પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 24 અને 25 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, કેરળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી રૂ. 27,000 કરોડથી વધુ મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે સંકલિત ઇ-ગ્રામસ્વરાજ અને GeM પોર્ટલનું ઉદ્ઘાટન કરશે અને લગભગ 35 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ પણ સોંપશે

પ્રધાનમંત્રી PMAY-G હેઠળ 4 લાખથી વધુ લાભાર્થીઓનો ‘ગૃહપ્રવેશ’ અંકિત કરતા કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે

પ્રધાનમંત્રી કોચી વોટર મેટ્રોનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી સિલ્વાસા ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી દમણમાં દેવકા સીફ્રન્ટનું લોકાર્પણ કરશે

Posted On: 21 APR 2023 3:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 અને 25 એપ્રિલ, 2023ના રોજ મધ્યપ્રદેશ, કેરળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 24 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 19,000 કરોડના મૂલ્યની વિવિધ રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી 25 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગ્યે, તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને તેને રવાના કરાવશે. ત્યારબાદ, લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને તૈયાર થયેલી પરિયોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી સાંજે લગભગ 4 વાગ્યે, સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે અને લગભગ 4:30 વાગ્યે તેઓ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. ત્યારપછી સાંજે 6 વાગ્યે પ્રધાનમંત્રી દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીની રીવાની મુલાકાત

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને દેશભરની તમામ ગ્રામસભાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને સંબોધન કરશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી પંચાયત સ્તરે જાહેર ખરીદી માટે એકીકૃત ઇ-ગ્રામસ્વરાજ અને GeM પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. ઇ-ગ્રામસ્વરાજ એક સરકારી ઇ-માર્કેટપ્લેસ સંકલનનો ઉદ્દેશ્ય જેનો ઉદ્દેશ પંચાયતો ઇ-ગ્રામસ્વરાજ પ્લેટફોર્મનો લાભ લઇને GeM દ્વારા તેમના માલસામાન અને સેવાઓની ખરીદી કરી શકે તેવો છે.

સરકારી યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે લોકોની ભાગીદારીને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી विकास की ओर साझे क़दम (વિકાસની દિશામાં સહિયારા ડગલાં) નામના અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાનની થીમ સહિયારો વિકાસ હશે, જેમાં છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી લગભગ 35 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ લાભાર્થીઓને આપશે. આ કાર્યક્રમ પછી, દેશમાં સ્વામિત્વ યોજના હેઠળ લગભગ 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હશે, જેમાં અહીં વિતરિત કરાયેલા કાર્ડનો પણ સમાવેશ થાય છે.

'સૌના માટે આવાસ'નું લક્ષ્ય પૂરું કરવાની દૂરંદેશીને પૂરી કરવાની દિશામાં એક પગલું ભરતા, પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ હેઠળ બાંધવામાં આવેલા ઘરોના 4 લાખથી વધુ લાભાર્થીઓનો 'ગૃહપ્રવેશ' અંકિત કરતા કાર્યક્રમમાં પણ પ્રધાનમંત્રી ભાગ લેશે.

પ્રધાનમંત્રી લગભગ રૂ. 4200 કરોડના મૂલ્યની વિવિધ રેલ્વે પરિયોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે અને નવી યોજનાઓનો શિલાન્યાસ કરશે. લોકાર્પિત કરવામાં આવશે તેવી પરિયોજનાઓમાં તેમાં મધ્યપ્રદેશમાં 100 ટકા રેલ વિદ્યુતીકરણ, વિવિધ ડબલિંગ, ગેજ રૂપાંતરણ અને વિદ્યુતીકરણને લગતી પરિયોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ગ્વાલિયર સ્ટેશનના કાયાકલ્પની પરિયોજનાનો પણ શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી જલ જીવન મિશન હેઠળ આશરે રૂપિયા 7,000 કરોડની પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે.

પ્રધાનમંત્રીની તિરુવનંતપુરમની મુલાકાત

પ્રધાનમંત્રી તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે.

પ્રધાનમંત્રી રૂપિયા 3200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી કોચી વોટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પોતાની રીતે અનોખો એવો આ પ્રોજેક્ટ કોચી શહેર સાથે વિના અવરોધે કનેક્ટિવિટી માટે બૅટરી સંચાલિત ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ દ્વારા કોચીની આસપાસના 10 ટાપુઓને જોડે છે. પ્રધાનમંત્રી દ્વારા કોચી વોટર મેટ્રો ઉપરાંત ડીંડીગુલ-પલાની-પલક્કડ સેક્શનના રેલ વિદ્યુતીકરણનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન, તિરુવનંતપુરમ, કોઝિકોડ, વર્કલાશિવગિરી રેલ્વે સ્ટેશનોના કાયાકલ્પ સહિત વિવિધ રેલ્વે પરિયોજનાઓ; નેમોન અને કોચુવેલી સહિત તિરુવનંતપુરમ વિસ્તારનો વ્યાપક વિકાસ અને તિરુવનંતપુરમ-શોરનુર વિભાગની વિભાગીય ગતિમાં વૃદ્ધિની પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરશે.

આ ઉપરાંત, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કરશે. શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને ઉદ્યોગો અને વ્યાપારી એકમો દ્વારા ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા માટે એક મુખ્ય સંશોધન સુવિધા તરીકે ડિજિટલ સાયન્સ પાર્કની પરિકલ્પના કરવામાં આવી છે. ત્રીજી પેઢીના સાયન્સ પાર્ક તરીકે, ડિજિટલ સાયન્સ પાર્ક AI, ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યોરિટી, સ્માર્ટ મટિરિયલ્સ વગેરે જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉત્પાદનોના વિકાસને સમર્થન આપવા માટે સામાન્ય સુવિધાઓ ધરાવતો હશે. અદ્યતન મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો દ્વારા ઉચ્ચતમ લાગુ કરાયેલા સંશોધન અને યુનિવર્સિટીઓ સાથે મળીને ઉત્પાદનોના સહ-વિકાસને સમર્થન આપશે. પ્રોજેક્ટના તબક્કા-1 માટે પ્રારંભિક રોકાણ આશરે રૂ. 200 કરોડ છે જ્યારે પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 1515 કરોડ છે.

પ્રધાનમંત્રીની સિલ્વાસા અને દમણની મુલાકાત

પ્રધાનમંત્રી સિલ્વાસામાં NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે અને તેનું લોકાર્પણ કરશે. આ સંસ્થાનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ પોતે જ જાન્યુઆરી, 2019માં કર્યો હતો. આ સંસ્થા કેન્દ્રશાસિત પ્રદેશ  દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નાગરિકો માટે આરોગ્ય સંભાળ સેવાઓમાં પરિવર્તન લાવશે. આ અદ્યતન મેડિકલ કોલેજમાં અદ્યતન સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સની સુલભતા સાથે સજ્જ 24x7 સેન્ટ્રલ લાઇબ્રેરી, વિશિષ્ટ તબીબી સ્ટાફ, તબીબી લેબોરેટરીઓ, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન લેબોરેટરીઓ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ, રમતગમત સુવિધાઓનો સમાવેશ થાય છે તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટે રહેઠાણની સુવિધા પણ સમાવવામાં આવી છે.

ત્યારબાદ, પ્રધાનમંત્રી સિલ્વાસાના સાયલી મેદાનમાં રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની 96 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને તૈયાર પરિયોજનાઓ રાષ્ટ્રને લોકાર્પિત કરશે. આ પરિયોજનાઓમાં દાદરા અને નગર હવેલી જિલ્લાના મોરખાલ, ખેરડી, સિંદોની અને મસાટ ખાતેની સરકારી શાળાઓ; દાદરા અને નગર હવેલી જિલ્લામાં વિવિધ રસ્તાઓનું સૌંદર્યકરણ, મજબૂતીકરણ અને પહોળા કરવાની કામગીરી; આંબાવાડી, પરિયારી, દમણવાડા, ખારીવાડ ખાતેની સરકારી શાળાઓ અને દમણ ખાતેની સરકારી એન્જિનિયરિંગ કોલેજ; મોટી દમણ અને નાની દમણ ખાતે માછલી બજાર અને શોપિંગ કોમ્પ્લેક્સ અને નાની દમણમાં પાણી પુરવઠા યોજનાનું વિસ્તરણ વગેરે યોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી દમણમાં દેવકા સીફ્રન્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. આશરે રૂ. 165 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો 5.45 કિમીનો દરિયા કિનારો દેશમા પોતાની રીતે અલગ દરિયાકાંઠાનો પ્રવાસનો અનુભવ કરાવનારો સીફ્રન્ટ છે. સીફ્રન્ટ સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને આ પ્રદેશમાં વધુ પ્રવાસીઓને આકર્ષશે તેવી અપેક્ષા છે. આ સીફ્રન્ટ હરવાફરવા અને મનોરંજન પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનસે. સીફ્રન્ટને વિશ્વ કક્ષાના પર્યટન સ્થળમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. તેમાં સ્માર્ટ લાઇટિંગ, પાર્કિંગની સુવિધા, બગીચા, ફૂડ સ્ટોલ, મનોરંજનના વિસ્તારો અને ભવિષ્યમાં લક્ઝરી ટેન્ટ સિટીની જોગવાઇનો સમાવેશ થાય છે.

YP/GP/JD



(Release ID: 1918560) Visitor Counter : 245