પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતના ભાવનગર ખાતે વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના શુભારંભ સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 SEP 2022 6:14PM by PIB Ahmedabad

ભાવનગરના તમામ સ્વજનોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. સૌ પ્રથમ તો મારે ભાવનગરની માફી માગવી છે. હું ભૂતકાળમાં ક્યારેય પણ આટલા લાંબા સમય બાદ ભાવનગર આવ્યો હોઉં તેવી આ પહેલી ઘટના છે. વચ્ચે હું આવી આવી શક્યો નહીં તે માટે ક્ષમા માગું છું. અને, તેમ છતાં આપ સૌએ જે આશીર્વાદ વરસાવ્યા છે, પ્રેમ વરસાવ્યો છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. દૂર દૂર સુધી મારી નજર પહોંચી રહી છે, આવડી મોટી સંખ્યામાં અને તે પણ આટલી ગરમીમાં હું આપ સૌને શત શત વંદન કરું છું.

આજે મારી ભાવનગરની મુલાકાત વિશેષ છે. એક તરફ દેશ જ્યાં આઝાદીના75 વર્ષ પૂરા કરી ચૂક્યો છે ત્યાં જ આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની પોતાની આ યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજશાનીના રૂપમાં પોતાની એક ઓળખ બનાવી છે. આ વિકાસ યાત્રાને એક નવો આયામ આપવા માટે આજે અહીં કરોડો રૂપિયાના અનેક પ્રોજેકટને લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. આ પ્રોજેકટ ભાવનગરની ઓળખને મજબૂત કરશે. સૌરાષ્ટ્રના ખેડૂતને સિંચાઇની નવી ભેટ આપશે. આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂતી પ્રદાન કરશે. પ્રાંતીય વિજ્ઞાન કેન્દ્રના બનવાથી શિક્ષણ અને સંસ્કૃતિના શહેરના રૂપમાં ભાવનગરની ઓળખ અને સમૃદ્ધિ થશે. આ તમામ પ્રોજેકટ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
 

ભાઈઓ અને બહેનો,

જ્યારે પણ હું ભાવનગર આવ્યો છું તો એક વાત ચોક્કસ કહેતો રહ્યો છું. વીતેલા અઢી ત્રણ દાયકાઓમાં જે ગૂંજ સુરત. વડોદરા અને અમદાવાદની રહી છે હવે એ જ ગૂંજ રાજકોટ, જામનગર અને ભાવનગરની થનારી છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધિને લઈને મારો વિશ્વાસ એટલા માટે પ્રગાઢ રહ્યો છે કેમ કે અહીં ઉદ્યોગ, ખેતી, પર્યટન આ ત્રણેય માટે અભૂતપૂર્વ સંભાવના છે. આજનો આ કાર્યક્રમ આજ દિશામાં ઝડપથી આગળ ધપી રહેલા ડબલ એન્જિન સરકારના પ્રયાસોનું એક જીવતો જાગતો પુરાવો છે. ગુજરાત પાસે દેશનો સૌથી મોટો દરિયાકાંઠો છે. પરંતુ આઝાદી બાદ ઘણા દાયકાઓ સુધી તટિય વિકાસ પર એટલું ધ્યાન નહીં આપવાને કારણે આ વિશાળ સમૂદ્રકાંઠો એક રીતે લોકો માટે મોટો પડકાર બની ગયો હતો. સમૂદ્રનું ખારું પાણી અહીં માટે અભિશાપ બની ગયું હતું. સમૂદ્રને કિનારે વસેલા ગામડાંઓના ગામડાંઓ ખાલી થઈ ગયા હતા. લોકો અહીં તહીં પલાયન કરવા લાગ્યા હતા. કેટલાય નવયુવાનો સુરત જતા હતા ત્યાં એક જ ઓરડામાં 10-10, 15-15, 20-20 લોકો ગુજરાન ચલાવતા હતા. આ સ્થિતિ ઘણી દુઃખદ હતી.
સાથીઓ,
વીતેલા  બે દાયકામાં ગુજરાતના દરિયા કાંઠાને ભારતની સમૃદ્ધિના દ્વાર બનવવા માટે અમે પ્રામાણિકતાથી પ્રયાસ કર્યા છે. રોજગારીના અનેક નવા અવસરો પેદા કર્યા છે. ગુજરાતમાં અમે અનેક અનેક બંદરો વિકસીત કર્યા, ઘણા બધા બંદરોનું આધુનિકીકરણ કર્યું, ગુજરાતમાં આજે ત્રણ મોટા એલએનજી ટર્મિનલ છે, પેટ્રોકેમિકલ્સ હબ્સ છે અને દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય હતું જ્યાં પ્રથમ એલએનજી ટર્મિનલ બન્યું હતું. રાજ્યના તટવર્તી પ્રદેશોમાં અમે સેંકડો કોસ્ટલ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી, નાના મોટા અનેક ઉદ્યોગ વિકસીત કર્યા. ઉદ્યોગોની ઊર્જાની માગને પહોંચી વળવા માટે અમે કોલ-ટર્મિનલ્સનું નેટવર્ક પણ તૈયાર કર્યું. આજે ગુજરાતના તટવર્તી વિસ્તારોમાં અનેક પાવર પ્લાન્ટ જે માત્ર ગુજરાતને જ નહીં સમગ્ર દેશને ઊર્જા આપી રહ્યા છે. આપણા માછીમાર ભાઈ-બહેનોની મદદ માટે અમે ફિશિંગ હાર્બર બનાવ્યા, ફિસ લેન્ડિંગ સેન્ટર અને ફિશ પ્રોસેસિગને પણ વેગ આપ્યો. ફિશિંગ હાર્બરનું જે મજબૂત નેટવર્ક અમે તૈયાર કર્યું છે તેનો પણ સતત વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, તેનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના તટીય ક્ષેત્રમાં મેંગ્રૂવના જંગલોનો વિકાસ કરીને અમે કોસ્ટલ ઇકોસિસ્ટમને વધારે સુરક્ષિત બનાવી છે અને મજબૂત બનાવી છે અને એ સમયે ભારત સરકારમાં જે મંત્રીઓ હતા તેમણે એક વાર કહ્યું હતું કે હિન્દુસ્તાનના તટીય રાજ્યોને ગુજરાતથી મેંગ્રૂવનો વિકાસ કેવી રીતે થઈ શકે છે, તે શીખવું જોઇએ. આ કાર્ય આપ સૌના સહયોગથી ગુજરાતમાં થયું છે.
અમે કૃષિને પણ સતત વેગ  આપ્યો છે. ગુજરાત દેશના એ અગ્રણી રાજ્યોમાં છે જ્યાં સી-વિડની ખેતીને લઈને ઘણા પ્રયાસ થયા છે. આજે ગુજરાતનો દરિયા કાંઠો દેશની આયાત નિકાસમાં ઘણી મોટી ભૂમિકા અદા કરવાની સાથે જ લાખો લોકોના રોજગારનું માધ્યમ બન્યો છે. આજે ગુજરાતનો દરિયા કાંઠો, રિન્યૂએબલ એનર્જી અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમ તેનો પર્યાય બનીને ઉભર્યો છે. આપણા સૌરાષ્ટ્રને પણ ઊર્જાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાના પ્રયાસો કર્યા છે. ગુજરાત અને દેશની ઊર્જા દેશની જે જરૂરિયાત છે. તેના માટે જે કાંઇપણ જોઇએ આજે આ ક્ષેત્ર તેનું એક મોટું હબ બની રહ્યું છે. હવે તો સૌર ઊર્જાના પણ અનેક પ્રોજેક્ટ આ ક્ષેત્રમાં લાગી રહ્યા છે. પાલિતાણામાં આજે જે સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે તેનાથી ક્ષેત્રના અનેક પરિવારોને સસ્તી તથા પર્યાપ્ત વિજળી પ્રાપ્ત થઈ શકશે. એક સમય હતો જે આજે 20-22 વર્ષના હશે તેમને તો આ વાતની ખબર પણ નહીં હોય. આ જ આપણા ગુજરાતનો એક સમય હતો જ્યારે સાંજે જમવાના સમયે જો વિજળી આવી જાય તો ખુશીનો દિવસ રહેતો હતો. અને મને યાદ છે, હું  મુખ્યમંત્રી બન્યો પહેલા દિવસથી લોકો કહેતા હતા કે કમ સે કમ સાંજે જમવાના સમયે વિજળી મળી જાય તેવું કરો. તે તમામ દુઃખના દિવસો ચાલ્યા ગયા દોસ્તો.
આજે અહીં પૂરતી વિજળીને કારણે બિઝનેસની નવી તકો પેદા થઈ રહી છે, ધંધા-ઉદ્યોગ વિકસી રહ્યા છે. ધોલરામાં રિન્યૂએબલ એનર્જી, સ્પેસ અને સેમિકંડક્ટર ઉદ્યોગને લઈને જે રોકાણ થવા જઈ રહ્યું છે તેનો લાભ પણ ભાવનગરને મળનારો છે. કેમ કે એક પ્રકારે તે ભાવનગરનો પડોશી વિસ્તાર વિકસી રહ્યો છે અને એ દિવસો દૂર નહીં હોય અમદાવાદથી ધોલેરા, ભાવનગર આ સમગ્ર ક્ષેત્ર વિકાસની નવી નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરનારો છે.
ભાઈઓ અને બહેનો,
ભાવનગર આજે પોર્ટ-લેડડ ડેવલપમેન્ટના એક મુખ્ય કેન્દ્ર તરીકે વિકસીત થઈ રહ્યું છે. આ બંદરની દેશભરમાં અલગ અલગ ઓદ્યોગિક ક્ષેત્રોની સાથે મલ્ટિમોડલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. માલગાડીઓ માટે અલગથી જે ટ્રેક બિછાવવામાં આવી રહ્યો છે તેનાથી પણ આ પોર્ટ જોડાશે અને બીજા હાઇવે, રેલવે નેટવર્કથી પણ બહેતર જોડાણ થશે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આ કનેક્ટિવિટીના પરિયોજનાઓને એક નવું બળ આપનારી છે. એટલે કે ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એક મોટી ભૂમિકા અદા કરનારું છે અને રોજગારીની સેંકડો નવી તકો અહીં પેદા થનારી છે. અહીં ભંડારણ, ટ્રોન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા વેપાર કારોબારનો વિસ્તાર થનારો છે. આ બંદરગાહ ગાડીઓના સ્ક્રેપિંગ, કન્ટેઇનર ઉત્પાદન તથા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જેવા મોટા પ્રોજેક્ટની પણ જરૂરિયાતોને પૂરી કરશે. તેનાથી અહીં નવી રોજગારી પેદા થશે, સ્વરોજગારની સંભાવનાઓ પેદા થશે.
સાથીઓ,
અલંગને દુનિયાના મોટા શિપ બ્રેકિંગ યાર્ડમાંથી એક ગણવામાં આવી રહ્યું છે. ભાગ્યે જ કોઈ એવો હોય જેને અલંગની ખબર ન હોય. કેન્દ્ર સરકારે જે નવી વ્હિકલ સ્ક્રેપિંગ નીતિ એટલે કે જૂની ગાડીઓન સ્ક્રેપ કરવા માટેની નીતિ ઘડી છે. જે હવે લાગું કરવામાં આવશે, સાથીઓ, હું દાવા સાથે કહું છું. સમગ્ર હિન્દુસ્તાનમાં આ વ્હિકલ સ્ક્રેપિંગ નીતિનો સૌ પ્રથમ અને સૌથી વધુ લાભ કોઇને મળનારો છે તો તે આપ લોકોને મળવાનો છે. તેનું કારણ એ છે કે અલંગ પાસે તો સ્ક્રેપિંગ સાથે સંકળાયેલી વિશેષજ્ઞતા છે. મોટા મોટા જહાજોને કેવી રીતે સ્ક્રેપ કરવામાં આવી રહ્યા છે તેની તેને જાણકારી છે. એવામાં જહાજોની સાથે સાથે બીજા નાના વાહનોની સ્ક્રેપિંગનું પણ દેશનું આ સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. ભાવનગરના મારા હોનહાર ઉદ્યમીઓને મારે એ વાત યાદ કરાવવાની જરૂર નથી કે તેઓ વિદેશમાંથી પણ આવી નાની નાની ગાડીઓ લાવીને તેને અહીં સ્ક્રેપ કરવાનું કામ શરૂ કરી દેશે.
સાથીઓ,
અહી જહાજોને તોડીને જે લોખંડ નીકળે છે અત્યાર સુધી બાંધકામ ક્ષેત્રમાં તેનો મોટો ઉપયોગ થાય છે. તાજેતરમાં જ આપણે જોયું છે કે કન્ટેઇનરો માટે કોઈ એક દેશ પર અત્યંત નિર્ભરતાથી કેવું મોટું સંકટ પેદા થતું હોય છે. ભાવનગર માટે આ પણ એક નવી તક અને મોટી તક છે. એક તરફ વૈશ્વિક વ્યાપારમાં ભારતની હિસ્સેદારી વધી રહી છે અને બીજી  તરફ દુનિયા પણ કન્ટેઇનર્સના મામલામાં ભરોસાપાત્ર સપ્લાયરની શોધમાં છે. સમગ્ર દુનિયામાં લાખો કન્ટેઇનરની જરૂરિયાત છે. ભાવનગરમાં બનનારા કન્ટેઇનર, આત્મનિર્ભર ભારતને પણ ઊર્જા આપશે અને અહીં રોજગારીના અનેક અવસર પણ પેદા કરશે.
સાથીઓ,
જ્યારે મનમાં લોકોની સેવા કરવાની ભાવના હોય, પરિવર્તન લાવવાની ઇચ્છાશક્તિ હોય, તો મોટામાં મોટા લક્ષ્યાંકો પાર કરવા શક્ય હોય છે. સુરતથી ભાવનગર આવતી-જતી ગાડીની શું સ્થિતિ હતી તે આપ સૌ સારી રીતે જાણો છો. કલાકોની મુસાફરી, માર્ગ દુર્ઘટના, પેટ્રોલ ડીઝલનો ખર્ચ, કેટલી બધી મુશ્કેલીઓ હતી. હવે જીવન પર સંકટ પણ ઓછું થયું છે, ભાડાના પૈસા તથા સમય પણ બચી રહ્યો છે. તમામ અડચણો છતાં અમે ઘોઘા-દહે ફેરી સર્વિસ શરૂ કરીને દેખાડી, આ સપનાને સાકાર કર્યું. ઘોઘા-હજીરા રો-રો સર્વિસથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર લગભગ 400 કિલોમીટરથી ઘટીને 100 કિલોમીટરથી પણ ઓછું થઈ ગયું છે. ઘણા ઓછા સમયમાં આ સેવાથી લગભગ ત્રણ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી ચૂક્યા છે.  80 હજારથી વધારે ગાડીઓને અહીંથી ત્યાં પહોંચાડવામાં આવી છે. અને આ જ વર્ષે 40 લાખ લીટરથી વધારે પેટ્રોલ, ડીઝલની બચત થઈ છે. એટલે કે આટલા રૂપિયા આપ લોકોની ખિસ્સામાંથી બચ્યા છે. આજથી તો આ રૂટ પર મોટા જહાજો માટેનો માર્ગ પણ ખૂલી ગયો છે.
સાથીઓ,
આપ સમજી શકો છો કે આ કેટલી મોટી સેવા આ ક્ષેત્રના સામાન્ય માનવી, ખેડૂતો તથા વેપારીઓ માટે થઈ છે. પરંતુ આ તમામ બાબતો કોઈ શોરબકોર વિના, મોટી મોટી જાહેરાતોની પાછળ પૈસા બરબાદ કર્યા વિના આ તમામ કાર્યો થયા છે, સાથીઓ. કેમ કે અમારી પ્રેરણા અને લક્ષ્ય ક્યારેય સત્તા સુખ રહ્યા નથી. અમે તો હંમેશાં સત્તાને સેવાનું માઘ્યમ માનીએ છીએ. આ અમારી સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. તેથી સેવાભાવન કારણે જ આટલો પ્યાર, આટલા આશીર્વાદ સતત વધતા જ રહ્યા છે. વધતા જ ચાલ્યા આવે છે.
સાથીઓ,
અમારા પ્રયાસોથી આ ક્ષેત્રમાં માત્ર આવન જાવન, ટ્રાન્સપોર્ટેશન જ નહીં, આટલી જ સવલતો થઈ છે તેવું નથી પરંતુ પ્રવાસને પણ પ્રોત્સાહન મળ્યું છે. પોતાના દરિયાઈ વારસાને વિકસાવીને તેને પ્રવાસનની તાકાત બનાવવા પર ગુજરાતના સમૂદ્રી ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. લોથલમાં બનનારું મેરીટાઇમ મ્યુઝિયમ, કદાચ આપનામાંથી ઘણા લોકોને ખબર હશે. લોથલમાં દુનિયામાં નામ કમાઇ શકે એવું મેરીટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે. જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ લોથલનું મેરીટાઇમ મ્યુઝિયમ પણ તેની નવી ઓળખ બનાવશે. કેમ કે આપણા માટે ગર્વની વાત છે. દુનિયાનું સૌથી પુરાણું બંદરગાહ લોથલ તે આપણી ગુજરાતની ઘરતી પર છે. તે આપણા ભાવનગરના કિનારા પર છે. લોથલ આપણા વારસાનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે જેને સમગ્ર દુનિયાના પર્યટનના નકશા પર લાવવા માટે ઘણો પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે. લોથલની સાથે વેળાવદર નેશનલ પાર્કમાં ઇકો ટુરિઝમ સાથે સંકળાયેલી સરકિટનો લાભ પણ ભાવનગરને મળવાનો છે. ખાસ કરીને નાના નાના બિઝનેસમેન છે, નાના નાના વેપારીઓ છે તેમને ખાસ લાભ થનારો છે.
ભાઈઓ અને બહેનો,
સૌરાષ્ટ્રમાં ખેડૂતો અને માછીમારો બંનેના જીવનમાં છેલ્લા બે દાયકામાં ઘણું પરિવર્તન આવ્યું છે. એક સમય હતો જ્યારે માહિતીના અભાવે અવારનવાર માછીમારોનું જીવન જોખમમાં આવી જતું હતુંજ્યારે હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે માછીમારોને એક લાલ રંગની બાસ્કેટ આપવામાં આવી હતી જેમાં અલગ અલગ બટન લાગેલા હતા. દુર્ઘટનાની સ્થિતિમાં બટન દબાવવાથી કોસ્ટ ગાર્ડની ઓફિસમાં સીધો જ એલર્ટ સંદેશ પહોંચી જતો હતો. જેનાથી તરત જ સહાયતા પહોંચાડવી શક્ય બની જતી હતીઆ જ ભાવનાનો 2014 બાદ અમે સમગ્ર દેશમાં વિસ્તાર કર્યો. માછીમારોને નૌકાને આધુનિક બનાવવા માટે સબસિડી આપી, ખેડૂતોની માફક માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા.
સાથીઓ,
આજે મને સંતોષ છે જ્યારે સૌની યોજનાથી થઈ રહેલા પરિવર્તનને હું નિહાળી રહ્યો છું. મને યાદ છે મેં જ્યારે સૌની યોજનાની વાત કરી હતી તો અમારા સૌરાષ્ટ્રમાં મેં રાજકોટમાં આવીને તેનો પ્રારંભ કર્યો હતો. તમામ મીડિયાએ લખ્યું હતું કે જૂઓ ચુંટણી આવી ગઈ તેથી મોદીજીએ જાહેરાત કરી દીધી છે. ચૂંટણી જશે અને ભૂલી જશે. પરંતુ મેં તમામને ખોટા પુરવાર કરી દીધા. આજે સૌની યોજના નર્મદા માતાને લઈને તેને જ્યાં જ્યાં પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો તે ઝડપી ગતિથી પહોંચી રહી છે ભાઈઓ. અમે વચનના પાક્કા લોકો છીએ, અમે સમાજ માટે જીવનારા લોકો છીએ.
સાથીઓ,
આ જ સૌની પરિયોજનાના તેના એક હિસ્સાનું આજે લોકાર્પણ થાય છે અને બીજા હિસ્સા પર કામ શરૂ થઈ જાય છે. અમે કામ રોકાવા દેતા નથી. આજે પણ જે હિસ્સાનું લોકાર્પણ થયું છે તેનાથી ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક ડેમ સુધી પાણી પહોંચી રહ્યું છે. તેનાથી ભાવનગરના ગારિયાધાર, જેસર તથા મહુવા તાલુકા તથા અમરેલીના રાજુલા અને ખાંભા તાલુકાના અનેક ગામના ખેડૂતોને લાભ થનારો છે. ભાવનગર, ગિર સોમનાથ, અમરેલી, બોટાદ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર આ જિલ્લાના સેંકડો ગામડાઓ અને ડઝનબંધ શહેરો સુધી પાણી પહોંચાડવા માટે આજે કાર્ય નવેસરથી જોડવામાં આવી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો,
અભાવને દૂર કરવો તથા જે વિકાસમાં પાછળ રહી ગયા છે તેમનો હાથ પકડીને આગળ લઈ જવા તે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા છે. ગરીબમાં ગરીબને જ્યારે સાધન મળે છે જ્યારે સરકાર તેને સંસાધન આપે છે તો તે પોતાનું ભવિષ્ય બદલવામાં લાગી જાય છે. આવા જ એક કાર્યક્રમ દરમિયાન અહીં ભાવનગરમાં એક બહેનને મેં ત્રણ પૈડાંની સાઇકલ આપી હતી. દિવ્યાંગ બહેન હતી તો તેણે મને શું કહ્યું. આપ જૂઓ, મિજાજ જૂઓ ભાવનગરના લોકોનો, ગુજરાતીઓની સ્પિરિટ જૂઓ, મને બરાબર યાદ છે. એ બહેને કહ્યું કે મને તો સાઇકલ ચલાવતા આવડતી જ નથી. મને તો ઇલેક્ટ્રિકલ ટ્રાઇસિકલ આપો. આ મિજાજ છે મારા ગુજરાતનો, આ મિજાજ છે મારા ભાવનગરનો અને એ જે ભરોસો હતો, તે બહેનના મનમાં જે ભરોસો હતો, તે જ ભરોસો મારી સૌથી મોટી મૂડી છે ભાઈઓ. ગરીબોના આ જ સપના, આ જ આકાંક્ષાઓ મને સતત કાર્ય કરવા માટેની ઊર્જા આપે છે. આપના આશીર્વાદથી આ ઊર્જા ટકી રહે અને આપનો પ્રેમ સતત વધતો જઈ રહ્યો છે. અને હું આજે એ જરૂર કહીશ કે મને આવવામાં ઘણા વર્ષો લાગી ગયા, હું મોડેથી આવ્યો પરંતુ ખાલી હાથે આવ્યો નથી. અગાઉના વર્ષોનું જે બાકી હતું તે પણ લઈને આવ્યો છું. અને આમેય ભાવનગરનો મારી ઉપર અધિકાર છે ભાઈ, આપ ભાવનગર આવો અને નરસીબાપાના ગાંઠીયા, દાસના પેંડા અને જ્યારે ગાંઠીયા યાદ કરું ત્યારે મને મારા હરિસિંહ દાદા યાદ આવે છે. ઘણા વર્ષો અગાઉ હું નાના કાર્યકર્તાના રૂપમાં ત્યારે તો હું રાજકારણમાં પણ આવ્યો ન હતો. મને ગાંઠીયા ખાતા  કોણે શીખવ્યું છે તો હરિસિંહ દાદાએ શીખવ્યું છે. જ્યારે અમદાવાદ આવે તો ગાંઠીયા લઈને આવે, તેઓ અમારી ચિંતા કરતા રહેતા હતા. આજે જ્યારે ભાવનગર આવ્યો છું ત્યારે અત્યારે નવરાત્રીનું વ્રત ચાલી રહ્યું છે તો અત્યારે કોઈ ચીજ કાંઈ કામની નથી. તેમ છતાં ભાવનગરના ગાંઠીયા દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે. આ નાની વાત નથી દોસ્તો. આ ભાવનગરની મોટી તાકાત છે. સાથીઓ આજે વિકાસના અનેક પ્રકલ્પ લઈને હું આવ્યો છું. અનેક પરિયોજના લઈને આવ્યો છું. આ ભાવનગરની યુવાન પેઢીના ભવિષ્યને નિશ્ચિત કરનારી યોજનાઓ છે. ભાવનગરના ભવિષ્યને ચાર ચાંદ લગાવનારી યોજનાઓ છે. કોઈ કલ્પના કરી શકશે નહીં કે ઝડપી ગતિથી ભાવનગરનો વિકાસ થાય, તેના માટે આ યોજનાઓ છે.
અને તેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રને મળશે, સમગ્ર ગુજરાતને મળશે અને દેશને પણ તેનું ફળ ચાખવા મળશે. ભાઈઓ અને બહેનો આપે જે પ્રેમ વરસાવ્યો છે, જે આશીર્વાદ વરસાવ્યા છે. આટલી વિશાળ સંખ્યામાં આપ આવ્યા છો, હું અંતઃકરણપૂર્વક આપ સૌનો આભારી છું. મારી સાથે બંને હાથ ઉપર કરીને સંપૂર્ણ તાકાત સાથે બોલો...
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ભારત માતા કી જય.
ખૂબ ખૂબ ધન્યવાદ



YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863568) Visitor Counter : 289