પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યનાં માળખાગત સુવિધા ધરાવતા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા
રાજસમંદ અને ઉદેપુરમાં બે-લેનને અપગ્રેડ કરવા માટે માર્ગ નિર્માણ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો
ઉદેપુર રેલવે સ્ટેશનને નવેસરથી વિકસાવવા અને ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
“ભારત સરકાર રાજ્યના વિકાસ સાથે દેશના વિકાસના મંત્રમાં માને છે”
“અમે ‘જીવનની સરળતા’ વધારવા માટે આધુનિક માળખાગત સુવિધાઓનું સર્જન કરી રહ્યાં છીએ”
“અગાઉના શાસકોની ટૂંકી દ્રષ્ટિએ માળખાગત સુવિધાના સર્જનની ઉપેક્ષા કરી હતી, જે દેશને મોંઘી પડી છે”
“આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના સંકલ્પ પાછળ શક્તિશાળી પ્રેરકબળ તરીકે આધુનિક માળખાગત સુવિધા બહાર આવી છે”
“અત્યારે ભારત એક આકાંક્ષી સમાજ છે”
“એ દિવસ દૂર નથી, જ્યારે રાજસ્થાન 100 ટકા રેલવે ઇલેક્ટ્રિફિકેશન ધરાવતા રાજ્યો પૈકીનું એક હશે”
“સરકાર સેવાની ભાવના સાથે કામ કરી રહી છે અને અમે ભક્તિભાવ સાથે કામ કરી રહ્યાં છીએ”
Posted On:
10 MAY 2023 1:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રકલ્પો કે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, ઉદ્ઘાટન કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવા અને જોડાણને વેગ આપવા પર કેન્દ્રિત છે, જ્યાં વિવિધ રેલવે અને માર્ગ પ્રોજેક્ટ ચીજવસ્તુઓની હેરફેર અને સેવાઓની સુવિધા આપશે, જેનાં પરિણામે વેપાર અને વાણિજ્યમાં વધારો થશે તેમજ આ વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારાને વેગ મળશે.
અહીં એક જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીનાથજીના મેવાડની પવિત્ર અને પાવન ભૂમિની મુલાકાત લેવાની તક મળવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં દર્શન અને પૂજાઅર્ચના કરવાની વાતને યાદ કરી હતી તેમજ આઝાદી કા અમૃત કાળમાં વિકસિત ભારતના લક્ષ્યાંકો પાર પાડવા ભગવાના આશીર્વાદ મળે એવી શુભ ભાવના વ્યક્ત કરી હતી.
આજે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો અને જે પ્રોજેક્ટ દેશવાસીઓને અર્પણ થયા હતા તેનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ રાજસ્થાનની જોડાણની સુવિધામાં વધારો કરશે, જ્યાં છ લેન ધરાવતો ઉદેપુરથી શામળાજી વિભાગનો રાષ્ટ્રીય રાજમાર્ગ ઉદેપુર, ડુંગરપુર અને બાંસવાડા માટે લાભદાયક પુરવાર થશે. રાષ્ટ્રીય રાજમાર્ગ-25 (એનએચ-25)નો બિલારા-જોધપુર વિભાગ જોધપુરમાંથી સરહદી વિસ્તારોની સરળ સુલભતા આપશે. તેમણે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય રાજમાર્ગને પગલે જયપુર-જોધપુર વચ્ચે પ્રવાસ માટે લાગતા સમયમાં ત્રણ કલાકનો ઘટાડો થશે તેમજ કુંભલગઢ અને હલ્દીઘાટ જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પહોંચવામાં વધારે સુવિધા ઊભી થશે. તેમણે કહ્યું હતું કે, “શ્રી નાથદ્વારાથી નવી રેલવે લાઇન મેવાડને મારવાડ સાથે જોડશે અને માર્બલ, ગ્રેનાઇડ અને ખાણ ઉદ્યોગ જેવા ક્ષેત્રોના વિકાસમાં મદદરૂપ થશે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “ભારત સરકાર રાજ્યના વિકાસ સાથે દેશના વિકાસના મંત્રમાં માને છે.” તેમણે રાજસ્થાનને ભારતના સૌથી મોટા રાજ્યો પૈકીનું એક ગણાવ્યું હતું. રાજસ્થાન ભારતના સાહસ, સાંસ્કૃતિક વારસા અને સંસ્કૃતિમાં મોખરે હોવાની વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં વિકાસની ગતિનો સીધો સંબંધ રાજસ્થાનના વિકાસ સાથે છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં આધુનિક માળખાગત સુવિધાઓના વિકાસ પર વિશેષ ભાર મૂકી રહી છે. તેમણે સમજાવ્યું હતું કે, આધુનિક માળખાગત સુવિધા રેલવે અને માર્ગો પૂરતી મર્યાદિત નથી, પરંતુ આ ગામડાઓને શહેરો વચ્ચે જોડાણમાં પણ વધારો કરે છે, જેથી સુવિધાઓમાં વધારો થયો છે અને સમાજ વચ્ચે જોડાણ વધ્યું છે, જેનાથી ડિજિટલ જોડાણમાં વધારો થતાં લોકોનું જીવન સરળ બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આધુનિક માળખાગત સુવિધા આ ભૂમિના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાની સાથે વિકાસ પર પણ ભાર મૂકે છે. પ્રધાનમંત્રીએ દેશમાં દરેક શક્ય માળખાગત સુવિધામાં અસાધારણ રોકાણ પર ભાર મૂકીને અને વિકાસની અભૂતપૂર્વ ઝડપ વિશે વાત કરીને કહ્યું હતું કે, “આધુનિક માળખાગત સુવિધા આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના સંકલ્પ પાછળ એક શક્તિશાળી પ્રેરકબળ તરીકે બહાર આવી છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રેલવે હોય, એરવેઝ હોય કે હાઇવેઝ હોય –માળખાગત સુવિધાના દરેક ક્ષેત્રમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે. ભારતના ચાલુ વર્ષના બજેટમાં માળખાગત સુવિધાના વિકાસ પર 10 લાખ કરોડ રૂપિયાની અંદાજપત્રીય જોગવાઈનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આટલા માટો પાયે રોકાણ માળખાગત સુવિધા ઊભી કરવા માટે થઈ રહ્યું છે, ત્યારે તેની સીધી અસર આ વિસ્તારના વિકાસ અને રોજગારીની તકો પર થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારની વિવિધ યોજનાઓ અર્થતંત્રને નવેસરથી વેગ આપી રહી છે.
પ્રધાનમંત્રીએ દેશમાં નકારાત્મકને પ્રાપ્ત પ્રોત્સાહનનો સંદર્ભ પણ ટાંક્યો હતો. તેમણે આટા અને ડેટા, સડક-સેટેલાઇટ વચ્ચે પ્રાથમિકતાઓ પર પ્રશ્ર ઉઠાવતાં લોકો વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મૂળભૂત સુવિધાઓની સાથે દેશમાં આધુનિક માળખાગત સુવિધાઓનું સર્જન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, મતબેંકનું રાજકારણ દેશના ભવિષ્ય માટેની યોજનાને અશક્ય બનાવે છે. તેમણે નાની-નાની અસ્કયામતોના સર્જન પાછળ ટૂંકા ગાળાની વિચારસરણી કે દ્રષ્ટિની ટીકા કરી હતી, જે અતિ ઝડપથી વધી રહેલી વધતી જરૂરિયાતો પૂરી કરવા અપર્યાપ્ત છે. તેમણે કહ્યું હતું કે, આવી ટૂંકી દ્રષ્ટિ માળખાગત સુવિધાના સર્જનની ઉપેક્ષા કરે છે, જે છેવટે દેશને મોટા નુકસાન તરફ દોરી ગઈ છે.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પ્રવાસનની મર્યાદિત સુવિધાને કારણે મુશ્કેલી પડવાની સાથે કૃષિ, વ્યવસાય અને ઉદ્યોગમાં સંકળાયેલા લોકોને પણ વિવિધ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. પછી તેમણે કહ્યું હતું કે, “રાજસ્થાનને દેશમાં માળખાગત સુવિધાના વિકાસ માટે ભવિષ્યલક્ષી લાંબા ગાળાની દ્રષ્ટિના અભાવને કારણે મોટા પાયે મુશ્કેલી પડી હતી.” વર્ષ 2000માં તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો પ્રારંભ થયો હતો એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2014 સુધી અંદાજે 3 લાખ 80 હજાર કિલોમીટરની લંબાઈ ધરાવતા ગ્રામીણ માર્ગોનું નિર્માણ થયું હતું, જેની સરખામણીમાં વર્તમાન કેન્દ્ર સરકારે છેલ્લાં નવ વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે 3 લાખ 50 હજાર કિલોમીટરનું નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેમાંથી 70 હજાર કિલોમીટરના ગ્રામીણ માર્ગોનું નિર્માણ રાજસ્થાનના ગામડાઓમાં થયું હતું. અત્યારે દેશના મોટાં ભાગનાં ગામડાં પાકાં માર્ગો દ્વારા જોડાઈ ગયા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માર્ગોની સુવિધા ગામડાં સુધી પહોંચાડવાની સાથે ભારત સરકાર આધુનિક રાજમાર્ગો સાથે શહેરોને જોડી રહી છે. વર્ષ 2014 અગાઉના દિવસોની સરખામણીમાં હાલ બમણી ઝડપથી રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે તાજેતરમાં દૌસા ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના એક વિભાગ દેશને અર્પણ કરવાનો પ્રસંગ યાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે ભારત એક આકાંક્ષી સમાજ છે. અને લોકો ઓછા સમયમાં વધારે સુવિધાઓ મેળવવા ઝંખે છે. ભારત અને રાજસ્થાનની જનતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવી અમારી જવાબદારી છે.”
પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકના જીવનમાં રેલવેના મહત્વ પર ભાર મૂકીને આધુનિક ટ્રેનો, રેલવે સ્ટેશનો અને ટ્રેક જેવા બહુસ્તરીય પગલાં દ્વારા રેલવેના આધુનિકીકરણની યોજના પર વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી ગઈ છે. માવલી મારવાડ સેક્શનના ગેજનું પરિવર્તન અને અમદાવાદ અને ઉદેપુરના રુટનું બ્રોડ ગેજિંગ પણ પૂર્ણ થયું છે.
પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકારે માનવરહિત દરવાજાઓની કામગીરી પૂર્ણ કર્યા પછી દેશમાં સંપૂર્ણ રેલવે નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કે વીજળીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ભારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે, દેશમાં સેંકડો રેલવે સ્ટેશનો ઉદેપુર રેલવે સ્ટેશનની લાઇનોની જેમ આકાર લઈ રહ્યાં છે અને મુલાકાતીઓનું સંચાલન કરવાની ક્ષમતામાં પણ વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ફ્રેઇટ ટ્રેનો (માલવાહક ટ્રેનો) માટે એક અલગ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમણે ખાસ ધ્યાન દોર્યું હતું કે, રાજસ્થાનનું રેલવે બજેટ વર્ષ 2014ની સરખામણીમાં 14 ગણું વધારવામાં આવ્યું છે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, રાજસ્થાનમાં 75 ટકા રેલવે નેટવર્કનું વીજળીકરણ થઈ ગયું છે, જ્યાં ડુંગરપુર, ઉદેપુર, ચિત્તોડ, પાલી, સિરોહી અને રાજસમંદ જેવા જિલ્લાઓને ગેટ બદલવાના અને લાઇનના ડબલિંગનો ફાયદો મળ્યો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “એ દિવસ દૂર નથી, જ્યારે રાજસ્થાન 100 ટકા રેલવે ઇલેક્ટ્રિફિકેશન ધરાવતા રાજ્યો પૈકીનું હશે.”
પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં પ્રવાસન ક્ષેત્ર અને યાત્રાધામો માટે જોડાણ વધારવાના ફાયદા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મહારાણા પ્રતાપના શૌર્ય, ભામાશાની દાનવીરતા અને વીર પન્ના દાઈની ગાથાને પણ યાદ કરી હતી. તેમણે ગઈકાલે મહારાણા પ્રતાપની જન્મજયંતિ પર તેમને દેશવાસીઓએ આપેલી શ્રદ્ધાંજલિની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દેશના વારસાનું સંરક્ષણ કરવા વિવિધ સર્કિટ બનાવવા પર કામ કરી રહી છે. ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત યાત્રાધામોને એકબીજા સાથે જોડાવામાં આવે છે. રાજસ્થાનમાં ક્રિષ્ના સર્કિટ વિકસી રહી છે, જેનાથી ગોવિંદ દેવજી, ખટુ શ્યામજી અને શ્રીનાથજીના દર્શનની સરળતા ઊભી થઈ છે. તેમણે તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “સરકાર સેવાની ભાવના સાથે કામ કરી રહી છે અને એને ભક્તિભાવ ગણે છે. જનતા જનાર્દન માટે જીવનની સરળતા અમારી સરકારની પ્રાથમિકતા છે.”
આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, સાંસદ અને રાજસ્તાન સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પૃષ્ઠભૂમિ
પ્રધાનમંત્રીએ રાજસમંદ અને ઉદેપુરમાં બે-લેનના અપગ્રેડેશન માટે માર્ગ નિર્માણ પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉદેપુર રેલવે સ્ટેશન પર જનતા માટે સુવિધાઓ વધારવા રેલવે સ્ટેશનને નવેસરથી વિકસાવવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે રાજસમંદમાં નાથદ્વારાથી નાથદ્વારા શહેર સુધી નવી લાઇન સ્થાપિત કરવા અને ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટ માટે પણ શિલાન્યાસ કર્યો હતો.
ઉપરાંત પ્રધાનમંત્રીએ દેશને ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ પણ અર્પણ કર્યા હતા, જેમાં 114 કિલોમીટરની લંબાઈ ધરાવતો છ-લેનનો ઉદેપુરથી શામળાજીનો રાષ્ટ્રીય રાજમાર્ગ-48નો એક વિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ-25નો બાર-બિલારા-જોધપુરના 110 કિલોમીટર લંબાઈ ધરાવતા વિભાગને પહોળો કરીને 4 લેનનો માર્ગ, જે તેની સમાંતર નિયમિત અવરજવર કરતાં લોકો માટે અલગ માર્ગ ધરાવે છે તેમજ આવો જ એક 47 કિલોમીટર ધરાવતો બે લેન ધરાવતો માર્ગ, જે રાષ્ટ્રીય રાજમાર્ગ 58ઇનો એક વિભાગ સામેલ છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1923105)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam