પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 OCT 2022 10:25PM by PIB Ahmedabad

ભારત માતાની જય

ભારત માતાની જય,

આપ સૌ લોકો અમને બધાને આશીર્વાદ આપવા માટે જિલ્લાના ખૂણે ખૂણેથી અહીં આવ્યા છો, અને હમણાં જ મને કહેવામાં આવ્યું કે તમે બધા અહીં લગભગ અઢીથી ત્રણ કલાકથી આવી ગયા છો. તમારી ધીરજ, તમારો આ પ્રેમ, તમારો ઉત્સાહ અને આનંદ, આ માહોલ જ મને તમારા માટે કામ કરવાની નવી તાકાત અને ઊર્જા આપે છે. નવો વિશ્વાસ આપે છે અને તે માટે સૌથી પહેલા તો તમને બધાને મારા રામ-રામ.

છેલ્લા 20 વર્ષથી તમારા સૌની ભાવના, તમારો પ્રેમ, આપણો આ સ્નેહભર્યો સંબંધ, કદાચ મને આ જે સૌભાગ્ય મળ્યું છે ને, આ બધું મને આદિવાસી ભાઇઓ, બહેનો અને માતાઓએ આપ્યું છે. રાજનીતિમાં આવું સૌભાગ્ય કદાચ કોઇને નહીં મળ્યું હોય, જે આપ સૌએ મને આપ્યું છે. અને 20-20 વર્ષનો અતૂટ અને નિરંતર પ્રેમ મળ્યો છે અને એટલા માટે જ હું ગાંધીનગરમાં રહું કે દિલ્હીમાં રહું, મારા મનમાં એક જ વિચાર આવે છે કે, જો હું જ્યારે પણ તક મળે ત્યાર તમારા સૌનું ઋણ ચુકવતો રહું અને અને હું જ્યારે પણ તક મળે ત્યારે તમારું ઋણ ચુકવવાનો પ્રયાસ કરુ છું.

આજે પણ તાપી નર્મદા સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં, જનજાતિ ક્ષેત્રમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેં ગઇકાલે અને આજે જે કાર્યક્રમો કર્યા છે તેમાં શિલાન્યાસ અને બજેટના અંદાજો અને તેમાં થયેલા ખર્ચનો સરવાળો કરું તો અગાઉની રાજ્યની સરકારોના 12 મહિનાનું બજેટ પણ આટલું નહોતું, તેનાથી વધુ ખર્ચ મારા એક પ્રવાસમાં કરવામાં આવ્યો છે, આ બધુ તમારા માટે જ છે.

આ બધું ફક્ત તમારા વર્તમાન માટે છે, એવું નથી, તમારા બધા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ છે. તમારા માતા-પિતા જે જીવન જીવ્યા છે અને તેમણે જંગલોમાં જે જીવન વિતાવ્યું છે. તેમાંથી અનેક મુશ્કેલીઓ ઓછી થઇ ગઇ, છતાં તમારે પણ ઘણું મુશ્કેલીમાં જીવવું પડ્યું છે. પરંતુ મેં તમને એક વચન આપ્યું છે અને તેથી જ તમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે તમામ મુશ્કેલીઓનો સામનો તમારા બાળકોને ન કરવો પડે તે માટે હું દિવસ-રાત કામ કરી રહ્યો છું. એટલા માટે અમે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ.

આદિવાસી ક્ષેત્રના હિતો માટે, અમે આદિવાસી ભાઇઓના કલ્યાણ માટે પૂરે પૂરી મહેનત કરીએ છીએ, કારણ કે અમે આપ સૌના આશીર્વાદથી આગળ આવ્યા છીએ, કારણ કે તમે આ વિસ્તારમાં અગાઉની સરકારો પણ જોઇ છે. તમે ભલે કંઇ બોલતા નથી, પણ તમે બધું જ જાણો છો.

એક તરફ, અગાઉની કોંગ્રેસની સરકારો જુઓ અને આજે દેશભરમાં જ્યાં ભાજપની સરકારો છે તેના પર નજર કરો. કોંગ્રેસની સરકારોએ તમારા ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી જ ન હતી. તેમના મનમાં માત્ર ચૂંટણી જ રહે છે અને તેઓ ચૂંટણી પહેલાં વચનો આપે છે, ખોટા વચનો આપીને પછી ભૂલી જાય છે.

બીજી તરફ, ભાજપ સરકાર છે, જે આદિવાસીઓના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમે આપણા આદિવાસી ભાઇઓ અને બહેનો માટે કામ કરીએ છીએ કે, તેઓ સશક્ત બને, સક્ષમ બને, તેમનો આખો પ્રદેશ ધૂમધામથી આગળ વધે તેના માટે અમે કામ કરીએ છીએ. એક તરફ કોંગ્રેસે એવી સરકાર ચલાવી કે, તેમને આદિવાસી પરંપરાની મજાક ઉડાવવાનું ગમે છે.

હું જો ક્યારેય પણ આદિવાસીની પાઘડી કે જેકેટ પહેરી લઉં તો તેઓ પોતાના ભાષણમાં તેમની મજાક ઉડાવવા લાગે છે, પરંતુ હું કોંગ્રેસના નેતાઓને કહેવા માંગુ છું કે તમે રાજકીય લાભ લેવા માટે આદિવાસી નેતાઓની, તેમની પરંપરાઓની, તેમની સંસ્કૃતિની મજાક ઉડાવો છો, અને આ આદિવાસી ભાઇઓ તેને ક્યારેય ભૂલતા નથી અને જ્યારે સમય આવે છે ત્યારે તેઓ પોતાનો હિસાબ ચૂકતે કરી નાંખે છે.

એક તરફ કોંગ્રેસની સરકારો આદિવાસીઓએ બનાવેલી ચીજવસ્તુઓનું કોઇ મૂલ્ય સમજી શકી જ નથી, જ્યાં ભાજપની સરકારો છે, ત્યાં વન-ધનની શક્તિ અમારા માટે સૌથી મહત્વપૂર્મ છે અને દુનિયાના બજારોમાં આ વનધનની કિંમત મળે, તેનો સારો ભાવતાલ થાય તેની અમે ચિંતા કરી રહ્યા છીએ.

ભાઇઓ અને બહેનો,

દેશમાં જ્યાં પણ ભાજપની સરકાર બની છે ત્યાં, આદિવાસીઓના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અમે કોઇપણ સરકારની સરખામણીએ સૌથી વધુ સમર્પિત કામ કરવાની સરકાર તરીકે સક્રિય રહ્યા છીએ. આઝાદી પછી દાયકાઓ સુધી કોંગ્રેસની સરકારોએ શાસન કર્યું છે અને તેમણે આદિવાસી ભાઇઓ-બહેનોની સમસ્યાઓને દૂર કરવાની ક્યારેય તસ્દી લીધી જ નથી. આપણા આદિવાસી ભાઇઓ-બહેનોના ઝડપી વિકાસ અને ભવિષ્યના વિકાસ માટે તેમને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે વિશે પણ અમે વિચાર્યું છે, જે અંગે કોંગ્રેસની સરકારોએ ક્યારેય વિચાર સુદ્ધા નથી કર્યો. તમને વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે અમે કામ કરી રહ્યા છીએ.

હવે અમે તમને લોકોને વધુમાં વધુ સુવિધાઓ આપવાનું કામ કરી રહ્યા છીએ, મને વિશ્વાસ છે કે તેના કારણે કોંગ્રેસના લોકો આવશે અને ખોટો પ્રચાર કરશે, પરંતુ તેમના અહંકારનો મારા આદિવાસી ભાઇઓ-બહેનો હિસાબ ચુકતે કરી નાંખશે તેનો મને પૂરો વિશ્વાસ છે.

ઘરમાં વીજળી, પાકું મકાન, ગેસ કનેક્શન, શૌચાલય, ઘરની નજીક મેડિકલ સેન્ટર, આજીવિકાનું સાધન અને બાળકો માટે નજીકમાં બાળમંદિર અને શાળા હોવી જોઇએ, ગામને જોડતો રસ્તો હોવો જોઇએ, આ માટે અમે ઝુંબેશ શરૂ કરી છે, અમે મુસીબતોને દૂર કરવા માટે આ ઝુંબેશ શરૂ કરી છે. મને યાદ છે કે ગુજરાતમાં જ્યારે હું પહેલી વખત મુખ્યમંત્રી બન્યો ત્યારે, શહેરના લોકો કહેતા હતા કે કમસે કમ સાંજે વાળુ ટાણે વીજળી મળે એવું કંઇક કરો, કમસે કમ સાંજે જમતી વખતે તો વીજળી તો હોવી જોઇએ. આજે ગુજરાતમાં 24 કલાક વીજળી મળવા લાગી છે, પણ ખાસ વાત જુઓ, જ્યારે વીજળી આપવાની વાત આવી ત્યારે , હું અહીં મુખ્યમંત્રી હતો તે વખતે, 24 કલાક વીજળી મેળવનારો સૌથી પહેલો જિલ્લો કયો હતો, એ તમને યાદ છે ને?

ગુજરાતમાં જ્યોતિ ગ્રામ યોજનાની મદદથી, મારા ડાંગ જિલ્લામાં 24 કલાક વીજળી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે આદિવાસીઓના 300 ગામોમાં વીજળી પહોંચાડવામાં આવી અને જ્યોતિ ગ્રામ યોજનાનો લાભ પહોંચાડીને તમામ લોકોને ઘરે-ઘરે 24 કલાક વીજળી આપવામાં આવી છે. જો બીજા કોઇ નેતાઓ હોત તો તેમણે અમદાવાદ કે વડોદરા જેવું શહેર પસંદ કર્યું હોત, કારણ કે ત્યાં તો અખબારોમાં તેમના ફોટોગ્રાફ્સ છપાય ને, અહીં ડાંગમાં તો કોણ તેમના ફોટોગ્રાફ્સ છાપે? પરંતુ, મારા માટે મારા આદિવાસીઓનું કલ્યાણ મારી પ્રાથમિકતા હતી અને મેં ડાંગ જિલ્લામાંથી પ્રેરણા લીધી હતી અને મેં જોયું કે વીજળી પહોંચતાની સાથે જ બાળકોમાં અભ્યાસ માટે ઉત્સાહ આવ્યો અને લોકોનું જીવન પણ બદલાઇ ગયું અને મેં તેમાંથી પ્રેરણા લીધી. આથી, જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે મેં ગણતરી કરી કે ભારતમાં એવા કેટલા ગામ છે જ્યાં વીજળી નથી.

મને શરમ આવે છે કે જ્યારે આ લોકોએ કહ્યું કે, 18000 ગામો એવા હતા જ્યાં વીજળીનો એક થાંભલો પણ નહોતો પહોંડ્યો. અમે એક અભિયાન ચલાવ્યું અને આજે ભારતમાં એક પણ ગામ એવું નથી કે જ્યાં વીજળી ન હોય. આ બધું હું ડાંગમાંથી જ શીખ્યો છું. હું આ બધું ડાંગનું કામ જોઇને શીખ્યો હતો અને તેથી આદિવાસી વિસ્તાર મારા માટે લોકશિક્ષણનું સૌથી મોટું માધ્યમ રહ્યું છે. આદિવાસી વિસ્તારોમાં ખેતીને જીવનદાન આપવા માટે તમને કદાચ યાદ હશે કે અમે વલસાડ જિલ્લામાં વાડી યોજના શરૂ કરી હતી.

મારા આદિવાસી ભાઇઓ અને બહેનો પાસે માંડ વીઘો કે બે વીઘા જમીન હોય, એકર કે દોઢ એકર જેટલી જમીન હોય અને તે પણ ખાડા-ટેકરા વાળી હોય, ઢાળ વાળી હોય. હવે આવી સ્થિતિમાં તેઓ શું કરે? પોતાની જમીનમાં જાત મહેનત કરીને માંડે થોડો બાજરો કે, જુવાર જેવી કોઇ ઉપજ લઇને પેટ ભરવા પૂરતું કંઇક મળે એવું કરે. અરે, પેટ ભરાય એટલું પણ તેમને નહોતું મળતું. તેમની ચિંતા સમજીને અમે વાડી યોજના લાવ્યા અને આજે વલસાડ તરફના આખા પટ્ટામાં જઇએ છીએ ત્યારે મારા આદિવાસી ભાઇઓ-બહેનોએ નાની જમીનમાં કાજુની ખેતી શરૂ કરી છે. કેરી, જામફળ કે લીંબુ, ચીકુ આવા તમામ ફળો ઉગાડવા લાગ્યા છે અને મારા આદિવાસી ભાઇઓ તો કાજુની ખેતીમાં તો ગોવા સામે ટક્કર લઇ રહ્યા છે.

અને આ વાડી પ્રોજેકટથી તેમનું જીવન ઘણું બદલાઇ ગયું છે અને તેની હવા આખા દેશમાં પહોંચી છે, મારા આદિવાસી ભાઇઓ વેરાન જમીન પર હવે ફળો પકવે છે, વાંસની ખેતી કરવા લાગ્યા છે અને. અબ્દુલ કલામ જ્યારે આપણા રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમણે મને કહ્યું કે, મારે ત્યાં આવવું છે. મેં કહ્યું ચોક્કસ આવો હું આપનું સ્વાગત કરવા તૈયાર છું. આ બધું જોવા માટે મેં કહ્યું તમે આવો. એમણે કહ્યું એવી રીતે નહીં, હું ગુપ્ત રીતે આવવા માંગુ છુ. તેમનો જન્મદિવસ હતો, તેમણે કોઇ સુવિધા ન લીધી અને વલસાડ જિલ્લાના આદિવાસી ગામડાઓમાં જઇને વાડી પ્રોજેક્ટ નિહાળ્યો, તેને સમજ્યા અને તેના ભરપૂર વખાણ કર્યા.

આ વાડી પ્રોજેક્ટથી આપણા આદિવાસી લોકોના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે. આપણા આદિવાસી ભાઇઓની સમસ્યા પણ કેવી હતી? જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે, પરંતુ બધુ પાણી વહી જાય છે અને ઉનાળાની ઋતુમાં પીવાનું પાણી પણ મળતું નથી. કોંગ્રેસની સરકારો પાસે આ તરફ ધ્યાન આપવાનો પણ સમય ક્યાં હતો? મેં કોંગ્રેસના એવા કેટલાય નેતાઓને જોયા છે, જેમણે તેમના ગામોમાં પાણીની ટાંકીઓ તો બનાવી છે, પરંતુ તે પાણીની ટાંકીઓ એક પણ વખત ભરાઇ નહોતી.

મેં એવા દિવસો પણ જોયા છે, પણ જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આ ટાંકીઓ ભરવાનું કામ કર્યું. મને પહેલાં પણ આદિવાસીઓનું ધ્યાન રાખવાની આદત હતી. વીજળીની જેમ અમે પાણીની પાછળ પડી ગયા. અમે હેન્ડપંપ લગાવ્યા, જ્યાં જુઓ ત્યાં હેન્ડપંપની ચર્ચા થવા લાગી હતી અને હવે અમે વોટર ગ્રીડ બનાવી રહ્યા છીએ. આદિવાસીઓના અંતરિયાળ ગામડાઓ સુધી નહેરોની લિફ્ટ સિંચાઇ કરીને પાણીને ઊંચાઇએ લઇ જઇને આખું નેટવર્ક બિછાવીને પાણી પૂરું પાડ્યું છે અને ડાબા કાઠા નહેર માટે આદિવાસી ભાઇઓ માટે કેટલી મુશ્કેલી પડતી હતી. મેં કેનાલના ડાબા કાઠામાંથી પાણી ઉપાડીને આપણા આદિવાસી ભાઇઓ અને ખેડૂતોને પાણી આપ્યું છે અને તેના કારણે તેઓ ત્રણ પાક લેવા માંડ્યા છે. મારા ખેડૂત ભાઇઓને આ સેંકડો કરોડની યોજનાનો લાભ મળે, આદિવાસી વિસ્તારમાં મારી માતાઓ અને બહેનો સુધી આ પાણી પહોંચે, તે માટે મેં આ કામ કર્યું છે અને તેના કારણે પાણીની સુવિધામાં સુધારો આવ્યો છે.

એક એવો સમય હતો જ્યારે ગુજરાતમાં, 100 માંથી માંડ 25 ઘર એવા હતા, જ્યાં ઘરમાં પાણી આવતું હતું, હેન્ડપમ્પ પણ દૂર દૂર હતા અને આજે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઇની સરકાર દ્વારા કરવામાં આવેલી મહેનતથી જે કામ મેં શરૂ કર્યું છે તેને આગળ ધપાવવામાં આવી રહ્યું છે અને, આજે ગુજરાતમાં 100માંથી 100 ઘરોમાં પાઇપ દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવાનું કામ થઇ રહ્યું. આના પર ઘણું કામ થઇ ગયું છે.

ભાઇઓ- બહેનો,

આદિવાસી વિસ્તારની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે વન બંધુ કલ્યાણ યોજનાનો આશરો લીધો છે અને આજે મંગુભાઇ અહીં આવ્યા છે, એ આપણા સૌનું સૌભાગ્ય છે કે હવે તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. ગુજરાતની એક આદિવાસી માતાના કૂખેથી જન્મેલા મંગુભાઇ હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનીને ત્યાં કલ્યાણકારી કાર્યો કરી રહ્યા છે, શું આવી કોઇ એ કલ્પના પણ કરી હશે! આ આપણું સૌભાગ્ય છે કે આજે આવા શુભ અવસર પર તેઓ સરકારના આ કાર્યક્રમમાં આવ્યા છે અને આપણાને સૌને આશીર્વાદ આપ્યા છે.

જ્યારે મંગુભાઇ અહીં મંત્રી હતા, ત્યારે તેઓ આદિવાસીઓ માટે દિવસ-રાત મહેનત કરીને તેમના માટે સમર્પિત જીવન જીવ્યા હતા અને સંપૂર્ણ નિષ્કલંક નેતા રહ્યા છે. આવા આદિવાસી નેતાઓને તૈયાર કરવાનું કામ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી છે અને તેનું ગૌરવ આખા દેશમાં આદિવાસી સમાજ લઇ રહ્યો છે. અને તે સમયે મંગુભાઇના નેતૃત્વમાં કામો શરૂ થયા હતા, તે બધા જ કામ આજે આપણા આદિવાસી જિલ્લામાં, તાપી જિલ્લામાં ફળ આપી રહ્યાં છે, આપણી ઘણી દીકરીઓ શાળા-કોલેજમાં જવા લાગી છે. આદિવાસી સમાજના ઘણા દીકરા-દીકરીઓ સાયન્સમાં ભણવા લાગ્યા છે, ડૉક્ટર એન્જિનિયર બની રહ્યા છે. તેઓ નર્સિંગમાં જવા લાગ્યા છે અને હવે તો તેઓ વિદેશ પણ જવા લાગ્યા છે.

આજથી 20-25 વર્ષ પહેલાં સમગ્ર આદિવાસી પટ્ટો માત્ર અમુક જ આદિવાસી આશ્રમશાળાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો. વિજ્ઞાન પ્રવાહની શાળા તો માંડ ક્યાંક મળતી હતી. 10મા-12મા જ સાયન્સ ફેકલ્ટી જ ન હોય તો મારા આદિવાસી બાળકો એન્જિનિયર, ડૉક્ટર ક્યાંથી બને? આ બધી મુશ્કેલીઓમાંથી મેં દરેકને બહાર કાઢ્યા અને આજે બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બનીને ભણી-ગણીને દેશ, સમાજ અને આદિવાસી વિસ્તારનું નામ રોશન કરી રહ્યા છે. આ કામ અમે કર્યું છે. કોંગ્રેસે તો એવું વિચાર્યું પણ ન હતું કે આવા કાર્યો કરવા જોઇએ.

ભાઇઓ- બહેનો,

કોંગ્રેસની વિચારધારા અને તેની કામ કરવાની રીત, અમે આ વિચારધારા અને કામ કરવાની રીત બદલી છે અને ગઇકાલે ગુજરાતમાં ગાંધીનગરમાં મેં ભારતના પ્રથમ એવા મોટા કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે જે મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ છે. સમગ્ર વિશ્વની સમકક્ષ બની શકાય, એવી ટેક્નોલોજીને શાળાઓ સુધી લઇ જવામાં આવે તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં જે શાળાઓને આના માટે પસંદ કરવામાં આવી છે તેમાંથી ચાર હજાર શાળાઓ તો આદિવાસી વિસ્તારની છે, કારણ કે મને આપણા આદિવાસી દીકરા- દીકરીઓ પર વિશ્વાસ છે કે જો તેમને આ શિક્ષણ મળશે તો આખી દુનિયામાં નામ રોશન કરશે. મને તેમના પર પૂરો ભરોસો છે.

છેલ્લા વીસ વર્ષમાં આદિવાસી વિસ્તારમાં દસ હજારથી વધુ શાળાઓનું નિર્માણ કર્યું, એકલવ્ય મોડલ સ્કૂલ અને દીકરીઓ ભણી શકે તે માટે રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવી અને તેમના માટે રમતગમતની વ્યવસ્થા કરવામાં આવી. આજે, જો ખેલ કુંભનું આયોજન કરવામાં આવે તો, સૌથી વધુ ઇનામો આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓ લઇ જાય. આ તેમની તાકાત છે. અમે નર્મદામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આ બધુ જ કામ જનજાતિય બાળકો માટે કરવામાં આવ્યું છે.

આદિવાસી બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિનું બજેટ પણ અમે બમણું કરી દીધું છે. એકલવ્ય મોડલ સ્કૂલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આપણા આદિવાસી બાળકોને શિક્ષણ મળે અથવા તેમને વિદેશમાં અભ્યાસ કરવા માટે જેવું હોય તો તેમને આર્થિક રીતે પણ મદદ કરવાની યોજના બનાવવામાં આવી છે.

આજે આખી દુનિયાના મોટા મોટા દેશમાં આપણા આદિવાસીઓ બાળકો અદ્ભુત કામ કરી રહ્યા છે. અમારી સરકારે જે પ્રકારે પારદર્શિતા લાવી છે, ભ્રષ્ટાચાર મુક્ત કામ કર્યું છે, ખેલો ઇન્ડિયા કર્યું છે, આપણા આદિવાસી બાળકોને તકો મળી રહી છે.

ભાઇઓ- બહેનો,

હું વન બંધુ યોજના લઇને ગુજરાતમાં આવ્યો હતો, એ યોજનાને ભૂપેન્દ્રભાઇ આજે પણ આગળ લઇ જઇ રહ્યા છે અને તેમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉમરગાંવથી અંબાજી ગામ સુધીના આખા આદિવાસી પટ્ટા માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તેના બીજા તબક્કાના કામમાં, ફરીથી એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને એક પછી એક ઘણી નવી શાળાઓ, મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ આદિવાસીઓ માટે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. લગભગ 2.5 લાખ મકાનો આપણા ગુજરાતમાં બન્યા છે. અમે મારા આદિવાસી ભાઇઓને પાકું મકાન મળે, જમીનના પટ્ટા મળે, તેની માલિકી મળે તે માટે કામ કર્યું છે.

ભાઇઓ- બહેનો,

આદિવાસી વિસ્તારમાં છેલ્લા પાંચ-સાત વર્ષમાં 6 લાખ ઘર, એક લાખ આદિવાસી પરિવારોને જમીનના પટ્ટા આપવામાં આવ્યા છે, અમે આ કામ કરી શક્યા છીએ. મને યાદ છે, જ્યારે તમે મને સેવા કરવાનો મોકો આપ્યો ત્યારે આદિવાસી સમાજમાં કુપોષણની સમસ્યા હતી. જ્યારે આપણી દીકરીઓ 11-12 કે 13 વર્ષની થાય ત્યારે તેમના શરીરનો જે વિકાસ થવો જોઇએ ત્યારે અમે પારિવારિક સમસ્યાઓની ચિંતા કરી અને બાળકો માટે સંજીવની દૂધ યોજના દ્વારા ગામડે ગામડે દૂધ પહોંચાડવામાં આવતું હતું. દોઢ હજારથી વધુ આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા અને સિકલસેલ જેવા રોગો માટે મેં આખા દેશમાં ઝુંબેશ ચલાવી છે. અમે સમગ્ર વિશ્વમાં તેની શ્રેષ્ઠ ઉપલબ્ધ હોય તેવી સારવાર મેળી રહે તેના માટે કામ કરી રહ્યા છીએ. જેથી મારા આદિવાસી પરિવારો કે જેઓ સદીઓથી સિકલસેલની બીમારીમાં જીવે છે, તેમાંથી તેમને મુક્તિ મળે, તેના માટે અમે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે.

ભાઇઓ બહેનો,

અમારું કામ સમસ્યાઓથી છુટકારો મળે, જેટલી શક્ય તેટલી વહેલી તકે છુટકારો મળે, તેની સાથે પોષણ યોજના દ્વારા આપણા બાળકો સ્વસ્થ બને, ગર્ભાવસ્થા દરમિયાન આપણી માતાઓ અને બહેનોને પૌષ્ટિક આહાર મળે, તેના માટે અમે હજારો રૂપિયાની કિટ આપીને મદદ કરીએ છીએ. માતાઓ હોય, બહેનો હોય, બાળકો હોય, તેમને સમયસર રસી મળી શકે, તેમને લકવા જેવો કોઇ રોગ ન થાય, નાના બાળકોના જીવનમાં કોઇપણ ગંભીર પ્રકારનો રોગ ન આવે, તેના માટે અમે ઇન્દ્રધનુષ યોજનાનો ઉપયોગ કરી રહ્યા છીએ.

આટલું જ નહીં, અઢી વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો, આખા દેશમાં કોરોના મહામારી આવી, આ સ્થિતિમાં અમે સૌથી પહેલા શું કર્યું? અમે નક્કી કર્યું કે મુશ્કેલીમાં સપડાયેલા ગામડાઓમાં, જંગલોમાં, 80 કરોડ ગરીબો, મધ્યમ વર્ગના લોકો, દુનિયા તો આ આંકડો સાંભળે તો એમની આંખો ફાટી જાય, આવા લોકોને મફતમાં રાશન મળવું જોઇએ અને ગરીબોના ઘરનો ચૂલો બુઝાય નહીં, એવી વ્યવસ્થા અમે કરી છે. અમે ગરીબો માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. કોઇ પરિવારને ભૂખ્યા ન સૂવું પડે, કોઇ બાળકને ભૂખ્યા ન સૂવું પડે, તેની ચિંતા કરનારા લોકો છીએ અમે.

આપણી માતાઓ અને બહેનો, જ્યારે બળતણ માટે  જંગલમાં લાકડા લેવા જાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કેટલી માથાકૂટ થતી હતી, જ્યારે ઘરમાં લાકડા લઇને આવે તો ધુમાડાના કારણે આંખો ખરાબ થતી હતી. અમે તમને ગેસ કનેક્શન, ગેસ સિલિન્ડર આપ્યા છે અને હું ભૂપેન્દ્રભાઇને અભિનંદન આપું છું કે આ દિવાળી પર આ બધાને મફતમાં બે સિલિન્ડર આપવાનું નક્કી તેમણે કર્યું છે. આપણી માતાઓ અને બહેનોના આશીર્વાદથી અમને નવું નવું કરવાની શક્તિ મળે છે. જેના કારણે હજારો પરિવારોને ફાયદો થયો છે.

અમે આયુષ્માન ભારત યોજના લઇને આવ્યા છીએ. જો તમને કોઇ બીમારી છે તો પાંચ લાખ રૂપિયા સુધીનું બિલ ચૂકવવા માટે તમારો આ દીકરો તૈયાર છે. એક વાર નહીં પણ દર વર્ષે પાંચ લાખ રૂપિયા. જો તમે માની લો કે હવે ચાલીસ વર્ષ જીવો છો તો દર વર્ષે પાંચ લાખ રૂપિયા તમારી બીમારી માટે ખર્ચ કરી શકો છો, આયુષ્માન યોજના એટલે કે કાર્ડ તો હાથમાં સોનાની લગડી જેવું છે. તમે જ્યાં પણ સોનાની લગડી લઇને જાઓ છો, તો તમને તરત જ પૈસા મળી જાય છે ને! આયુષ્માન કાર્ડ સોનાની લગડી જેવું છે. આ આયુષ્માન કાર્ડ એવું છે કે, તે બતાવો એટલે મોટી મોટી હોસ્પિટલોના દરવાજા ખુલી જાય છે. જો તમને કોઇ બીમારી હોય, સર્જરીન જરૂર હોય તો, કોઇ મોટા ઓપરેશનની જરૂર હોય તો ઓપરેશન પણ કરવામાં આવે છે.

આટલું જ નહીં, એવું નથી કે, તમે માત્ર તાપી, વ્યારા કે સુરતમાં જ આ બધુ કરાવી શકો છો. તમે કોલકાતા જાઓ, મુંબઇ જાઓ, દિલ્હી જાઓ, તમે ગમે ત્યાં હોવ, ત્યાં પણ તે સોનાની લગડીની જેમ કામ કરશે. બસ કાર્ડ બતાવો, મોદી સાહેબની તસવીર જોશે તો દરવાજા ખુલી જશે. ભાઇઓ, અમે ગરીબો માટે આ કામ કર્યું છે. અમને ચિંતા છે કે અમારા આદિવાસી સમાજને કોઇ તકલીફનો સામનો કરવો ન પડે. આપણા આદિવાસી સમાજે આઝાદીની ચળવળમાં કેટલું મોટું યોગદાન આપ્યું છે. કેટલા બહાદુરોએ બલિદાન આપ્યું છે અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાએ પોતાનો જીવ આપ્યો છે, પરંતુ અગાઉની સરકારો તેમને ભૂલાવી દીધા છે. એવા કેટલાય બાળકો હશે જેમણે બિરસા મુંડાનું નામ જ પહેલીવાર સાંભળ્યું હશે. હવે અમે દર વર્ષે 15મી નવેમ્બરે બિરસા મુંડાના જન્મદિવસને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, આ આદિવાસી સમાજ સદીઓથી આપણા દેશમાં છે, બોલો છે કે નહીં? આદિવાસી સમાજો અહીં હતા કે નહીં? ભગવાન રામના સમયમાં શબરી માતા હતા કે નહીં? પરંતુ દેશ આઝાદ થયો અને જ્યાં સુધી અટલજીની સરકાર ન બની ત્યાં સુધી આદિવાસીઓના કલ્યાણ માટે કોઇ મંત્રાલય જ ન હતું. સૌથી પહેલી વખત ભાજપની સરકાર બની, ત્યાર પછી આદિવાસીઓના કલ્યાણ માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું અને આદિવાસીઓ માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું અને આદિવાસીઓ પર ધ્યાન આપવાનું શરૂ કરવામાં આવ્યું. કોંગ્રેસીઓ પણ આ કામ કરી શક્યા હોત, પરંતુ તેમણે આવું તો ક્યારેય કર્યું જ નથી. ભાજપ વાળાઓએ આવીને આદિવાસીઓ માટે અલગ બજેટ અને મંત્રાલય બનાવ્યું અને હવે તેમના વિકાસ માટે કામ થાય છે. અટલજીની સરકારે ગ્રામ સડક યોજનાની શરૂઆત કરી. અમે આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડા સુધી પહોંચવાનો રસ્તો હોય તેની અમે ચિંતા કરીએ છીએ.

ભાઇઓ બહેનો,

આ ડબલ એન્જિન સરકાર ડબલ ઇચ્છા શક્તિ સાથે કામ કરી રહી છે. આ અમારી જ સરકાર છે જેણે તમામ MSPની મર્યાદામાં આવતી તમામ ઉપજોનો આંકડો 12 હજારથી વધારીને 90 હજાર કરી દીધો છે. 90 હજાર એવી વસ્તુઓ જેનું ઉત્પાદન આપણા આદિવાસી વિસ્તારમાં થાય છે, તેને અમે તેમાં ઉમેરી દીધી છે. અમે વિચરતી જાતિઓને પણ પ્રાથમિકતા આપી છે. તેના માટે અલગ બોર્ડ બનાવવામાં આવ્યું હતું. આપણા દેશમાં પહેલા ઘણા કાયદા હતા, અંગ્રેજોએ પોતાના ફાયદા માટે આ કાયદા બનાવ્યા હતા, પરંતુ તેના  કારણે મારા આદિવાસી લોકો વાંસ પણ કાપી શકતા ન હતા, જો તેઓ વાંસ પાસે તો પણ તેમને જેલમાં જવું પડતું હતું. જો કોઇ આદિવાસી ભાઇ વાંસ કાપીને તેમાંથી બનાવેલી વસ્તુઓ વેચે તો તેમાંથી જરૂરી વસ્તુઓ ખરીદીને રોજીરોટી કમાઇ શકે છે. મેં આવીને આ કાયદો જ બદલી નાખ્યો. મેં કહ્યું કે આ વાંસ તો ઘાસ છે, ઝાડ નથી, વાંસની ખેતી કોઇપણ કરી શકે છે, તેને કાપીને વેચી શકે છે. આ મારા આદિવાસીઓનો અધિકાર છે. તમારા આ દીકરાએ આવીને અંગ્રેજોના જમાનાના કાયદા બદલી નાખ્યા અને આજે મારો આદિવાસી ભાઇ વાંસની ખેતીનો માલિક બન્યો છે અને આઠ વર્ષમાં અમે આદિવાસી વિસ્તારના બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે. આ તમામ પ્રયાસોથી આદિવાસીઓને રોજગારી મળે, આદિવાસી દીકરીઓને પ્રગતિની તકો મળે, તેમને સ્વરોજગાર મળે, આવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવ્યા છે.

આજે દેશને ગૌરવ થઇ રહ્યું છે કે, એક આદિવાસી દીકરી રાષ્ટ્રપતિ પદ પર આરૂઢ છે. દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે, આપણા મંગુભાઇ રાજ્યપાલના હોદ્દા પર બેઠા છે. આ પરિવર્તન અમે લાવ્યા છીએ. સ્વતંત્રતાના સંગ્રામમાં આદિવાસીઓએ જે કામ કર્યું હતું, જેઓ અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી. આદિવાસી સમાજની આવી તો અનેક ઘટનાઓ છે, જેને સૌ ભૂલી ગયા છે. જેના માટે મેં નક્કી કર્યું છે કે, તમામ રાજ્યોમાં જે પણ આવી ઘટનાઓ છે, ત્યાં હું મોટા મ્યુઝિયમ બનાવીશ અને આપણે બાળકોને ત્યાં લઇ જઇએ અને બતાવીએ કે આજે આપણે જે સુખેથી જીવી રહ્યા છીએ તેના માટે આપણા આદિવાસી ભાઇઓએ શું કર્યું છે, કેટલા બલિદાન આપ્યા છે, ચાલો આપણે તેમને વંદન કરીએ અને તેમના ચરણોની ધૂળ લઇએ. હું આવનારી પેઢીઓને આ શીખવવા માંગુ છું.

ભાઇઓ- બહેનો,

આ ડબલ એન્જિનની સરકાર પર્યટન ક્ષેત્રે પણ અનેક કામો કરી રહી છે. તમે જ વિચાર કરો કે, દેવમોગરા, ગુજરાતના એક પણ મુખ્યમંત્રીએ દેવમોગરાનું નામ પણ સાંભળ્યું ન હતું, હું દેવમોગરા ગયો હતો અને તે પછી દેવમોગરાનો મેળો યોજવાનો હોય, તેની વ્યવસ્થા વ્યવસ્થા કરવાની હોય, જુઓ તમે કેટલું બદલાઇ ગયું છે. આ આખું સાપુતારા રોજગારનું કેન્દ્ર બની ગયું છે.

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિસ્તારના આદિવાસીઓ માટે રોજગારનું કેન્દ્ર બની ગયું છે. વિકાસની ખૂબ જ પ્રગતિ થઇ છે. આજે આના માટે બંનેને જોડતો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેમાં વચ્ચે વચ્ચે યાત્રાધામો પણ આવશે. તમે વિચાર કરો કે, આદિવાસીઓના ઘર સુધી કમાણી કરવાના કેટલાં સાધનો પહોંચાડવામાં આવી રહ્યાં છે. હવે તેમણે રસ્તાના કાળા ડામરનું કામ કરવા માટે શહેરની ફૂટપાથ પર રહેવું નહી પડે, તે દિવસો હવે ગયા. હવે તે પોતાના ઘરે રહીને રોજીરોટી કમાઇ શકે છે, મારે તેમને એવી તાકાત આપવી છે.

વિકાસની ભાગીદારી ગરીબમાં ગરીબ વ્યક્તિને સશક્ત બનાવે તેવી હોવી જોઇએ. આપણા જનજાતિય યુવાનોનું સામર્થ્ય વધારવા માટે ડબલ એન્જિનની આ સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સબ કા પ્રયાસ, આ મંત્ર સાથે જ અમે ચાલી રહ્યા છીએ. સમાજનો છેવાડાનો વ્યક્તિ પણ સમાજનો હિસ્સો બને અને વિકાસશીલ સમાજે પણ છેવાડાની વ્યક્તિનું ભલું કરવાની પોતાની જવાબદારી નિભાવે, તેવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ.

ભાઇઓ- બહેનો,

ભાજપની સરકાર ગરીબો અને આદિવાસીઓના કલ્યાણ માટે જ છે. ગરીબ હોય, પીડિત હોય કે શોષિત હોય, અમે તેમનું કામ કરવા માટે અમે ખરા દિલથી પ્રયાસ કરીએ છીએ અને તેથી જ તમે સૌ આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે અહીં આવ્યા છો. તમારા આશીર્વાદ અમારી ઉર્જા અને પ્રેરણા છે. તમારા આશીર્વાદ એ જ અમારી તાકાત છે. તમારા આશીર્વાદ એ જ અમારો કામ કરવાનો સંકલ્પ છે. તમારા આશીર્વાદ જ અમારું જીવન તમારા માટે સમર્પિત કરવા માટે છે અને તમારા આ આશીર્વાદની મૂડી સાથે, આવનારા દિવસોમાં સતત પ્રગતિ કરતા રહીએ, તમારી સુખ સુવિધાઓ માટે સતત કામ કરતા રહીએ, તમારા આવા જ આશીર્વાદ અમારા પર રહે તેવી હું ઇચ્છા રાખું છું. વિકાસના આ કાર્યો આપના ચરણોમાં સમર્પિત કરીને હું મારી વાતને અહીં સમાપ્ત કરવા માંગું છુ. આપ સૌ તમારા બે હાથ ઊંચા કરીને મારી સાથે પૂરી તાકાતથી બોલો-

ભારત માતાની જય

હજુ જોરથી બોલો ભારત માતાની જય

હજુ જોરથી બોલો ભારત માતાની જય

ખૂબ ખૂબ આભાર.

YP/GP/JD



(Release ID: 1870480) Visitor Counter : 273