથે પોતાનાંપણાંની લાગણી હંમેશા મારી સાથે રહે છે. અને હું જોઉં છું કે તમે પણ મારી સાથે એવા જ પોતીકાંપણાંના હકની સાથે, સમાન આત્મીયતા સાથે મારી સાથે જોડાયેલા રહો છો. ઉત્તરાખંડના ઘણા સાથી, દૂર-દૂરનાં ગામડાંમાંથી પણ મને પત્રો લખે છે. દરેક સારા અને ખરાબ સમયમાં સાથે ઊભા રહે છે. પરિવારમાં નવા મહેમાનનો જન્મ થાય તો પણ તેઓ મને સમાચાર મોકલે છે. દીકરી ભણવામાં ક્યાંક આગળ વધી હોય તો પણ પત્ર લખેછે. એટલે કે હું સમગ્ર ઉત્તરાખંડ પરિવારનો સભ્ય છું એવી રીતે ઉત્તરાખંડ મારી સાથે જોડાઇ ગયું છે.
જ્યારે દેશ કંઇક મોટી ઉપલબ્ધિ હાંસલ કરે છે ત્યારે પણ તમે ખુશી વહેંચો છો. જો તમને સુધારણા માટે કોઈ અવકાશ દેખાય છે, તો તમે મને તે પણ જણાવવામાં પાછળ રહેતા નથી . તાજેતરમાં જ દેશે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાનો એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે કામ 30-30, 40-40 વર્ષથી લટકી રહ્યું હતું તે માતાઓ અને બહેનો, તમારા આશીર્વાદથી આ તમારો ભાઇ, આપનો દીકરો કરી શક્યો છે. અને મજા તો જુઓ, એ દરમિયાન પણ અહીંની બહેનોએ મને ઘણા પત્રો મોકલ્યા છે.
મારા પરિવારજનો,
આપ સૌના આશીર્વાદથી આજે ભારત વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારત અને ભારતીયોનુંગૌરવ ગાન થઈ રહ્યું છે. થઈ રહ્યું છે ને, થઈ રહ્યું છે ને, ભારતનો ડંકોઆખી દુનિયામાં વાગી રહ્યો છે ને? એક સમય એવો હતો જ્યારે ચારે તરફ નિરાશાનું વાતાવરણ હતું. એવું લાગતું હતું કે જાણે આખો દેશ નિરાશામાં ડૂબી ગયો હતો. તે સમયે આપણેલોકો મંદિરમાં જઈને એ જ કામના કરતા હતા કે ભારત વહેલામાં વહેલી તકે મુશ્કેલીઓમાંથી બહાર આવે. દરેક ભારતીય વિચારતો હતો કે હજારો કરોડનાં કૌભાંડોથી દેશનેમુક્તિ મળે. સૌની ઈચ્છા હતી કે ભારતની ખ્યાતિ વધે.
આજે જુઓ, પડકારોથી ઘેરાયેલી આ દુનિયામાં, તમે દુનિયાની સ્થિતિ જોઈ રહ્યા છો, પડકારોથી ઘેરાયેલી દુનિયામાં ભારતનો અવાજ કેટલો બુલંદ બની રહ્યો છે. હમણાં થોડાં અઠવાડિયા પહેલા જ G-20નુંઆટલું મોટું શાનદાર આયોજન થયું. તેમાં પણ તમે જોયું કે કેવી રીતે દુનિયાએ આપણા ભારતીયોની તાકાતને ઓળખી છે. તમે મને કહો, જ્યારે દુનિયા ભારતના ગુણગાન ગાય છે, જ્યારે ભારતનો ડંકો દુનિયામાં વાગે છે, ત્યારે તમે કહેશો, જવાબ આપશો? હું પૂછું, જવાબ આપશો? જ્યારે દુનિયામાં ભારતનું નામ વધે ત્યારે તમને સારું લાગે છે? પૂરી તાકાતથી મને કહો, તમને તે સારું લાગે છે? જ્યારે ભારત વિશ્વને દિશા બતાવે છે ત્યારે તમને તે ગમે છે?
આ બધું કોણે કર્યું છે? આ બધું કોણે કર્યું છે? આ મોદીએ નથી કર્યું, આ બધું આપ અને મારા પરિવારજનોએ કર્યું છે, આનો યશઆપ સૌજનતા જનાર્દનનેને જાય છે. કેમ? યાદ રાખોશા માટે? કારણ કે 30 વર્ષ પછી તમે દિલ્હીમાં સ્થિર અને મજબૂત સરકાર બનાવીને મને તમારી સેવા કરવાની તક આપી છે. તમારા વોટની તાકાત છે, જ્યારે હું દુનિયાના મોટા-મોટા લોકો સાથે હાથ મિલાવું છું ને, ત્યારે તમે જોયું હશે કે ભલ-ભલા સાથે મામલો થઈ રહ્યો છે. પરંતુ જ્યારે હું હાથ મિલાવું છુંને ત્યારે હું બરાબર આંખ પણ મિલાવું છું. અને જ્યારે તેઓ મારી તરફ જુએ છેને ત્યારે તેઓ મને જોતા નથી, તેઓ 140 કરોડ ભારતીયોને જુએ છે.
મારા પરિવારજનો,
દૂર-દૂરના પહાડોમાં અને દેશના ખૂણે-ખૂણે રહેતા લોકોની પણ અમે ચિંતા કરી છે. તેથી માત્ર 5 વર્ષમાં જ દેશના 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. સાડા તેર કરોડ લોકો, આ આંકડો યાદ રાખશો? આંકડો યાદ રાખશો? પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા એ બાબત પોતે જ દુનિયા માટે આશ્ચર્યજનક છે. કોણ છે આ 13.5 કરોડ લોકો? આમાંના ઘણા લોકો, તમારા જેવા, પર્વતોમાં રહેનારા, દૂરના વિસ્તારોમાં રહે છે. આ 13.5 કરોડ લોકો એ વાતનું ઉદાહરણ છે કે ભારત તેની ગરીબી દૂર કરી શકે છે.
સાથીઓ,
અગાઉ નારા અપાતા હતા ગરીબી હટાવો. મતલબ આપ હટાવો, તેમણે કહી દીધું ગરીબી હટાવો. મોદી કહી રહ્યા છે કે આપણે સાથે મળીને ગરીબી દૂર કરતા રહીશું. આપણે (35.54) જવાબદારી લઈએ છીએ અને ખંતથી જોડાઇ જઈએ છીએ. આજે આપણો ત્રિરંગો દરેક ક્ષેત્ર, દરેક મેદાનમાં ઊંચો અને ઊંચો લહેરાઇ રહ્યો છે. આપણું ચંદ્રયાન, આ ચંદ્રયાન ત્યાં પહોંચ્યું છે જ્યાં દુનિયાનો કોઈ પણ દેશ પહોંચી શક્યો નથી.અને ભારતે તેનું ચંદ્રયાન જ્યાં ગયું છે તે સ્થાનનું નામ શિવ-શક્તિ રાખ્યું છે. મારા ઉત્તરાખંડના લોકો, તમે શિવ-શક્તિના વિચારથી ખુશ છો કે નહીં? તમારું મન આનંદિત થઈ ગયું કે નહીં? એટલે કે મારા ઉત્તરાખંડની ઓળખ ત્યાં પણ પહોંચી ગઈ. શિવ અને શક્તિના આ સમન્વયનો અર્થ શું થાય છે તે ઉત્તરાખંડમાં આપણને શીખવવાની જરૂર નથી, તે અહીં ડગલે ને પગલે સાક્ષાત્ દેખાય છે.
સાથીઓ,
આજે દુનિયા માત્ર અંતરિક્ષમાં જ નહીં પરંતુ રમતગમતમાં પણ ભારતની તાકાત જોઈ રહી છે. તાજેતરમાં એશિયન ગેમ્સ સમાપ્ત થઈ છે. આમાં ભારતે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રથમ વખત ભારતીય ખેલાડીઓએ સદી ફટકારી અને 100થી વધુ મેડલ્સ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. અને તમે જરા જોરથી તાળીઓ પાડો, ઉત્તરાખંડનાં પણ8 દીકરા-દીકરીઓ એશિયન ગેમ્સમાં પોતાનું કૌશલ્ય બતાવવા ગયાં હતાં.અને આમાં આપણી લક્ષ્ય સેનની ટીમે પણ મેડલ જીત્યો અને વંદના કટારિયાની હૉકી ટીમે પણ દેશને શાનદાર મેડલ અપાવ્યો. શું આપણે એક કામ કરીશું, ઉત્તરાખંડનાં આ બાળકોએ કમાલ કરી બતાવી છે, શું આપણે એક કામ કરીશું, કરીશું? તમારો મોબાઈલ ફોન બહાર કાઢો, મોબાઇલ કાઢીને તેની ફ્લેશ ચાલુ કરો. અને તમારી ફ્લેશલાઇટનો ઉપયોગ કરીને આ તમામ ખેલાડીઓને અભિનંદન આપો. સૌ પોતપોતાનો મોબાઈલ ફોન કાઢો અને ફ્લેશલાઇટ કરીને, શાબાશ. આ આપણા ઉત્તરાખંડનાં બાળકોનું અભિવાદન છે, આપણા ખેલાડીઓનુંઅભિવાદન છે. હું ફરી એકવાર દેવભૂમિનાં મારાંઆ યુવાન દીકરા-દીકરીઓને, આ ખેલાડીઓને ફરીથી મારા અભિનંદન આપું છું. અને તમે પણ આજે નવો રંગ ઉમેર્યો.
સાથીઓ,
બેસો, હું તમારો ખૂબ આભારી છું. ભારતના ખેલાડીઓ દેશ અને દુનિયામાં પોતાનો ઝંડો લહેરાવે એ માટે સરકાર ખેલાડીઓની સંપૂર્ણ મદદ કરી રહી છે. ખેલાડીઓની ખાણી-પીણીથી લઈને આધુનિક ટ્રેનિંગ સુધી, સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આ વાત તો સાચી છે પણ તેનાથી એક ઊલટું પણ થઈ રહ્યું છે.સરકાર તો કરી રહી છે પરંતુ લક્ષનો જે પરિવાર છે ને તે લક્ષ જ્યારે પણ જીતે છે ત્યારે હંમેશા મારા માટે આપની બાલ મીઠાઈ લાવે છે. ખેલાડીઓને ખૂબ દૂર સુધી જવું નહીં પડે તે માટે સરકાર વિવિધ સ્થળોએ રમતનાં મેદાનો પણ બનાવી રહી છે.આજે જ હલ્દવાનીમાં હૉકી ગ્રાઉન્ડ અને રૂદ્રપુરમાં વેલોડ્રોમ સ્ટેડિયમનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તાળી પાડો મારા નવયુવાનો, તમારું કામ થઈ રહ્યું છે. મારા ઉત્તરાખંડના યુવાનોને તેનો લાભ મળશે. હું ધામીજી અને તેમની સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું, ખૂબ ખૂબ શુભકમાનાઓ પણ આપીશ જેઓ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય રમતોની તૈયારી કરી રહ્યા છે. તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન, અભિનંદન.
મારા પરિવારજનો,
ઉત્તરાખંડનાં દરેક ગામમાં દેશના રક્ષકો છે. અહીંની વીર માતાઓએ વીર પુત્રોને જન્મ આપ્યો છે જેઓ મારા દેશની રક્ષા કરી રહ્યા છે. વન રૅન્ક વન પેન્શનની તેમની દાયકાઓ જૂની માગને અમારી જ સરકારે પૂરી કરી છે. અત્યાર સુધી, વન રૅન્ક વન પેન્શન હેઠળ, 70 હજાર કરોડ રૂપિયા, તેનાથી પણ વધારે અમારી સરકારે ભૂતપૂર્વ સૈનિકોને આપ્યા છે. ઉત્તરાખંડના 75 હજારથી વધુ ભૂતપૂર્વ સૈનિકોના પરિવારોને પણ આનો લાભ મળ્યો છે.સરહદી વિસ્તારોમાં વિકાસ એ પણ અમારી સરકારની મોટી પ્રાથમિકતા છે. આજે સરહદી વિસ્તારોમાં સુવિધાઓનું નિર્માણ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તમે વિચારતા જ હશો કે તમારી ભૂલ શું હતી... પહેલાની સરકારોએ આ કામ કેમ ન કર્યું? તે તમારી ભૂલ ન હતી. દુશ્મનો તેનો ફાયદો ઉઠાવીને અંદર ન આવી જાય તેવા ડરથી અગાઉની સરકારોએ સરહદી વિસ્તારોનો વિકાસ કર્યો ન હતો, મને કહો, શું દલીલ આપવામાં આવી હતી? આજનું નવું ભારત અગાઉની સરકારોની આ ડરેલી વિચારસરણીને પાછળ છોડીને આગળ વધી રહ્યો છે. ન તો અમે ડરીએ છીએ અને ન તો અમે ડરાવીએ છીએ.
ભારતની આખી સરહદ, જેના પર આપણે આધુનિક રસ્તાઓ બનાવી રહ્યા છીએ, સુરંગો બનાવી રહ્યા છીએ, પુલ બનાવી રહ્યા છીએ. છેલ્લાં9 વર્ષમાં માત્ર સરહદી વિસ્તારોમાં જ 4200 કિલોમીટરથી વધુ લંબાઇના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. અમે સરહદના કિનારે લગભગ 250 મોટા પુલ અને 22 સુરંગો પણ બનાવી છે. આજે પણ આ કાર્યક્રમમાં અનેક નવા પુલોનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. હવે અમે બોર્ડર સુધી ટ્રેનો પણ લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. આ બદલાયેલી વિચારસરણીનો લાભ ઉત્તરાખંડને પણ મળવા જઈ રહ્યો છે.
મારા પરિવારજનો,
અગાઉ સરહદી વિસ્તારો, સરહદી ગામો દેશનાં છેલ્લાં ગામો ગણાતાં હતાં. જે છેલ્લો છે, તે વિકાસનામામલે પણ તેનો નંબર છેલ્લે જ આવતો હતો. આ પણ એક જૂની વિચારસરણી હતી. અમે સરહદી ગામોને છેલ્લાં નહીં પરંતુ દેશનાં પ્રથમ ગામો તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે.વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ, એવી જ રીતે સરહદી ગામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અમારો પ્રયાસ છે કે જે લોકો અહીંથી હિજરત કરી ગયા છે તેઓ ફરી પાછા ફરે. અમે ઈચ્છીએ છીએ કે આ ગામોમાં પ્રવાસન વધે અને તીર્થયાત્રાનો વિસ્તાર થાય.
મારા પરિવારજનો,
એક જુની કહેવત છે કે પહાડનું પાણી અને પહાડનીજવાની પર્વતને કોઈ કામ આવતી નથી. મેં સંકલ્પ કર્યો છે કે હું આ અવધારણા પણ બદલીને રહીશ. તમે પણ જોયું હશે કે ભૂતકાળની ખોટી નીતિઓને કારણે ઉત્તરાખંડનાં ઘણાં ગામડાં ઉજ્જડ થઈ ગયાં. રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, દવા, કમાણી, દરેક વસ્તુનો અભાવ અને આ અભાવને કારણે લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે.હવે સંજોગો બદલાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં નવી તકો સર્જાઇ રહી છે અને નવી સુવિધાઓ ઉભી થઈ રહી છે તેમ-તેમ ઘણા સાથી પોતાનાં ગામ પાછા ફરવા લાગ્યા છે. ડબલ એન્જિનસરકારનો પ્રયાસ છે કે ગામડાઓમાં પરત ફરવાનું આ કામ ઝડપથી થાય. તેથી જ આ રસ્તાઓ પર, પાવર પ્રોજેક્ટ્સ પર, હૉસ્પિટલો પર, શાળા-કૉલેજો પર અને મોબાઈલ ફોનના ટાવર પર આટલું મોટું રોકાણ થઈ રહ્યું છે. આજે પણ આને લગતા ઘણા પ્રોજેક્ટ્સ અહીં શરૂ થયા છે.
અહીં સફરજનના બગીચા અને ફળો અને શાકભાજીની ઘણી સંભાવનાઓ છે. હવે જ્યારે અહીં રસ્તાઓ બની રહ્યા છે અને પાણી પહોંચી રહ્યું છે ત્યારે મારાં ખેડૂત ભાઈ-બહેનોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. આજે જે પોલીહાઉસ બનાવવાની અને સફરજનના બગીચાને વિકસાવવાની યોજના પણ શરૂ થઈ ગઈ છે. આ યોજનાઓ પાછળ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉત્તરાખંડના આપણા નાના ખેડૂતોનું જીવન સુધારવા માટે આટલા બધા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. પીએમકિસાન સન્માન નિધિ હેઠળ પણ ઉત્તરાખંડના ખેડૂતોને અત્યાર સુધીમાં 2200 કરોડ રૂપિયાથી વધુ મળી ચૂક્યા છે.
સાથીઓ,
અહીં તો બરછટ અનાજ- શ્રી અન્ન પણ અનેક પેઢીઓથી ઉગાડવામાં આવે છે. જ્યારે હું તમારી વચ્ચે રહેતો હતો, ત્યારે મેં તમારી વચ્ચે ઘણો સમય વિતાવ્યો છે. તે સમયે દરેક ઘરમાં બરછટ અનાજ પણ પુષ્કળ પ્રમાણમાં ખવાતુંહતું. હવે કેન્દ્ર સરકાર આ બરછટ અનાજને, શ્રીઅન્નને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા માગે છે. આ માટે દેશભરમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આનો પણ બહુ મોટો લાભઆપણા ઉત્તરાખંડના નાના ખેડૂતોને મળવા જઈ રહ્યો છે.
મારા પરિવારજનો,
અમારી સરકાર માતાઓ અને બહેનોની દરેક મુશ્કેલી અને દરેક અસુવિધા દૂર કરવા પ્રતિબદ્ધ છે. તેથી જ અમારી સરકારે ગરીબ બહેનોને પાકાં ઘર આપ્યાં. અમે બહેનો અને દીકરીઓ માટે શૌચાલય બનાવી આપ્યાં, તેમને ગેસ કનેક્શન આપ્યા, બૅન્ક ખાતા ખોલાવ્યા, મફત સારવાર આપી, મફત રાશન આજે પણ ચાલુ છે જેથી ગરીબોનાં ઘરોમાં ચૂલો સળગતો રહે.
હર ઘર જલ યોજના હેઠળ, ઉત્તરાખંડમાં 11 લાખ પરિવારોની બહેનોને પાઈપથી પાણીની સુવિધા મળી રહી છે. હવે બહેનો માટે વધુ એક કામ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે લાલ કિલ્લા પરથી મેં મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપવાની જાહેરાત કરી છે. ખેતરોમાં દવા, ખાતર, બિયારણ, આવાં અનેક કામો ડ્રોન દ્વારા કરી શકાશે.હવે તો એવા ડ્રોન પણ બનાવવામાં આવી રહ્યા છે જે ફળો અને શાકભાજીને નજીકનાં શાક માર્કેટ સુધી પહોંચાડી શકે. પહાડોમાં ડ્રોન દ્વારા દવાઓ ઝડપથી પહોંચાડી શકે, એટલે કે મહિલા સ્વ-સહાય જૂથોને મળનારા આ ડ્રોન ઉત્તરાખંડને આધુનિકતાની નવી ઊંચાઈઓ પર લઈ જવાના છે.
મારા પરિવારજનો,
ઉત્તરાખંડમાં તોગામેગામ ગંગા છે, ગંગોત્રી છે. અહીંનાહિમ શિખરોમાં શિવજી અને નંદબિરાજે છે. ઉત્તરાખંડના મેળા, કૌથિગ, થૌલ, ગીત-સંગીત અને ખાન-પાન પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ ભૂમિ પાંડવ નૃત્ય, છોલિયા નૃત્ય, માંગલ ગીત, ફુલદેઈ, હરેલા, બગવાલ અને રમ્માણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમૃદ્ધ છે. લોકજીવનનો સ્વાદ રોટ, અરસે, ઝંગોરે કી ખીર, કફલી, પકોડા, રાયતા, અલમોડાની બાલ મીઠાઈ, સિંગોરી...એનો સ્વાદ કોણ ભૂલી શકે છે.અને આ જે કાલી ગંગાની ભૂમિ છે, એ ભૂમિ સાથે તો મારો ઘણો સંબંધ પણ રહ્યો છે. અહીં ચંપાવત સ્થિત અદ્વૈત આશ્રમ પણ, એની સાથે પણ મારો ઊંડો સંબંધ રહ્યો છે. એ મારાં જીવનનો એક સમયગાળો હતો.
મારી ઘણી બધી યાદો અહીંની એક-એક ઇંચજમીનના પર પડેલી છે. આ વખતે બહુ ઇચ્છા હતી કે હું આ દિવ્ય પરિસરમાં વધારે સમય વીતાવું. પરંતુ આવતીકાલે દિલ્હીમાં G-20 સંબંધિત વધુ એક મોટુંસંમેલન છે. સમગ્ર સુનિયાના પાર્લામેન્ટના જે સ્પીકર છે G-20ના, એમની એક બહુ મોટી સમિટ છે. અને આ કારણે હું અદ્વૈત આશ્રમ ચંપાવતમાં જઈ શકતો નથી. મારી ઇશ્વરને કામના છે કે મને જલ્દીથી આ આશ્રમની મુલાકાત લેવાની તક ફરી એક વાર મળે.
મારા પરિવારજનો,
ઉત્તરાખંડમાં પર્યટન અને તીર્થયાત્રાના વિકાસ સાથે જોડાયેલા ડબલ એન્જિન સરકારના પ્રયાસો હવે રંગ લાવી રહ્યા છે. આ વર્ષે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 50 લાખની આસપાસ પહોંચી રહી છે, તમામ રેકોર્ડ તૂટી ગયા છે. બાબા કેદારના આશીર્વાદથી કેદારનાથ ધામનાં પુનઃનિર્માણ સંબંધિત પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. શ્રી બદ્રીનાથ ધામમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે અનેક કામો થઈ રહ્યાં છે.કેદારનાથ ધામ અને શ્રી હેમકુંડ સાહિબમાં રોપ-વેનું કામ પૂર્ણ થતાં જ દિવ્યાંગ અને વૃદ્ધ યાત્રિકોને ઘણી સગવડ મળવાની છે. અમારી સરકાર, કેદારખંડની સાથે સાથે અને તેથી જ હું આજે અહીં આવ્યો છું, મારે માનસખંડને પણ એ ઉંચાઈ પર લઈ જવાનું છે.અમે કેદારખંડ અને માનસખંડની કનેક્ટિવિટી પર પણ ખૂબ ભાર આપી રહ્યા છીએ. કેદારનાથ અને બદ્રીનાથ ધામ જનારા લોકો પણ સરળતાથી જાગેશ્વર ધામ, આદિ કૈલાશ અને ઓમ પર્વતની મુલાકાત લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે જે આ માનસખંડ મંદિર માલા મિશન શરૂ થયું છે, એનાથી પણ કુમાઉનાં ઘણાં મંદિરો સુધી આવવા-જવાનું સરળ બનશે.
મારો અનુભવ કહે છે કે બદ્રીનાથ અને કેદારનાથ આવનારા લોકો ભવિષ્યમાં ચોક્કસ અહીં આવશે. તેઓ આ વિસ્તારને જાણતા નથી. અને આજે જ્યારે લોકો ટીવી પર વીડિયો જોશે ને કે મોદી આંટોમારી આવ્યા છે, ત્યારે તમે જોઇ લેજો અને બધાને કહેશે યાર કંઇક તો હશે, અને તમે તૈયારી કરો, યાત્રાળુઓની સંખ્યા વધવાની છે, મારું માનસખંડ ધમધમવાનું છે.
સાથીઓ,
ઉત્તરાખંડની વધતી જતી કનેક્ટિવિટી અહીંના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમને ચારધામ મહાપરિયોજનાથી,બારમાસી રોડથી ઘણી સગવડ થઈ છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તો સમગ્ર વિસ્તારની કાયાકલ્પ થઈ જશે. UDAN યોજના હેઠળ આ સમગ્ર પ્રદેશમાં સસ્તી હવાઈ સેવાઓનું પણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.આજે જ બાગેશ્વરથી કનાલીચીના સુધી, ગંગોલીહાટથી અલમોડા સુધી અને ટનકપુર ઘાટથી પિથોરાગઢ સુધીના રસ્તાઓનું કામ શરૂ થઈ ગયું છે. આનાથી સામાન્ય લોકોને સુવિધા તો મળશે જ પરંતુ પ્રવાસનમાંથી કમાણીની તકો પણ વધશે. મને ખુશી છે કે અહીંની સરકાર હોમસ્ટેને પ્રોત્સાહિત કરી રહી છે.પર્યટન એક એવું ક્ષેત્ર છે જ્યાં મહત્તમ રોજગાર છે અને ઓછામાં ઓછી મૂડીની જરૂર હોય છે. આગામી સમયમાં તો પ્રવાસન ક્ષેત્ર ઘણું વિસ્તરવા જઈ રહ્યું છે. કારણ કે આખી દુનિયા આજે ભારત આવવા માગે છે. ભારત જોવા માગે છે. ભારતને જાણવા માગે છે. અને જે ભારત જોવા ઇચ્છે છે તે ઉત્તરાખંડ આવ્યા વિના, ભારત જોવું એનું પૂરું નથી થતું.
મારા પરિવારજનો,
વીતેલા સમયમાં ઉત્તરાખંડ જે રીતે કુદરતી આફતોથી ઘેરાયેલું રહ્યું છે તેનાથી પણ હું સારી રીતે વાકેફ છું. આપણે આપણા ઘણા સ્વજનો ગુમાવ્યા છે. કુદરતી આફતોનો સામનો કરવા માટે આપણે આપણી તૈયારીમાં સતત સુધારો કરતા જ રહેવાનું છે અને આપણે આમ કરતા રહીશું. આ માટે આગામી 4-5 વર્ષમાં ઉત્તરાખંડમાં 4 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઉત્તરાખંડમાં એવી સુવિધાઓ બનાવવામાં આવશે, જેથી આપત્તિના સમયે રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ શકે.
મારા પરિવારજનો,
આ ભારતનો અમૃતકાલ છે. આ અમૃતકાલ, દેશનાં દરેક ક્ષેત્ર અને દરેક વર્ગને સુવિધાઓ, સન્માન અને સમૃદ્ધિ સાથે જોડવાનો કાળ છે.મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બાબા કેદાર અને બદ્રી વિશાલના આશીર્વાદથી, આદિ કૈલાશના આશીર્વાદથી, આપણે આપણા સંકલ્પોને ઝડપથી પૂર્ણ કરી શકીશું. ફરી એકવાર આટલો પ્રેમ આપવા બદલ…7 કિલોમીટર, ખરેખર, મારી પાસે વર્ણન કરવા માટે શબ્દો નથી. હું હૅલિકોપ્ટરથી નીકળ્યો, અહીં 7 કિલોમીટર આવ્યો.અને આવવામાં વિલંબ થયો કારણ કે 7 કિલોમીટર બંને તરફ ત્યાં માનવ સાંકળ ન હતી, માનવ દિવાલ હતી. એવી ભીડ હતી અને જાણે પરિવારમાં કોઈ પ્રસંગ હોય તેવા ઉત્સવનાં વસ્ત્રો પહેરીને, શુભ પ્રસંગ માટેનાં કપડાં પહેરીને, મંગલ વાતાવરણમાં, માતાઓના હાથમાં આરતી, ફૂલોના ગુલદસ્તા, આશીર્વાદ આપતા તેઓ અટકતા નહોતા. આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક પળો હતી. આજે,આ મારા માટે ખૂબ જ ભાવનાત્મક પળો હતી. આજેપિથોરાગઢને અને પિથોરાગઢ જિલ્લાના તમામ લોકોને, આ સમગ્ર ખંડને મારા માનસખંડ, તેણે આજે જે પ્રેમ અને ઉત્સાહ વરસાવ્યો છે; ઉત્સાહ બતાવ્યો છે; હું શત-શત નમન કરું છું. તમારો આભાર વ્યક્ત કરું છું.
ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી સાથે બોલો - બંને હાથ ઊંચા કરો અને પૂરી તાકાતથી બોલો–
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ખૂબ ખૂબ આભાર!
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1967273)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam