પ્રધાનમંત્રીનું કાર્યાલય
દિલ્હીમાં ‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
30 JUN 2022 3:56PM by PIB Ahmedabad
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન નારાયણ રાણેજી, શ્રી ભાનુપ્રતાપ સિંહ વર્માજી, મંત્રીમંડળના અન્ય તમામ સભ્ય, દેશના અલગ-અલગ રાજ્યોથી આવેલા મંત્રીગણ, દેશના MSME ક્ષેત્ર સાથે જોડાયેલા મારા તમામ ઉદ્યોગસાહસિક ભાઈઓ અને બહેનો, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,
આપણને બાળપણથી એક શ્લોક શીખવવામાં આવે છે અને આ શ્લોક આપણે બધાએ સાંભળ્યો છે –
उद्यमेन ही सिध्यन्ति, कार्याणि ना मनौरथे:
(ઉદ્યમેન હી સિદ્ધયન્તિ, કાર્યાળિ ના મનૌરથેઃ)
એટલે કે ઉદ્યોગ કરવાથી, પરિશ્રમ કરવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે, ફક્ત વિચારતા રહેવાથી કશું થતું નથી. વિચાર કરતાં લોકોની સંખ્યા ઓછી નથી. આ શ્લોકના ભાવને જો હું આજના સમયના સંદર્ભમાં થોડો બદલીને કહું તો હું કહીશ કે MSMEના ઉદ્યમથી જ આત્મનિર્ભર ભારત અભિયાનને સફળતા મળશે, ભારત સશક્ત થશે. પરિભાષાની દ્રષ્ટિએ જોઈએ તો તમને બધાને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો ગણાવવામાં આવે છે, પરંતુ 21મી સદીમાં ભારત જે ઊંચાઈ સર કરશે, તેમાં તમારા બધાની ભૂમિકા બહુ મહત્વપૂર્ણ છે.
ભારતની નિકાસ સતત વધે, ભારતના ઉત્પાદનો દુનિયાના નવા બજારોમાં પહોંચે – આ માટે દેશના MSME ક્ષેત્રને સશક્ત થવું બહુ જરૂરી છે. અમારી સરકાર તમારા આ જ સામર્થ્ય, આ ક્ષેત્રની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહી છે, નવી નીતિઓ બનાવી રહી છે. આપણા દેશના દરેક જિલ્લામાં, દરેક હિસ્સામાં – આપણી પાસે જે વિવિધતાસભર ઉત્પાદનો છે, એ લોકલ કે સ્થાનિક ઉત્પાદનોને આપણે ગ્લોબલ કે વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.
અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે, મેક ઇન ઇન્ડિયા માટે લોકલ સપ્લાય બને, જે ભારતની વિદેશો પર નિર્ભરતા ઘટાડી શકે. એટલે આ ઉદ્દેશને પાર પાડવા MSMEs ક્ષેત્રનું વિસ્તરણ કરવા પર અભૂતપૂર્વ રીતે ભાર મૂકવામાં આવ્યો છે. આ જ કડીમાં આજે અનેક નવી યોજનાઓ શરૂ થઈ છે. હજારો કરોડો રૂપિયાની આ યોજનાઓ, MSMEsની ગુણવત્તા અને પ્રમોશન સાથે જોડાયેલી છે. MSME ઇકોસિસ્ટમને વધારે સશક્ત કરવા માટે લગભગ 6 હજાર કરોડ રૂપિયાની ramp સ્કીમ છે, First time exporters (પહેલી વાર નિકાસ કરતાં નિકાસકારો)ને પ્રોત્સાહન આપવા આપવાનો કાર્યક્રમ છે અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમના કાર્યક્ષેત્રને વધારવાનો નિર્ણય હોય – સરકારના આ તમામ મહત્વપૂર્ણ પ્રયાસોથી ભારતના MSME ક્ષેત્રને વધારે વેગ મળવાનો છે.
થોડા સમય અગાઉ દેશની 18 હજાર MSMEsને 500 કરોડથી વધારે રૂપિયા હસ્તાંતરિત કર્યા છે, તમારી સામે ડિજિટલી, તેમના ખાતાઓમાં રૂપિયા જમા થઈ ગયા છે. 50 હજાર કરોડ રૂપિયાના સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ અંતર્ગત 1400 કરોડથી વધારે રૂપિયા MSMEs માટે રીલિઝ થયા છે. તમામ લાભાર્થીઓને, સંપૂર્ણ MSME ક્ષેત્રને હું આ માટે ખૂબ અભિનંદન આપું છું, ઘણી શુભકામનાઓ આપું છું.
હજુ અહીં મંચ પર આવતા અગાઉ મને અનેક સાથીદારો સાથે વાતચીત કરવાની તક મળી અને એ લોકો સાથે પણ મેં વાત કરી હતી, જેમને સરકારની એક યા બીજી યોજનાનો લાભ મળ્યો હતો. હવે તેમણે તેમાં પોતાની પ્રતિભા, પોતાના પરિશ્રમ, પોતાની કુશળતા – આ બધાનો ઉપયોગ કરીને એક નવી દુનિયા ઊભી કરી દીધી છે.
મેં વાતચીત દરમિયાન આપણા નવયુવાનો, આપણી માતાઓ – બહેનો, દીકરીઓમાં આત્મવિશ્વાસનો અનુભવ કર્યો હતો. આ તમામ ઉદ્યોગસાહસિકોમાં હું જે અનુભવ કરી રહ્યો હતો, એ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર ભારતના અભિયાનમાં એક નવી ઊર્જાનો અહેસાસ થતો હતો. કદાચ મને વધારે સમય મળ્યો હોત, તો મને વધારે સમય મળ્યો હોત, તો મેં કલાકો સુધી તેમની સાથે વાત કરી હોત. દરેક પાસે કહેવા માટે કશું છે, દરેક પાસે પોતાનો અનુભવ છે, દરેકની પાસે એક સાહસ છે, દરેકે પોતાની આંખોની સામે પોતાની પ્રતિષ્ઠા બનતા જોઈ છે. આ ખરેખર એક મોટો સુખદ અનુભવ હતો.
આજે ઘણા સાથીદારોને પુરસ્કાર પણ મળ્યો છે. જે સાથીદારોને પુરસ્કાર મળ્યો છે, તેમને હું અભિનંદન આપું છું, પણ જ્યારે પુરસ્કાર મળે છે, ત્યારે અપેક્ષાઓ વધી જાય છે. અમે ઇચ્છીએ છીએ કે, તમે જે કર્યું છે, તેમાં હવે મોટી હરણફાળ ભરવાની જરૂર છે. તમે જે કર્યું છે તેનાથી તમે અનેક લોકોને પ્રેરિત કરો અને એક એવું વાતવરણ આપણે બનાવી દઈએ કે હવે સતત વિકાસના માર્ગે અગ્રેસર થઈએ.
સાથીદારો,
તમે પણ જાણો છો કે, જ્યારે આપણે MSME કહીએ છીએ, ત્યારે ટેકનિકલ ભાષામાં એનો વિસ્તાર થાય છે - Micro, Small અને Medium Enterprises (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો). પણ આ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો ભારતની વિકાસયાત્રાનો બહુ મોટો આધાર છે. ભારતના અર્થતંત્રમાં લગભગ એક તૃતિયાંશ હિસ્સો MSME ક્ષેત્રનો છે. સરળ શબ્દોમાં કહું તો જો અત્યારે ભારત 100 રૂપિયાની કમાણી કરે છે, તો તેમાં 30 રૂપિયા મારા MSME ક્ષેત્રના કારણે આવે છે. MSME ક્ષેત્રનું સશક્તીકરણ કરવાનો અર્થ છે – સંપૂર્ણ સમાજનું સશક્તીકરણ, તમામને વિકાસના લાભમાં ભાગીદાર બનાવવા, તમામને પ્રગતિના પંથે દોરી જવા. આ ક્ષેત્ર સાથે જોડાયેલા કરોડો સાથીદાર દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. એટલે MSME ક્ષેત્ર, દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ પૈકીની એક છે.
સાથીદારો,
અત્યારે આખી દુનિયા ભારતના અર્થતંત્રની પ્રગતિ જોઈને પ્રભાવિત છે અને આ પ્રગતિમાં આપણા MSME ક્ષેત્રની ભૂમિકા બહુ મોટી છે. એટલે MSME અત્યારે મેક્રો ઇકોનોમી (બૃહદ અર્થતંત્ર)ની મજબૂતી માટે જરૂરી છે. અત્યારે ભારતની કુલ નિકાસમાં બહુ મોટો હિસ્સો MSME ક્ષેત્રનો છે. એટલે MSME અત્યારે મહત્તમ નિકાસ માટે જરૂરી છે. MSME ક્ષેત્રને મજબૂતી પ્રદાન કરવા માટે છેલ્લાં આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં 650 ટકાનો વધારો કર્યો છે. એટલે અમારી સરકારે બજેટમાં 650 ટકાથી વધારે વધારો કર્યો છે. અને એટલે અમારા માટે MSMEનો અર્થ છે - Maximum Support to Micro Small and Medium Enterprises એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોને મહત્તમ ટેકો!
આ ક્ષેત્ર સાથે 11 કરોડથી વધારે લોકો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જોડાયેલા છે. એટલે MSME અત્યારે મહત્તમ રોજગારી માટે બહુ જરૂરી છે. એટલે જ્યારે 100 વર્ષનું સૌથી મોટું સંકટ આવ્યું, ત્યારે અમે આપણા નાનાં ઉદ્યોગસાહસોને બચાવવાની સાથે તેમને નવી ઊર્જા આપવાનો નિર્ણય કર્યો. કેન્દ્ર સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ અંતર્ગત સાડા 3 લાખ કરોડ રૂપિયાની મદદ MSMEs માટે સુનિશ્ચિત કરી હતી.
એક રિપોર્ટ અનુસાર, એનાથી લગભગ દોઢ કરોડ લોકો બેરોજગાર થતાં બચી ગયા, જે બહુ મોટો આંકડો છે. દુનિયાના ઘણા દેશોની વસ્તી કરતાં પણ આ આંકડો બહુ મોટો છે. આફતના સમયે પ્રાપ્ત થયેલી આ જ મદદ અત્યારે દેશના MSMEs ક્ષેત્રને નવી રોજગારીના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. અમે આ વર્ષના બજેટમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમને આગામી વર્ષના માર્ચ મહિના સુધી લંબાવવાની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત જે પણ આની હેઠળ આવે છે તેને પણ 50 હજાર કરોડ રૂપિયાથી વધારીને હવે 5 લાખ કરોડ રૂપિયા કર દીધી છે, 10 ગણી વધારે.
સાથીદારો,
આઝાદીના આ અમૃતકાળમાં આપણા MSMEs, ભારતની આત્મનિર્ભરતાના વિરાટ લક્ષ્યની પ્રાપ્તિનું પણ બહુ મોટું માધ્યમ છે. એક સમય હતો, જ્યારે અગાઉની સરકારોએ આ ક્ષેત્રની ક્ષમતા પર વિશ્વાસ કર્યો નહોતો, આ ક્ષેત્રને એક રીતે બાંધી દેવામાં આવ્યું હતું, તેમને નસીબ પર છોડી દેવામાં આવ્યું હતું. તેઓ પોતાના બળે કશું કરી શકે તો ઠીક છે, તેમને કોઈ તક મળી જાય તો આગળ વધે. આપણે ત્યાં નાનાં ઉદ્યોગોને નાનાં બનાવીને રાખવામાં આવતા હતા, ભલે તેમાં ગમે તેટલી વિકાસ કરવાની સંભાવના કેમ ન હોય! નાનાં ઉદ્યોગો માટે આટલી નાની પરિભાષા નક્કી કરવામાં આવી હતી કે, તમારા બધા પર હંમેશા આ દબાણ રહેતું હતું કે, જો આનાથી વધારે વેપાર કરશો, તો તમને જે ફાયદા મળે છે એ મળવાનું બંધ થઈ જશે. એટલે અવકાશ હોવા છતાં આગળ વધવાની તક આપી નહીં, જો તેઓ કામગીરી વધારતા તો પણ કાગળ પર કશું દેખાડતા નહીં. ચોરીછૂપીથી થોડીઘણી વધારે કામગીરી કરી લેતા. હું તમારી વાત કરતો નથી, હું તો બીજા લોકોની વાત કરી રહ્યો હતો. તમે લોકો ક્યારેય ખરાબ ન કરી શકો. તમે લોકો તો સારાં લોકો છો.
અને એની સૌથી માઠી અસર રોજગારી પર પણ થઈ હતી. જે કંપની વધુ લોકોને રોજગારી આપી શકતી હતી, તે પણ વધારે રોજગારી આપી શકતી નહોતી, કારણ કે એનાથી તે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગની મર્યાદામાંથી બહાર નીકળી જતી હતી! તેમને ચિંતા રહેતી હતી કે, કર્મચારીઓની સંખ્યા આનાથી વધારે ન થવી જોઈએ. આ વિચાર અને આ જ નીતિઓને કારણે અનેક ઉદ્યોગોનો વિકાસ અને પ્રગતિ રુંધાઈ ગઈ હતી.
અમે આ અવરોધને દૂર કરવા માટે MSMEsની પરિભાષાને જ બદલી નાંખી અને સાથે સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી. અમે આ સુનિશ્ચિત કર્યું કે, આ ઉદ્યોગસાહસો આગળ પણ વધે અને તેમને જરૂરી લાભ અને સહાયતા પણ મળતી રહે. જો કોઈ ઉદ્યોગ પ્રગતિ કરવા ઇચ્છતો હોય, વિસ્તરણ કરવા ઇચ્છતો હોય, તો સરકાર તેને સાથસહકાર આપવાની સાથે નીતિઓમાં પરિવર્તન પણ કરી રહી છે.
અત્યારે જથ્થાબંધ વેપારી હોય, રિટેલ વેપારી હોય, રિટેલ વિક્રેતા હોય – આ તમામ MSMEની નવી પરિભાષા અંતર્ગત પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રના ધિરાણ અંતર્ગત લોનનો લાભ મેળવી રહ્યાં છે. અને તમે જાણો છો કે આનો અર્થ શું થાય છે. ઉત્પાદન અને સેવા ક્ષેત્ર વચ્ચેનો ફરક પણ દૂર કરવામાં આવ્યો છે. અત્યારે GeMના માધ્યમથી સરકારને સામાન અને સેવાઓ પ્રદાન કરવા માટે MSMEsને બહુ મોટું પ્લેટફોર્મ મળી ગયું છે. તમે બધા સાથીદારોને અને તમારા માધ્યમથી હું તમને તમારા તમામ સંગઠનોને - MSMEs ક્ષેત્રમાં હોય, નાનાં-નાનાં લોકો હોય - તમને GeM પોર્ટલ પર નોંધણી કરાવવાની અપીલ કરું છું.
એક વાર GeM પોર્ટલમાં હશો તો સરકારને કશું પણ ખરીદવું હશે તો સૌપ્રથમ ત્યાં જ જવું પડશે. તમે કહેશો કે હું નહીં આપી શકું, તો જ તે બીજે ક્યાંક નજર કરશે. આટલો મોટો નિર્ણય અને સરકાર બહુ મોટી ગ્રાહક હોય છે. તેને અનેક ચીજવસ્તુઓની જરૂર પડે છે. વળી સરકારને એ ચીજવસ્તુઓની વધારે જરૂર પડે છે, જેનું તમે ઉત્પાદન કરો છો. એટલે હું ઇચ્છું છું કે, તમે બધા યુદ્ધના ધોરણે GeM પોર્ટલ પર સામેલ થવા અભિયાન શરૂ કરો. અત્યારે લગભગ 50થી 60 લાખ લોકો એની સાથે જોડાયેલા છે, જે વિક્રેતા છે. તેમની સંખ્યા ત્રણથી ચાર કરોડ કેમ ન થઈ શકે, જેથી સરકાર પણ તેને પણ વિકલ્પ મળે કે કયા પ્રકારની ચીજવસ્તુની ખરીદી કરવી.
જુઓ, અગાઉ સરકારી ખરીદીમાં MSMEsને પગદંડો જમાવવામાં બહુ મુશ્કેલી પડતી હતી. આ એકમોને સરકારની મોટી જરૂરિયાત પૂરી કરવા, આટલું મોટું ટેન્ડર ભરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. તેમને ક્યાં જવું એની ખબર પડતી નહોતી. તેઓ અન્ય કોઈને આપી દેતો, જે કામ પાર પાડી દેતો. હવે આ જરૂરી નથી. જો તમે એક થર્મોસનું વેચાણ પણ કરવા ઇચ્છો, તો પણ GeM પોર્ટલ પરથી સરકાર ખરીદી શકે છે.
મને મારી ઓફિસમાં એક વાર થર્મોસની જરૂર હતી. એટલે અમે GeM પોર્ટલ પર ગયા તો તમિલનાડુના ગામની મહિલાએ કહ્યું કે, હું આપી શકું છું. પીએમ ઓફિસમાં તમિલનાડુના ગામમાંથી થર્મોસ આવ્યું, તેમને પેમેન્ટ મળી ગયું, થર્મોસમાંથી મને ગરમ ચા પણ મળી ગઈ, તેનું કામ પણ થઈ ગયું. આ GeM પોર્ટલની તાકાત છે અને આ તમારા માટે ફાયદાકારક છે. તમે તેનો જેટલો લાભ મેળવી શકો એટલે મેળવવો જોઈએ.
બીજો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે – 200 કરોડ રૂપિયા સુધીની સરકારી ખરીદીમાં હવે ગ્લોબલ ટેન્ડરની જરૂર નથી – આ અમારી સરકારનો નિર્ણય છે. એનો અર્થ છે – આ રીતે તમારા માટે એક રીતે રિઝર્વેશન થઈ ગયું છે. હવે એવું ન થાય કે ભાઈ, 200 કરોડ રૂપિયા સુધીની ખરીદી તો અમારી પાસેથી જ કરવી પડશે એટલે ગમે એવો માલસામાન આપી દો મોદી ક્યાં જશે, તેમને તો લેવું જ પડશે, આવું ન કરતાં. ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરતાં. તમે એવું કરીને દેખાડો કે, સરકારને નિર્ણય લેવાની ફરજ પડે કે આજે તો તમે આ મર્યાદા રૂ. 200 કરોડ કરી છે, આગળ જતાં રૂ. 500 કરોડ સુધી ગ્લોબર ટેન્ડર પર પ્રતિબંધ મૂકી દો, અમે રૂ. 500 કરોડ સુધીની ચીજવસ્તુઓ કે ટેન્ડર પૂર્ણ કરવા તૈયાર છીએ. આપણે એક સ્વસ્થ સ્પર્ધા તરફ અગ્રેસર થઈ રહ્યાં છીએ.
સાથીદારો,
આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ MSMEs ઉદ્યોગ દેશને અગ્રેસર કરે અને વધુને વધુ સફળતા મેળવે – આ માટે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં પહેલી વાર MSME નિકાસકારો માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આર્થિક મદદ હોય, સર્ટિફિકેશન સાથે જોડાયેલી મદદ હોય – આ સુવિધાઓ નિકાસ પ્રક્રિયાને પ્રથમ વાર નિકાસ કરતાં નિકાસકારો માટે વધારે સરળ બનાવશે. હું તો ઇચ્છું છું કે, આપણા વધુને વધુ લોકો આંતરરાષ્ટ્રીય બજાર તરફ નજર દોડાવે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કે, તમારી ફેક્ટરી બહુ નાની છે, તમે બહુ નાની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરો છો. તમારે ચિંતા ન કરો – તમારે શોધતા રહો, દુનિયામાં કોઈને તો તમારી ચીજવસ્તુઓની જરૂર હશે.
મેં તો મારા મિશનને પણ કહ્યું છે કે, વિદેશ વિભાગમાં હવે વિદેશ વિભાગના ડિપ્લોમેટિક જે કામ કરતાં આવ્યાં છે તે તો કરે, પણ સાથે સાથે તેમને ત્રણ કામ કરવા પડશે, દરેક મિશનને મેં જણાવી દીધું છે. હું મિશનનું મૂલ્યાંકન ત્રણ વાતો સાથે જોડીને કરીશ. એક – ટ્રેડ, બે – ટેકનોલોજી અને ત્રણ – પ્રવાસન. જો તમે કોઈ દેશમાં ભારતના પ્રતિનિધિ છો, તો તમારે એ જણાવવું પડશે કે હિંદુસ્તાનમાંથી કેટલા સામાનની આયાત એ દેશમાં થઈ – આ હિસાબ રાખીશ.
બીજી વાત મેં કરી છે કે, એ દેશ પાસે કોઈ વધારે સારી ટેકનોલોજી હોય તો તેને તમે હિંદુસ્તાનમાં લાવ્યાં કે નહીં. શું પ્રયાસ કર્યો એનું મૂલ્યાંકન થશે. અને ત્રણ – એ દેશમાંથી કેટલાંક લોકો ભારતના પ્રવાસ માટે આવ્યાં. આ 3-T છે, જેના માટે મિશન કામે લાગી ગયા છે. પણ જો તમે મિશન સાથે સંપર્ક નહીં કરો, તમે શું બનાવો છો એ જણાવશો નહીં, તમારી ચીજવસ્તુઓની એ દેશમાં જરૂર છે એ જણાવશો નહીં, તો પછી એ મિશનમાં કામ કરતાં લોકો શું કરશે. સરકાર તમારી મદદ કરવા તૈયાર છે, પણ તમારે પણ તમારા ગામમાં, તમારા રાજ્યમાં, તમારા દેશમાં વેચાણ થવાની સાથે તમારી બ્રાન્ડ દુનિયામાં પહોંચે – આ સ્વપ્ન લઈને આજે અહીંથી જવાનું છે. હવે હું પૂછીશ કે અગાઉ 5 દેશમાં તમારો માલ જતો હતો, હવે 50 દેશમાં જઈ રહ્યો છે કે નહીં અને મફત વેચાણ નથી કરવાનું, તમારે કમાણી કરવાની છે.
સાથીદારો,
છેલ્લાં 8 વર્ષમાં MSME ક્ષેત્રનું આટલા મોટા પાયે વિસ્તરણ થયું છે, કારણ કે અમારી સરકાર દેશના MSME ઉદ્યોગસાહસો, કુટિર ઉદ્યોગો, હસ્તકળા, હસ્તશિલ્પ સાથે જોડાયેલા સાથીદારો પર ભરોસો કરે છે. અમારી નિયત અને અમારી નિષ્ઠા બિલકુલ સાફ છે અને એના પરિણામો જોવા મળે છે. અમે કેવી રીતે પરિવર્તનનો પવન ફૂંક્યો છે એનું એક ઉદાહરણ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ પણ છે. જ્યારે વર્ષ 2008માં દેશ અને દુનિયા આર્થિક મંદીના સંકટમાં સપડાયા હતા, ત્યારે આ યોજના લાગુ કરવામાં આવી હતી. એ સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આગામી 4 વર્ષ દરમિયાન, હું વર્ષ 2008ની વાત કરું છું, આગામી ચાર વર્ષની અંદર લાખો રોજગારીનું સર્જન થશે. પણ 4 વર્ષ પછી સરકાર પોતાના અડધા લક્ષ્યાંકોની નજીક પણ પહોંચી શકી નહોતી.
વર્ષ 2014માં અમે સતામાં આવ્યાં પછી દેશના MSMEs, દેશના યુવાનોના હિતમાં આ યોજના લાગુ કરવા માટે અમે નવા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા, નવી રીતો અપનાવી અને નવી ઊર્જા સાથે લાગી ગયા. વચ્ચે કોરાનાનું સંકટ આવ્યું, અન્ય નાનાંમોટા સંકટ દુનિયાભરમાં ચાલી રહ્યાં છે એ તમે જુઓ છો. તેમ છતાં ગત વર્ષોમાં આ યોજના અંતર્ગત 40 લાખથી વધારે લોકોને રોજગારી મળી છે અને MSMEsના માધ્યમથી.
આ દરમિયાન આ ઉદ્યોગસાહસોને લગભગ 14 હજાર કરોડ રૂપિયાની માર્જિન મની સબસિડી આપવામાં આવી છે. એનાથી દેશમાં લાખો નવા ઉદ્યોગસાહસો શરૂ થયા છે. દેશના યુવાનોને મોટી સંખ્યામાં રોજગારી પ્રદાન કરવા માટે આ યોજનામાં અત્યારે નવા પાસાં જોડાવામાં આવે છે. અત્યારે આ યોજનાના કાર્યક્ષેત્રમાં આવતા પ્રોજેક્ટ્સ, એના ખર્ચની મર્યાદાને વધારવામાં આવી છે. ઉત્પાદન ક્ષેત્રમાં એને 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી છે, તો સેવા ક્ષેત્રમાં આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે એટલે એક રીતે બમણી કરી છે.
એટલું જ નહીં, જે 100થી વધારે આપણા દેશના વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ છે, અત્યારે તમે જોયું હશે કે આ જિલ્લાઓ જે કામ કર્યું છે, તેમને પણ આજે અમે સન્માનિત કર્યા છે, કારણ કે જે જિલ્લાઓની ઉપેક્ષા રાજ્યો પણ કરતાં હતાં, એ જિલ્લાઓને આજે એ તાકાત મળી છે કે હિંદુસ્તાનને તેમને સન્માનિત કરવાની ફરજ પડી છે. આ પરિવર્તન કેવી રીતે થાય છે એનું એક ઉદાહરણ છે. વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓના આપણા યુવાનોને આપણે મદદ કરીએ, એટલું જ નહીં આપણા દેશમાં એક મોટી પહેલ હાથ ધરવામાં આવી છે. આપણા જે ટ્રાન્સજેન્ડર નાગરિકો છે, ઈશ્વરે તેમની સાથે જે કર્યું હોય, તેમને પણ વધારે તક મળે, તેમને પણ પહેલી વાર એક વિશેષ દરજ્જો આપીને તેમને પણ આર્થિક સહાયતા કરી છે અને તેમની અંદર જે ક્ષમતાઓ છે તેને આગળ વધારવાની તક આપી છે – અને અમે આ દિશામાં કામ પણ કર્યું છે.
સાથીદારો,
યોગ્ય નીતિઓ હોય અને તમામનો પ્રયાસ હોય તો કેટલું મોટું પરિવર્તન આવે છે – આનું એક મોટું ઉદાહરણ આપણે હમણા ફિલ્મ જોઈ રહ્યાં હતાં તેમાં પણ રજૂ થયું છે. એ છે આપણી ખાદી. આઝાદીની શરૂઆતમાં ખાદી યાદ રહી. ધીમે ધીમે ખાદીનો ઉપયોગ મર્યાદિત થઈ ગયો અને નેતાઓનો પોશાક બની ગયો, નેતાઓ માટે જ બચી. મોટા-મોટા કુર્તા પહેરો, ચૂંટણી લડો – આ જ ચાલતું હતું. આ ખાદીના ક્ષેત્રને નવજીવન આપવાનું કામ કર્યું છે. અગાઉની સરકારોની જે નીતિઓ હતી એને અત્યારે દેશ સારી રીતે જાણે છે.
હવે પહેલી વાર ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર 1 લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે. આ શક્ય બન્યું, કારણ કે ગામડાઓમાં આપણા નાનાં-નાનાં ઉદ્યોગસાહસિકોએ, આપણી બહેનોએ, આપણી દીકરીઓએ બહુ પરિશ્રમ કર્યો છે. છેલ્લાં 8 વર્ષમાં ખાદીનું વેચાણ 4 ગણું વધ્યું છે. છેલ્લાં 8 વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં દોઢ કરોડથી વધારે સાથીદારો માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. હવે ભારતની ખાદી લોકલમાંથી ગ્લોબલ થઈ રહી છે, વિદેશ ફેશન બ્રાન્ડ પણ ખાદી તરફ આકર્ષિત થઈ રહી છે, આપણો એના પર વિશ્વાસ હોવો જોઈએ. જો આપણે વિશ્વાસ નહીં કરીએ, તો દુનિયા શું ભરોસો કરશે. તમે તમારા ઘરમાં તમારા બાળકોનું સન્માન ન કરો અને તમે ઇચ્છો કે તમારી આસપાસના લોકો કરે – આવું શક્ય નથી. નવા નવા ક્ષેત્રોમાંથી, નવા નવા બજારો માટે નવા માર્ગો બન્યાં છે, જેનો નાનાં ઉદ્યોગોને બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે.
સાથીદારો,
આંતરપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યોગસાહસિકતા – અત્યારે આપણા ગામડા, ગરીબ લોકો, નાનાં શહેરો – કસ્બાના પરિવારો માટે સ્વાભાવિક વિકલ્પ બની રહ્યો છે. એનું એક મોટું કારણ છે – લોન મળવાની સરળતા. વર્ષ 2014 અગાઉ ભારતમાં બેંકોના દરવાજા સુધી પહોંચવાનું સામાન્ય માણસ માટે બહુ મુશ્કેલ હતું. ગેરન્ટી વિના બેંકોમાંથી લોન મેળવવી લગભગ અશક્ય હતી. ગામ-ગરીબ, જમીનવિહોણા, નાનાં ખેડૂત, નાના દુકાનદારની ગેરન્ટી કોણ આપે અને ગેરન્ટી વિના તેઓ શું કરે? તેમને શાહૂકાર પાસે જવું પડતું હતું. બેંક લોન આપતી નહોતી અને જ્યારે તેઓ શાહૂકાર પાસેથી ઉધાર લેતાં, ત્યારે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જતાં. આ કારણસર તેઓ બહુ સંરક્ષણાત્મક જીવન જીવવા મજબૂત હતા. આ સ્થિતિમાં ગામ રહેતો ગરીબ, દલિત, વંચિત, શોષિત, પછાત, આદિવાસી, તેમના દીકરી-દીકરી સ્વરોજગારી વિશે વિચારતા જ નહોતા, તેઓ રોજગારી માટે કોઈ શહેરમાં જઈને ઝૂંપડપટ્ટીમાં જીવન પસાર કરવા મજબૂત થતા હતા. હવે આપણી બહેનો-દીકરીઓ સામે નવા વિકલ્પો લઈને અમે આવ્યાં છીએ. અમે તેમને એ મર્યાદિત વિકલ્પોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે.
સાથીદારો,
આટલા વિશાળ દેશનો ઝડપથી વિકાસ બધાને સાથે રાખીને જ થઈ શકે છે. એટલે વર્ષ 2014માં સબ કા સાથ, સબ કા વિકાસના મંત્ર પર ચાલીને અમે આ કાર્યક્ષેત્રને વધારવાનો નિર્ણય કર્યો. આ માટે અમે સુધારાઓ કર્યા, નવી સંસ્થાઓનું નિર્માણ કર્યું, કૌશલ્ય વિકાસ અને ધિરાણની સુલભતાનો માર્ગ પસંદ કર્યો. ઉદ્યોગસાહસિકતાને દરેક ભારતીય માટે સ્વાભાવિક બનાવવામાં મુદ્રા યોજનાની બહુ મોટી ભૂમિકા છે. ગેરન્ટી વિના બેંક લોનની આ યોજનાએ દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકો, મારા દલિત, પછાત, આદિવાસી ઉદ્યોગસાહસિકોના એક બહુ મોટા વર્ગને ઊભો કર્યો છે તથા નવા નવા ક્ષેત્રોમાં આ વર્ગ ઊભો કર્યો છે, અંતરિયાળ ગામડાઓમાં આ વર્ગને તૈયાર કર્યો છે.
અત્યાર સુધી આ યોજના અંતર્ગત લગભગ 19 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. એટલું જ નહીં લોન લેનાર લોકોમાં લગભગ 7 કરોડ એવા ઉદ્યોગસાહસિકો છે, જેમણે પહેલી વાર કોઈ ઉદ્યોગસાહસ શરૂ કર્યું છે અને તેઓ એક નવા ઉદ્યોગસાહસિક બન્યાં છે. એટલે કે મુદ્રા યોજનાની મદદ સાથે, 7 કરોડથી વધારે સાથીદારો પહેલી વાર સ્વરોજગારી સાથે જોડાયા છે. આટલું પર્યાપ્ત નથી. તેઓ પોતે જોડાયા અને સાથે સાથે કોઈએ એકને, કોઈને બેને, કોઈએ ત્રણને પોતાને ત્યાં રોજગારી આપી છે, તેઓ રોજગારવાંચ્છુઓ નથી, પણ હવે રોજગારસર્જકો બની ગયા છે.
સાથીદારો,
આ વાત પણ ખાસ છે કે મુદ્રા યોજના અંતર્ગત લગભગ 36 કરોડ લોન આપવામાં આવી, તેમાંથી લગભગ 70 ટકા લોન, આ જે લોન આપવામાં આવી છે તેમાંથી 70 ટકા મહિલા ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે. આ ખુશીની વાત છે અને દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે, દેશ કેવી રીતે આગળ વધી રહ્યો છે, આનું સૌથી મોટું ઉદાહરણ આ યોજના છે. કલ્પના કરો કે આ એક યોજનાથી કેટલી મોટી સંખ્યામાં આપણા દેશની બહેનો-દીકરીઓ ઉદ્યોગસાહસિકો બની છે, સ્વરોજગારી સાથે જોડાઈ છે. આ કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે, તેમને જે આત્મસન્માન મળ્યું છે, પરિવારમાં તેમનું માનસન્માન વધ્યું છે, સમાજમાં તેમની સાખ ઊભી થઈ છે – તેનો તો કોઈ હિસાબ જ નથી, મિત્રો.
સાથીદારો,
MSME ક્ષેત્ર સંપૂર્ણપણે ઔપચારિક કેમ ન હોય, પણ ઔપચારિક ધિરાણ માટે સુલભ જરૂર રહ્યું છે. ભારતના અર્થતંત્રનું મૂલ્યાંકન કરતાં લોકો આ પાસાંની ચર્ચા બહુ કરતાં નથી. અને તેમાં અમે 10-20 હજાર રૂપિયાની વાત કરતાં નથી, જેને અગાઉ માઇક્રોફાઇનાન્સ ગણવામાં આવતું હતું. અહીં અમે 50 હજારથી લઈ 10 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી ફ્રી ફાઇનાન્સની વાત કરી રહ્યાં છીએ, જે આજે મહિલા ઉદ્યોગસાહસિકો સુધી પહોંચી રહ્યું છે.
એટલે અગાઉ મહિલા ઉદ્યોગસાહસિકતા માટે માઇક્રોફાઇનાન્સને ફક્ત પશુપાલન, હાથવણાટ-વણકર સુધી મર્યાદિત રાખવામાં આવ્યું હતું....મને યાદ છે જ્યારે અમે ગુજરાતમાં હતાં, ત્યારે ક્યારેક-ક્યારેક સરકાર એવી યોજનાઓ પ્રસ્તુત કરતી હતી કે, મરઘી માટે લોન આપતી હતી અને પછી જણાવતી હતી – મરઘી લો, આટલા ઇંડા આપશે, પછી આટલી મરઘી થશે, પછી એમાંથી આટલા ઇંડા થશે. પછી એ બિચારો લોન લેતો હતો, પાંચ મરઘી લઈ આવતો હતો અને સાંજે લાલ બત્તી ધરાવતી ગાડીમાં અધિકારી પહોંચી જતા હતા, તેઓ કહેતાં હતાં કે રાતે રોકાવાનું છે. હવે રાતે રોકાવાનો અર્થ શું છે – પાંચમાંથી બે ગઈ. આપણે બધાએ જોયું છે ને...
મિત્રો,
હવે સમય બદલાઈ ગયો છે. આવી નાની-નાની ચીજોમાં બધાને મર્યાદિત રાખવામાં આવ્યાં. અમે મુદ્રા યોજનાના માધ્યમથી સંપૂર્ણ ગ્રાફને બદલી નાંખ્યો, સંપૂર્ણ ચિત્ર બદલી નાંખ્યું, તેમનો જુસ્સો બુલંદ કરી દીધો. 10 લાખ રૂપિયા જોઈએ છે...લો અને કશું કરો. મને આ જાણીને બહુ સારું લાગ્યું કે, ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટર્ડ કુલ MSMEsમાંથી લગભગ 18 ટકા મહિલાઓ છે, આ પણ નાનીસૂની સફળતા નથી. આ ભાગીદારી વધે આ માટે આપણે મળીને કામ કરવું પડશે.
સાથીદારો,
ઉદ્યોગસાહસિકતામાં આ સર્વસમાવેશકતા છે – આ આર્થિક સર્વસમાવેશકતા જ ખરાં અર્થમાં સામાજિક ન્યાય છે. શું તમે ક્યારેય વિચાર્યું હતું કે, રેકડી, હાથલારી, પાટા પર પોતાનું નાનું કામ કરતાં સાથીદારોને બેંકોમાંથી લોન મળશે? હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહીશ કે જે બેંક મેનેજરના ઘરે વર્ષોથી શાકભાજી પહોંચાડતો હશે, વર્ષોથી અખબાર નાંખતો હશે, તેમને પણ કદાચ એ બેંકવાળાએ ક્યારેય લોન નહીં આપી હોય. તેનો અર્થ એ નથી કે, તેમને વિશ્વાસ નહોતો, તેનો અર્થ એ નથી કે તેમને કશું મળશે, પણ એક એવી સંકુચિત વિચારસરણી બની ગઈ હતી કે જેમાંથી બહાર નીકળવાનું જ મુશ્કેલ થઈ ગયું હતું.
અત્યારે તેઓ રેકડી, હાથલારી, અખબારના ફેરિયાઓ બેંકના દરવાજા પર ઊભા રહી જાય છે અને તેમને ગેરન્ટી વિના લોન મળી જાય છે – આ યોજનાનું નામ છે સ્વનિધિ. આજે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આ પ્રકારના લાખો સાથીદારોને લોનની સાથે નાનો વેપાર મોટા કરવાનો માર્ગ પણ મળી ગયો છે. આપણે જે સાથીદારો ગામમાંથી શહેરમાં આવ્યાં છે તેમને સરકાર તમામ પ્રકારનો સાથસહકાર આપી રહી છે અને તેઓ મહેનત કરીને પોતાના કુટુંબને ગરીબીના વિષચક્રમાંથી બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યાં છે.
અને તમને જાણીને આનંદ થશે. જો હું તમને કહું કે, તમે ડિજિટલ પેમેન્ટ કરો, તો તમે 50 વાર વિચાર કરશો, ડિજિટલ પેમેન્ટ કરીશ તો રેકોર્ડ બનશે, રેકોર્ડ બનશે તો મોદી જોશે, મોદી જોશે તો કોઈ આવકવેરાના અધિકારીઓ મોકલશે, એટલે ડિજિટલ નહીં કરું. તમને જાણીને આનંદ થશે કે આ રેકડીવાળા, હાથલારી વાળા, અખબારના ફેરિયાઓ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યાં છે. મિત્રો, હું માનું છું કે, આ પ્રગતિમાં આપણે ભાગીદાર થવું જોઈએ. આ પ્રગતિનું નેતૃત્વ તમારે કરવાનું છે. મિત્રો, આગળ આવો, હું તમારી સાથે ચાલવા તૈયાર છું. આ જ સાચી પ્રગતિ છે, આ જ સાચો વિકાસ છે.
હું આજે આ કાર્યક્રમના માધ્યમથી MSME ક્ષેત્ર સાથે જોડાયેલા આપણા દરેક ભાઈઓ-બહેનોને ખાતરી આપું છું કે, સરકાર તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે, તમારી આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે નીતિઓ બનાવવા માટે તૈયાર છે, નિર્ણયો લેવા માટે તૈયાર છે અને સક્રિયપણે તમારો હાથ પકડીને ચાલવા માટે તૈયાર છે, તમે આગળ આવો મિત્રો.
ઉદ્યમી ભારતની દરેક સફળતા....અને મને એમાં કોઈ શંકા નથી, આત્મનિર્ભર ભારતનો પ્રાણ આમાં જ છે મિત્રો, તમારામાં જ છે, તમારા પુરુષાર્થમાં જ છે. અને મારા દેશનાં MSME ક્ષેત્ર પર, તમારા બધા પર, દેશની યુવા પેઢી પર, અને ખાસ કરીને આપણી દીકરીઓ જે સાહસ સાથે આગળ વધી રહી છે, તેના પર મારો ભરોસો છે. અને એટલે હું કહું છું કે, આ દેશ પોતાના તમામ સ્વપ્નોને પોતાની આંખો સામે સાકાર થતાં જોશે. તમે તમારી આંખો સામે જોશે કે હા, આ પરિવર્તન થયું, આ થયું, તમને દેખાશે.
દેશનાં MSME ક્ષેત્રને મારો આગ્રહ છે કે, સરકારની આ યોજનાઓને સંપૂર્ણ લાભ લો. અને તમારા એસોસિએશનમાં હું જઇશ. આજથી હું જોવાનું શરૂ કરીશ કે GeM પોર્ટલ પર એક કરોડ લોકો વધ્યાં કે નહીં, હું જોવા ઇચ્છું છું. એસોસિએશનના લોકો મેદાનમાં આવો. સરકાર તમારી પાસેથી ખરીદી કરવા તૈયાર છે, તમે જોડાઈને તો જુઓ. સરકારને જણાવો કે હું આ બનાવું છું, એ ખરીદી કરશે. તમે જોશો કે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમારો માલ વેચાઈ જશે.
સાથીદારો,
મને તમારી વચ્ચે આવવું ગમ્યું. જે સાથીદારોનું સન્માન કરવાની મને તક મળી એ ગમી. એનો અર્થ એ નથી કે બીજા લોકો આવી સફળતા ન મેળવી શકે. તેઓ પણ પોતાની રીતે તૈયારી કરે, આગામી વર્ષે તમારું સન્માન કરવાની તક મને મળે. સફળ લોકોનું સન્માન કરવાની મને તક મળે. તમે વધારે સફળતા મેળવો એ જ મારી ઇચ્છા છે.
તમને બધાને મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમારો આભાર!
SD/GP/JD
(Release ID: 1838327)
Visitor Counter : 430
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam