પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 19 અને 20 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતમાં આશરે રૂ. 15,670 કરોડની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે

પ્રધાનમંત્રી ભારતના સંરક્ષણ વિનિર્માણ કૌશલ્યને પ્રદર્શિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું એવા DefExpo22નું ઉદ્ઘાટન કરશે

પ્રથમ વખત, આ પ્રદર્શન માત્ર ભારતીય કંપનીઓ માટે આયોજિત સંરક્ષણ પ્રદર્શનનું સાક્ષી બનશે

પ્રધાનમંત્રી DefSpace નામની પહેલ શરૂ કરશે, ડીસા એરફિલ્ડનો શિલાન્યાસ કરશે અને સ્વદેશી બનાવટના તાલીમ માટેના એરક્રાફ્ટ HTT-40નું અનાવરણ કરશે

પ્રધાનમંત્રી દ્વારા કેવડિયા ખાતે મિશન LiFEનો પ્રારંભ કરવામાં આવશે

પ્રધાનમંત્રી કેવડિયા ખાતે 10મી હેડ ઓફ મિશન પરિષદમાં પણ ભાગ લેશે

પ્રધાનમંત્રી રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કરશે; લગભગ રૂ. 5860 કરોડની પરિયોજનાઓનું સમર્પણ અને શિલાન્યાસ પણ કરશે

પ્રધાનમંત્રી લગભગ રૂ. 4260 કરોડના ખર્ચે ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત કરશે

પ્રધાનમંત્રી જૂનાગઢમાં અંદાજે રૂ. 3580 કરોડ અને વ્યારામાં અંદાજે રૂ. 1970 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે

Posted On: 18 OCT 2022 10:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 અને 20 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને આ મુલાકાત દરમિયાન લગભગ રૂ. 15,670 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

19 ઑક્ટોબરના રોજ સવારે 9:45 વાગ્યે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ક્નવેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે DefExpo22 (ડેફએક્સપો-2022)નું ઉદ્ઘાટન કરશે. બપોરે અંદાજે 12 વાગ્યે પ્રધાનમંત્રી અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે. બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ જૂનાગઢમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ, સાંજે લગભગ 6 વાગ્યે, તેઓ રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે અને બહુવિધ મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ સાંજે લગભગ 7:20 વાગ્યે રાજકોટમાં આવિષ્કારી બાંધકામ પ્રથાઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

20 ઓક્ટોબરના રોજ, સવારે 9:45 વાગ્યે, પ્રધાનમંત્રી દ્વારા કેવડિયા ખાતે મિશન LiFEનો પ્રારંભ કરવામાં આવશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે અંદાજે 3:45 કલાકે તેઓ વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીની ગાંધીનગરની મુલાકાત

પ્રધાનમંત્રી DefExpo22નું ઉદ્ઘાટન કરશે. પાથ ટુ પ્રાઇડથીમ હેઠળ યોજવામાં આવેલું આ પ્રદર્શન અત્યાર સુધી યોજવામાં આવેલા ભારતીય સંરક્ષણ એક્સપોમાં સૌથી વધુ સંખ્યામાં લોકોની સહભાગીતાનું સાક્ષી બનશે. પ્રથમ વખત, તે વિદેશી OEMની ભારતીય પેટાકંપનીઓ, ભારતમાં નોંધાયેલી કંપનીના વિભાગ, ભારતીય કંપની સાથે સંયુક્ત સાહસ ધરાવતા પ્રદર્શકો સહિત માત્ર ભારતીય કંપનીઓ માટે વિશિષ્ટ રીતે યોજવામાં આવેલા સંરક્ષણ પ્રદર્શનનું સાક્ષી બનશે. આ કાર્યક્રમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાના વિસ્તૃત અવકાશ અને વ્યાપકતાનું પ્રદર્શન કરશે. આ એક્સ્પોમાં એક ઇન્ડિયા પેવેલિયન અને દસ રાજ્ય પેવેલિયન રહેશે. ઇન્ડિયા પેવેલિયન ખાતે, પ્રધાનમંત્રી HTT-40નું અનાવરણ કરશે – જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું સ્વદેશી બનાવટનું તાલીમ માટેનું એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટમાં અત્યાધુનિક સમકાલિન પ્રણાલીઓ છે અને તેને પાઇલોટ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મિશન DefSpace (ડેફસ્પેસ)નો પણ પ્રારંભ કરશે - ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા અવકાશ ક્ષેત્રમાં સંરક્ષણ દળો માટે આવિષ્કારી ઉકેલો તૈયાર કરવા માટે આ મિશનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં ડીસા એરફિલ્ડનો શિલાન્યાસ પણ કરશે. આ ફોરવર્ડ એરફોર્સ બેઝ દેશના સુરક્ષા માળખામાં ઉમેરો કરશે.

આ પ્રદર્શનમાં ભારત-આફ્રિકા: સંરક્ષણ અને સુરક્ષા સહકારને સમન્વયિત કરવા માટેની વ્યૂહરચના અપનાવવી' થીમ હેઠળ 2જા ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદનું પણ આયોજન થશે. આ પ્રદર્શન દરમિયાન 2જી હિંદ મહાસાગર ક્ષેત્ર+ (IOR+) કોન્ક્લેવ પણ યોજવામાં આવશે, જે પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ શાંતિ, વૃદ્ધિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે IOR+ રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ સહકારને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક સંવાદ માટે એક મંચ પૂરો પાડશે. ક્ષેત્રમાં તમામ લોકો માટે સુરક્ષા અને વિકાસ (SAGAR)ને અનુરૂપ આ સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન દરમિયાન, સંરક્ષણ માટે સૌપ્રથમ રોકાણકારોનું સંમેલન પણ યોજવામાં આવશે. તે iDEX (ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ)ના સંરક્ષણ આવિષ્કાર કાર્યક્રમ મંથન 2022 ખાતે સો કરતાં વધુ સ્ટાર્ટઅપ્સને તેમના આવિષ્કારો પ્રદર્શિત કરવાની તક પણ આપશે. આ કાર્યક્રમમાં 'બંધન' કાર્યક્રમ દ્વારા 451 ભાગીદારી/લોન્ચિંગ પણ જોવા મળશે.

પ્રધાનમંત્રી અડાલજના ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પણ પ્રારંભ કરશે. આ મિશનની કલ્પના કુલ 10,000 કરોડના ખર્ચ સાથે કરવામાં આવી છે. ત્રિમંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી લગભગ રૂપિયા 4260 કરોડની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આ મિશન રાજ્યમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ અને એકંદરે શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન દ્વારા ગુજરાતમાં શિક્ષણના માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીની જુનાગઢની મુલાકાત

પ્રધાનમંત્રી લગભગ રૂપિયા 3580 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ખૂટતી કડીઓના નિર્માણની સાથે કોસ્ટલ હાઇવે (સમુદ્રકાંઠાના ધોરીમાર્ગ)ની સુધારણા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિમી કરતાં વધુ લંબાઇના ધોરીમાર્ગને આવરી લેવામાં આવશે.

 

 

પ્રધાનમંત્રી જૂનાગઢ ખાતે પાણી પુરવઠા સંબંધિત બે પરિયોજનાઓ અને કૃષિ ઉપજોના સંગ્રહ માટે ગોદામ પરિસરના નિર્માણનો શિલાન્યાસ કરશે. પોરબંદર ખાતે, પ્રધાનમંત્રી માધવપુરમાં આવેલા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી મંદિરના સર્વાંગી વિકાસ માટે શિલાન્યાસ કરશે. તેઓ પોરબંદર મત્સ્યપાલન હાર્બર ખાતે ગટર અને પાણી પુરવઠાની પરિયોજનાઓ અને જાળવણી ડ્રેજિંગ માટેનો પણ શિલાન્યાસ કરશે. ગીર-સોમનાથ ખાતે તેઓ માધવાડ ખાતે મત્સ્યપાલન બંદરના વિકાસ સહિત બે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીની રાજકોટની મુલાકાત

પ્રધાનમંત્રી રાજકોટમાં આશરે રૂ. 5,860 કરોડનું મૂલ્ય ધરાવતી પરિયોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. તે ભારતીય શહેરી આવાસ સંમેલન 2022નું ઉદ્ઘાટન કરશે, જેમાં આયોજન, ડિઝાઇન, નીતિ, નિયમનો, અમલીકરણ, વધુ ટકાઉપણું અને સમાવેશિતા સહિત અનેક બાબતો અંગે ભારતમાં આવાસ સંબંધિત વિવિધ પાસાંઓને આવરી લેતી ગહન ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે. જાહેર કાર્યક્રમ બાદ, પ્રધાનમંત્રી નવીન બાંધકામ પ્રણાલીઓ ઉપર આધારિત પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી હળવા આવાસ યોજના અંતર્ગત બાંધવામાં આવેલા 1100થી વધારે આવાસોનું લોકાર્પણ કરશે. આ આવાસોની ચાવીઓ લાભાર્થીઓને સોપવામાં આવશે. તેઓ બ્રાહ્મણી-2 ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધી મોરબી-બલ્ક પાઇપલાઇન પરિયોજના અંતર્ગત જળ પુરવઠા પરિયોજનાનું લોકાર્પણ કરશે. તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર અન્ય પરિયોજનાઓમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને માર્ગ ક્ષેત્ર સંબંધિત અન્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27ના રાજકોટ-ગોંડલ-જેતપુર પ્રભાગના પ્રવર્તમાન ચારપટ્ટી માર્ગને છ માર્ગીય રસ્તો બનાવવા માટેની પરિયોજનાની આધારશિલા મૂકશે. તેઓ મોરબી, રોજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થાનો પર આશરે રૂ. 2,950 કરોડની મૂલ્યની આસપાસના GIDC ઔદ્યોગિક એકમોની આધારશિલા મુકશે. અન્ય પરિયોજનાઓ જેનો શિલાન્યાસ કરવામાં આવનાર છે તેમાં ગઢકા ખાતે અમુલ-ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું બાંધકામ, બે જળ પુરવઠા પરિયોજનાઓ અને માર્ગ અને રેલવે ક્ષેત્રની અન્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીની કેવડિયાની મુલાકાત

પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માનનીય શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્રિપક્ષીય બેઠક યોજશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી દ્વારા કેવડિયાના એકતા નગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFEનો શુભારંભ કરવામાં આવશે. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં પરિકલ્પના અનુસાર, ભારતની આગેવાનીમાં વૈશ્વિક સામૂહિક અભિયાન હાથ ધરવાનું આયોજન છે જે પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામૂહિક કામગીરી માટે મદદરૂપ બનશે.

મિશન LiFE ટકાઉપણા પ્રત્યે આપણો અભિગમ બદલવા માટે ત્રિ-આયામી રણનીતિ અનુસરવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રથમ તે વ્યક્તિના રોજિંદા જીવનમાં સરળ તેમ છતાં અસરકારક પર્યાવરણ પ્રત્યે અનુકૂળ કાર્યો આચરવા માટે લોકોને પ્રેરવાની (માંગ), બીજું તે બદલાતી પ્રત્યે ઉદ્યોગો અને બજારોને ઝડપથી પ્રતિભાવ આપવા માટે સક્ષમ કરવાની (પુરવઠો) અને ત્રીજું તે ટકાઉ વપરાશ અને ઉત્પાદન બન્નેને સહાયક બનવા માટે સરકાર અને ઔદ્યોગિક નીતિને પ્રભાવિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.

પ્રધાનમંત્રી વિદેશ દુતાવાસોના વડાઓની 10મી પરિષદમાં પણ ભાગ લેશે, જેનું આયોજન વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કેવડિયામાં 20 થી 22 ઓક્ટોબર, 2022 સુધી આયોજિત કરવામાં આવ્યું છે. આ પરિષદમાં સમગ્ર વિશ્વભરમાં ભારતીય દુતાવાસોના (રાજદૂતો અને હાઇ કમિશનર)ના 118 વડાઓ ભેગા થશે. ત્રણ દિવસ સુધી ચાલનારા તેના 23 સત્રો દ્વારા, આ પરિષદ પ્રવર્તમાન ભૂ-રાજકીય અને ભૂ-આર્થિક પર્યાવરણ, જોડાણ, ભારતની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ વગેરે જેવા મુદ્દાઓ ઉપર વિગતવાર આંતરિક ચર્ચા હાથ ધરવાની તક પ્રદાન કરશે. આ મિશનના વડાઓ અત્યારે મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ, એક જિલ્લો એક પ્રોડક્ટ, અમૃત સરોવર મિશન જેવી બાબતો અંગે ભારતના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા અભિયાનોથી પોતાને સુપરિચિત બનાવવા માટે તેમના સંબંધિત રાજ્યોની મુલાકાત લઇ રહ્યાં છે.

પ્રધાનમંત્રીની વ્યારાની મુલાકાત

પ્રધાનમંત્રી તાપીના વ્યારામાં રૂ. 1970 કરતાં વધારે મૂલ્યની બહુવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે. તેઓ ખૂટતી કડીઓના બાંધકામની સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગના સુધારા માટે પરિયોજનાનો શિલાન્યાસ કરશે. અન્ય પરિયોજનાઓ જેમનો શિલાન્યાસ કરવાનો છે તેમાં તાપી અને નર્મદા જિલ્લામાં રૂ.300 કરોડથી વધારે મૂલ્યના જળ પુરવઠા પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1868768) Visitor Counter : 301