પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘ચિંતન શિબિર’માં રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું

"ચિંતન શિબિર એ સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે"

"'પંચ પ્રણ' એ સુશાસન માટે માર્ગદર્શક બળ હોવું જ જોઇએ"

"સ્માર્ટ ટેકનોલોજીની મદદથી કાયદો અને વ્યવસ્થા તંત્રમાં સુધારો લાવી શકાય છે"

"કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા એ 27X7 કામ છે"

"UAPA જેવા કાયદાએ આતંકવાદ સામે નિર્ણાયક લડાઇ લડવામાં તંત્રને તાકાત આપી છે"

"'એક રાષ્ટ્ર, એક પોલીસ ગણવેશ'નું અનુપાલન કાયદાના અમલીકરણને સામાન્ય ઓળખ આપશે"

"ખોટા સમાચારના પ્રસારને રોકવા માટે આપણે ટેકનોલોજીકલ પ્રગતિ સાથે આગળ આવવું પડશે"

"નક્સલવાદનું દરેક સ્વરૂપ, પછી ભલે તે બંદૂક ધરાવતું હોય કે પેન ધરાવતું હોય, તેનાં મૂળિયા ઉખાડીને નાબૂદ કરવા પડશે"

"પોલીસના વાહનો ક્યારેય જૂના ન હોવા જોઇએ કારણ કે તેનો સંબંધ તેમની કાર્યક્ષમતા સાથે હોય છે"

Posted On: 28 OCT 2022 12:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચિંતન શિબિર દરમિયાન રાજ્યોના ગૃહ મંત્રીઓને સંબોધન કર્યું હતું.

આ શિબિરમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ તહેવારની મોસમ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્યવસ્થામાં જોડાયેલા કર્મચારીઓની તૈયારીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચિંતન શિબિર સહકારી સંઘવાદનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંધારણ મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે તે ભલે રાજ્યોની જવાબદારીમાં આવે છે, પરંતુ દેશની એકતા અને અખંડિતતા સાથે તે સમાન રીતે સંબંધ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, "દરેક રાજ્યએ એકબીજા પાસેથી શીખવું જોઇએ, એકબીજા પાસેથી પ્રેરણા લેવી જોઇએ, દેશની સુધારણા માટે કામ કરવું જોઇએ, આ જ બંધારણની ભાવના છે અને તે આપણા દેશવાસીઓ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે."

હાલમાં ચાલી રહેલા અમૃતકાળનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃતકાળ દરમિયાન, એક અમૃત પેઢી પંચ પ્રણના સાર સાથે ઉદયમાન થશે. તેમણે કહ્યું હતું કે, "'પંચ પ્રણ' એ સુશાસન માટે માર્ગદર્શક બળ હોવું જ જોઇએ".

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશની તાકાતમાં વધારો થાય છે ત્યારે દેશના દરેક નાગરિક અને દરેક પરિવારની તાકાતને પણ વેગ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, “આ એવું સુશાસન છે જ્યાં લાભ દરેક રાજ્યમાં કતારમાં ઉભેલી છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી પણ પહોંચે છે. પ્રધાનમંત્રીએ કાયદો અને વ્યવસ્થા તેમજ રાજ્યોના વિકાસ વચ્ચેના જોડાણ પર ભાર મૂક્યો હતો. તેમણે ટાંક્યું હતું કે, સમગ્ર કાયદો અને વ્યવસ્થા તંત્ર વિશ્વસનીય હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ જનતામાં તેનો વિશ્વાસ અને દ્રષ્ટીકોણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કુદરતી આપદાઓના સમયમાં NDRF અને SDRFની વધતી જતી ઓળખની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેવી જ રીતે, ગુનાના સ્થળે પોલીસ આવે છે તેને સરકારના આગમન તરીકે માનવામાં આવે છે અને કોરોનાના સમયગાળા દરમિયાન પણ પોલીસની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રતિબદ્ધતાની કોઇ કમી નથી અને પોલીસની સમજને વધુ મજબૂત કરવાની જરૂર છે. આ બાબતે તેમને માર્ગદર્શન આપવામાં આવે તે આપણી નિરંતર ચાલતી પ્રક્રિયા હોવી જોઇએ.

પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, ગુના હવે સ્થાનિક નથી રહ્યા અને આંતરરાજ્ય, આંતરરાષ્ટ્રીય ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે. એટલા માટે અલગ અલગ રાજ્યની એજન્સીઓ વચ્ચે તેમજ કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ વચ્ચે પરસ્પર સહયોગ ખૂબ જ નિર્ણાયક બની રહ્યો છે. તેમણે ટાંક્યું હતું કે, ભલે તે સાઇબર ક્રાઇમ હોય અથવા શસ્ત્રો કે ડ્રગ્સની દાણચોરી માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય, સરકારે આ ખતરાને પહોંચી વળવા માટે નવી ટેકનોલોજીઓ તરફ કામ કરવાનું ચાલુ રાખવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "સ્માર્ટ ટેકનોલોજીની મદદથી કાયદો અને વ્યવસ્થામાં સુધારો લાવી શકાય છે". તેમણે જણાવ્યું હતું કે 5G, તેના ફાયદાઓ સાથે, અત્યંત વધારે સતર્ક રહેવાની જરૂરિયાત પણ લાવે છે. તેમણે મુખ્યમંત્રીઓ અને ગૃહ મંત્રીને બજેટની મર્યાદાઓથી આગળ વધીને ટેકનોલોજીની જરૂરિયાતનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવા અનુરોધ કર્યો હતો કારણ કે આ ટેકનોલોજી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારના પોલીસ ટેકનોલોજી મિશનનો ઉલ્લેખ કર્યો, જો કે, તેમણે એ બાબતે પણ ભાર મૂક્યો હતો કે, વિવિધ રાજ્યોની અલગ અલગ ટેકનોલોજીઓ એકબીજા સાથે સંવાદ કરતી નથી તેથી એક સહિયારું પ્લેટફોર્મ પણ હોવું જરૂરી. તેમણે ઉમેર્યું હતું કે, "આપણે સમગ્ર ભારતનો દૃષ્ટિકોણ ધરાવતા હોવા જોઇએ, આપણી તમામ શ્રેષ્ઠ પ્રથાઓ પરસ્પર કાર્યક્ષમ હોવી જોઇએ અને તેમની વચ્ચે એક સામાન્ય કડી હોવી જોઇએ". તેમણે રાજ્યની એજન્સીઓને ફોરેન્સિક સાયન્સમાં ક્ષમતા વિકસાવવા અને રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ઓફ ગાંધીનગરનો સંપૂર્ણ લાભ લેવા માટે જણાવ્યું હતું.

સુધારાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ મજબૂતીકરણ લાવવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે જેના કારણે દેશમાં શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવામાં મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે, "કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે એ 27X7 કામ છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમાં સામેલ પ્રક્રિયાઓમાં પ્રગતિ અને સુધારણા તરફ કામ કરવું જરૂરી છે. તેમણે આ દિશામાં લેવામાં આવેલા એક પગલા તરીકે કંપની કાયદામાં ઘણી બાબતેના  નિરાપરાધીકરણનો ઉલ્લેખ કર્યો હતો, તેમજ તેમણે રાજ્યોને પણ મૂલ્યાંકન કરવા અને જૂના નિયમો અને કાયદાઓથી છૂટકારો મેળવવા માટે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદામાં ભ્રષ્ટાચાર, આતંકવાદ અને હવાલાને મજબૂતીથી નિયંત્રિત કરવાની ઇચ્છા સ્પષ્ટ જણાઇ આવે છે. તેમણે કહ્યું હતું કે, "UAPA જેવા કાયદાઓએ આતંકવાદ સામે નિર્ણાયક લડાઇમાં તંત્રને તાકાત આપી છે".

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત રહેલા લોકોને સમગ્ર દેશના રાજ્યોની પોલીસ માટે એક જ ગણવેશ રાખવા પર વિચાર કરવા અંગે જણાવ્યું હતું. આ માત્ર તેની વ્યાપકતાના કારણે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ સુનિશ્ચિત કરશે એવું નથી, બલ્કે કાયદાના અમલીકરણને એક સામાન્ય ઓળખ પણ આપશે કારણ કે નાગરિકો પોલીસ કર્મચારીઓને દેશમાં ગમે ત્યાં ઓળખી શકશે. રાજ્યોમાં તેમનો અંક અથવા ચિહ્ન અલગ હોઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે "'એક રાષ્ટ્ર, એક પોલીસ ગણવેશ', હું ફક્ત તમે સૌ આ બાબતે વિચાર કરો તે માટે તમારી સમક્ષ આની રજૂઆત કરી રહ્યો છું". એવી જ રીતે, તેમણે પ્રવાસન સંબંધિત પોલીસિંગ માટે વિશેષ ક્ષમતાઓ વિકસાવવા વિશે વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસીઓ કોઇપણ સ્થળની પ્રતિષ્ઠાના સૌથી મોટા અને ઝડપી એમ્બેસેડર હોય છે.

પ્રધાનમંત્રીએ સંવેદનશીલતાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો અને વ્યક્તિગત સંપર્ક વિકસાવવાની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે લોકોને, જેમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને મદદ કરવા માટે મહામારીના સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા આહ્વાનોના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટેકનોલોજીકલ ઇન્ટેલિજન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ (માનવ બુદ્ધિમત્તા)ને પણ મજબૂત કરવા માટે જણાવ્યું કારણ કે આને અવગણી શકાય નહીં. પ્રધાનમંત્રીએ ભારતના વધી રહેલા કદને પગલે ઉભરી રહેલા નવા પડકારો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો.

સોશિયલ મીડિયાની સંભાવનાઓ તરફ સૌનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિએ તેને માહિતીના સ્રોત સુધી મર્યાદિત ન રાખવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, ખોટા સમાચારનો માત્ર એક ટુકડો રાષ્ટ્રીય ચિંતાના વિષયમાં ગંભીર મુદ્દો બનવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ ભૂતકાળમાં નોકરીઓમાં અનામત અંગેના ખોટા સમાચારોને કારણે ભારતને જે નુકસાન સહન કરવું પડ્યું હતું તે અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે માહિતીના કોઇપણ હિસ્સાને લોકો સુધી પહોંચાડતા પહેલાં તેનું વિશ્લેષણ અને ચકાસણી કરવા વિશે લોકોને શિક્ષિત કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "ફેક ન્યૂઝ (ખોટા સમાચાર)ના ફેલાવાને રોકવા માટે આપણે ટેકનોલોજીની પ્રગતિ સાથે આગળ આવવું પડશે".  પ્રધાનમંત્રીએ દેશમાં નાગરિક સંરક્ષણની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો અને અગ્નિશામકો તેમજ પોલીસને શાળા અને કોલેજોમાં આ સંબંધે કવાયત હાથ ધરવા માટે અનુરોધ કર્યો હતો જેથી વિદ્યાર્થીઓ આ વિચારને આત્મસાત કરી શકે.

આતંકવાદના પાયાના નેટવર્કને નાબૂદ કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે દરેક સરકાર તેની પોતાની ક્ષમતા અને સમજણ ધરાવે છે તેમના તરફથી પોતાના ભાગના પ્રયાસો કરી રહી છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, એક જૂથ થઇને અને સૌએ સાથે મળીને પરિસ્થિતિને સંભાળવી એ વર્તમાન સમયની માંગ છે. તેમણે ઉમેર્યું હતું કે, "નક્સલવાદનું દરેક સ્વરૂપ, પછી ભલે તે બંદૂક ધરાવતું હોય કે પેન ધરાવતું હોય, તેના કારણે દેશના યુવાનોને ગેરમાર્ગે દોરતા અટકાવવા માટે તેનાં મૂળિયા ઉખેડીને તેને નાબૂદ કરવું પડશે." પ્રધાનમંત્રીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આવી તાકાતો આવનારી પેઢીઓના મનને વિકૃત કરવા માટે પોતાના બૌદ્ધિક ક્ષેત્રમાં વૃદ્ધિ કરી રહી છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે અને સરદાર પટેલની પ્રેરણાથી આપણે આપણા દેશમાં આવી કોઇ પણ તાકાતને ફુલવાફાલવા દઇશું નહીં. તેમણે ઉમેર્યું હતું કે, આવા દળોને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર મદદ મળે છે.

પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં નક્સલવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીર હોય કે પછી પૂર્વોત્તરનો પ્રદેશ હોય, આજે આપણે કાયમી શાંતિની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત આ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આજે કેન્દ્ર સરકાર રિવર્સ માઇગ્રેશનને પ્રોત્સાહન આપવા માટે સરહદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિકાસ માટે મિશન મોડ પર કામ કરી રહી છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, આ પ્રદેશોમાં શસ્ત્રો અને નશીલા દ્રવ્યોની દાણચોરીને રોકવામાં તેનાથી ઘણો લાંબાગાળાનો લાભ થશે. પ્રધાનમંત્રીએ આ યોજનાઓને અમલમાં મૂકવા માટે સરહદ અને દરિયાકાંઠાના રાજ્યો પાસેથી સહકાર વધારવા માટે કહ્યું હતું.

પોતાના સંબોધનના સમાપન વખતે, પ્રધાનમંત્રીએ વર્ષોથી DGP પરિષદોમાંથી સામે આવતા સૂચનોનો ગંભીરતાથી અભ્યાસ કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પોલીસ દળને નવી સ્ક્રેપેજ નીતિને ધ્યાનમાં રાખીને તેમના વાહનોનું મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "પોલીસના વાહનો ક્યારેય જૂના ન હોવા જોઇએ કારણ કે તે તેનો સીધો સંબંધ તેમની કાર્યક્ષમતા સાથે રહેલો છે".

તેમણે ખાતરી આપી હતી કે, જો આપણે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય સાથે આગળ વધીશું તો દરેક પડકાર આપણી સામે વામન થઇ જશે. પ્રધાનમંત્રીએ સમાપન કરતા જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં, વધુ સારા સૂચનો સાથેનો રોડમેપ સામે આવશે. હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું!".

પૃષ્ઠભૂમિ

27 અને 28 ઓક્ટોબર 2022 ના રોજ હરિયાણાના સુરજકુંડ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં રાજ્યોના ગૃહ સચિવો અને પોલીસ મહાનિદેશક (DGP), કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને કેન્દ્રીય પોલીસ સંગઠનો (CPO)ના મહાનિદેશકો ઉપસ્થિત રહેશે.

સ્વતંત્રતા દિવસના રોજ આપેલા ભાષણમાં પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલ પંચ પ્રણ અનુસાર, ગૃહ મંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન આંતરિક સુરક્ષા સંબંધિત બાબતો પર નીતિઓ ઘડવા માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાની દિશામાં હાથ ધરવામાં આવેલો એક પ્રયાસ છે. આ શિબિર, સહકારી સંઘવાદની ભાવના સાથે કેન્દ્ર અને રાજ્ય સ્તરે વિવિધ હિતધારકો વચ્ચે આયોજન અને સંકલનમાં વધુ સુમેળ લાવશે.

આ શિબિર દરમિયાન પોલીસ દળોના આધુનિકીકરણ, સાઇબર ગુનીખોરીના વ્યવસ્થાપન, ફોજદારી ન્યાય તંત્રમાં ITનો વધી રહેલો ઉપયોગ, જમીન સરહદના વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગની દાણચોરી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

 

YP/GP/NP



(Release ID: 1871530) Visitor Counter : 203