પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં PMAY-G અંતર્ગત 4.5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ’ કાર્યક્રમમાં સહભાગી થયા
"અમે 3.5 કરોડ પરિવારોનું સૌથી મોટું સપના સાકાર કરી શક્યા છીએ, એ અમારી સરકારનું સૌભાગ્ય છે"
"આ આજનું નવું ભારત છે જ્યાં ગરીબો ધનતેરસના દિવસે તેમના નવા ઘરોમાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે"
"સરકારની વિવિધ નીતિઓ અને યોજનાઓની મદદથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ સુવિધાઓથી સજ્જ ઘરોનું નિર્માણ થઇ રહ્યું છે"
"પ્રધાનમંત્રી આવાસ યોજના સામાજિક અને આર્થિક સશક્તિકરણનું સાધન બની ગઇ છે"
"અમે બેઘરતાના દુષ્ટ ચક્રને તોડી રહ્યા છીએ જેમાં કેટલીય પેઢીઓને પીડાતી જોઈ છે"
"હવે પાયાની સુવિધાઓથી સજ્જ ગરીબો પોતાની ગરીબી ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે"
"મને એ વાતની ખુશી છે કે, દેશનો એક મોટો વર્ગ રેવડી સંસ્કૃતિથી દેશને મુક્ત કરવા માટે કમર કસી રહ્યો છે"
Posted On:
22 OCT 2022 5:40PM by PIB Ahmedabad
ધનતેરસના શુભ અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના સતના ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત નિર્માણ પામેલા ઘરોના લગભગ 4.51 લાખ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ધનતેરસ અને દિવાળીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે મધ્યપ્રદેશના 4.50 લાખ ભાઈઓ અને બહેનો માટે એક નવી શરૂઆત છે, જેઓ તેમના પોતાના નવા પાકાં ઘરોમાં આજથી ગૃહ પ્રવેશ કરી રહ્યા છે". એક એવો સમય હતો જ્યારે ધનતેરસની ઉજવણી સમાજના ધનાઢ્ય લોકો જ નવી કાર કે ઘર જેવી મોંઘી સંપત્તિ ખરીદીને કરતા હતા તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ધનતેરસ એક સમયે માત્ર ધનિકો માટેનો જ તહેવાર હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજનું આ નવું ભારત છે, જ્યાં ગરીબો ધનતેરસના અવસર પર તેમના નવા ઘરોમાં ગૃહપ્રવેશ કરી રહ્યા છે. શ્રી મોદીએ ખાસ કરીને એવી મહિલાઓને અભિનંદન આપ્યા જેઓ આજથી આ નવા ઘરની માલિક બની છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જેઓ આ ઘર મેળવી રહ્યા છે તે લોકોમાં તેમને સંભાવનાઓ દેખાઇ રહી છે કારણ કે, ઘર વગર તમામ સંભાવનાઓ ધૂંધળી લાગે છે. આજનો આ દિવસ માત્ર તેમના નવા ઘરમાં ગૃહપ્રવેશનો દિવસ નથી, પરંતુ તે નવી ખુશીઓ, નવા સંકલ્પો, નવા સપનાંઓ, નવી ઉર્જા અને નવા ભાગ્યની નિશાની પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમે 3.5 કરોડ પરિવારોનું સૌથી મોટું સપના સાકાર કરી શક્યા છીએ, એ અમારી સરકારનું સૌભાગ્ય છે".
નવા મકાનો સાથે સંકળાયેલી સુવિધાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર ગરીબોની છે અને તેમના કલ્યાણ માટે સમર્પિત છે તેમજ ગરીબોની જરૂરિયાતો અને ઇચ્છાઓને સમજે છે, સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલા તમામ ઘરો શૌચાલય, વીજળી, પાણીનું જોડાણ, ગેસ કનેક્શન વગેરે સુવિધાઓથી સજ્જ છે. સરકારની વિવિધ નીતિઓ અને યોજનાઓની મદદથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાગરૂપે નિર્માણ કરવામાં આવતા લાખો ઘરોને સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવી શકાય છે.
પ્રધાનમંત્રીએ અગાઉની સરકારોએ કરેલા કાર્યોને યાદ કર્યા હતા જેમાં, તેમને જો ઘરો આપવામાં આવ્યા હોય તો પણ તેમણે શૌચાલય અલગથી બનાવવા પડતા હતા અને ઘરના માલિકોએ તેમના ઘરોમાં વીજળી, પાણી અને ગેસ કનેક્શન મેળવવા માટે વિવિધ સરકારી કચેરીઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ અનેક ધક્કા ખાવા પડતા હતા. પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, મકાન માલિકોને ઘણા પ્રસંગોએ તો કામ કરાવવા માટે લાંચ પણ આપવી પડતી હતી. અગાઉની સરકારો દરમિયાન મકાનોના બાંધકામ અને સોંપણી માટેની ઔપચારિકતાઓ અને કડક નિયમો અને નિયમનોની પળોજણ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મકાન માલિકોની ઇચ્છાઓ અને પસંદગીઓ તરફ તો જરાય ધ્યાન આપવામાં આવતું જ નહોતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "અમે આખા માર્ગો જ બદલી નાખ્યા છે" અને સંપૂર્ણ નિયંત્રણ મકાન માલિકોને આપી દીધું છે. પ્રધાનમંત્રીએ આ અંગે વધુ સમજાવતા કહ્યું હતું કે, આ નિયંત્રણો આપવાના કારણે, પ્રધાનમંત્રી આવાસ યોજના હવે સામાજિક અને આર્થિક સશક્તિકરણનું સાધન બની ગઈ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અમલમાં મૂકવામાં આવેલી ખરાબ નીતિઓને કારણે, લોકો તેમની બેઘરતાની પીડા પોતાની આગલી પેઢીને પણ આપવા માટે મજબૂર થઇ જતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "મારા કરોડો દેશવાસીઓને આ દુષ્ટ ચક્રમાંથી બહાર કાઢવાની અમને જે તક મળી તે માટે હું ગૌરવ અનુભવું છું". તેમણે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં જ લગભગ 30 લાખ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 9-10 લાખ ઘરોના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ લાખો બાંધકામો રોજગારની નવી તકો ઊભી કરી રહ્યા છે. વિવિધ બાંધકામ સામગ્રી ઉપરાંત, વિવિધ સેગમેન્ટ્સ માટે અન્ય ઘણી આર્થિક તકોની સાથે સાથે ચણતરના કુશળ શ્રમિકો માટે નોકરીઓનું સર્જન થઇ રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે આ મકાનોના નિર્માણમાં 22,000 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર મધ્યપ્રદેશમાં જ કરવામાં આવ્યો છે, આટલા મોટા પાયે મૂડી રોકાણથી રાજ્યના આર્થિક જીવનના તમામ પાસાઓને મદદ મળી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "આ ઘરો સૌના માટે પ્રગતિ લઇને આવ્યા છે".
કામકાજની બદલાયેલી સંસ્કૃતિ અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ એવો સમય હતો જ્યારે નાગરિકોને દોડીને સરકાર પાસે જવું પડતું હતું અને સુવિધાઓ મેળવવા માટે વિનંતી કરવી પડતી હતી તેનાથી વિપરિત, અત્યારે વર્તમાન સરકાર સામે ચાલીને નાગરિકો પાસે જઇ રહી છે અને યોજનાઓના તમામ લાભો લોકો સુધી પહોંચાડવા અભિયાન ચલાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, "આજે અમે કોઈપણ ભેદભાવ વિના યોજનાઓના કવરેજ તેના સંતૃપ્ત સ્તર સુધી પહોંચે તેની વાત કરી કરી રહ્યા છીએ."
લોકોની આ પાયાની જરૂરિયાતો અંગે સરકાર જે રીતે તાકીદ દાખવી રહી છે તે અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં મળેલા બોધપાઠના કારણે આમ કરવામાં આવે છે. ભૂતકાળમાં, ઘણા લોકો તો આ પાયાની સુવિધાઓથી વંચિત હતા જેના કારણે તેમની પાસે અન્ય કોઇપણ બાબતે વિચાર કરવાનો સમય નહોતો. તેમણે વિગતવાર જણાવ્યું હતું કે, “આના કારણે જ “ગરીબી હટાવો”ના તમામ સૂત્રો બિનઅસરકારક રહ્યા. આથી જ અમે દેશના દરેક નાગરિકને આ પાયાની સુવિધાઓ સાથે ઝડપથી જોડવાનું નક્કી કર્યું છે. હવે ગરીબો, પાયાની સવલતોથી સજ્જ રહ્યા હોવાથી, પોતાની ગરીબી ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે”.
તેમણે ઉમેર્યું હતું કે, મહામારીના સમય દરમિયાન સરકાર 80 કરોડ દેશવાસીઓને વિનામૂલ્યે રાશન પૂરું પાડી રહી છે અને આ રાશનના વિતરણ પાછળ રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધુનો ખર્ચ કર્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યારે કરદાતાને લાગે છે કે તેના પૈસા યોગ્ય જગ્યાએ ખર્ચવામાં આવી રહ્યા છે, ત્યારે તેઓ પણ ખુશ થાય છે. આજે, દેશના કરોડો કરદાતાઓ કોરોના સમયગાળા દરમિયાન કરોડો લોકોને ખવડાવવામાં મદદ કરીને જે મહાન સેવા કરી રહ્યા છે તેનાથી સંતોષ અનુભવી રહ્યા છે. જ્યારે આ જ કરદાતા જુએ છે કે, તેની પાસેથી વસુલવામાં આવેલા પૈસાથી મફતમાં ‘રેવડી’ (સેવાઓ અને વસ્તુઓની મફત લ્હાણી) વહેંચવામાં આવી રહી છે, ત્યારે તેને પણ દુઃખ થાય છે. આજે આવા ઘણા કરદાતાઓ મને ખુલ્લો પત્ર લખી રહ્યા છે. મને એ વાતની ખુશી છે કે, દેશનો એક મોટો વર્ગ દેશને રેવડી સંસ્કૃતિથી મુક્ત કરવા માટે કમર કસી રહ્યો છે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકારનો ઉદ્દેશ્ય માત્ર પોતાના નાગરિકોના સપનાં અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા પૂરતો સીમિત નથી પરંતુ મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોના ખર્ચમાં ઘટાડો કરવાનો પણ સરકાર પ્રયાસ કરે છે. પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારતનું ઉદાહરણ આપ્યું હતું અને માહિતી આપી કે, આ યોજનાના ભાગરૂપે અત્યાર સુધીમાં આર્થિક રીતે ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા ચાર કરોડ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે કોરોના દરમિયાન મફત રસી અભિયાન માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને ગરીબોને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવાથી અટકાવ્યા હતા.
યુક્રેન યુદ્ધને કારણે ખાતરની કિંમતોમાં થઇ રહેલી વૃદ્ધિ અંગે ટિપ્પણી કરતાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર આ વર્ષે 2 લાખ કરોડ રૂપિયાની વધારાની રકમ ખર્ચવા જઈ રહી છે જેથી ખેડૂતોને વધારાનો બોજ સહન ન કરવો પડે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ પણ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે". તેમણે એ પણ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં જ 16 હજાર કરોડનો હપતો રિલિઝ કરવામાં આવ્યો હતો તે દરેક લાભાર્થી ખેડૂતો સુધી તરત જ પહોંચી ગયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજદિન સુધીમાં, અમારી સરકારે ખેડૂતોના બેંક ખાતામાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવી છે. અને આ મદદ એવા સમયે આવી છે જ્યારે વાવણીની મોસમ છે અને ખેડૂતોને ખાતર તેમજ દવાઓ માટે પૈસાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પાકના વેચાણ પરના પૈસા સીધા જ ખેડૂતોના બેંકના ખાતામાં પહોંચે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “મનરેગાના નાણાં સીધા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. માતૃવંદના યોજનાના હજારો રૂપિયા સગર્ભા માતાઓને જ્યારે પૌષ્ટિક ખોરાકની સૌથી વધુ જરૂર હોય છે તેવા સમયે તેમના સુધી પહોંચે છે.” સેવાની ભાવના અને રાજકીય ઇચ્છાશક્તિના કારણે જ આ બધું શક્ય બન્યું છે.
પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકોનું જીવન વધુ સરળ બનાવવા માટે ટેકનોલોજીના મોટા પાયે ઉપયોગની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્વામિત્વ યોજના અને કૃષિ ક્ષેત્રે મિલકતના રેકોર્ડ બનાવવા માટે ડ્રોન દ્વારા થતા સર્વેનો ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં ખાતરની લાખો દુકાનોને કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવી અને સમગ્ર દેશમાં ‘ભારત’ બ્રાન્ડથી જ યુરિયાનું વિચાણ કરવા માટે એક સામાન્ય બ્રાન્ડ શરૂ કરવામાં આવી તે પગલાંને યાદ કર્યા હતા અને આશા વ્યક્ત કરી કે આ પગલાં લેવાથી ખેડૂતોને મદદ મળશે.
પૃષ્ઠભૂમિ
દેશના દરેક નાગરિકને પાયાની તમામ સુવિધાઓથી સજ્જ ઘર આપવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. આજની ઘટના આ દિશામાં લેવામાં આવેલું વધુ એક પગલું દર્શાવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત, મધ્યપ્રદેશમાં આજદિન સુધીમાં લગભગ 38 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે અને લગભગ 35,0000 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે 29 લાખ મકાનોનું નિર્માણ પૂરું કરવામાં આવ્યું છે.
YP/GP/JD
(Release ID: 1870339)
Visitor Counter : 289
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam