પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના ભરૂચમાં આવેલા અમોદ ખાતે રૂ. 8000 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


“આજે, આ ગુજરાતની ધરતી પરથી અને માં નર્મદાના કાંઠેથી હું આદરણીય મુલાયમસિંહજીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું”

“ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે”

“નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકારના પરિણામરૂપે જ વિકાસના કાર્યોને ઉલ્કા ગતિએ પૂરા કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા”

“સમર્થ બનાવે તેવા માહોલનું સર્જન કરવાનું સપનું સાકાર કરવા માટે નીતિ અને ઇરાદો (નીતિ અને નિયત) બંને જરૂરી છે”

“2014માં ભારતનું અર્થતંત્ર સમગ્ર દુનિયામાં 10મા ક્રમે હતું ત્યાંથી પ્રગતિ કરીને 5મા ક્રમે પહોંચી ગયું છે”

“ગુજરાતે કોરોના સામેની જંગમાં દેશને ઘણી મદદ કરી છે. ફાર્મા ક્ષેત્રમાંથી થતી દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા છે”

“વિકાસની સફરમાં આદિવાસી સમુદાયે ઘણું યોગદાન આપ્યું છે”

“ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટ્વીન સિટી વિકાસના મોડેલના આધાર પર કરવામાં આવી રહ્યો છે”

Posted On: 10 OCT 2022 1:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભરૂચ ખાતે આવેલા આમોદમાં રૂ. 8000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક, દહેજ ખાતે ડીપ સી પાઇપલાઇન પરિયોજના, અંકલેશ્વરના હવાઇમથકના ફેઝ 1 તેમજ અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટિલેવલ ઇન્ડસ્ટ્રીયલ શેડ તૈયાર કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ GACL પ્લાન્ટ, ભરૂચ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને IOCL દહેજ કોયાલી પાઇપલાઇન સહિત અનેક પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યુ હતું જે ગુજરાતમાં રસાયણ ક્ષેત્રને વેગ આપવાનું સામર્થ્ય ધરાવે છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબંધોન કરતી વખતે શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ શ્રી મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. તમણે કહ્યું હતું કે, મુલાયમસિંહજી સાથે મારો સંબંધ ખૂબ જ ખાસ રહ્યો છે. મુખ્યમંત્રી તરીકે, જ્યારે તેમની સાથે મારી મુલાકાત થઇ, ત્યારે પરસ્પર આદર અને નિકટતાની લાગણી હતી.પ્રધાનમંત્રીપદના ઉમેદવાર બન્યા પછી, શ્રી મોદીએ જ્યારે વિવિધ પક્ષોના નેતાઓનો સંપર્ક કર્યો હતો તે સમયને યાદ કરીને, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મુલાયમસિંહજીના આશીર્વાદ અને સલાહભર્યા શબ્દો હજુ પણ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુલાયમસિંહજીએ બદલાતા સમયની પરવા કર્યા વિના તેમના 2013ના આશીર્વાદ જાળવી રાખ્યા હતા. શ્રી મોદીએ છેલ્લી લોકસભાના છેલ્લા સત્રમાં મુલાયમસિંહજીના આશીર્વાદને પણ યાદ કર્યા હતા, જ્યાં વિદાય લઇ રહેલા આ નેતાએ કોઇપણ રાજકીય મતભેદ વિના 2019માં પ્રધાનમંત્રી મોદીના પુનરાગમનની આગાહી કરી હતી, જેમાં મુલાયમસિંહજીએ કહેલા શબ્દો મુજબ તેઓ (મોદીજી) એવા નેતા છે જે સૌને સાથે રાખીને આગળ વધે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે, ગુજરાતની આ ધરતી પરથી અને માં નર્મદાના કિનારેથી આદરણીય મુલાયમસિંહજીને હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું તેમના પરિવાર અને પ્રશંસકોને આ અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ મળે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરું છું.

આઝાદી કા અમૃત મહોત્સવના સમયે જ પ્રધાનમંત્રીએ ભરૂચની મુલાકાત લીધી છે તે અંગે ટિપ્પણી કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ જગ્યાની માટીએ રાષ્ટ્રના અનેક એવા સંતાનોને જન્મ આપ્યો છે જેમણે દેશનું નામ નવી ઊંચાઇઓ પર પહોંચાડ્યું છે. તેમણે બંધારણ સભાના સભ્ય અને સોમનાથ આંદોલનમાં સરદાર પટેલના મુખ્ય સાથી કનૈયાલાલ માણેકલાલ મુનશી અને મહાન ભારતીય સંગીતજ્ઞ પં. ઓમકારનાથ ઠાકુરને યાદ કર્યા હતા. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે.” આગળ તેમણે કહ્યું હતુ કે, “જ્યારે પણ આપણે ભારતનો ઇતિહાસ વાંચીએ છીએ અને ભવિષ્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે ભરૂચની ચર્ચા હંમેશા ગર્વથી થાય છે.” તેમણે ભરૂચ જિલ્લાની ઉભરી રહેલી વૈશ્વિક પ્રકૃતિની પણ નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ભરૂચમાં પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક ઉપરાંત રસાયણ ક્ષેત્રને લગતી અનેક પરિયોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “કનેક્ટિવિટી સંબંધિત બે મુખ્ય પરિયોજનાઓનો પણ આજે પ્રારંભ કરવામાં આવ્યો છે.”

શ્રી મોદીએ એવી માહિતી પણ આપી હતી કે, ભરૂચના લોકોને વડોદરા કે સુરત પર નિર્ભર ન રહેવું પડે તે માટે અંકલેશ્વરમાં ભરૂચ હવાઇમથકના નિર્માણનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ એ બાબતે પણ સૌનું ધ્યાન દોર્યું હતું કે, ભરૂચ એક એવો જિલ્લો છે કે, જ્યાં દેશના અન્ય નાના રાજ્યો કરતાં વધુ ઉદ્યોગ માત્ર એક જિલ્લામાં જ આવેલા છે અને નવા હવાઇમથકની પરિયોજના આ પ્રદેશ વિકાસની દૃષ્ટિએ નવી ઊંચાઇની સફર સર કરશે તે વાત નક્કી છે. શ્રી મોદીએ આગળ ઉમેર્યું હતું કે, “નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકારના પરિણામરૂપે જ અહીં વિકાસના કાર્યોને ઉલ્કા ગતિએ પૂરા કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.” તેમણે ઉમેર્યું હતું કે. “આ ગુજરાતનો નવો ચહેરો છે.” એક સમયે દરેક ક્ષેત્રે પાછળ રહેલા રાજ્યમાંથી ગુજરાત, છેલ્લા બે દાયકામાં, એક સમૃદ્ધ ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના અગ્રણી રાજ્યમાં પરિવર્તિત થયું છે. વ્યસ્ત બંદરો અને વિકાસશીલ દરિયાકાંઠાની મદદથી, આદિવાસી અને માછીમાર સમુદાયના જીવનમાં પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતાની મહેનતને કારણે આઝાદી કા અમૃત મહોત્સવમાં રાજ્યના યુવાનો માટે સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, આપણે અવરોધો મુક્ત માહોલનું નિર્માણ કરીને, આ તક સહેજ પણ ગુમાવવી જોઇએ નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ સપનાઓને સાકાર કરવા માટે નીતિ અને ઇરાદો (નીતિ અને નિયત) બંનેની જરૂર છે. ભરૂચ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં આવેલા સુધારા વિશે પણ તેમણે વાત કરી હતી. તેમણે એ પણ યાદ અપાવ્યું હતું કે કેવી રીતે વર્ષો વર્ષ વિતેલા સમયમાં કૃષિ, આરોગ્ય અને પીવાના પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. કેવી રીતે, મુખ્યમંત્રી તરીકે, તેમણે એક સમયે એક એક મુદ્દા સાથે ઝંપલાવ્યું અને તેનો ઉકેલ લાવ્યા હતા, તે બાબતો પણ તેમણે યાદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “આજે, બાળકો કર્ફ્યુ શબ્દ જાણતા નથી, જે પહેલાં ખૂબ જ સામાન્ય શબ્દો હતો. આજે, આપણી દીકરીઓ માત્ર સન્માન સાથે જીવી રહી છે અને મોડે સુધી કામ કરી રહી છે એટલું જ નથી, પરંતુ સમુદાયોના જીવનનું નેતૃત્વ પણ સંભાળી રહી છે.” તેવી જ રીતે, ભરૂચમાં પણ શિક્ષણ સંબંધિત સુવિધાઓ પણ આવી છે, જેનાથી યુવાનોને નવી તકો પ્રાપ્ત થઇ છે. લાંબા ગાળાના આયોજન અને અત્યાર સુધી ઓછા ઉપયોગમાં લેવાયેલા સંસાધનોનો લાભ ઉઠાવવાથી, ગુજરાત ઉત્પાદન, ઔદ્યોગિક અને વ્યવસાયના હબ તરીકે ઉભરી આવ્યું છે અને અહીં અનેક વિશ્વ-સ્તરીય સુવિધાઓ ઉભરી આવી છે. પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ડબલ-એન્જિનની સરકાર બેવડા લાભોનું શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડી રહી છે.

પ્રધાનમંત્રીએ પોતાના વોકલ ફોર લોકલ આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ઉત્પાદનોનો આશરો લઇને અને આયાતી ઉત્પાદનોથી દૂર રહેવાથી, દરેક નાગરિક આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી શકે છે. તેમણે દિવાળી દરમિયાન સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાની સૌને અપીલ કરી કારણ કે, તેનાથી સ્થાનિક વ્યવસાયો અને કારીગરોને મદદ મળી રહેશે. તેમણે કહ્યું હતું કે, 2014માં ભારતનું અર્થતંત્ર સમગ્ર દુનિયામાં 10મા ક્રમે હતું ત્યાંથી પ્રગતિ કરીને અત્યારે પાંચમા ક્રમે પહોંચી ગયું છે. આ સિદ્ધિ એ હકીકતના કારણે વધુ મહત્વની બની ગઇ છે કે, ભારતે તેના ભૂતપૂર્વ બ્રિટિશ શાસકોને પાછળ ધકેલી દીધા છે. તેમણે ઉમેર્યું હતું કે, આનો શ્રેય યુવાનો, ખેડૂતો, કામદારો, નાના અને મોટા ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓને જાય છે. તેમણે દવાઓનું ઉત્પાદન કરીને જીવન બચાવવાના ઉમદા કાર્યમાં સામેલ થવા બદલ ભરૂચની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું હતું કે, મહામારીએ ફાર્મા ક્ષેત્રનું મહત્વ ખૂબ જ સ્પષ્ટ કર્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ગુજરાતે કોરોના સામેની જંગમાં દેશને ઘણી મદદ કરી. ફાર્મા ક્ષેત્રમાં દેશમાંથી થતી કુલ નિકાસમાંથી ગુજરાતનો હિસ્સો 25 ટકા છે.”

પ્રધાનમંત્રીએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે કેટલાક બદઇરાદા ધરાવનારા લોકોએ ભરૂચમાં વિકાસના માર્ગમાં અવરોધ ઉભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્યારે અમે 2014માં સત્તામાં આવ્યા અને ગુજરાતને નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન શક્તિનો અનુભવ થયો, ત્યારે તમામ અવરોધોને હટાવી દેવામાં આવ્યા હતા.” પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમના વિકાસ કાર્ય દરમિયાન શહેરી નક્સલીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા અવરોધો તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રીએ ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નકસલવાદીઓના ફેલાવાનો ઉલ્લેખ કરીને, ગુજરાતના આદિવાસી સમુદાયોની પ્રશંસા કરી હતી જેમણે ગુજરાત રાજ્યમાં નક્સલીઓને ફેલાવા દીધા નથી અને નક્સલીઓના ત્રાસથી ગુજરાતની જનતાનો જીવ બચાવીને રાખ્યો છે. શહેરી નકસલીઓ રાજ્યમાં કોઇપણ પ્રકારે પગદંડો જમાવી શકે છે તે અંગે પ્રધાનમંત્રીએ સૌને ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન અને ગણિતનું સારું શિક્ષણ સુનિશ્ચિત કર્યા વગર, સરકારના પ્રયાસોને કારણે સકારાત્મક પગલાં અને અન્ય યોજનાઓનો યોગ્ય લાભ મેળવવો શક્ય નથી. આજે આદિવાસી યુવાનો પાયલોટની તાલીમ મેળવી રહ્યા છે અને ડૉક્ટર, વૈજ્ઞાનિક તેમજ વકીલો બની રહ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આદિવાસી સમુદાયે રાજ્ય અને દેશના વિકાસની સફરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમના યોગદાનને બિરદાવવા માટે સરકારે, શૌર્યવાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં, સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયો દ્વારા પૂજનીય છે તેવા ભગવાન બિરસામુંડા જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે સમર્પિત કર્યો છે.

પોતાના સંબોધનનું સમાપન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ અમદાવાદ અને ગાંધીનગરની જેમ વિકાસના ટ્વીન સિટી મોડલના આધાર પર થઇ રહ્યો છે. અંતમાં તેમણે કહ્યું હતું કે, “લોકો ભરૂચ અને અંકલેશ્વર વિશે એવી રીતે વાત કરી રહ્યા છે કે, જાણે તેઓ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની વાત કરતા હોય.”

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને સાંસદો શ્રી સી. આર. પાટીલ તેમજ શ્રી મનસુખ વસાવા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના વધુ એક પગલા તરીકે, પ્રધાનમંત્રીએ જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કર્યો છે. 2021-22માં, દેશમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને લગતી થયેલી કુલ આયાતમાંથી 60% બલ્ક દવાઓનો રહ્યો હતો. આ પરિયોજનાથી આયાતનો વિકલ્પ સુનિશ્ચિત થશે અને ભારતને બલ્ક ડ્રગ્સ માટે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવશે. પ્રધાનમંત્રીએ દહેજ ખાતે ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે ઔદ્યોગિક વસાહતોમાંથી ટ્રીટમેન્ટ કરવામાં આવેલા ગંદા પાણીના નિકાલમાં મદદ કરશે. પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ કરવામાં આવેલી અન્ય પરિયોજનાઓમાં અંકલેશ્વર હવાઇમથકના ફેઝ 1નું નિર્માણ તેમજ અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટિલેવલ ઇન્ડસ્ટ્રીયલ શેડના નિર્માણનું કાર્ય સામેલ છે, જે MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ બહુવિધ ઔદ્યોગિક પાર્ક્સના વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. તેમાં વાલિયા (ભરૂચ), અમીરગઢ (બનાસકાંઠા), ચકલીયા (દાહોદ) અને વનાર (છોટા ઉદેપુર)માં ચાર આદિવાસી ઔદ્યોગિક પાર્ક્સ; મુડેથા (બનાસકાંઠા) ખાતે એગ્રો ફૂડ પાર્ક; કાકવાડી દાંતી (વલસાડ) ખાતે સી ફૂડ પાર્ક; અને ખાંડીવાવ (મહિસાગર) ખાતે MSME પાર્કનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ઘણી પરિયોજનાઓ રાષ્ટ્રને લોકાર્પિત કરી હતી જે રસાયણ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેમણે દહેજ ખાતે 130 MWના સહઉત્પાદન પાવર પ્લાન્ટ સાથે સંકલિત 800 TPD કોસ્ટિક સોડા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે, તેમણે દહેજ ખાતેના હાલના કોસ્ટિક સોડાના પ્લાન્ટનું વિસ્તરણ પણ લોકાર્પિત કર્યું હતું, જેની ક્ષમતા 785 MT/દિવસથી વધારીને હવે 1310 MT/દિવસ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ દહેજ ખાતે વાર્ષિક એક લાખ મેટ્રિક ટન ક્લોરોમિથેન્સના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી અન્ય પરિયોજનાઓમાં દહેજ ખાતે હાઇડ્રાઇઝિન હાઇડ્રેટ પ્લાન્ટનો સમાવેશ થાય છે જે આ પ્રોડક્ટની આયાતનો વિકલ્પ મેળવવામાં મદદરૂપ થશે, તેમજ IOCL દહેજ-કોયાલી પાઇપલાઇન પ્રોજેક્ટ, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP કાર્ય અને ઉમલ્લા આસાપાનેથા રોડને પહોળો અને મજબૂત કરવાના કાર્યો પણ સામેલ છે.

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1866477) Visitor Counter : 284