ચૂંટણી આયોગ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, 2022 (16મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી)

Posted On: 29 JUN 2022 4:55PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10મી ઑગસ્ટ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ભારતનાં બંધારણના અનુચ્છેદ 68 મુજબ, જઈ રહેલા ઉપરાષ્ટ્રપતિની પદની મુદત પૂરી થવાને કારણે ખાલી પડતી જગ્યા ભરવા માટેની ચૂંટણી, મુદત પૂરી થાય તે પહેલાં પૂર્ણ કરવી જરૂરી છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારની અધ્યક્ષતામાં આજે ચૂંટણી પંચની બેઠક મળી હતી જેમાં ચૂંટણી કમિશનર શ્રી અનુપ ચંદ્ર પાંડે હાજર હતા, અને ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણીનાં સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

2. રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952 અને રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974 સાથે વાંચવામાં આવેલ બંધારણની કલમ 324, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનાં સંચાલનની દેખરેખ, દિશા અને નિયંત્રણ ભારતના ચૂંટણી પંચને સોંપે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિના પદની ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી હોવી જોઈએ તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ આદેશબદ્ધ છે અને પંચ તેની બંધારણીય જવાબદારી નિભાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. ભારતના ચૂંટણી પંચને આજે 16મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતા વિશેષાધિકાર અને સન્માનની લાગણી છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952 ની કલમ 4(3) જોગવાઈ કરે છે કે ચૂંટણી માટેનું જાહેરનામું વિદાય લેતા ઉપરાષ્ટ્રપતિનાં કાર્યકાળની મુદત પૂરી થાય એ પૂર્વે તેના સાઠમા દિવસે અથવા તેના પછી જારી કરવામાં આવે.

3. ભારતનાં બંધારણના અનુચ્છેદ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એકલ તબદીલીપાત્ર મત દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની પ્રણાલી અનુસાર સંસદનાં બંને ગૃહોના સભ્યોનું બનેલું મતદાર મંડળ- ઈલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે. 2022 માટે, 16મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે, ઇલેક્ટોરલ કૉલેજમાં આનો સમાવેશ થાય છે:

  1. રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો,
  2. રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો, અને
  3. લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો.

મતદાર મંડળ- ઈલેક્ટોરલ કૉલેજમાં સંસદનાં બંને ગૃહોના કુલ 788 સભ્યોનો સમાવેશ થાય છે. તમામ મતદારો સંસદનાં બંને ગૃહોના સભ્યો હોવાથી, દરેક સંસદ સભ્યનાં મતનું મૂલ્ય સમાન એટલે કે 1 (એક) હશે.

4. બંધારણની કલમ 66 (1) એ જોગવાઈ કરે છે કે ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની સિસ્ટમ અનુસાર યોજવામાં આવશે અને આવી ચૂંટણીમાં મતદાન ગુપ્ત મતદાન દ્વારા થશે. આ સિસ્ટમમાં, મતદારે ઉમેદવારોના નામની સામે પસંદગીઓને ચિહ્નિત કરવાની હોય છે. પસંદગી ભારતીય અંકોના આંતરરાષ્ટ્રીય સ્વરૂપમાં, રોમન સ્વરૂપમાં અથવા કોઈપણ માન્ય ભારતીય ભાષાઓમાં સ્વરૂપમાં ચિહ્નિત કરી શકાય છે. પસંદગી માત્ર અંકમાં જ ચિહ્નિત કરવાની રહેશે અને શબ્દોમાં સૂચવવામાં આવશે નહીં. મતદાર ઉમેદવારોની સંખ્યા જેટલી પસંદગીઓ ચિહ્નિત કરી શકે છે. જ્યારે બેલેટ પેપર માન્ય રાખવા માટે પ્રથમ પસંદગીનું માર્કિંગ ફરજિયાત છે, અન્ય પસંદગીઓ વૈકલ્પિક છે.

5. મત ચિહ્નિત કરવા માટે, પંચ ચોક્કસ પેન પૂરી પાડશે. મતપત્રક- બેલેટ પેપર સોંપવામાં આવે ત્યારે નિયુક્ત અધિકારી દ્વારા મતદાન મથકમાં મતદારોને પેન આપવામાં આવશે. મતદારોએ માત્ર આ ચોક્કસ પેનથી જ મતપત્રને ચિહ્નિત કરવું પડશે અને અન્ય કોઈ પેનથી નહીં. અન્ય કોઈપણ પેનનો ઉપયોગ કરીને મત આપવાથી મત ગણતરી સમયે અમાન્ય થઈ જશે.

6. ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને, લોકસભા અને રાજ્યસભાના મહાસચિવને, રોટેશન દ્વારા, રિટર્નિંગ ઓફિસર-ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરે છે. તદનુસાર, ભારતના ઉપરાષ્ટ્રપતિના પદની વર્તમાન ચૂંટણી માટે લોકસભાના મહાસચિવને રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે. પંચે રિટર્નિંગ ઓફિસરને મદદ કરવા માટે સંસદ ભવન (લોકસભા)માં મદદનીશ રિટર્નિંગ ઓફિસર્સની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે.

7. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના નિયમો, 1974ના નિયમ 8 મુજબ, ચૂંટણી માટે મતદાન સંસદ ભવનમાં યોજવામાં આવશે. મતદાન, જો જરૂર પડે તો, રૂમ નં. 63, પ્રથમ માળ, સંસદ ભવન, નવી દિલ્હી ખાતે યોજાશે.

8. ચૂંટણીનાં સમયપત્રક મુજબ, ઉમેદવારનું ઉમેદવારી પત્રક નવી દિલ્હી ખાતે રિટર્નિંગ ઓફિસરને તેમના દ્વારા જારી કરવામાં આવે એ જાહેર નોટિસ (ફોર્મ-1માં ઉમેરેલ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974)  દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવે તે જગ્યાએ પહોંચાડવું આવશ્યક છે, અને અન્ય કોઈ જગ્યાએ નહીં. કાયદા હેઠળ, નામાંકન (નિયત ફોર્મ 3માં) ઉમેદવાર પોતે અથવા તેના કોઈપણ દરખાસ્તકર્તા અથવા સમર્થક દ્વારા સવારે 11.00 થી બપોરે 3.00 વાગ્યાની વચ્ચે ફાઇલ કરી શકાય છે. જાહેર રજાના દિવસે ઉમેદવારીપત્રક દાખલ કરી શકાતું નથી. ઉમેદવારના ઉમેદવારીપત્રકમાં ઓછામાં ઓછા વીસ મતદારોએ પ્રસ્તાવક તરીકે અને ઓછામાં ઓછા અન્ય વીસ મતદારો દ્વારા સમર્થક તરીકે ભરવાના રહેશે. એક મતદાર પ્રસ્તાવક અથવા સમર્થક તરીકે ઉમેદવારનું માત્ર એક જ ઉમેદવારી પત્રક ભરી શકે છે અને રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952ની કલમ 5B (5) દ્વારા સંચાલિત છે. ઉમેદવાર વધુમાં વધુ ચાર ઉમેદવારી પત્રો ભરી શકે છે. ચૂંટણી માટે સિક્યોરિટી ડિપોઝિટ રૂ. 15,000/- (રૂપિયા પંદર હજાર માત્ર) છે, જે ઉમેદવારી પત્રની સાથે કરવાની હોય છે, અથવા નોમિનેશન ફાઈલ કરતા પહેલા આ હેતુ માટે સંબંધિત ખાતાનાં શીર્ષ હેઠળ ભારતીય રિઝર્વ બૅન્ક અથવા સરકારી તિજોરીમાં જમા કરાવવી જોઈએ.

9. રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974ના નિયમ 40 મુજબ, પંચ ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીના હેતુ માટે, કલમ 66માં ઉલ્લેખિત ઇલેક્ટોરલ કૉલેજના સભ્યોની યાદી તેમનાં સાચાં અને અપ ટુ ડેટ સરનામાં સાથે જાળવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, 2022 માટે પંચ દ્વારા જાળવવામાં આવેલ મતદાર મંડળ એટલે કે ઇલેક્ટોરલ કૉલેજના સભ્યોની સૂચિ, ભારતના ચૂંટણી પંચના પરિસરમાં ખોલવામાં આવેલા કાઉન્ટર પરથી પ્રતિ નકલ રૂ. 50/-ના દરે વેચાણ માટે ઉપલબ્ધ થશે. ચૂંટણી પંચની વેબસાઈટ પર ઈલેક્ટોરલ કોલેજની નકલ પણ અપલોડ કરવામાં આવી રહી છે. જો કે, કાઉન્સિલ ઓફ સ્ટેટ્સના 51 ચૂંટાયેલા સભ્યો, રાજ્યોની કાઉન્સિલના 07 નામાંકિત સભ્યો (જો ચૂંટણી દરમિયાન ભરવામાં આવ્યા હોય તો)નાં નામની સૂચના જારી થયાની તારીખ પછી ઉપરોક્ત સૂચિ અપડેટ કરવી જરૂરી છે. તેથી, ઇલેક્ટોરલ કૉલેજની પૂરક યાદી(ઓ) જ્યારે જરૂર પડે ત્યારે પ્રકાશિત કરવામાં આવશે.

10. દરેક સ્પર્ધક ઉમેદવાર મતદાનનાં સ્થળે અને મતગણતરી માટે નિયત કરેલ સ્થળ (કાઉન્ટિંગ હોલ) પર હાજર રહેવા માટે પ્રતિનિધિને અધિકૃત કરી શકે છે. આ હેતુ માટે પ્રતિનિધિઓની અધિકૃતતા ઉમેદવાર દ્વારા લેખિતમાં કરવામાં આવશે.

11. બંધારણે સ્પષ્ટપણે એવી જોગવાઈ કરી છે કે ઉપરાષ્ટ્રપતિના પદની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થશે. તેથી, મતદારોએ સાવચેતીપૂર્વક મતની ગુપ્તતા જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ ચૂંટણીમાં ખુલ્લાં મતદાનનો કોઈ ખ્યાલ નથી અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના કિસ્સામાં કોઈપણ સંજોગોમાં કોઈને પણ મતપત્રક બતાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. 1974ના નિયમોમાં નિર્ધારિત મતદાન પ્રક્રિયા એવી જોગવાઈ કરે છે કે વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં મતને ચિહ્નિત કર્યા પછી, મતદારે મતપત્રકને ફોલ્ડ કરીને બેલેટ બોક્સમાં દાખલ કરવું જરૂરી છે. મતદાન પ્રક્રિયાનાં કોઈપણ ઉલ્લંઘન માટે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતપત્રકને રદ કરવામાં આવશે. ફકરા 5માં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ, મતનું માર્કિંગ ફક્ત પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતદાનનાં સ્થળે મતદારોને આપવામાં આવેલી ચોક્કસ પેનથી જ કરી શકાય છે.

12. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનના મામલે રાજકીય પક્ષો તેમના સાંસદોને કોઈ વ્હીપ જારી કરી શકે નહીં. વધુ સ્પષ્ટતા કરવામાં આવે છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952 ની કલમ 18 મુજબ, ચૂંટાયેલ ઉમેદવાર અથવા ચૂંટાયેલ ઉમેદવારની સંમતિ સાથે કોઈપણ વ્યક્તિ દ્વારા આઈપીસીની કલમ 171B અને 171C માં વ્યાખ્યાયિત કરાયેલ 'લાંચ' અથવા 'અનુચિત પ્રભાવ'નો ગુનો એવા આધારો પૈકી એક છે કે જેના આધારે નામદાર સુપ્રીમ કોર્ટ ચૂંટણી અરજીમાં ચૂંટણીને રદબાતલ જાહેર કરી શકે છે.

13. મદદનીશ રિટર્નિંગ ઓફિસરો મતદાનનાં સંચાલન અને મતદાન પછી ચૂંટણી પંચથી સંસદ ભવનમાં અને ચૂંટણી પંચ સુધી પરત મતદાન પેટીઓ અને અન્ય મહત્વપૂર્ણ ચૂંટણી સામગ્રીના પરિવહન માટે રિટર્નિંગ ઓફિસરને મદદ કરશે.

14. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે, પંચ ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓને મતદાનનાં સ્થળે તેના નિરીક્ષકો તરીકે પણ નિયુક્ત કરે છે.

15. તમામ સંબંધિત કોવિડ-19 સલામતી અને પ્રોટોકોલ ચૂંટણી પ્રક્રિયાના તમામ પગલાઓમાં અને મતદાન અને મતગણતરીના દિવસે લાગુ કરવામાં આવશે.

16. ચૂંટણીઓ ઇકો-ફ્રેન્ડલી બનાવવાનો પંચનો હંમેશા પ્રયાસ રહ્યો છે. ભારતના ઉપરાષ્ટ્રપતિના પદની ચૂંટણી, પરોક્ષ ચૂંટણી હોવાથી, બેનરો, પોસ્ટરો વગેરે પ્રદર્શિત કરવાની પરંપરાગત રીતે ચૂંટણી પ્રચારનો સમાવેશ થતો નથી. તેમ છતાં, પંચે, આ ચૂંટણીનાં મહત્વને ધ્યાનમાં રાખીને, સંબંધિત રિટર્નિંગ ઓફિસરને ઇકો-ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ સુનિશ્ચિત કરવા અને ભારત સરકારની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર પ્રતિબંધિત પ્લાસ્ટિક/સામગ્રીનો ઉપયોગ નાબૂદ કરવા નિર્દેશ આપ્યો છે.

17. નવી દિલ્હીમાં રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ મત ગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા પછી, ચૂંટણીનું રિટર્ન (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974માં જોડાયેલ ફોર્મ 7માં) રિટર્નિંગ ઓફિસર દ્વારા સહી કરી અને જારી કરવામાં આવશે.

18. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952 ની કલમ (4) ની પેટા-કલમ (1)ના અનુસંધાનમાં, ભારતના ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ભરવા માટે પરિશિષ્ટ-I મુજબ ચૂંટણી માટેનો કાર્યક્રમ નક્કી કર્યો છે.

19. ભારતના ઉપરાષ્ટ્રપતિના પદની વર્તમાન ચૂંટણીનાં તમામ પાસાંઓને આવરી લેતી માહિતી પુસ્તિકા અને પાછલી પંદર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ અને FAQની યાદી આ લિંક પર ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે: https://eci.gov.in/vice-presidential-election2022/index/  ઉપરોક્ત માહિતી પુસ્તિકાની નકલ પ્રતિ નકલ રૂ. 25/-ના દરે પંચના વેચાણ કાઉન્ટર પરથી પણ મેળવી શકાય છે.

****

જોડાણ-I

 

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, 2022 (16મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી)

 

(i)

ચૂંટણી જાહેર કરતા ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવું

5.07.2022

(મંગળવાર)

(ii)

નામાંકન કરવાની છેલ્લી તારીખ

19.07.22

(મંગળવાર)

(iii)

નામાંકનોની ચકાસણી માટેની તારીખ

20.07.2022

(બુધવાર)

(iv)

ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ

22.07.2022

(શુક્રવાર)

(v)

જો જરૂરી હોય તો, જે તારીખે મતદાન હાથ ધરાશે

06.08.2022

(શનિવાર)

(vi)

મતદાનના કલાકો

સવારે 10થી સાંજે 5

(vii)

જો જરૂરી હોય તો, જે તારીખે મતગણતરી કરાશે

06.08.2022

(શનિવાર)

 

 

 

 

SD/GP/JD



(Release ID: 1838103) Visitor Counter : 5143