પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે પીએમ કિસાન સમ્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું


600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના - એક રાષ્ટ્ર એક ખાતરનો પ્રારંભ કર્યો

ભારત યુરિયા બેગ્સનો પ્રારંભ કર્યો

16,000 કરોડ રૂપિયાના પીએમ-કિસાન ફંડ્સ બહાર પાડ્યા

ખાતરની 3.5 લાખ છૂટક દુકાનોને તબક્કાવાર રીતે પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે; ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે આ પગલું ભરવામાં આવશે

“ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકો અપનાવવી એ વર્તમાન સમયની માંગ છે”

“છેલ્લા 7થી 8 વર્ષમાં 70 લાખ હેક્ટર કરતાં વધુ જમીન સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવી છે”

“1.75 કરોડથી વધુ ખેડૂતો અને 2.5 લાખ કરતાં વધુ વેપારીઓ ઇ-નામ સાથે જોડાયેલા છે. ઇ-નામ દ્વારા થયેલી લેવડદવડોનો આંકડો રૂ. 2 લાખ કરોડ કરતાં વધારે થઇ ગયો”

“કૃષિ ક્ષેત્રમાં વધુને વધુ સ્ટાર્ટઅપ્સનું આગમન એ આ ક્ષેત્ર તેમજ ગ્રામીણ અર્થતંત્ર માટે સારા સંકેત છે”

Posted On: 17 OCT 2022 2:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આવેલી ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે પીએમ કિસાન સમ્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના – એક રાષ્ટ્ર, એક ખાતરનો પણ પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) હેઠળ રૂ. 16,000 કરોડના 12મા હપતાની રકમ પણ રિલિઝ કરી હતી. પ્રધાનમંત્રીએ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ‘ઇન્ડિયન એજ’ નામના ખાતરને લગતા ઇ-મેગેઝિન પણ વિમોચન કર્યું હતું. શ્રી મોદીએ સ્ટાર્ટઅપ પ્રદર્શનની થીમ પેવેલિયનમાં લટાર મારી હતી અને ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ એક જ પરિસરમાં જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનની ઉપસ્થિતિનો સ્વીકાર કરતા પોતાની વાતની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, આજે આપણે અહીં આ મંત્રનું જીવંત સ્વરૂપ જોઇ શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, કિસાન સંમેલન એ ખેડૂતોના જીવનને સરળ બનાવવા, તેમની ક્ષમતામાં વધારો કરવા અને અદ્યતન કૃષિ ટેકનિકોને પ્રોત્સાહન આપવા માટેનું એક માધ્યમ છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “આજે 600 થી વધુ પ્રધાન મંત્રી સમૃદ્ધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કેન્દ્રો માત્ર ખાતરનું વેચાણ કરનારા કેન્દ્રો નથી પરંતુ દેશના ખેડૂતો સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરવા માટેનું એક વ્યવસ્થાતંત્ર છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN)નો નવો હપતો રિલિઝ કરવા અંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ વચેટિયાને સામેલ કર્યા વિના સીધા જ ખેડૂતોના ખાતામાં નાણાં પહોંચે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ તરીકે કરોડો ખેડૂત પરિવારોને રૂ. 16,000 કરોડનો વધુ એક હપતો પણ રિલિઝ કરવામાં આવ્યો છે”, અને ખુશી વ્યક્ત કરી હતી કે, આ હપતો દિવાળી પહેલાં ખેડૂતો સુધી પહોંચી રહ્યો છે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક યોજના – એક રાષ્ટ્ર, એક ખાતરનો પણ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જે ખેડૂતોને ભારત બ્રાન્ડનું પરવડે તેવું ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ થાય તેવું સુનિશ્ચિત કરવા માટેની યોજના છે.

2014 પહેલાંના સમયમાં જ્યારે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયેલા કૃષિ ક્ષેત્ર અને યુરિયાના કાળાબજારનો સામનો કરવો પડ્યો હતો, તે સમયને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેના પર ખરેખરમાં ખેડૂતોને હક છે તે મેળવવા માટે પણ તેમને દંડા સહન કરવા પડતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે યુરિયાનું 100% નીમ કોટિંગ કરીને તેની કાળાબજારીને ઉકેલ લાવી દીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે દેશની 6 સૌથી મોટી યુરિયા ફેક્ટરીઓને ફરીથી શરૂ કરવા માટે સખત મહેનત કરી છે, જે વર્ષોથી બંધ હાલતમાં હતી”.

પરિશ્રમી ખેડૂતોને જેનાથી ઘણો ફાયદો થયો છે તેવા પગલાંઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત લિક્વિડ નેનો યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ ટાંક્યું હતું કે, “નેનો યુરિયા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવાનું માધ્યમ છે.” તેના ફાયદા ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યુરિયાથી ભરેલી બોરીના બદલે હવે માત્ર નેનો યુરિયાની એક બોટલથી કામ થઇ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આના કારણે યુરિયાના પરિવહન ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

પ્રધાનમંત્રીએ ભારતની ખાતર સુધારણાની ગાથામાં બે નવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી પહેલું તો, આજે સમગ્ર દેશમાં 3.25 લાખથી વધુ ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તરીકે વિકસાવવા માટે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ એવા કેન્દ્રો હશે જ્યાં ખેડૂતો માત્ર ખાતર અને બિયારણો જ મેળવશે એવું નથી, પણ માટીના પરીક્ષણનો અમલ પણ અહીં કરવામાં આવશે અને ખેતીની ટેકનિકો વિશે ઉપયોગી માહિતી મેળવી શકશે. બીજું કે, એક રાષ્ટ્ર, એક ખાતરથી ખેડૂતને ખાતરની ગુણવત્તા અને તેની ઉપલબ્ધતા અંગેની તમામ પ્રકારની મૂંઝવણોમાંથી છૂટકારો મળી જશે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “હવે દેશમાં વેચાતું યુરિયા એક જ નામ, સમાન બ્રાન્ડ અને સમાન ગુણવત્તાનું હશે અને આ બ્રાન્ડ છે ભારત! હવે યુરિયા આખા દેશમાં માત્ર ‘ભારત’ બ્રાન્ડ નેમ હેઠળ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.” આગળ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેના કારણે ખાતરની કિંમતમાં ઘટાડો થશે અને તેની ઉપલબ્ધતામાં વૃદ્ધિ થશે.

ટેકનોલોજી આધારિત આધુનિક ખેતીની ટેકનિકોને અપનાવવા તે વર્તમાન સમયની માંગ છે એ બાબત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે કૃષિમાં નવી પ્રણાલીઓ બનાવવી પડશે, વધુ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પદ્ધતિઓ અપનાવવી પડશે. આ વિચારસરણી સાથે, અમે કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા પર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 22 કરોડ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા બીજ આપવા માટે વૈજ્ઞાનિક પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લા 7થી 8 વર્ષ દરમિયાન બદલાયેલી આબોહવાની પરિસ્થિતિઓને અનુરૂપ બિયારણની લગભગ 1700 નવી જાતો ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે”.

વૈશ્વિક સ્તરે બાજરી અંગે વધી રહેલી ઉત્સુકતા પર પણ પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આજે, આપણી પાસે જે પરંપરાગત બરછટ અનાજ એટલે બાજરીના બીજની ગુણવત્તા છે તેમાં સુધારો કરવા માટે દેશમાં ઘણા હબ બનાવવામાં આવી રહ્યા છે.” આખી દુનિયામાં ભારતના બરછટ અનાજને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આગામી વર્ષને બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સિંચાઇ માટે પાણીનો જે પ્રકારે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની સામે પ્રધાનમંત્રીએ ચેતવણી આપી હતી અને ‘પર ડ્રોપ મોર કોર્પ’ (દરેક ટીપે વધુ પાક), સૂક્ષ્મ સિંચાઇ અને ટપક સિંચાઇની દિશામાં સરકારના પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છેલ્લા 7થી 8 વર્ષમાં 70 લાખ હેક્ટર કરતાં વધુ જમીન સૂક્ષ્મ સિંચાઇ હેઠળ લાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભવિષ્યના પડકારોને ઉકેલવા માટે તે એક મહત્વપૂર્ણ માધ્યમ પૂરું પાડે છે. આજે આપણે સમગ્ર દેશમાં આ બાબતે ઘણી જાગૃતિનો અનુભવ કરી રહ્યા છીએ, તે બાબત પર પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. પ્રાકૃતિક ખેતી માટે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં ખેડૂતો મોટા પાયે કામ કરી રહ્યા છે. ગુજરાતમાં આ માટે જિલ્લા અને ગ્રામ પંચાયત સ્તરે પણ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

પીએમ-કિસાનની પરિવર્તનકારી પહેલ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, પીએમ કિસાન સમ્માન નિધિ એ એક દૃષ્ટાંત પૂરું પાડે છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી નાના ખેડૂતોને કેટલો ફાયદો થાય છે. તેમણે કહ્યું હતું કે, “આ યોજનાના પ્રારંભથી આજદિન સુધીમાં, 2 લાખ કરોડ કરતાં વધુ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નાના ખેડૂતો કે જેમની સંખ્યા દેશના કુલ ખેડૂતોમાંથી 85 ટકા કરતાં વધુ છે, તેમના માટે આ એક મોટો આધાર છે”.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, "આજે આપણા ખેડૂતો માટે 'ઇઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરતા પગલાં લેવામાં આવ્યા છે" અને પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે, "બહેતર અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, આપણે ખેતર અને બજાર વચ્ચેનું અંતર પણ ઘટાડી રહ્યા છીએ." આનો સૌથી મોટા લાભાર્થીઓ નાના ખેડૂતો પણ છે, જેઓ ફળો, શાકભાજી, દૂધ અને માછલી જેવા નાશવંત ઉત્પાદનો સાથે સંકળાયેલા છે. કિસાન રેલ અને કૃષિ ઉડાન એર સેવામાં પણ આમાં ઘણી મદદ કરી રહી છે. આ આધુનિક સુવિધાઓ આજે ખેડૂતોના ખેતરોને દેશભરના મુખ્ય શહેરો અને વિદેશના બજારો સાથે સાંકળી રહી છે. તેમણે માહિતી આપી હતી કે, કૃષિ નિકાસના સંદર્ભમાં ભારત ટોચના 10 દેશોમાં સામેલ છે. વિશ્વવ્યાપી મહામારીની સમસ્યાઓ છતાં આપણી કૃષિ નિકાસમાં 18 ટકાનો વધારો થયો છે. ક્ષેત્ર વિશિષ્ટ નિકાસનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પહેલોને ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ યોજના  હેઠળ સમર્થન આપવામાં આવી રહ્યું છે અને જિલ્લા સ્તરે નિકાસ હબની સ્થાપના કરવામાં આવી રહી છે. એવી જ રીતે પ્રસંસ્કરણ કરેલી ખાદ્યચીજોથી ખેડૂતોને વધુ આવક મળી રહી છે. મોટા ફૂડ પાર્કની સંખ્યા 2 થી વધીને 23 સુધી પહોંચી ગઇ છે. સાથે સાથે, FPO અને SHGને આ પાર્ક સાથે જોડવામાં આવી રહ્યા છે. ઇ-નામ (e-NAM)ના કારણે ખેડૂતોના જીવન પર સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. ઇ-નામના કારણે ખેડૂતો ટેકનોલોજીના ઉપયોગથી દેશના કોઇપણ બજારમાં પોતાની ઉપજ વેચવા માટે સમર્થ બન્યા છે. તેમણે માહિતી આપી હતી કે, “1.75 કરોડથી વધુ ખેડૂતો અને 2.5 લાખ કરતાં વધુ વેપારીઓ ઇ-નામ સાથે જોડાયેલા છે. ઇ-નામ દ્વારા થયેલી લેવડદેવડનોનો કુલ આંકડો રૂ. 2 લાખ કરોડથી પણ આગળ નીકળી ગયો છે.”

દેશમાં કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સની વધી રહેલી સંખ્યા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર માટે આ ઘણી સારી બાબત છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “સ્ટાર્ટઅપ્સ અને આવિષ્કારી યુવાનો એ ભારતીય કૃષિ અને ભારતના ગ્રામીણ અર્થતંત્રનું ભવિષ્ય છે. ખર્ચથી લઇને પરિવહન સુધી, આપણા સ્ટાર્ટઅપ્સ પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે”.

આત્મનિર્ભરતા પર પોતાના અવિરત આગ્રહના કારણોનો વધુ એકવાર ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલ, ખાતર અને ક્રૂડ ઓઇલ જેવા મુખ્ય ઉત્પાદનો મોટા નાણાકીય ખર્ચ અને વૈશ્વિક પરિસ્થિતિઓ માટે જવાબદાર છે જે પુરવઠાને પણ અસર કરે છે. તેમણે DAP અને અન્ય ખાતરોના ઉદાહરણો પણ રજૂ કર્યા હતા, જેના ભાવોમાં ખૂબ જ વધારો થયો છે અને ભારતને 75-80 રૂપિયા પ્રતિ કિલોના દરે યુરિયા ખરીદવું પડ્યું છે, જો કે, ખેડૂતોને 5થી 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેનો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. શ્રી મોદીએ આગળ ઉમેર્યું હતું કે, આ વર્ષે પણ ખેડૂતોને પરવડે તેવા દરે ખાતર મળી રહે તે માટે સરકાર 2.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમણે ક્રૂડ ઓઇલ અને ગેસના સંદર્ભમાં વિદેશ પર રહેલી નિર્ભરતા ઓછી કરવા માટે જૈવ-ઇંધણ અને ઇથેનોલ સંબંધિત પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

પોતાના સંબોધનનું સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ ભારતના ખેડૂતોને મિશન ઓઇલ પામનો મહત્તમ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો, જે ખાદ્ય તેલ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં એક પગલું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેલિબિયાંનું ઉત્પાદન વધારીને ભારત ખાદ્ય તેલનો વપરાશ ઘટાડી શકે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આપણા ખેડૂતો આ ક્ષેત્રમાં સક્ષમ કરતાં વધુ સારી સ્થિતિમાં છે". કઠોળના ઉત્પાદન અંગે 2015માં પોતે કરેલા આહ્વાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ કઠોળના ઉત્પાદનમાં થયેલી 70% વૃદ્ધિ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવમાં આપણે કૃષિને આકર્ષક અને સમૃદ્ધ બનાવીશું" અને આ સાથે જ તમામ ખેડૂતો અને સ્ટાર્ટઅપ્સને શુભેચ્છા પાઠવીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજે અને શ્રી કૈલાશ ચૌધરી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

આ કાર્યક્રમમાં દેશભરમાંથી 13,500થી વધુ ખેડૂતો અને લગભગ 1500 એગ્રી સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવે છે. વિવિધ સંસ્થાઓના 1 કરોડથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સંમેલનમાં સંશોધકો, નીતિ ઘડનારાઓ અને અન્ય હિતધારકોની સહભાગીતા પણ જોવા મળશે.

પ્રધાનમંત્રીએ રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજના હેઠળ, દેશમાં છૂટક ખાતરની દુકાનોને તબક્કાવાર PMKSKમાં રૂપાંતરિત કરવામાં આવશે. PMKSK ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરશે અને કૃષિ-ઇનપુટ (ખાતર, બિયારણ, ઓજારો), માટી, બિયારણ અને ખાતર માટેના પરીક્ષણની સુવિધાઓ પૂરી પાડશે; ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે; વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરશે અને તાલુકા/જિલ્લા સ્તરના આઉટલેટ્સ પર છૂટક વિક્રેતાઓની નિયમિત ક્ષમતાનું નિર્માણ સુનિશ્ચિત કરશે. 3.3 લાખથી વધુ છૂટક ખાતરની દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરવાની યોજના છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના – એક રાષ્ટ્ર, એક ખાતરનો પણ પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત, પ્રધાનમંત્રીએ ભારત યુરિયા બેગ્સ લોન્ચ કરી હતી, જે કંપનીઓને સિંગલ બ્રાન્ડ નેમ ‘ભારત’ હેઠળ ખાતરનું માર્કેટિંગ કરવામાં મદદરૂપ થશે.

ખેડૂતોના કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રીની નિરંતર પ્રતિબદ્ધતાના પ્રતિબિંબમાં, આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) હેઠળ રૂ. 16,000 કરોડના 12મા હપતાની રકમ પણ રિલિઝ કરી હતી જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને 2000 રૂપિયાના ત્રણ સમાન હપતામાં દર વર્ષે 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં, PM-KISAN હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂત પરિવારોને રૂ. 2 લાખ કરોડથી વધુના લાભો આપવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ આગળ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રિસિઝન ફાર્મિંગ, પોસ્ટ-હાર્વેસ્ટ એન્ડ વેલ્યુ એડ સોલ્યુશન્સ (લણણી પછી અને મૂલ્યવર્ધન ઉકેલો), સંલગ્ન એગ્રીકલ્ચર, વેસ્ટ ટુ વેલ્થ, નાના ખેડૂતો માટે મિકેનાઇઝેશન, પૂરવઠા શૃંખલા વ્યવસ્થાપન અને એગ્રી-લોજિસ્ટિકને લગતા આવિષ્કારો અહીં લગભગ 300 સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સને ખેડૂતો, FPO, કૃષિ નિષ્ણાતો, કોર્પોરેટ વગેરે સાથે સંવાદ કરવા માટે સુવિધા પૂરી પાડશે. સ્ટાર્ટઅપ્સ પોતાના અનુભવોનું આદાનપ્રદાન પણ કરશે અને ટેકનિકલ સત્રોમાં અન્ય હિતધારકો સાથે સંવાદ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ‘ઇન્ડિયન એજ’ નામથી ખાતર અંગેના ઇ-મેગેઝિનનું પણ વિમોચન કર્યું હતું. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાતરની પરિસ્થિતિઓ પર માહિતી પૂરી પાડશે, જેમાં તાજેતરમાં થયેલા ડેવલપમેન્ટ્સ, ભાવના ટ્રેન્ડ્સનું વિશ્લેષણ, ઉપલબ્ધતા અને વપરાશ તેમજ અન્ય ખેડૂતોની સફળતાની ગાથાઓ સમાવી લેવામાં આવી છે.

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1868530) Visitor Counter : 256