પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્‌ઘાટન કર્યું



ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનું લૉન્ચિંગ કર્યું

ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનું ટ્વિન-કૂકટોપ મૉડલ સમર્પિત કર્યું

E20 બળતણનો શુભારંભ કરાવ્યો

ગ્રીન મોબિલિટી રેલીને લીલી ઝંડી બતાવી

" વિકસિત ભારતનાં સંકલ્પ સાથે આગળ વધી રહેલા ભારતમાં ઊર્જા ક્ષેત્ર માટે અભૂતપૂર્વ સંભાવનાઓ ઊભી થઈ રહી છે"


"ભારત મહામારી અને યુદ્ધથી પીડાતાં વિશ્વમાં વિશ્વનું ઉજ્જવળ સ્થળ બની રહ્યું છે"

"નિર્ણાયક સરકાર, સાતત્યપૂર્ણ સુધારા, પાયાના સ્તરે સામાજિક-આર્થિક સશક્તીકરણ ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતાનો પાયો છે"

"સુધારાઓ મહત્ત્વાકાંક્ષી સમાજનું નિર્માણ કરી રહ્યા છે"

"આપણે સતત આપણી રિફાઇનિંગ ક્ષમતાને સ્વદેશી, આધુનિક અને અપગ્રેડેડ બનાવી રહ્યા છીએ"

"આપણે 2030 સુધીમાં આપણાં ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો વપરાશ વધારવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ"

Posted On: 06 FEB 2023 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ગણવેશ રિસાયકલ કરાયેલી પીઇટી બોટલમાંથી બનાવવામાં આવે છે. તેમણે ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને પણ સમર્પિત કર્યું હતું અને તેની વ્યાવસાયિક શરૂઆતને લીલી ઝંડી આપી હતી.

બાદમાં પ્રધાનમંત્રીએ ઇથેનોલનાં મિશ્રણની રૂપરેખાને અનુરૂપ 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓનાં 84 રિટેલ આઉટલેટ્સ પર ઇ20 ઇંધણનો શુભારંભ પણ કર્યો હતો. તેમણે ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપી હતી, જેમાં ગ્રીન એનર્જી સ્ત્રોતો પર દોડતા વાહનો ભાગ લેશે અને ગ્રીન ઇંધણ માટે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ કરશે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ તુર્કી અને નજીકના દેશોમાં થયેલા વિનાશ અને મૃત્યુ માટે શોકની લાગણી વ્યક્ત કરીને શરૂઆત કરી હતી. તેમણે શક્ય તેટલી કોઈ પણ સહાય પૂરી પાડવા ભારતની તૈયારી દર્શાવી હતી.

બેંગલુરુ ટેકનોલોજી, પ્રતિભા અને નવીનતાથી ઊભરાતું શહેર છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ આ ઊર્જાનો અનુભવ કરી રહી છે. તેમણે માહિતી આપી હતી કે, ભારત ઊર્જા સપ્તાહ એ જી20 કેલેન્ડરની પ્રથમ મહત્ત્વપૂર્ણ ઊર્જા ઇવેન્ટ છે તથા આ પ્રસંગે તેમણે તમામને આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ 21મી સદીની દુનિયાનાં ભવિષ્યની દિશા નક્કી કરવામાં ઊર્જા ક્ષેત્રની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઊર્જા પરિવર્તન અને ઊર્જાનાં નવાં સંસાધનો વિકસાવવા માટે ભારત દુનિયામાં સૌથી મજબૂત અવાજમાંનો એક છે. વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલા ભારતમાં અભૂતપૂર્વ સંભાવનાઓ ઉભરી રહી છે."

ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર હોવાના આઇએમએફના તાજેતરમાં જાહેર થયેલા અંદાજોનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ભારત વર્ષ 2022માં આ મહામારી અને યુદ્ધના યુગથી પીડાતા વિશ્વમાં વૈશ્વિક સ્તરે ઉજ્જવળ સ્થળ બની રહ્યું છે. તેમણે ભારતની આંતરિક સ્થિતિસ્થાપકતાને શ્રેય આપ્યો જેણે રાષ્ટ્રને બાહ્ય પરિબળો ગમે એ હોય એને ધ્યાનમાં લીધા વિના કોઈપણ અવરોધને દૂર કરવામાં સક્ષમ બનાવ્યું. 

પ્રધાનમંત્રીએ આ માટે વિવિધ પરિબળો ટાંક્યાં હતાં, પ્રથમ, સ્થિર, નિર્ણાયક સરકાર. બીજું, સાતત્યપૂર્ણ સુધારાઓ, ત્રીજું, તળિયાના સ્તરે સામાજિક-આર્થિક સશક્તીકરણ. પ્રધાનમંત્રીએ વિશાળ સામાજિક માળખાગત સુવિધાઓ પર વિસ્તૃત વર્ણન કર્યું હતું, જેમાં બૅન્ક ખાતાઓ મારફતે નાણાકીય સર્વસમાવેશકતા, મફત સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત સ્વચ્છતા, વીજળી, આવાસ અને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાનો સમાવેશ થાય છે, જે કરોડો લોકો સુધી પહોંચી ગયા છે અને ઘણાં મોટા દેશોની વસતિ કરતાં પણ વધારે લોકોનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે.

પ્રધાનમંત્રીએ એ વાતની નોંધ લીધી હતી કે, ભારતનાં કરોડો જીવનની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તનો આવ્યાં છે, જ્યાં તેઓ ગરીબીમાંથી બહાર આવ્યાં છે અને મધ્યમ વર્ગનાં સ્તરે પહોંચ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, દેશમાં 6,00,000 કિલોમીટરનાં ઑપ્ટિકલ ફાઇબર પાથરવામાં આવ્યાં છે, જેથી દરેક ગામને ઇન્ટરનેટ સુવિધા મળી રહે. પ્રધાનમંત્રીએ છેલ્લાં 9 વર્ષમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ ફેંકતા જાણકારી આપી હતી કે, દેશમાં બ્રોડબેન્ડનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં 13 ગણો વધારો થયો છે અને ઇન્ટરનેટ કનેક્શનમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરી વિસ્તારોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત દુનિયામાં મોબાઇલ ફોનનું બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે, જેણે દુનિયાના સૌથી મોટા મહત્વાકાંક્ષી વર્ગની રચના કરી છે. પ્રધાનમંત્રીએ ભારતીય નાગરિકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં ઊર્જાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તરફ ધ્યાન દોરતાં કહ્યું હતું કે, "ભારતનાં લોકો વધારે સારા ઉત્પાદનો, વધારે સારી સેવાઓ અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઇચ્છે છે."

નજીકનાં ભવિષ્યમાં ભારતમાં ઊર્જાની જરૂરિયાત અને માગ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતમાં વિકાસની ઝડપી ગતિને પરિણામે નવા શહેરોનો વિકાસ થશે. આંતરરાષ્ટ્રીય ઊર્જા સંઘને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન દાયકામાં ભારતની ઊર્જાની માગ સૌથી ઊંચી રહેશે, જે ઊર્જા ક્ષેત્રનાં રોકાણકારો અને હિતધારકો માટે તક પ્રસ્તુત કરે છે. તેમણે માહિતી આપી હતી કે, વૈશ્વિક તેલની માગમાં ભારતનો હિસ્સો 5 ટકા છે, જે વધીને 11 ટકા થવાની ધારણા છે, જ્યારે ભારતની ગેસની માગમાં 500 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં વિસ્તરી રહેલાં ઊર્જા ક્ષેત્ર દ્વારા રોકાણ અને જોડાણની નવી તકો ઊભી થઈ રહી છે.

પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્ર માટે વ્યૂહરચના માટે ચાર મુખ્ય વર્ટિકલ્સ સમજાવ્યા હતા. પહેલું, ઘરેલુ સંશોધન અને ઉત્પાદનમાં વધારો, પુરવઠામાં વિવિધતા લાવવી અને ત્રીજું, જૈવિક બળતણ, ઇથેનોલ, કમ્પ્રેસ્ડ બાયોગેસ અને સૌર ઊર્જા જેવાં ઇંધણનું વિસ્તરણ કરવું. ચોથું, ઇલેક્ટ્રિક વાહનો અને હાઇડ્રોજન મારફતે ડિ-કાર્બનાઇઝેશન. આ વર્ટિકલ્સ વિશે વિસ્તૃત વર્ણન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત તેની રિફાઇનિંગ ક્ષમતા ધરાવતો ચોથો સૌથી મોટો દેશ છે. 250 એમએમટીપીએની વર્તમાન ક્ષમતાથી ક્ષમતા વધારીને 450 એમએમટીપીએ કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે અમારી રિફાઇનિંગ ક્ષમતાને સતત સ્વદેશી, આધુનિક અને અપગ્રેડેડ બનાવી રહ્યા છીએ." એ જ રીતે ભારત પેટ્રોરસાયણ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કામ કરી રહ્યું છે. તેમણે ઉદ્યોગનાં નેતૃત્વને તેમના ઉર્જા લેન્ડસ્કેપને વિસ્તૃત કરવા માટે તકનીકી અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. 

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર વર્ષ 2030 સુધીમાં આપણાં ઊર્જા મિશ્રણમાં કુદરતી ગેસનો વપરાશ 6 ટકાથી વધારીને 15 ટકા કરવા યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે, જ્યાં તમામ જરૂરી માળખાગત સુવિધાઓ 'વન નેશન વન ગ્રિડ' દ્વારા પૂરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સરકાર એલએનજી ટર્મિનલ રિગેસિફિકેશનની ક્ષમતા વધારવા પ્રયાસ કરી રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે 21 એમએમટીપીએની ટર્મિનલ રિગેસિફિકેશન ક્ષમતા ૨૦૨૨માં બમણી થઈ ગઈ છે જ્યારે તેને વધુ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, દેશમાં સીજીડીની સંખ્યા 9 ગણી વધી છે અને સીએનજી સ્ટેશનોની સંખ્યા 2014માં 900થી વધીને 5000 થઈ છે. પ્રધાનમંત્રીએ ગેસ પાઇપલાઇનનાં નેટવર્કનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે વર્ષ 2014માં 14,000થી વધીને 22,000 કિલોમીટર થઈ ગયું છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આગામી 4થી 5 વર્ષમાં આ નેટવર્ક વધીને 35,000 કિલોમીટર થઈ જશે. 

ભારતે સ્થાનિક સંશોધન અને ઉત્પાદન પર ભાર મૂક્યો હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ઇપી સેક્ટરે અત્યાર સુધી દુર્ગમ ગણાતાં ક્ષેત્રોમાં રસ દાખવ્યો છે. "અમે 'નો-ગો' ક્ષેત્રોમાં ઘટાડો કર્યો છે. આ કારણે 10 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારને નો-ગોના પ્રતિબંધોથી મુક્ત કરવામાં આવ્યો છે. હું તમામ રોકાણકારોને આ તકોનો ઉપયોગ કરવા અને અશ્મિભૂત ઇંધણનાં સંશોધનમાં તમારી હાજરી વધારવા અનુરોધ કરું છું, એમ તેમણે જણાવ્યું હતું.

જૈવ ઊર્જા વિસ્તરણના સંબંધમાં પ્રધાનમંત્રીએ ગયાં વર્ષે ઑગસ્ટમાં પ્રથમ 2જી ઇથેનોલ જૈવિક-રિફાઇનરી વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, 12 વ્યાવસાયિક 2જી ઇથેનોલ પ્લાન્ટ્સ માટે તૈયારી થઈ રહી છે. એ જ રીતે, ટકાઉ ઉડ્ડયન બળતણ અને પુનઃપ્રાપ્ય ડિઝલની વ્યાવસાયિક શક્યતાની દિશામાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચાલુ વર્ષનાં બજેટની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ 500 નવા 'વેસ્ટ ટુ વેલ્થ' ગોવર્ધન પ્લાન્ટ્સ, 200 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સ અને 300 કોમ્યુનિટી-આધારિત પ્લાન્ટ્સ વિશે જાણકારી આપી હતી, જે રોકાણના નવા માર્ગોનું સર્જન કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન 21મી સદીના ભારતને નવી દિશા આપશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં આ દાયકાના અંત સુધીમાં 5 એમએમટીપીએ ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે, જે રૂ. 8 લાખ કરોડથી વધુનાં રોકાણની સંભાવના લાવે છે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભારત ગ્રે હાઇડ્રોજનને બદલીને ગ્રીન હાઇડ્રોજનનો હિસ્સો ૨૫ ટકા સુધી વધારશે.


પ્રધાનમંત્રીએ ઇવીમાં બેટરીની કિંમતના મહત્ત્વપૂર્ણ વિષય પર પણ વાત કરી હતી અને નોંધ્યું હતું કે, કારની કિંમતના 40-50 ટકા છે. તેમણે માહિતી આપી હતી કે સરકારે 18,000 કરોડ રૂપિયાની પીએલઆઈ યોજના શરૂ કરી છે, જે 50 ગીગાવોટ અવર્સના અદ્યતન કેમેસ્ટ્રી સેલ્સનાં ઉત્પાદનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે.

પ્રધાનમંત્રીએ નવાં બજેટમાં પુનઃપ્રાપ્ય ઊર્જા, ઊર્જાદક્ષતા, સ્થાયી પરિવહન અને ગ્રીન ટેકનોલોજી પર ભાર મૂકવાની વિસ્તૃત માહિતી આપી હતી. ઊર્જા પરિવર્તન અને નેટ-ઝીરો ઉદ્દેશોને આગળ ધપાવવા માટે પ્રાયોરિટી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે 35,000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. 10 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જોગવાઈ ગ્રીન હાઇડ્રોજન, સોલર ટુ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે.

તેમણે ગ્રીન એનર્જી પહેલ વિશે વધુ વિસ્તૃત માહિતી આપી હતી અને માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા 70 ગિગાવોટથી વધીને 170 ગિગાવોટ થઈ છે, જેમાં સૌર ઊર્જામાં 20 ગણો વધારો થયો છે. . તેમણે કહ્યું હતું કે, ભારત પવન ઊર્જાની ક્ષમતામાં ચોથા નંબરે છે. "અમે આ દાયકાના અંત સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત ઇંધણની ક્ષમતા ધરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. "અમે જૈવઇંધણ અને ઇથેનોલ મિશ્રણ પર પણ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છીએ. છેલ્લાં 9 વર્ષમાં અમે પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 1.5 ટકાથી વધારીને 10 ટકા કર્યું છે. હવે અમે 20 ટકા ઇથેનોલનાં મિશ્રણના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છીએ." આજે ઇ-20 રોલઆઉટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેની શરૂઆતના પ્રથમ તબક્કામાં 15 શહેરોને આવરી લેવામાં આવશે અને બે વર્ષની અંદર સંપૂર્ણ દેશમાં તેનું વિસ્તરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઊર્જા પરિવર્તનને લઈને ભારતમાં ચાલી રહેલું જન આંદોલન કેસ સ્ટડીનો વિષય બની ગયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આ બે રીતે થઈ રહ્યું છેઃ પ્રથમ, ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઝડપથી સ્વીકાર અને બીજું, ઊર્જા સંરક્ષણની અસરકારક પદ્ધતિઓનો સ્વીકાર." તેમણે ભારતના નાગરિકો દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોના ઝડપથી સ્વીકારની નોંધ લીધી હતી. તેમણે સૌર ઊર્જાથી ચાલતાં ઘરો, ગામડાઓ અને એરપોર્ટ તથા સૌર પમ્પો મારફતે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી તેનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે માહિતી આપી હતી કે, ભારતે છેલ્લાં 9 વર્ષમાં 19 કરોડથી વધારે કુટુંબોને સ્વચ્છ રાંધણ ઇંધણ સાથે જોડ્યાં છે. આજે લૉન્ચ કરવામાં આવેલી સોલર કૂકટોપ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે ભારતમાં ગ્રીન અને ક્લિન કૂકિંગને નવું પરિમાણ આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આગામી 2-3 વર્ષમાં 3 કરોડથી વધારે કુટુંબોને સોલર કૂકટોપની સુવિધા ઉપલબ્ધ થશે." "ભારતમાં 25 કરોડથી વધુ પરિવારો સાથે, આ રસોડામાં ક્રાંતિ લાવશે." ઘરો અને સ્ટ્રીટલાઇટમાં એલઇડી બલ્બ, ઘરમાં સ્માર્ટ મીટર, સીએનજી અને એલએનજીનો સ્વીકાર અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી લોકપ્રિયતાનાં ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ ઊર્જા સંરક્ષણની અસરકારક પદ્ધતિઓ તરફ ઝડપથી બદલાતા પ્રવાહો પર પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટે ભારતના પ્રયાસોને ભારતીય મૂલ્યો સાથે જોડ્યા હતા, જેમાં સર્ક્યુલર ઇકોનોમી દરેક ભારતીયની જીવનશૈલીનો ભાગ છે તથા રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ એ સંસ્કૃતિનો ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની બૉટલને યુનિફોર્મમાં રિસાયકલ કરવાની પહેલથી મિશન લાઇફ મજબૂત થશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ હિતધારકોને ભારતનાં ઊર્જા ક્ષેત્ર સાથે સંબંધિત તમામ શક્યતાઓ ચકાસવા અને તેની સાથે જોડાવા અપીલ કરી હતી. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, "આજે ભારત તમારાં રોકાણ માટે દુનિયામાં સૌથી યોગ્ય સ્થળ છે."

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

6થી 8 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેનો ઉદ્દેશ એનર્જી ટ્રાન્ઝિશન પાવરહાઉસ તરીકે ભારતની વધતી જતી ક્ષમતાને પ્રદર્શિત કરવાનો છે. આ કાર્યક્રમ પરંપરાગત અને બિન-પરંપરાગત ઊર્જા ઉદ્યોગ, સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓને એકસાથે લાવશે અને જવાબદાર ઊર્જા પરિવર્તન દ્વારા રજૂ કરવામાં આવતા પડકારો અને તકો પર ચર્ચા કરશે. જેમાં દુનિયાભરના 30થી વધુ મંત્રીઓની હાજરી જોવા મળશે. ભારતનાં ઊર્જા ભાવિના પડકારો અને તકો પર ચર્ચા કરવા માટે 30,000થી વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 500 વક્તાઓ એકઠા થશે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો પણ શુભારંભ કરાવ્યો હતો. સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાના પ્રધાનમંત્રીનાં વિઝનનાં માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલે રિટેલ કસ્ટમર એટેન્ડન્ટ્સ અને એલપીજી ડિલિવરી કર્મચારીઓ માટે રિસાયકલ પોલિએસ્ટર (આરપેટ) અને કપાસમાંથી બનેલો ગણવેશ અપનાવ્યો છે. ઇન્ડિયન ઓઇલના કસ્ટમર એટેન્ડન્ટના ગણવેશનો દરેક સેટ આશરે 28 વપરાયેલી પીઇટી બોટલના રિસાયક્લિંગને ટેકો આપશે. ઇન્ડિયન ઓઇલ રિસાયકલ પોલિએસ્ટરમાંથી બનેલા મર્ચેન્ડાઇઝ માટે શરૂ કરવામાં આવેલા ટકાઉ વસ્ત્રો માટેની બ્રાન્ડ 'અનબોટલ્ડ' મારફતે આ પહેલ આગળ વધારે છે. આ બ્રાન્ડ હેઠળ ઇન્ડિયન ઓઇલ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગ્રાહકો માટે ગણવેશની જરૂરિયાત, આર્મી માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ, સંસ્થાઓ માટે ગણવેશ/ડ્રેસીસ અને રિટેલ ગ્રાહકોને વેચાણનો લક્ષ્યાંક નિર્ધારિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલનું લોકાર્પણ પણ કર્યું હતું અને તેનાં વ્યાવસાયિક રોલ-આઉટને લીલી ઝંડી આપી હતી. ઇન્ડિયન ઓઇલે અગાઉ એક જ કૂકટોપ સાથે નવીન અને પેટન્ટેડ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમ વિકસાવી હતી. મળેલા પ્રતિસાદના આધારે, ટ્વીન-કૂકટોપ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમને વપરાશકર્તાઓને વધુ સુગમતા અને સરળતા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે એક ક્રાંતિકારી ઇન્ડોર સોલર કૂકિંગ સોલ્યુશન છે, જે સૌર અને સહાયક ઊર્જા એમ બંને સ્રોતો પર એક સાથે કામ કરે છે, જે તેને ભારત માટે વિશ્વસનીય રસોઈ સોલ્યુશન બનાવે છે.

YP/GP/JD



(Release ID: 1896688) Visitor Counter : 284