પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવી દિલ્હીમાં ત્રીજી 'નો મની ફોર ટેરર' મંત્રી પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
Posted On:
18 NOV 2022 10:39AM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રીમંડળમાંના મારા સાથી શ્રી અમિત શાહ, પ્રતિષ્ઠિત મહાનુભાવો, વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ, સમગ્ર દુનિયાની તપાસ એજન્સીઓ તેમજ સુરક્ષા દળોના સભ્યો અને મારા પ્રિય મિત્રો!
હું કાઉન્ટર ટેરરિઝમ ફાઇનાન્સિંગ પર ત્રીજી મંત્રી સ્તરીય પરિષદમાં આપ સૌનું સ્વાગત કરું છું.
મિત્રો,
આ કોન્ફરન્સ ભારતમાં યોજાઇ રહી છે તે મહત્વપૂર્ણ છે. દુનિયાએ નોંધ લીધી તેના ઘણા લાંબા સમય પહેલાંથી જ અમારો દેશ આતંકની ભયાનકતાનો સામનો કરી રહ્યો છે. દાયકાઓથી, જુદા જુદા નામો અને સ્વરૂપોમાં આતંકવાદે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અમે હજારો લોકોના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે, પરંતુ અમે બહાદુરીપૂર્વક આતંકવાદનો સામનો કર્યો છે.
પ્રતિનિધિઓને એવા દેશ અને લોકો સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે જેઓ આતંકનો સામનો કરવા માટે અડગ રહ્યા છે. અમે માનીએ છીએ કે એક હુમલો પણ અનેક લોકો પર થયેલો મોટો હુમલો છે. એક વ્યક્તિનો જીવ ગુમાવવો એ પણ અનેક લોકોને ગુમાવ્યા સમાન છે. તેથી, જ્યાં સુધી આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં.
મિત્રો,
આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંમેલન છે. આને માત્ર મંત્રીઓના સંમેલન તરીકે ન જોવું જોઇએ. કારણ કે તેમાં એવા વિષય પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જે સમગ્ર માનવજાતને અસર કરે છે. આતંકવાદની લાંબા ગાળાની અસર વિશેષ કરીને ગરીબો તેમજ સ્થાનિક અર્થતંત્ર પર ઘણી કઠોર છે. પર્યટન હોય કે પછી વેપાર, કોઇને એવો વિસ્તાર નથી ગમતો જે સતત જોખમના ઓથારમાં હોય. અને આના કારણે લોકોની રોજીરોટી છીનવાઇ રહી છે. આપણે ટેરર ફાઇનાન્સિંગ (ત્રાસવાદને પૂરા પાડવામાં આવતા ભંડોળ)ના મૂળ પર પ્રહાર કરીએ તે ખૂબ જ મહત્વનું છે.
મિત્રો,
આજની દુનિયામાં, આદર્શ રીતે જોવામાં આવે તો આતંકવાદના જોખમો કેવા તે અંગે દુનિયાને યાદ કરાવવાની કોઇને જરૂર નથી. જો કે, હજુ પણ કેટલાક વર્તુળોમાં આતંકવાદ વિશે કેટલીક ભૂલભરેલી અવધારણાઓ છે. ક્યાં હુમલો થયો હતો તે જગ્યાના આધારે વિવિધ હુમલાઓની પ્રતિક્રિયાની તીવ્રતા કેવી હોવી જોઇએ તેમાં ફેરફાર થઇ શકતો નથી. તમામ આતંકવાદી હુમલાઓ સામે સમાન આક્રોશ હોવો જોઇએ અને સમાન કાર્યવાહી થવી જોઇએ. આ ઉપરાંત, કેટલીકવાર, આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીને રોકવા માટે આતંકવાદના સમર્થનમાં પરોક્ષ દલીલો કરવામાં આવે છે. વૈશ્વિક જોખમનો સમાનો કરતી વખતે અસ્પષ્ટ અભિગમ માટે કોઇ જ સ્થાન નથી. તે માનવજાત, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તેને કોઇ સીમાઓની ખબર નથી. એક સમાન, એકીકૃત અને શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ જ આતંકવાદને પરાજિત કરી શકે છે.
મિત્રો,
આતંકવાદી સામે લડવું અને આતંકવાદ સામે લડવું એ બંને અલગ અલગ બાબતો છે. આતંકવાદી હથિયારો વડે બેઅસર થઇ શકે છે. આતંકવાદીઓને તાત્કાલિક આપવામાં આવતા વ્યૂહાત્મક જવાબો ઓપરેશનલ બાબત હોઇ શકે છે. પરંતુ જો તેમના નાણાંને નુકસાન પહોંચાડવાના હેતુથી મોટી વ્યૂહરચના ઘડવામાં ન આવે તો વ્યૂહાત્મક લાભ ટૂંક સમયમાં ખતમ થઇ શકે છે. આતંકવાદી એક વ્યક્તિ છે. પરંતુ આતંકવાદ વ્યક્તિઓ અને સંગઠનોના નેટવર્કનો સંદર્ભ આપે છે. આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવા માટે મોટા સક્રિય પ્રતિભાવની જરૂર છે. જો આપણે ઇચ્છીએ છીએ કે આપણા નાગરિકો સુરક્ષિત રહે, તો આપણે આતંક આપણા ઘરોમાં ન આવે ત્યાં સુધી રાહ જોઇ શકીએ નહીં. આપણે આતંકવાદીઓનો પીછો કરવો જોઇએ, તેમને સમર્થન આપતા નેટવર્કને તોડી પાડવું જોઇએ અને તેમને મળતી આર્થિક સહાય પર પ્રહાર કરવો જોઇએ.
મિત્રો,
આતંકવાદી સંગઠનોને અનેક સ્રોતો દ્વારા નાણાં મળે છે એ તો સૌ કોઇ સારી રીતે જાણે છે. એક સ્રોત સરકાર દ્વારા મળતું સમર્થન છે. અમુક દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. તેઓ તેમને રાજકીય, વૈચારિક અને આર્થિક સહકાર આપે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ એવું ન વિચારવું જોઇએ કે યુદ્ધ નથી થઇ રહ્યું મતલબ શાંતિ સ્થપાયેલી છે. પ્રોક્સી યુદ્ધો પણ ખતરનાક અને હિંસક છે. આતંકવાદને સમર્થન આપનારા દેશો સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઇએ. એવા સંગઠનો અને લોકો કે જેઓ આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરવાનો પ્રયાસ કરે છે તેમને પણ વિખુટા પાડી દેવા જોઇએ. આવી બાબતોમાં ક્યાંય પણ ‘જો અને તો’ની દલીલોને ધ્યાનમાં રાખવી જોઇએ નહીં. આતંકના તમામ પ્રકારના જાહેર અને છુપાયેલા સમર્થન સામે દુનિયાએ એકજૂથ થવાની જરૂર છે.
મિત્રો,
ટેરર ફંડિંગનો એક સ્રોત સંગઠિત અપરાધ છે. સંગઠિત અપરાધને એકલરૂપે ન જોવો જોઇએ. આ ટોળકી ઘણીવાર આતંકવાદી સંગઠનો સાથે ઊંડા સંબંધો ધરાવે છે. બંદૂકોની હેરાફેરી, ડ્રગ્સ અને દાણચોરી દ્વારા થતી કમાણી આતંકવાદમાં નાખવામાં આવે છે. આ સંગઠનો લોજિસ્ટિક્સ અને સંચારમાં પણ મદદ કરે છે. આતંક સામેની લડાઇમાં સંગઠિત અપરાધ સામેની કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ છે. કેટલીકવાર, મની લોન્ડરિંગ અને નાણાકીય ગુનાઓ જેવી પ્રવૃત્તિઓ પણ આતંકવાદી ભંડોળને મદદ કરવા માટે જાણીતી છે. તેની સામે લડવા માટે વૈશ્વિક સહયોગની જરૂર છે.
મિત્રો,
આવા જટિલ માહોલમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ, ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને એગમોન્ટ ગ્રૂપ, ગેરકાયદેસર ભંડોળના પ્રવાહને રોકવા, તપાસ અને કાર્યવાહીમાં સહકારને વેગ આપી રહ્યા છે. આનાથી છેલ્લા બે દાયકા દરમિયાન આતંકવાદ સામેના યુદ્ધમાં ઘણી રીતે મદદ મળી શકી છે. આનાથી ટેરર ફંડિંગના જોખમોને સમજવામાં પણ મદદ મળી છે.
મિત્રો,
હવે, આતંકવાદની ગતિશીલતા બદલાઇ રહી છે. ઝડપથી આગળ વધી રહેલી ટેકનોલોજી એક પડકાર અને ઉકેલ બંને પ્રકારે કામ કરે છે. ટેરર ફાઇનાન્સિંગ અને ભરતી માટે નવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાર્ક નેટ, ખાનગી કરન્સી અને બીજા ઘણા પડકારો ઉભરી રહ્યા છે. નવી ફાઇનાન્સ ટેકનોલોજીની એકસમાન સમજણની જરૂર છે. આ પ્રયાસોમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવામાં આવે તે પણ ઘણું મહત્વપૂર્ણ છે. એકસમાન સમજણ કેળવવાથી, તપાસ, સંતુલન અને નિયમોનું સંકલિત વ્યવસ્થાતંત્ર ઉભરી શકે છે. પરંતુ, આપણે એક વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે. તેનો જવાબ, ટેકનોલોજીને રાક્ષસના રૂપમાં જોવાનો નથી. તેના બદલે, આતંકવાદને ટ્રેક કરવા, શોધી કાઢવા અને તેનો સામનો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે.
મિત્રો,
આજે, માત્ર ભૌતિક જગતમાં જ નહીં પણ વર્ચ્યુઅલ જગતમાં પણ સહકારની જરૂર છે. સાઇબર ટેરરિઝમ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે અને ઑનલાઇન કટ્ટરપંથની સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. કેટલાક દૂરસ્થ સ્થાન અને ઑનલાઇન સંસાધનોથી શસ્ત્રોની તાલીમ પણ આપવામાં છે. સંદેશાવ્યવહાર, મુસાફરી, લોજિસ્ટિક્સ જેવી વિવિધ દેશોમાં ફેલાયેલી શૃંખલાઓની ઘણી કડીઓ છે. દરેક દેશ આવી શૃંખલાના જે ભાગ સુધી પહોંચ ધરાવે છે તેની વિરુદ્ધ તેમણે અવશ્ય કાર્યવાહી કરવી જોઇએ.
મિત્રો,
ઘણાં વિવિધ રાષ્ટ્રોના પોતાના કાનૂની સિદ્ધાંતો, પ્રક્રિયાઓ અને કામગીરીઓ ધરાવે છે. સાર્વભૌમ રાષ્ટ્રોને તેમનું પોતાનું તંત્ર રાખવાનો અધિકાર છે. જો કે, પ્રણાલીઓ વચ્ચેના તફાવતનો દુરુપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં ન આવે તેની આપણે ખાસ કાળજી રાખવી જોઇએ. સરકારો વચ્ચેના ઊંડા સંકલન અને સમજણ દ્વારા આને અટકાવી શકાય છે. સંયુક્ત ઓપરેશન, ગુપ્તચર સંકલન અને પ્રત્યાર્પણની કામગીરી આતંકવાદ સામેની લડાઇમાં મદદ કરે છે. આપણે કટ્ટરપંથ અને આતંકવાદની સમસ્યાને સંયુક્ત રીતે સંબોધીએ તે પણ મહત્વનું છે. કટ્ટરપંથનું સમર્થન જે કોઇ પણ કરે છે તેને કોઇપણ દેશમાં કોઇ જ સ્થાન મળવું જોઇએ નહીં.
મિત્રો,
છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં સુરક્ષાના વિવિધ પરિમાણોને લગતી ઘણી બધી પરિષદો યોજાઇ છે. ભારતે નવી દિલ્હીમાં ઇન્ટરપોલની મહાસભાનું આયોજન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિનું વિશેષ સત્ર મુંબઇમાં યોજાયું હતું. અત્યારે આયોજિત ‘નો મની ફોર ટેરર’ પરિષદમાં, ભારત ટેરર ફંડિંગ સામે વૈશ્વિક ગતિ વધારવામાં મદદરૂપ થઇ રહ્યું છે. અમારો ઉદ્દેશ આતંકવાદ સામેની લડાઇને આગામી સ્તર પર લઇ જવા માટે દુનિયાને એકજૂથ કરવાનો છે.
મિત્રો,
હું આગામી થોડા દિવસોમાં તમામ સહભાગીઓ વચ્ચે સફળ ચર્ચા થશે તેવી ઇચ્છા રાખું છું. હું એ બાબતે સકારાત્મક છું કે, તમે ટેરર ફંડિંગ પર પ્રહાર કરવામાં તેના તમામ પરિમાણોમાં મદદ કરશો.
આપ સૌનો આભાર.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1876953)
Visitor Counter : 565
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam