મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી આવતીકાલે "મહિલાઓના આર્થિક સશક્તિકરણ" પર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના બજેટ પછીના વેબિનારમાં સંબોધન આપશે


આ વેબિનારનો ઉદ્દેશ્ય મહિલાઓની માલિકીના અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યાવસાયિક સાહસોના દીર્ઘકાલિન વિકાસ માટે મનોમંથન કરવાનો અને મજબૂત માર્ગો તૈયાર કરવાનો તેમજ કેન્દ્રીય બજેટ 2023-24માં કરવામાં આવેલી જાહેરાતના અમલીકરણ માટે વ્યૂહરચના અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો છે

વેબિનારની થીમ અંતર્ગત SHGને મોટા વ્યાવસાયિક સાહસો/સામુહિક સંસ્થામાં વ્યાપક બનાવવા; ટેક્નોલોજી અને ફાઇનાન્સનો લાભ લેવો; તેમજ બજારો અને વેપાર વિસ્તરણ, એમ ત્રણ બ્રેક-આઉટ સત્રો યોજીને તેના પર વ્યાપક ચર્ચાઓ કરાશે

Posted On: 09 MAR 2023 2:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે મહિલાઓના આર્થિક સશક્તિકરણવિષય પર બજેટ પછી યોજનારા વેબિનારના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપશે. આ વેબિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વેબિનાર મહિલાઓની માલિકીના અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વ્યાવસાયિક સાહસોના દીર્ઘકાલિન વિકાસ માટે મનોમંથન કરવાના અને મજબૂત માર્ગો તૈયાર કરવાના તેમજ કેન્દ્રીય બજેટ 2023-24માં કરવામાં આવેલી જાહેરાતના અમલીકરણ માટે વ્યૂહરચના અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવી રહ્યો છે જે સરકાર દ્વારા યોજાઇ રહેલા બજેટ પછીના વેબિનારની શ્રેણીનો એક હિસ્સો છે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્રભાઇ મુંજપરા અને અન્ય મહાનુભાવો તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્રના અધિકારીઓ પણ ઉદ્ઘાટન સત્રમાં જોડાશે. પ્રધાનમંત્રીના સંબોધન પછી મહિલા અને બાળ વિકાસ સચિવ દ્વારા બજેટના અમલીકરણ માટે વ્યૂહરચના અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને આ વેબિનારના મુખ્ય વિષય પર ચર્ચાને આગળ ધપાવવામાં આવશે.

ઉદ્ઘાટન સત્ર પછી, વેબિનારની થીમ હેઠળ SHGને વ્યાવસાયિક સાહસો/સામુહિક સંસ્થામાં વ્યાપક બનાવવા; ટેક્નોલોજી અને ફાઇનાન્સનો લાભ લેવો; તેમજ બજારો અને વેપાર વિસ્તરણ, એમ ત્રણ બ્રેક-આઉટ સત્રો યોજવામાં આવશે જેમાં ક્ષેત્રના નિષ્ણાતો, મહિલા સ્વ-સહાય સમૂહ સંઘો અને અન્ય સહભાગીઓ દ્વારા આ વિષય પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. બ્રેક-આઉટ સત્રોમાં ચર્ચાના અંતે વ્યવહારુ અને અમલીકરણ કરી શકાય તેવા ઉકેલો બહાર આવશે તેવી અપેક્ષા છે.

વેબિનારમાં મધ્યસ્થીઓ, જે-તે ક્ષેત્રના નિષ્ણાતો અને ક્ષેત્રના વક્તાઓ જોડાશે. તેનું લાઇવ વેબકાસ્ટ કરવામાં આવશે. વેબિનારના સહભાગીઓમાં સરકારી કાર્યકર્તાઓ, મહિલા સ્વ-સહાય સમૂહના સભ્યો/સંઘો, જાહેર/ખાનગી ક્ષેત્રની બેંકોના પ્રતિનિધિઓ, એગ્રી-ટેક કંપનીઓ, નાગરિક સમાજ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી ચેમ્બરના સભ્યો, SRLMના સભ્યો અને મોટી સંખ્યામાં અન્ય લોકો ભાગ લેશે.

કેન્દ્રીય નાણાં મંત્રીના બજેટ ભાષણમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બજેટમાં કરાયેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું કે, "81 લાખ સ્વ-સહાય સમૂહોને એકત્ર કરવામાં DAY-NRLMને પ્રાપ્ત થયેલી નોંધપાત્ર સફળતાને કાચા માલના પુરવઠામાં યોગ્ય હસ્તક્ષેપ દ્વારા મોટા ઉત્પાદક સાહસો અથવા સમૂહોની રચના કરીને, તેમના ઉત્પાદનોની ડિઝાઇન, ગુણવત્તા, બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં સહાયતા કરીને, મોટા ઉપભોક્તા બજારોને સેવા પૂરી પાડી શકાય તે માટે તેમની કામગીરીને વ્યવસાયિક રીતે સંચાલિત કરીને તેને વ્યાપક બનાવીને અને તેમાંથી કેટલાકને 'યુનિકોર્ન'માં રૂપાંતરિત કરીને આર્થિક સશક્તિકરણના આગલા તબક્કામાં લઇ જવામાં આવશે.

બ્રેક-આઉટ સત્રો પછી એક સમાપન યોજવામાં આવશે, જેમાં સંબંધિત મંત્રાલયો/વિભાગોના સચિવો અને અન્ય હિતધારકોની ઉપસ્થિતિમાં ત્રણ બ્રેકઆઉટ સત્રોમાંથી દરેકના મધ્યસ્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ખુલ્લી ચર્ચા કરવામાં આવશે.

YP/GP/JD


(Release ID: 1905335) Visitor Counter : 306