પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મુંબઇમાં અલજામિઆ-તુસ-સૈફિયાના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું
"હું પ્રધાનમંત્રી તરીકે નહીં, પરંતુ એક પરિવારના સભ્ય તરીકે અહીં ઉપસ્થિત છું જે ચાર પેઢીઓથી આ પરિવાર સાથે જોડાયેલો છે"
"બદલાતા સમય અને વિકાસને અનુરૂપ થવાના માપદંડો પર, દાઉદી વ્હોરા સમુદાયે પોતાને પુરવાર કરી બતાવ્યો છે. અલજામિઆ-તુસ-સૈફિયા જેવી સંસ્થા આનું જીવંત ઉદાહરણ છે”
"દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવા સુધારા સાથે અમૃતકાળના સંકલ્પોને આગળ વધારી રહ્યો છે"
"ભારતની નૈતિકતા સાથેની આધુનિક શિક્ષણ પ્રણાલી એ દેશની પ્રાથમિકતા છે"
"શૈક્ષણિક માળખાકીય સુવિધાઓની ઝડપ અને વ્યાપકતા એ હકીકતના સાક્ષી છે કે ભારત તે યુવા પ્રતિભાનો સમૂહ બનવા જઇ રહ્યું છે જે વિશ્વને આકાર આપશે"
"આપણા યુવાનો વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી વાકેફ છે અને સક્રિયપણે ઉકેલો શોધી રહ્યા છે"
"આજે, દેશ રોજગાર સર્જકોની પડખે ઉભો છે અને વિશ્વાસની પ્રણાલી બનાવવામાં આવી રહી છે"
"ભારત જેવા દેશ માટે વિકાસ અને વારસો એક સરખું મહત્વ ધરાવે છે"
Posted On:
10 FEB 2023 7:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઇના મરોલ ખાતે અલજામિઆ-તુસ-સૈફિયા (ધ સૈફી એકેડમી)ના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. અલજામિઆ-તુસ-સૈફિયા એ દાઉદી વ્હોરા સમુદાયની મુખ્ય શૈક્ષણિક સંસ્થા છે. પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના માર્ગદર્શન હેઠળ, આ સંસ્થા સમુદાયની શીખવાની પરંપરાઓ અને સાહિત્યિક સંસ્કૃતિના રક્ષણ માટે કામ કરી રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં પ્રધાનમંત્રી તરીકે નથી આવ્યા પરંતુ એક પરિવારના સભ્ય તરીકે છે, જે ચાર પેઢીઓથી આ પરિવાર સાથે જોડાયેલો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક સમુદાય, સમૂહ અથવા સંગઠન બદલાતા સમય સાથે તેની સુસંગતતા અકબંધ રાખવાની ક્ષમતા દ્વારા ઓળખાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બદલાતા સમય અને વિકાસને અનુરૂપ થવાના માપદંડો પર, દાઉદી વ્હોરા સમુદાયે પોતાને પુરવાર કરી બતાવ્યો છે. અલજામિઆ-તુસ-સૈફિયા જેવી સંસ્થા આનું જીવંત ઉદાહરણ છે".
પ્રધાનમંત્રીએ દાઉદી વ્હોરા સમુદાય સાથેના તેમના લાંબા જોડાણ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં સમુદાયનો સ્નેહ તેમના પર વરસતો રહે છે. તેમણે ડૉ. સૈયદનાને 99 વર્ષની ઉંમરે ભણાવતા હોવાના દૃશ્ટાંતો યાદ કર્યા હતા અને ગુજરાતના સમુદાય સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધો વિશે વાત કરી હતી. સુરતમાં ડૉ. સૈયદનાની શતાબ્દી ઉજવણીને યાદ કરતા, પ્રધાનમંત્રીએ ગુજરાતની પાણીની સ્થિતિ વિશે આધ્યાત્મિક ગુરુની પ્રતિબદ્ધતાને યાદ કરી હતી અને પાણીના ઉદ્દેશ્ય માટે તેમની સતત પ્રતિબદ્ધતા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ આ બાબતને કુપોષણ અને પાણીની અછતનો સામનો કરવા માટેના કારણો માટે સમાજ અને સરકારની પૂરકતાના ઉદાહરણ તરીકે ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ વ્હોરા સમુદાયના ભારત પ્રત્યેના પ્રેમ અને ચિંતા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, "જ્યારે હું માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ક્યાંક જાઉં છું, ત્યારે મારા વ્હોરા ભાઇઓ અને બહેનો ચોક્કસપણે મને મળવા માટે આવે છે".
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાચા ઇરાદા સાથેના સપનાં હંમેશા સાકાર થાય છે અને વધુમાં ઉમેર્યું હતું કે મુંબઇમાં અલજામિઆ-તુસ-સૈફિયાનું સપનું આઝાદી પહેલાં જોવામાં આવ્યું હતું. શ્રી મોદીએ એ પણ યાદ કર્યું હતું કે, દાંડી કાર્યક્રમ પહેલાં મહાત્મા ગાંધી દાઉદી વ્હોરા સમુદાયના નેતાના ઘરે રોકાયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમના અનુરોધ પર આ ઘર સરકારને મ્યુઝિયમ તરીકે સ્મૃતિ તરીકે રાખવા માટે આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ દરેક લોકોને આ ઘરની મુલાકાત લેવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ મહિલાઓ અને છોકરીઓના આધુનિક શિક્ષણ માટે ઉપલબ્ધ નવી તકો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, "દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવા સુધારાઓ સાથે અમૃતકાળના સંકલ્પોને આગળ વધારી રહ્યો છે". તેમણે નોંધ્યું હતું કે, અલજામિઆ-તુસ-સૈફિયા પણ આ પ્રયાસમાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ ભારતની નૈતિકતા સાથેની આધુનિક શિક્ષણ પ્રણાલી એ દેશની પ્રાથમિકતા છે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એ સમયને યાદ કર્યો હતો જ્યારે ભારત નાલંદા અને તક્ષશિલા જેવી સંસ્થાઓ સાથે શિક્ષણનું કેન્દ્ર હતું, જેણે સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે ભારતનું ગૌરવ ફરીથી સ્થાપિત કરવું હોય તો શિક્ષણના એ ગૌરવપૂર્ણ વર્ષોને ફરીથી જીવવા પડશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં વિક્રમી સંખ્યામાં યુનિવર્સિટીઓ શરૂ કરવામાં આવી છે અને દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપી હતી કે, 2004-2014 વચ્ચે 145 કોલેજોની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે 2014-22 વચ્ચે 260થી વધુ મેડિકલ કોલેજો અસ્તિત્વમાં આવી હતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, "છેલ્લા 8 વર્ષમાં, દર અઠવાડિયે એક યુનિવર્સિટી અને બે કોલેજો ખોલવામાં આવી છે". તેમણે ઉમેર્યું હતું કે, "આ ઝડપ અને વ્યાપકતા એ હકીકતના સાક્ષી છે કે ભારત તે યુવા પ્રતિભાનો સમૂહ બનવા જઇ રહ્યું છે જે વિશ્વને આકાર આપશે.”
ભારતમાં શિક્ષણ વ્યવસ્થામાં કરવામાં આવેલા નોંધપાત્ર ફેરફારને ઉજાગર કરતા પ્રધાનમંત્રીએ શિક્ષણ વ્યવસ્થામાં પ્રાદેશિક ભાષાઓના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, એન્જિનિયરિંગ અને મેડિકલ શિક્ષણ હવે પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ થઇ શકાશે. પ્રધાનમંત્રીએ પેટન્ટ પ્રક્રિયાના સરળીકરણ વિશે પણ માહિતી આપી હતી, જેના કારણે પેટન્ટ સિસ્ટમને ઘણી મદદ મળી છે. પ્રધાનમંત્રીએ શિક્ષણ પ્રણાલીમાં ટેક્નોલોજીના વધી રહેલા ઉપયોગની નોંધ લીધી અને કહ્યું હતું કે, આજના યુવાનોને ટેક્નોલોજી અને આવિષ્કારોનો સામનો કરવા માટે કૌશલ્યોથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણા યુવાનો વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી વાકેફ છે અને સક્રિયપણે ઉકેલો શોધી રહ્યા છે".
કોઇપણ દેશ માટે એક મજબૂત શૈક્ષણિક પ્રણાલી અને મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બંનેનું મહત્વ એક સરખું જ હોય છે તે વાતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ બંને બાબતો યુવાનોના ભવિષ્યનો પાયો નાખે છે. તેમણે છેલ્લાં 8-9 વર્ષમાં 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'માં કરવામાં આવેલા ઐતિહાસિક સુધારાની વાત કરી હતી અને માહિતી આપી હતી કે, દેશે 40 હજાર અનુપાલન નાબૂદ કર્યાં છે અને સેંકડો જોગવાઇઓનું નિરાપરાધીકરણ કર્યું છે. કેવી રીતે ઉદ્યોગસાહસિકોને આ કાયદાઓનો ઉપયોગ કરીને હેરાન કરવામાં આવ્યા હતા અને તેના કારણે તેમના વ્યવસાયોને અસર પડી હતી તે સ્થિતિ પણ તેમણે યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ વ્યવસાય માલિકોમાં વિશ્વાસ જગાડી શકાય તે માટે 42 કેન્દ્રીય કાયદાઓ અને વિવાદ સે વિશ્વાસ યોજનામાં સુધારા માટે રજૂ કરવામાં આવેલા જન વિશ્વાસ વિધેયકને સ્પર્શતા કહ્યું હતું કે "આજે, દેશ રોજગાર સર્જકોની પડખે ઉભો છે". તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, આ વર્ષના બજેટમાં કરના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે, જે કર્મચારીઓ અને ઉદ્યોગસાહસિકોના હાથમાં વધુ પૈસા લાવશે.
પ્રધાનમંત્રીએ દેશના દરેક સમુદાય અને વિચારધારાની વિશિષ્ટતા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, "ભારત જેવા દેશ માટે વિકાસ અને વારસા બંનેનું એક સરખું જ મહત્વ છે". શ્રી મોદીએ આ વિશિષ્ટતાનો શ્રેય ભારતમાં ધરોહર અને આધુનિકતાના વિકાસના સમૃદ્ધ માર્ગને આપ્યો હતો. તેમણે રેખાંકિત કર્યું હતું કે, દેશ ભૌતિક માળખાકીય સુવિધાઓ અને સામાજિક માળખાકીય સુવિધાઓ, એમ બંને મોરચે કામ કરી રહ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, આપણે પ્રાચીન પરંપરાગત તહેવારો ઉજવીએ છીએ, તો સાથે સાથે ડિજિટલ ચૂકવણીનો ઉપયોગ પણ કરીએ છીએ. આ વર્ષના બજેટ પર ચિંતન કરતાં, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે નવી ટેકનિકોની મદદથી પ્રાચીન રેકોર્ડને ડિજિટાઇઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે કારણ કે તેમણે તમામ સમાજ અને સંપ્રદાયોના સભ્યોને આગળ આવવા અને તેમની સાથે સંકળાયેલા કોઇપણ પ્રાચીન ગ્રંથોને ડિજિટલાઇઝ કરવા માટે સભ્યોને વિનંતી કરી હતી. તેમણે આ અભિયાન સાથે યુવાનોને જોડીને વ્હોરા સમુદાય જે યોગદાન આપી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ પર્યાવરણ સંરક્ષણ, બરછટ અનાજ પ્રચાર અને ભારતની G20ની અધ્યક્ષતા જેવા કાર્યક્રમોના ઉદાહરણો પણ આપ્યા હતા જ્યાં વ્હોરા સમુદાય જાહેર ભાગીદારીને પ્રોત્સાહિત કરી શકે છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, “વિદેશમાં વ્હોરા સમુદાયના લોકો ઝળકી રહેલા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી શકે છે. દાઉદી વ્હોરા સમુદાય વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન અને મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
(Release ID: 1898103)
Visitor Counter : 213
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam