માહિતી અને પ્રસારણ મંત્રાલય
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે ‘આંબેડકર એન્ડ મોદીઃ રિફોર્મર્સ આઇડિયાઝ પરફોર્મર્સ ઇમ્પ્લીમેન્ટેશન’ પુસ્તકનું વિમોચન કર્યું
આ પુસ્તક ડૉ. આંબેડકરની દૂરંદેશીને સાકાર કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા કઠોર પ્રયાસોનું દસ્તાવેજીકરણ છેઃ શ્રી અનુરાગ ઠાકુર
“તબીબી શિક્ષણમાં અજોડ સિદ્ધિ, 208 કોલેજો શરૂ કરી, બેઠકોની સંખ્યા વધીને 1 લાખથી વધુ થઇ”
“આંબેડકરે પોતાનું સંપૂર્ણ જીવન સમાનતા, માનવ અધિકાર અને સામાજિક ન્યાય માટે સમર્પિત કર્યું હતું”
Posted On:
16 SEP 2022 4:23PM by PIB Ahmedabad
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી કે. જી. બાલકૃષ્ણન, કેન્દ્રીય રાજ્ય માહિતી અને પ્રસારણ મંત્રી ડૉ. એલ. મુરુગન અને બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી હિતેશ જૈનની ઉપસ્થિતિમાં 'આંબેડકર એન્ડ મોદીઃ રિફોર્મર્સ આઇડિયાઝ પર્ફોર્મર્સ ઇમ્પ્લીમેન્ટેશન' નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ પુસ્તક માત્ર મહાન સુધારક બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના ઉમદા વિચારો અને તેમની દૂરંદેશીનો સંગ્રહ નથી, પરંતુ છેલ્લા આઠ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વિચારોને કેવી રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે તેનું સંકલન પણ છે. આ ડૉ. આંબેડકરની દૂરંદેશીને સાકાર કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા કઠોર પ્રયાસોનું દસ્તાવેજીકરણ છે.
શ્રી ઠાકુરે ડૉ. આંબેડકરે દેશ માટે આપેલા યોગદાનને યાદ કર્યું હતું અને જણાવ્યું હતું કે, તેઓ એક એવા શ્રેષ્ઠ રાજનેતા હતા જેમના વિચારો, હસ્તક્ષેપો અને ફિલસૂફીએ આજે આપણા રાષ્ટ્ર અને દેશનો પાયો રચ્યો છે તેને આપણે આજે જાણીએ છીએ. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, “આંબેડકરે પોતાનું સંપૂર્ણ જીવન સમાનતા, માનવ અધિકાર અને સામાજિક ન્યાય માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને સામાજિક રીતે કચડાયેલા વર્ગના લોકોના મુખપત્ર હતા. તેમનું જીવન અને પ્રભાવ આધુનિક ભારતના નિર્માણ પર સતત ખૂબ જ અસર કરતા રહે છે.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે, ડૉ. આંબેડકરે ભેદભાવથી મુક્ત એક એવા સમાજની કલ્પના કરી હતી, જેણે હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કર્યું હતું, જેણે વિકાસના ફળો સૌ લોકોમાં સમાનરૂપે વહેંચ્યા છે, પરંતુ આ વિચારોને સાકાર કરવામાં આઝાદી પછીની સરકારોના પ્રયાસો ઓછા પડ્યા હતા. 2014 થી આરૂઢ થયેલી સરકારે આ ઉદ્દેશ્યોનું એકધારું પાલન કર્યું છે.
સરકારની મૂળભૂત ફિલસૂફીને રેખાંકિત કરતાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારની રચના થઇ ત્યાર પછી શરૂઆતના તબક્કેથી જ પ્રધાનમંત્રીએ ઘોષણા કરી હતી કે તેઓ દલિતો, સમાજમાં પાછળ રહી ગયેલા લોકો અને વંચિત વર્ગના હિતો માટે સમર્પિત રહેશે. ત્યારથી જ, સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંઓ અને સરકાર દ્વારા ઘડવામાં નીતિઓ અંત્યોદયના સંકલ્પ સાથે આગેકૂચ કરે છે. મેક ઇન ઇન્ડિયાની વાત હોય કે પછી ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહક યોજનાઓ (PLI યોજનાઓ) હોય, આ તમામ પ્રયાસો આધુનિક ભારતના વિચારને સાકાર કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો છે, જે ડૉ. આંબેડકરે કલ્પના કરી હતી તે અનુસાર જ છે.
પ્રધાનમંત્રી મોદીના વિકાસ મોડલના મૂળમાં હંમેશાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો 'બહુજન હિતાય, બહુજન સુખાય' (જનતાના સુખ માટે, જનતાના કલ્યાણ માટે)નો જીવનમંત્ર રહ્યો છે. શિક્ષણના ક્ષેત્રમાં, દેશમાં IIT, IIM, IIIT અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આંબેડકરની દૂરંદેશી અને તેમની પોતાની આ પ્રકારની જ માન્યતાઓ પરથી પ્રેરણા લઇને, પ્રધાનમંત્રી મોદીએ પ્રાથમિક, ઉચ્ચ અને તબીબી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ ક્ષેત્રમાં ઝડપી ગતિએ પરિવર્તન લાવવામાં કોઇ જ કસર છોડી નથી. છેલ્લા આઠ વર્ષ દરમિયાન 208થી વધુ મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે અને મેડિકલ બેઠકોની સંખ્યા 78 હજારથી વધીને 1 લાખ કરતાં પણ વધુ થઇ ગઇ છે, જે એક અજોડ સિદ્ધિ છે, તેમજ અમે દેશમાં ડૉક્ટરની સંખ્યામાં રહેલા અંતરાયને દૂર કરવા માટે અને ગરીબમાં ગરીબ લોકો સુધી સારી તબીબી સુવિધાઓ સુલભ બને તેના માટે કામ કરી રહ્યાં છીએ.
મંત્રીશ્રીએ દેશની મૂળભૂત માળખાકીય સુવિધામાં થઇ રહેલા સુધારાઓને રેખાંકિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, વીજ પૂરવઠો હવે દેશના છેવાડાના ખૂણે ખૂણા સુધા પહોંચી ગયો છે, 45 કરોડ કરતાં વધારે બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, કટોકટીના તબક્કા દરમિયાન મહિલાઓના ખાતામાં કુલ 31 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, અને તેમણે આગળ જણાવ્યું હતું કે, આ બધા જ કાર્યો આ સરકારને ઓળખ આપનારા પગલાં છે. જ્યાં એક તરફ BHIM એપ્લિકેશને એક મજબૂત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ માટે દૃશ્ટાંત પૂરું પાડ્યું છે, ત્યાં બીજી બાજું અમે 11 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કર્યું છે અને 3 કરોડ કરતાં વધારે મકાનો પણ બાંધવામાં આવ્યા છે.
શ્રી ઠાકુરે પ્રધાનમંત્રી શ્રી મોદીના મહિલા કેન્દ્રિત અને મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના વિચારને આ સરકારના મુખ્ય આધારસ્તંભો પૈકી એક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ 12 કરોડ મહિલાઓને ગેસ સિલિન્ડર મળે તે વર્તમાન સરકારે સુનિશ્ચિત કર્યું છે અને પ્રસૂતિ માટેની રજાની મુદત અગાઉ 12 અઠવાડિયા હતી તે વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે.
પછાત રહી ગયેલા સમુદાયોને પૂરા પાડવામાં આવતા લાભો વિશે બોલતા, તેમણે જણાવ્યું હતું કે, મુદ્રા યોજનાના કારણે 34 કરોડ SC, ST તેમજ અન્ય પછાત સમુદાયના સભ્યોને 18 લાખ કરોડ રૂપિયાની ગેરંટી વગરની લોન આપવામાં મદદ મળી શકી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીમાં SC અને ST સમુદાયના 3.1 કરોડ સભ્યોનો સમાવેશ થાય છે અને આવા સમુદાયોના સભ્યોને 1.31 કરોડ પાકાં મકાનો આપવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “SC વર્ગના યુવાનોના ઉત્કર્ષ માટે ડૉ. આંબેડકરની દૂરંદેશીના આધારે નિર્માણ કરવામાં આવેલા, આંબેડકર સોશિયલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન મિશન (ASIIM)ને વર્ષ 2020 માં શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી દક્ષ યોજનાના માધ્યમથી 2.27 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે જેથી તેમનો કૌશલ્યવાન માનવદળ સાથે જોડી શકાય. કર્મચારીની રાજ્ય વીમા વેતન મર્યાદા 2014 પહેલાં માત્ર 15,000/- રૂપિયા હતી તેને વધારીને હવે 21,000 રૂપિયા કરવામાં આવી છે.”
બાબા સાહેબ પ્રત્યે આદરના ચિહ્ન તરીકે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પંચતીર્થની રચના કરી છે અને સંસદભવનમાં ડૉ. આંબેડકરની છબી પણ સ્થાપિત કરવામાં આવી છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પોતાના સંબોધન વખતે ડૉ. આંબેડકરના બહુ-આયામી વ્યક્તિત્વને યાદ કર્યું હતું. શ્રી કોવિંદે સ્વતંત્ર ભારતના નિર્માણમાં ડૉ. આંબેડકરે વર્ષો સુધી આપેલા યોગદાનને યાદ કરીને જણાવ્યું હતું કે, બાબા સાહેબના યોગદાનથી બેન્કિંગ, સિંચાઇ, વીજળી વ્યવસ્થા, શિક્ષણ તંત્ર, શ્રમ વ્યવસ્થાપન, મહેસૂલની વહેંચણીનું તંત્ર વગેરે સંબંધિત નીતિઓને આકાર આપવામાં આવ્યો છે.
શ્રી કોવિંદે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 2010માં જ્યારે ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું તે સમયને યાદ કર્યો હતો. સુશોભિત હાથીની ઉપર ભારતના બંધારણની વિરાટ નકલ મૂકવામાં આવી હતી, જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી મોદી લોકો સાથે પગપાળા ચાલી રહ્યા હતા. બંધારણ અને બાબા સાહેબ આંબેડકર પ્રત્યેના આદરનું આનાથી વધુ સારું ઉદાહરણ બીજું કોઇ નથી.
શ્રી કોવિંદે, ડૉ. આંબેડકરની દૂરંદેશી અને પ્રધાનમંત્રી મોદીની નીતિઓ વચ્ચે સમાનતા દર્શાવતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી રજૂ કરવામાં આવેલા બે લાખથી વધુ વિચારો પરથી જેનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને જે માતૃભાષામાં શિક્ષણની જોગવાઇ કરે છે તે તે નવી શિક્ષણ નીતિ બાબા સાહેબના વિચારોને અનુરૂપ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શ્રમિકો માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર, જટિલ કાયદાઓના સમૂહના સાથે ચાર શ્રમ સંહિતાઓનો અમલ એ ડૉ. આંબેડકરની દૂરંદેશીનું ફળ છે.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બાલકૃષ્ણએ ભારતના મહાન વિચારકોમાંના એક તરીકે ડૉ. આંબેડકરે આપેલા યોગદાનને યાદ કર્યું. તેમણે ભારતના ઔદ્યોગિકીકરણ, મહિલાઓના સશક્તીકરણ, શિક્ષણ અને આધુનિકીકરણ અંગે બાબા સાહેબે આપેલા વિચારોને યાદ કર્યા હતા. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારની નીતિઓ ડૉ. આંબેડકર દ્વારા રજૂ કરાયેલા ભારતના વિચારના મૂળ સારનો અમલ કરી રહી છે.
આ કાર્યક્રમ પહેલાં, જસ્ટિસ કે. જી. બાલક્રિશન અને શ્રી અનુરાગ ઠાકુરે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને અનુલક્ષીને ડૉ. બી. આર. આંબેડકરના જીવન, ઉપદેશો અને યોગદાનને કેન્દ્ર સ્થાને રાખીને યોજવામાં આવેલા ત્રણ દિવસીય ડિજિટલ ઇન્ટરેક્ટિવ મલ્ટી-મીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શન ડૉ. આંબેડકરના આદર્શો અને સરકારની વિકાસલક્ષી પહેલો વિશે જાગૃતિ ફેલાવતી વખતે, મુલાકાતીઓને એક ઓતપ્રોત કરી દેનારો અનુભવ આપી શકાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં હોલોક્યુબ્સ, ડિજિટલ ઇન્ટરેક્ટિવ પઝલ, RFID આધારિત ડિજિટલ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ ટચ વૉલ્સ અને ફ્લિપ બુક્સનું પ્રદર્શન સમાવી લેવામાં આવ્યા છે.
‘આંબેડકર એન્ડ મોદીઃ રિફોર્મર્સ આઇડિયાઝ પરફોર્મર્સ ઇમ્પ્લીમેન્ટેશન’ પુસ્તક વિશે
બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન દ્વારા આ પુસ્તકનું કાળજીપૂર્વક અને નિપુણતાથી સંકલન કરવામાં આવ્યું છે, જે ભારતીય પ્રતિભાનો ઉપયોગ કરતી અગ્રણી સંસ્થાઓમાંની એક છે અને સામાજિક કલ્યાણ માટે જાગૃતિ પેદા કરીને અને નવતર વિચારોનો અમલ કરીને ભારતીય સમાજને સશક્ત બનાવે છે. તેમાં રાજ્યસભાના સાંસદ ઇલૈયારાજા (એક પ્રશંસા પામેલા સંગીતકાર અને ગીતકાર પણ) દ્વારા એક પ્રસ્તાવના દર્શાવવામાં આવી છે જે ભારતની પ્રગતિ ડૉ. બાબાસાહેબ આંબેડકરની દૂરંદેશીને અનુરૂપ છે તેની ખાતરી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મૂકવાં આવેલી નીતિઓ અને સુધારાઓ સાથે સમાંતર રહેવાની સાથે સાથે ડૉ. આંબેડકરના કાર્યોમાંથી મળી શકે તેવા શાણપણના વિશાળ વિસ્તારની મૂલ્યવાન સમજ આપે છે.
આંબેડકર અને મોદી, ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને કાર્યો પર સતત સંશોધનમાં એક મહત્વપૂર્ણ ઉમેરા તરીકે છે અને દેશની નીતિગત ભૂમિમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે રહેશે. તે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની ભારતની સફરમાં એક સીમાચિહ્નરૂપ તરીકે કામ કરે છે અને કેવી રીતે ડૉ. આંબેડકર જેવી હસ્તીઓની દૂરંદેશીને આખરે પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશીપૂર્ણ અને ગતિશીલ નેતૃત્વ હેઠળ સાકાર કરવામાં આવ્યા છે તેનું વિશ્લેષણ છે.
આ પુસ્તક ડૉ. આંબેડકરનાં જીવન, કાર્યો અને સિદ્ધિઓમાં વિદ્વતાપૂર્ણ પરિપ્રેક્ષ્ય સાથે ઊંડાણપૂર્વક ડોકિયું કરાવે છે અને ડૉ. બી.આર. આંબેડકરના આદર્શો અને નવા ભારતની વિકાસ યાત્રા વચ્ચે નિર્વિવાદિત એકકેન્દ્રિતા રજૂ કરે છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1859873)
Visitor Counter : 314
Read this release in:
Kannada
,
Assamese
,
Tamil
,
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Odia