પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘જલ-જન અભિયાન’ની પ્રારંભમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું


"અમૃતકાળમાં, ભારત પાણીને ભવિષ્ય તરીકે જોઇ રહ્યું છે"

"ભારત પાણીને ભગવાન અને તેની નદીઓને માતા માને છે"

"પાણીનું સંરક્ષણ એ આપણા સમાજની સંસ્કૃતિ અને આપણી સામાજિક વિચારસરણીનું કેન્દ્ર છે"

"નમામી ગંગે અભિયાન દેશના વિવિધ રાજ્યો માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે"

"દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ એ જળ સંરક્ષણની દિશામાં એક મોટું પગલું છે"

Posted On: 16 FEB 2023 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા જલ-જન અભિયાનમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.

ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા જલ જન અભિયાનના પ્રારંભમાં ભાગ લેવાની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પાસેથી શીખવા મળે તે હંમેશા વિશેષ અનુભવ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સ્વર્ગસ્થ રાજયોગીની દાદી જાનકીજી તરફથી મને મળેલા આશીર્વાદ મારી સૌથી મોટી સંપત્તિ છે". તેમણે 2007માં દાદા પ્રકાશ મણિજીના નિધન બાદ શ્રદ્ધાંજલિ આપવા માટે આબુ રોડ પર જવાનું થયું તે મુલાકાતને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ વિતેલા વર્ષોમાં બ્રહ્મા કુમારીઝની બહેનો તરફથી તેમને મળેલા ઉષ્માભર્યા આમંત્રણોની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, હંમેશા આધ્યાત્મિક પરિવારના સભ્ય તરીકે તેમની વચ્ચે હાજરી આપી શકે તેવો પ્રયાસ કરે છે. તેમણે 2011માં અમદાવાદમાં યોજવામાં આવેલા 'ફ્યુચર ઓફ પાવર'ના કાર્યક્રમો, સંસ્થાની સ્થાપનાના 75વર્ષ સંબંધિત કાર્યક્રમો, 2013માં સંગમ તીર્થધામ સંસ્થાની સ્થાપના, 2017માં બ્રહ્મા કુમારી સંસ્થાનના 80મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ અને અમૃત મહોત્સવ દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમને યાદ કર્યા હતા અને તેમણે આપેલા પ્રેમ અને લાગણી બદલ સૌનો આભાર માન્યો હતો. તેમણે બ્રહ્મા કુમારીઝ સાથેના તેમના વિશેષ સંબંધ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે સ્વથી ઉપર ઊઠવું અને સમાજને સર્વસ્વ સમર્પિત કરવું એ બધા માટે આધ્યાત્મિક સાધનાનું એક સ્વરૂપ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જલ-જન અભિયાનનો આરંભ સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે આખી દુનિયામાં પાણીની અછતને ભાવિ સંકટ તરીકે જોવામાં આવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, 21મી સદીનું વિશ્વ પૃથ્વી પરના મર્યાદિત જળ સંસાધનોની ગંભીરતાનો અહેસાસ કરી રહ્યું છે અને તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારતની વિશાળ વસ્તીને કારણે જળ સુરક્ષા એ એક મોટો પ્રશ્ન છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, અમૃતકાળમાં, ભારત પાણીને ભવિષ્ય તરીકે જોઇ રહ્યું છે. જો પાણી હશે તો આવતીકાલ આવશે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજથી જ આપણે સહિયારા પ્રયાસો હાથ ધરવા પડશે. દેશવાસીઓએ જળ સંરક્ષણને જન ચળવળમાં ફેરવી દીધું હોવા અંતે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બ્રહ્મા કુમારીઝનું જલ-જન અભિયાન જનભાગીદારીના આ પ્રયાસને નવી તાકાત આપશે. તેમણે ટાંક્યું હતું કે, જળ સંરક્ષણ અભિયાનની પહોંચને પણ વેગ મળશે અને તેની અસરમાં પણ વધારો થશે.

પ્રધાનમંત્રીએ હજારો વર્ષ પહેલાં પ્રકૃતિ, પર્યાવરણ અને પાણી અંગે સંયમિત, સંતુલિત અને સંવેદનશીલ વ્યવસ્થા બનાવનારા ભારતના ઋષિમુનિઓને યાદ કર્યા હતા. તેમણે પાણીનો નાશ નહીં પરંતુ તેનું સંરક્ષણ કરવાની વર્ષો જૂની કહેવતને યાદ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ લાગણી હજારો વર્ષોથી ભારતની આધ્યાત્મિકતા અને આપણા ધર્મનો એક ભાગ છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, "જળ સંરક્ષણ એ આપણા સમાજની સંસ્કૃતિ અને આપણા સામાજિક વિચારનું કેન્દ્ર છે", અને ઉમેર્યું હતું કે, "તેથી જ આપણે પાણીને ભગવાન અને આપણી નદીઓને માતા માનીએ છીએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમાજ પ્રકૃતિ સાથે આવું ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે, ત્યારે ટકાઉક્ષમ વિકાસ તેની જીવનશૈલી બની જાય છે. તેમણે ભૂતકાળની ચેતનાને પુનર્જીવિત કરતી વખતે ભવિષ્યના પડકારોનો ઉકેલ શોધવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ જળ સંરક્ષણના મૂલ્યો પ્રત્યે દેશવાસીઓમાં વિશ્વાસ કેળવવાની અને જળ પ્રદૂષણનું કારણ બનતા હોય તેવા દરેક અવરોધોને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જળ સંરક્ષણ પ્રત્યે બ્રહ્મા કુમારીઝ જેવી ભારતની આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાને રેખાંકિત કરી હતી.

પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિતેલા દાયકાઓમાં એક નકારાત્મક વિચાર પ્રક્રિયા વિકસી હતી અને જળ સંરક્ષણ તેમજ પર્યાવરણ જેવા વિષયોને મુશ્કેલ માનવામાં આવતા હતા. છેલ્લા 8-9 વર્ષોમાં થયેલા ફેરફારો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માનસિકતા અને પરિસ્થિતિ બંનેમાં હવે પરિવર્તન આવી ગયું છે. નમામી ગંગે અભિયાનનું ઉદાહરણ આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, માત્ર ગંગા જ નહીં પરંતુ તેની તમામ ઉપનદીઓને પણ સ્વચ્છ થઇ રહી છે, જ્યારે ગંગાના કિનારે કુદરતી ખેતી જેવા અભિયાનોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "નમામી ગંગે અભિયાન દેશના વિવિધ રાજ્યો માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે".

પ્રધાનમંત્રીએ કેચ ધ રેઇન અભિયાનપર પ્રકાશ પાડતા ટાંક્યું હતું કે, ભૂગર્ભ જળનું ઘટી રહેલું સ્તર પણ દેશ માટે એક મોટો પડકાર છે. તેમણે જણાવ્યું હતું કે, અટલ ભુજલ યોજના દ્વારા દેશની હજારો ગ્રામ પંચાયતોમાં જળ સંરક્ષણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવાના અભિયાનના મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો અને જણાવ્યું હતું કે, જળ સંરક્ષણની દિશામાં લેવામાં આવેલું તે એક મોટું પગલું છે.

જળ સંરક્ષણમાં મહિલાઓના યોગદાનને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગામડાઓની મહિલાઓ પાણી સમિતિઓ દ્વારા જલજીવન મિશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓનું નેતૃત્વ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્રહ્મા કુમારીની બહેનો દેશમાં તેમજ વૈશ્વિક સ્તરે સમાન ભૂમિકા ભજવી શકે છે. તેમણે જળ સંરક્ષણની સાથે પર્યાવરણને લગતા મુદ્દાઓ ઉઠાવવાની જરૂરિયાત પર પણ સ્પર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે દેશ ખેતીમાં પાણીના સંતુલિત ઉપયોગ માટે ટપક સિંચાઇ જેવી તકનીકોને પ્રોત્સાહન આપી રહ્યો છે અને બ્રહ્મા કુમારીઝને તેનો ઉપયોગ વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે, સમગ્ર વિશ્વ પણ આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. તેમણે દરેકને તેમના આહારમાં બરછટ અનાજનો સમાવેશ કરવા વિનંતી કરી હતી. તેમણે રેખાંકિત કર્યું હતું કે શ્રી અન્ન બાજરા અને શ્રી અન્ન જુવાર સદીઓથી ભારતની કૃષિ અને ખાદ્ય આદતોનો એક ભાગ છે. તેમણે માહિતી આપી હતી કે, બાજરી પોષણથી ભરપૂર છે અને ખેતી દરમિયાન પાણી ઓછું વાપરે છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જલ-જન અભિયાન સંયુક્ત પ્રયાસથી સફળ થશે અને સારા ભવિષ્ય સાથે વધુ સારા ભારતનું નિર્માણ કરવામાં મદદ કરશે.

YP/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1899841) Visitor Counter : 230