પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે IFSCAના વડામથક ખાતે મૂહૂર્ત સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 29 JUL 2022 7:40PM by PIB Ahmedabad

નમસ્કાર
કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલાજી. મંત્રીમંડળના મારા અન્ય સાથીઓ, બિઝનેસ જગતના તમામ ગણમાન્ય સાથીઓ, અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

આજે ભારતના વધતા આર્થિક સામર્થ્ય, ભારતના વધતા ટેકનિક સામર્થ્ય અને ભારત પર વિશ્વનો વધી રહેલો ભરોસો આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે, એક ખાસ દિવસ છે. એવા સમયે જ્યારે ભારત પોતાના સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આધુનિક બની રહેલા ભારતના નવા સંસ્થાન અને નવી વ્યવસ્થાઓ ભારતનું ગૌરવ વધારી રહી છે.

આજે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરિટી – IFSCAના મુખ્ય મથક ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો. મને વિશ્વાસ છે કે આ ભવન તેના આક્રિટેક્ચરમાં જેટલું ભવ્ય બનશે એટલું જ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવામાં અમર્યાદ તકો પણ પેદા કરશે. IFSCA પર એક એનેબલર પણ બનશે, ઇનોવેશન પણ સહકાર આપશે અને આ તમામની સાથે સાથે વિકાસની તકો માટે અસરકારક કાર્ય પણ કરશે. ગિફ્ટ સિટીમાં એનએસઈ આઇએઉએસસી – એસજીએક્સ કનેક્ટના લૌંચિંગ મારફતે આજે આ પ્રારંભ થઈ રહ્યો છે.

સાથીઓ,
આજે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જને પણ લૌંચ કરવામાં આવ્યું છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભારતીય પ્રાંતિય ઓફિસ, ત્રણ વિદેશી બેંક અને ચાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સ સર્વિસ આ તમામની સાથે અનેક મહત્વપૂર્ણ પડાવોને આજે આપણે પાર કર્યા છે. તેનાથી 130 કરોડ દેશવાસીઓના સામર્થ્યને આધુનિક વૈશ્વિક અર્થ વ્યવસ્થા સાથે સંકળાવામાં મદદ મળશે.

ભારત અને અમેરિકા, યુકે અને સિંગાપોર જેવા દુનિયાના એવા દેશોની હરોળમાં આવીને ઉભું રહી ગયું છે જ્યાંથી વૈશ્વિક ફાઇનાન્સિંગને દિશા આપવામાં આવે છે. હું આ પ્રસંગે આપ સૌને, અને સમગ્ર દેશવાસીઓને અનેક અનેક અભિનંદન આપું છું. હું ખાસ કરીને સિંગાપોરના આપણા સાથીઓનું પણ અભિવાદન કરું છું જેમના સહયોગથી બંને દેશો માટે સંભાવનાઓની નવી સંભાવનાઓ ખૂલી ગઈ છે.

સાથીઓ,
ગુજરાતમાં રહીને મેં જ્યારે ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી તો તે માત્ર વ્યાપાર, કારોબાર અથવા તો આર્થિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત ન હતી. ગિફ્ટ સિટીની પરિકલ્પનામાં દેશના સામાન્ય માનવીની આકાંક્ષાઓ સંકળાયેલી છે. ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન સંકળાયેલું છે. ભારતના સ્વર્ણિમ અતીતના સપનાઓ પણ સંકળાયેલા છે.

મને યાદ છે જાન્યુઆરી 2013માં જ્યારે હું ગિફ્ટ વનના ઉદઘાટન માટે અહીં આવ્યો હતો ત્યારે લોકો તેને ગુજરાતની સૌથી ઉંચી ઇમારત કહેતા હતા. ઘણા લોકો  માટે આ જ તેની ઓળખ હતી. પરંતુ ગિફ્ટ સિટી એક એવો વિચાર હતો જે પોતાના સમય કરતાં ઘણો આગળ હતો. આપ યાદ કરો 2008માં વિશ્વ આર્થિક કટોકટી અને મંદીનો તબક્કો હતો. ભારતમાં પણ કમનસીબે એ સમયે નીતિને લકવો થઈ ગયો હોય તેવો માહોલ હતો. પરંતુ એ સમયે એટલે કે કલ્પના કરો એ સમયની દુનિયાની પરિસ્થિતિ, એ સમયે ગુજરાત ફિનટેકના ક્ષેત્રમાં નવા અને મોટા ડગલાં ભરી રહ્યું હતું. મને આનંદ છે કે તે આઇડિયા આજે એટલો આગળ વધી ગયો છે. ગિફ્ટ સિટી કોમર્સ અને ટેકનોલોજીના કેન્દ્રના રૂપમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. ગિફ્ટ સિટી વેલ્થ અને વિઝડમ બંનેની ઉજવણી કરે છે. મને એ જોઈને સારું લાગે છે કે ગિફ્ટ સિટી મારફતે ભારત વિશ્વકક્ષાએ સર્વિસ ક્ષેત્રમાં મજબૂત દાવેદારી સાથે આગળ વધી રહ્યું છે.

સાથીઓ,
ગિફ્ટ સિટીની વધુ એક ખાસ વાત એ છે કે તે ટ્રી-સિટી અભિગમનું પ્રમુખ સ્તંભ છે. અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી ત્રણેય એકબીજાથી માત્ર 30 મિનિટના અંતરે છે. અને ત્રણેયની એક ખાસ ઓળખ છે. અમદાવાદ એક ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે, ગાંધીનગર પ્રશાસનનું કેન્દ્ર છે અને નીતિઓ તથા નિર્ણયોનું મુખ્ય મથક છે અને ગિફ્ટ સિટી અર્થતંત્રનું પ્રમુખ કેન્દ્ર છે. એટલે કે આપ આ ત્રણમાંથી કોઇ એક શહેરમાં જાઓ છો તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યથી માત્ર 30 મિનિટના અંતરે છો.

સાથીઓ,
ગિફ્ટ સિટી સાથે સંકળાયેલી પહેલ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગની દિશામાં આપણા પ્રયાસોનો હિસ્સો છે. આપણે એ યાદ રાખવાનું રહેશે કે એક વાયબ્રન્ટ ફિનટેક ક્ષેત્રનો અર્થ માત્ર સાનુકૂળ વ્યાપાર વાતાવરણ, સુધારણા અને નિયમન પૂરતું મર્યાદિત નથી હોતો. તે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહેલા પ્રોફેશનલ્સને એક બહેતર જીવન અને નવી તકો પૂરી પાડવાનું માધ્યમ પણ છે.
ગિફ્ટ સિટી એક એવી જગ્યા બની રહ્યું છે જ્યાંથી નવા નવા આઇડિયા આવી રહ્યા છે, મિલકત પેદા થઈ રહી છે અને દુનિયાના સૌથી બહેતર દિમાગ અહીં આવીને શીખી રહ્યા છે, વિકસી રહ્યા છે. એટલે કે ગિફ્ટ સિટી એક પ્રકારે ભારતના પુરાણા આર્થિક ગૌરવને પ્રાપ્ત કરવાનું પણ એક માધ્યમ બની રહ્યું છે. અહીં ઉદ્યોગોના જે દિગ્ગજો છે તેઓ જાણે છે કે ભારતના લોકો સેંકડો વર્ષોથી વેપાર અને વ્યવસાય માટે સમગ્ર દુનિયામાં જતા હોય છે.  દુનિયાનો ભાગ્યે જ કોઈ હિસ્સો હશે જ્યાં ભારતીયો પહોંચ્યા ન હોય. ભારતીય વેપારી ઇનોવેશન ફાઇનાન્સિંગ ટેકનિકોનો ઉપયોગ પણ કરે છે.

હું જે જગ્યાએથી આવું છું, જે મારું જન્મસ્થળ છે – વડનગર ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે અને ત્યાં પણ ખોદકામમાં પ્રાચીન સમયના સિક્કા મળી રહ્યા છે. આ એ વાતનો પુરાવો છે તે આપણી વ્યાપારી વ્યવસ્થા અને સંબંધ કેટલા વ્યાપક હતા. પરંતુ આઝાદી બાદ આપણે ખુદ જ આપણા વારસાને, આપણી આ તાકાતને ઓળખવામાં ખચકાટ અનુભવવા લાગ્યા. કદાચ આ ગુલામી અને નબળા આત્મવિશ્વાસની અસર હતી કે આપણે આપણા વ્યવસાયિક, સાંસ્કૃતિક અને અન્ય સંબંધોને જેટલો બની શકે તેટલો મર્યાદિત કરી દીધો. પરંતુ હવે નવું ભારત આ જૂની વિચારસરણીને પણ બદલી રહ્યું છે.  આજે એકીકરણ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ એજન્ડા છે. એક વૈશ્વિક માર્કેટની સાથે વૈશ્વિક સપ્લાય ચેઇનની સાથે ઝડપથી એકીકરણ કરી રહ્યા છીએ. અને ગિફ્ટ સિટી ભારતની સાથે સાથે વૈશ્વિક સંભાવનાઓ  સાથે સંકળાવાનો એક મહત્વપૂર્ણ ગેટવે છે. જ્યારે આપ ગિફ્ટ સિટી સાથે સંકળાશો તો આપ સમગ્ર વિશ્વ સાથે સંકળાઈ જશો.

સાથીઓ,
આજે ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર પૈકીનું એક છે. તેથી જ ભવિષ્યમાં આપણું અર્થતંત્ર આજ કરતાં પણ ઘણું વધારે મોટું હશે. આપણે તેના માટે અત્યારથી જ તૈયાર રહેવું પડશે અને અર્થતંત્ર મોટું થવાનું નિશ્ચિત છે. આપણી પાસે તેના માટે એવા સંસ્થાનો જોઈએ જે વૈશ્વિક અર્થતંત્રમાં આપણી આજની અને ભવિષ્યની ભૂમિકાને પહોંચી શકે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ – આઆઈબીએક્સ આ જ દિશામાં એક ડગલું છે.

સોના (ગોલ્ડ) માટે ભારતના લોકોનો પ્રેમ કોઈનાથી છાનો નથી. સોનુ ભારતની મહિલાઓની આર્થિક શક્તિનું મોટું માધ્યમ રહ્યું છે. મહિલાઓના વિશેષ સ્નેહને કારણે ગોલ્ડ આપણા સમાજ અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો પણ મહત્વનો હિસ્સો રહ્યું છે. આ એક મોટું કારણ છે કે ભારત આજે સોના-ચાંદીના ક્ષેત્રમાં એક મોટું માર્કેટ બની ગયું છે. પરંતુ શું ભારતની ઓળખ માત્ર આટલી જ હોવી જોઇએ ? ભારતની ઓળખ એક માર્કેટ મેકરની પણ હોવી જોઇએ. આઇઆઇબીએક્સ આ દિશામાં એક મહત્વનું ડગલું છે. આપણી ગોલ્ડ સાથે સંકળાયેલા ઉદ્યોગના હિસ્સેદારોએ, ખાસ કરીને જ્વેલર્સ તેનો વ્યાપ વધારવામાં મદદ કરશે, તેના માટે નવી તકોનો માર્ગ ખોલી આપશે.  તેઓ સીધા જ અને પારદર્શી રીતે સીધું જ બુલિયન ખરીદી શકશે અને ઇન્ટરનેશનલ પ્રાઇસમાં સીધી હિસ્સેદારી પણ કરી શકશે. સાથે સાથે આઇઆઇબીએક્સ એક્સચેન્જ મારફતે ગોલ્ડમાં સીધો જ વેપાર કરવાની તક પણ પ્રદાન કરશે. જેમ જેમ ગોલ્ડ ટ્રેડિંગનું બજાર વ્યવસ્થિત બનશે ભારતમાં ગોલ્ડની ડિમાન્ડ ગોલ્ડની કિંમતોને પણ અસર કરશે અને નિર્ધારિત પણ કરશે.

સાથીઓ,
આવનારા દિવસોમાં ભારતમાં જે કાંઇ પણ થશે તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે અને તેનાથી સમગ્ર દુનિયાને દિશા મળશે. અમે સ્થાનિક આકાંક્ષાઓને પણ મહત્વ આપીએ છીએ અને વૈશ્વિક સહકારનું મહત્વ પણ સમજીએ છીએ. એક તરફ અમે વૈશ્વિક મૂડીને સ્થાનિક કલ્યાણ માટે લાવી રહ્યા છીએ. તો બીજી તરફ સ્થાનિક ફળદ્રૂપતાને વૈશ્વિક કલ્યાણ માટે પણ આગળ ધપાવી રહ્યા છીએ.  આજે ભારત વિક્રમજનક રીતે ફોરન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (સીધું વિદેશી રોકાણ) કરી રહ્યું છે. આ રોકાણ દેશમાં નવા અવસરો પેદા કરી રહ્યું છે, યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરી રહ્યું છે.તે આપણા ઉદ્યોગોને ઉર્જા આપી રહ્યું છે, આપણી ઉત્પાદકતાને વધારી રહ્યું છે. અને આ ઉત્પાદકતા માત્ર ભારતની જ તાકાત બની રહી નથી પરંતુ તેનો લાભ સમગ્ર વિશ્વને થઈ રહ્યો છે. એ વાત સાચી છે કે આજે જે રોકાણકારો ભારતમાં રોકાણ કરી રહ્યા છે તેઓ પોતાના રોકાણ પર સારું વળતર પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ તેના પ્રભાવ, તેની સાથે સંકળાયેલી સંભાવનાઓ તેના કરતાં પણ ઘણી વધારે વ્યાપક છે. આજે આપણી નિકાસ વિક્રમજનક સપાટીને સ્પર્શી રહી છે. આપણી પ્રોડક્ટ નવા નવા દેશોમાં, નવા નવા માર્કેટમાં પહોંચી રહી છે.

એક એવો સમય અને એ સમય એવો છે જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન અનિશ્ચિતતાઓનો શિકાર છે, દુનિયા આ અનિશ્ચિતતાથી આશંકિત છે અને ભારત દુનિયાને ગુણવત્તાસભર પ્રોડક્ટ અને સર્વિસનો ભરોસો આપી રહ્યું છે. તેથી જ જેમ મેં કહ્યું આ સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક મૂડૂ અને વૈશ્વિક કલ્યાણ માટે સ્થાનિક ઉત્પાદકતાનું એક અદભૂત સંગમ છે. ગિફ્ટ સિટી સાથે સંકળાયેલા તમામ સંસ્થાનો આ ભરોસાને વધારે મજબૂત કરવાનું કામ કરશે. અહીં ઘણા સંસ્થાનો એવા છે જેમની પાસે વૈશ્વિક ફૂટપ્રિન્ટ પણ છે અને તેઓ સ્થાનિક રીતે પણ જોડાયેલા છે.

સાથીઓ,
નવા ભારતના નવા સંસ્થાનો પાસેથી, નવી વ્યવસ્થાઓ પાસેથી મને ઘણી અપેક્ષાઓ પણ છે અને તમારા પર મારો સંપૂર્ણ ભરોસો પણ છે. આજે 21મી સદીમાં ફાઇનાન્સ અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે. અને વાત જ્યારે ટેકનોલોજીની હોય, વાત જ્યારે સાયન્સની અને સોફ્ટવેરની હોય તો ભારત પાસે તેની ધાર પણ છે અને અનુભવ પણ છે. આજે રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટમાં આકી દુનિયામાં 40 ટકા ભાગીદારી એકલા ભારતની જ છે. આજે આપણે તેમાં આગેવાન છીએ. ફિનટેકના આ ક્ષેત્રમાં ભારતની આ તાકાત સમગ્ર દુનિયાને આકર્ષિત કરી રહી છે. તેથી જ મારી આપ સૌ પાસેથી અપેક્ષા છે કે ફિનટેકમાં આપ નવા ઇનોવેશન સાથે ટારગેટ કરો. ગિફટ આઇએફએસસી ફિનટેકની વૈશ્વિક પ્રયોગશાળા બનીને ઉભરે.

સાથીઓ,
હું એક અન્ય મહત્વના પાસા તરફ આપનું ધ્યાન દોરવા માગું છું. ભારત માટે સક્સેસ અને સર્વિસ એટલે કે સફળતા અને સેવા એકબીજાના પર્યાય છે. જનકલ્યાણથી જગકલ્યાણ આ આપણી ભાવના છે. તેથી આજે ભારત સક્ષમ વિકાસના ક્ષેત્રમાં વૈશ્વિક સંભાવનાઓનું નેતૃત્વ કરી રહ્યો છે. અમે આપણા માટે નેટ ઝીરો કાર્બન વિકાસનો લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે. રાષ્ટ્રકક્ષાએ અમે ગતિશક્તિ માસ્ટર પ્લાનને આગળ ધપાવી રહ્યા છીએ, રિન્યુએબલ એનર્જી અને ઇ-મોબિલિટીના નવા વિક્રમો રચી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની દિશા આપી રહ્યો છે. આ એક એવું ક્ષેત્ર છે જેમાં આપણું સમર્પણ અમર્યાદ સંભાવનાઓનો માર્ગ ખોલી નાખશે. હું ઇચ્છું છું કે ગિફ્ટ આઇએફએસસી ટકાઉ અને આબોહવા પ્રોજેક્ટ માટે વૈશ્વિક ઋણ અને ઇક્વિટી કેપિટલનું એક ગેટવે બની જાય. આ જ રીતે ભારતને એરક્રાફ્ટ લિઝીંગ, શિપ ફાઇનાન્સ, કાર્બન ટ્રેડિંગ, ડીજિટલ કરન્સી અને આઇપી રાઇટ્સમાં રોકાણ મેનેજમેન્ટ સુધી ઘણા ફાઇનાન્સિયલ ઇનોવેશનની જરૂર છે.
IFSCA એ આ માટે નવી દિશામાં કામ કરવું જોઇએ. IFSCA એ નિયમન અને ઓપરેશનલ કિંમતોને પણ માત્ર ભારત જ નહીં પરંતુ દુબઈ, સિંગાપોર જેવા દેશોની સરખામણીએ સ્પર્ધાત્મક બનાવવી જોઇએ. તમારો લક્ષ્યાંક હોવો જોઇએ કે નિયમનમાં IFSCA આગેવાન બને, કાયદા અને નિયમો માટે ઉચ્ચ ધોરણો નિશ્ચિત કરે અને દુનિયા માટે પસંદગીનું આર્બીટ્રેશન કેન્દ્ર બનીને આગળ આવે.

સાથીઓ,
બેન્કિંગ ક્ષેત્રના જે સાથીઓ અહીં છે તેમના સહયોગથી છેલ્લા આઠ વર્ષમાં દેશે નાણાકીય સમાવેશીનો એક નવો પવન જોયો છે. એટલે સુધી કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે ઔપચારિક ફાઇનાન્સિયલ સંસ્થાન સાથે સંકળાઈ રહ્યો છે. આજે જ્યારે આપણી એક મોટી વસતિ ફાઇનાન્સ સાથે જોડાઈ ગઈ છે તો સમયની માંગ છે કે સરકારી સંસ્થાઓ અને ખાનગી હિસ્સેદારો સાથે મળીને આગળ વધે. ઉદાહરણ તરીકે આજે બેઝિક બેન્કિંગથી આગળ વધીને નાણાકીય સાક્ષરતાના ક્ષેત્રમાં ફાઇનાન્સિયલ શિક્ષણ માટે મોટી તક છે. આજે ભારતમાં એક મોટો આકાંક્ષાવાદી વર્ગ છે જે વિકાસ માટે રોકાણ કરવા માગે છે. જો તેમના માટે ફાઇનાન્સિયલ કોર્સ હોય તો જે તેમને અલગ અલગ ફાઇનાન્સિયલ સાધનો તથા તેના ફિચર્સ, તેના વિશે શીખવી શકે તો તેનાથી તેમને ઘણી મદદ મળશે.

એક ઉદાહરણ મ્યુચ્યુઅલ ફંડનું પણ છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુલ ફંડ અનુસાર 2014માં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની મિલકત મેનેજમેન્ટ હેઠળ લગભઘ દસ લાખ કરોડ હતી. આ આઠ વર્ષમાં જૂન 2022 સુધીમાં તે 250 ટકા વધીને 35 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે લોકો રોકાણ કરવા માગે છે, તેઓ આ માટે તૈયાર છે. આપણે   એમ કરવું જોઇએ તે આપણે તેના માટે શિક્ષણ અને માહિતી સુનિશ્ચિત કરીએ. હું તો કહીશ કે આફણી ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમે નોન-ફાઇનાન્સ કોલેજ સાથે ટાઇ અપ કરવું જોઇએ. યુવાનોને શિક્ષિત કરવા જોઇએ. આખરે તે યુવાનો જ છે જે આવનારા સમયમાં રળનારા અને રોકાણકર્તા બનશે. આ અભ્યાસક્રમોમાં લોકોનો ભરોસો પેદા થાય, તેના માટે તેને નફા માટે નહીં તે રીતે ચલાવવામાં આવવું જોઇએ. ગિફ્ટ સિટી પણ ખાનગી પ્લેયર્સના કામકાજને જોઇને તેમના માટે એક સારો રોડમેપ તથા પાયાના નિયમો તૈયાર કરવા અંગે કામ કરી શકે છે. આ વર્ષે બજેટમાં ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સીટીને લઇને જે જાહેરાત થઈ છે તેનાથી પણ તેને મદદ મળશે.

સાથીઓ,
મને વિશ્વાસ છે કે આપ દેશના સામર્થ્યનો સંપૂર્ણપણે સદુપયોગ કરશો અને અમૃતકાળમાં દેશની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. આ જ ભાવનાની સાથે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું ગુજરાત સરકારને પણ અભિનંદન આપીશ કે ગિફ્ટ સિટીમાં આવડા મોટા મિશનમાં ગુજરાત સરકારની નીતિઓ ખૂબ જ પૂરક અને પોષક બની રહી છે. અને તેના માટે પણ હું ગુજરાત સરકારની તમામ પહેલની પ્રશંસા કરું છું, ગુજરાતના મુખ્યમંત્રી જીને અભિનંદન પાઠવું છું.

અહીં હું જોઈ રહ્યો છું હીરા અને જ્વેલરીની દુનિયાના લોકો પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રસંગને તેઓ સારી રીતે સમજે છે. તેમના માટે કેવડો મોટો અવસર પેદા થયો છે તેનો અંદાજ તેમને સારી રીતે આવી ગયો છે અને તેનો લાભ પણ તેઓ ભરપુર ઉઠાવશે. આ જ ભરોસા સાથે હું ફરી એક વાર આપ સૌને અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ.

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1846403) Visitor Counter : 301