પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-સ્વીડન વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 05 MAR 2021 1:16PM by PIB Ahmedabad

નમસ્કાર મહાનુભાવ!

સૌથી પહેલા તો, હું મારા વતી અને સમગ્ર ભારત વતી સ્વીડનમાં કોવિડ-19ના કારણે થયેલી જાનહાનિ બદલ દિલથી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. ગઇકાલે સ્વીડનમાં થયેલા હિંસક હુમલા બદલ હું તમામ ભારતીય નાગરિકો વતી સ્વીડનના લોકો સાથે એકજૂથતા વ્યક્ત કરવા માંગુ છું. અમે હુમલામાં ઇજા પામેલા લોકો ખૂબ જ જલદી સ્વસ્થ થઇ જાય તેવી કામના કરીએ છીએ.

મહાનુભાવ,

સ્વીડને 2018માં પ્રથમ ભારત-નોર્ડિક શિખર મંત્રણાનું આયોજન કર્યું હતું. તે સમયે મને સ્ટોકહોમની મુલાકાત લેવાનો અવતર પ્રાપ્ત થયો હતો. મને આશા છે કે ટૂંક સમયમાં જ બીજી ભારત-નોર્ડિક શિખર મંત્રણા દરમિયાન આપણને ફરીથી મળવાનો મોકો મળશે. મહામહિમ રાજા અને રાણીએ 2019માં ભારતની મુલાકાત લીધી તે અમારા માટે ખૂબ જ મહાન સૌભાગ્યની વાત હતી. મેં તેમની સાથે ઘણા વિષયો પર ખૂબ સારી ચર્ચા કરી હતી. મને યાદ છે કે મહામહિમ અને મેં પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવા માટે પાકની પરાળને બ્રિકેટમાં રૂપાંતરિત કરવા અંગે સહયોગની સમીક્ષા કરી હતી. તમને જાણીને આનંદ થશે કે નિદર્શન પ્લાન્ટ સારી રીતે કામ કરી રહ્યો છે. હવે આપણે બાયોમાસને કોલસામાં પરિવર્તિત કરવા માટે તેને વ્યાપક બનાવી શકીએ છીએ.

મહામહિમ,

કોવિડ-19 દરમિયાન, આપણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે સહયોગના મહત્વને સ્વીકૃતિ આપી છે. ભારતે 150 કરતાં વધુ દેશોને દવાઓ અને અન્ય જરૂરી સાધનસામગ્રી પૂરી પાડીને કોવિડ-19 મહામારી સામેની જંગમાં વિશ્વને મદદ કરી છે. અમે ઑનલાઇન તાલીમ કાર્યક્રમો દ્વારા પણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકાના અગ્ર હરોળમાં કામ કરતા આરોગ્ય કાર્યકરો અને નીતિ નિર્માતાઓ સાથે અમારા અનુભવોનું આદાનપ્રદાન કર્યું છે. અમે અત્યાર સુધીમાં લગભગ 50 દેશોમાં 'મેડ ઇન ઇન્ડિયા' રસી પણ પહોંચાડી છે. અને અમે આવનારા દિવસોમાં ઘણા વધુ દેશોમાં રસીનો પૂરવઠો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.

મહાનુભાવ,

આજના માહોલમાં તમામ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સંકલન, સહકાર અને સહયોગ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. લોકશાહી, માનવ અધિકાર, કાયદાનું શાસન, સમાનતા, સ્વતંત્રતા, ન્યાય જેવા સહિયારા મૂલ્યો આપણા સંબંધો અને પરસ્પર સહયોગને વધારે મજબૂત બનાવે છે. આબોહવા પરિવર્તનનો મહત્વપૂર્ણ મુદ્દો આપણા બંને માટે પ્રાથમિકતા છે અને આપણે આના પર સંયુક્ત રીતે કામ કરવા માંગીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સૂમેળમાં રહેવાની બાબતને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે.

અમે પેરિસ કરારમાં કરવામાં આવેલી અમારી પ્રતિબદ્ધતાઓ પર સતત આગળ વધી રહ્યા છીએ. અમે ફક્ત આ લક્ષ્યોને પ્રાપ્ત કરીશું એવું નથી, પરંતુ તેમને ઓળંગી જઇશું. G20 દેશોમાં કદાચ માત્ર ભારત જ તેની પ્રતિબદ્ધતાઓ પર સારી પ્રગતિ કરી શક્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં અમારી અક્ષય વીજ ઉત્પાદનની ક્ષમતામાં 162%નો વધારો થયો છે. અને અમે 2030 સુધીમાં 450 GW અક્ષય ઉર્જાનું ઉત્પાદન કરવાની ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. LED લાઇટના ઉપયોગને પ્રોત્સાહન આપીને, અમે 30 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવી રહ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં જોડાવાની સ્વીડનની જાહેરાતને આવકારીએ છીએ. અમે તમને ટૂંક સમયમાં આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગઠબંધન સાથે જોડાવા માટે પણ આમંત્રિત કરીએ છીએ.

મહામહિમ,

ભારત અને સ્વીડનની ભાગીદારી કોવિડ પછીના સ્થિરીકરણ અને રિકવરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. આપણે આવિષ્કાર, ટેકનોલોજી, રોકાણ, સ્ટાર્ટ-અપ્સ અને સંશોધનના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવી શકીએ છીએ. સ્માર્ટ સિટી, વોટર ટ્રીટમેન્ટ, કચરાનું વ્યવસ્થાપન, વલયાકાર અર્થતંત્ર, સ્માર્ટ ગ્રીડ, ઇ-મોબિલિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વગેરેમાં પણ પરસ્પર સહયોગ વધારવા માટેની સારી સંભાવના રહેલી છે. મને વિશ્વાસ છે કે આજની આપણી વર્ચ્યુઅલ શિખર મંત્રણા આપણા સહયોગમાં નવા પરિમાણોનો ઉમેરો કરશે.

મહામહિમ,

સ્વીડનના નાગરિકો સાથે ભારતની મહાન મિત્રતાની આપણી સંયુક્ત યાત્રાને યાદ કરતાં હવે હું આપને પ્રારંભિક ટિપ્પણી આપવા માટે આમંત્રિત કરવા માંગુ છું.

SD/GP



(Release ID: 1870809) Visitor Counter : 205