પ્રધાનમંત્રીનું કાર્યાલય

પાવાગઢ પર્વત પર શ્રી કાલિકા માતાના નવનિર્મિત મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 JUN 2022 3:00PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, શ્રી કાલિકા માતા મંદિર ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી સુરેન્દ્રભાઈ પટેલજી, રાજય સરકારના મંત્રી ભાઈ શ્રી પૂર્ણેશ મોદીજી,  અહીં ઉપસ્થિત તમામ વરિષ્ઠ પૂજય સંતગણ,  તમામ શ્રધ્ધાળુ સાથીઓ તથા દેવીઓ અને સજજનો.

આજે ઘણાં વર્ષો પછી  પાવાગઢમાં મા કાલીના ચરણોમાં આવીને થોડીક પળો વિતાવવાનું અને આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જે મારા માટે જીવનની ધન્ય પળ છે. સપનું જ્યારે સંકલ્પ બની જાય છે અને  સંકલ્પ જ્યારે સિધ્ધિ સ્વરૂપે નજરે સામે આવે છે ત્યારે તેનો કેટલો આનંદ થઈ શકે  છે તેની તમે કલ્પના કરી શકો છો. આજની આ પળ મારા અંતરમનને વિશેષ આનંદથી ભરી દે છે. તમે કલ્પના કરી શકો છો કે 5મી સદી સુધી મહાકાળીના શિખર ઉપર ધજા ફરકી ન હતી. આજે મહાકાળીના શિખર ઉપર ધજા છે જે આપણને ઊર્જા પૂરી પાડે છે, પ્રેરણા પૂરી પાડે છે તથા આપણી મહાન પરંપરા તથા સંસ્કૃતિ તરફ સમર્પણભાવથી જીવવા માટે આપણને પ્રેરણા પૂરી પાડે છે. આજથી થોડાંક દિવસ પછી એટલે કે આ મહિનાના અંતમાં ગુપ્ત નવરાત્રી શરૂ થઈ રહી છે. ગુપ્ત નવરાત્રી પહેલાં જ પાવાગઢમાં મહાકાળીની શક્તિપીઠ પોતાના ભવ્ય અને દિવ્ય સ્વરૂપે આપણી સામે છે. શક્તિ અને સાધનાની એ વિશેષતા રહી છે કે ગુપ્ત નવરાત્રી હોવા છતાં શકિત સુપ્ત નથી હોતી, શક્તિ ક્યારેય લુપ્ત થતી નથી. જ્યારે શ્રધ્ધા, સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે ત્યારે શક્તિ પોતાના પૂર્ણ વૈભવ સાથે પ્રગટ થતી હોય છે. પાવાગઢમાં મહાકાળીના આશીર્વાદથી આપણે ગુજરાતની અને ભારતની આ શક્તિનું પ્રાગટ્ય જોઈ રહ્યા છીએ. આજે સદીઓ પછી મહાકાળીનું આ મંદિર પોતાના વિશાળ સ્વરૂપે આપણી સામે, આપણા મસ્તકને ગૌરવવંતુ કરે છે. આજે સદીઓ પછી પાવાગઢના મંદિરમાં ફરી એક વખત શિખર ઉપર ધજા ફરકાવવામાં આવી છે. આ શિખર ધ્વજ માત્ર આપણી આસ્થા અને આદ્યાત્મનું જ પ્રતિક નહીં, પણ શિખર ધ્વજા એ બાબતનું પણ પ્રતિક છે કે સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહેતું હોય છે.

ભાઈઓ અને બહેનો,

અયોધ્યામાં આવીને તમે જોયું હશે કે ત્યાં ભવ્ય રામ મંદિર આકાર લઈ રહ્યું છે. કાશીમાં વિશ્વનાથ ધામ હોય કે પછી મારા કેદારબાબાનું ધામ હોય, આજે ભારતનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ પૂર્ણ સ્થાપિત થઈ રહ્યું છે. આજે નવું ભારત પોતાની આધુનિક આકાંક્ષાઓની સાથે સાથે પોતાના પ્રાચીન વારસાને પણ, પ્રાચીન ઓળખને પણ એવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે જીવી રહ્યું છે. દરેક ભારતીય તે માટે ગૌરવ અનુભવી રહ્યા છે. આપણા આ આધ્યાત્મિક સ્થળો આપણી શ્રધ્ધાની સાથે સાથે નવી સંભાવનાઓના પણ સ્રોત બની રહ્યા છે. પાવાગઢમાં મા કાલિકાના મંદિરનું પુનઃનિર્માણ આપણી આ ગૌરવ યાત્રાનો જ એક હિસ્સો છે. આ પ્રસંગે હું મા મહાકાળીના ચરણોમાં નમન કરતાં કરતાં આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજનો અવસર સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનું પણ પ્રતિક છે.

સાથીઓ,

આજે મને મા કાલિકાના મંદિરમાં ધ્વજારોહણ અને પૂજન-અર્ચનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મહાકાળીના દર્શન કરતી વખતે હું વિચારી રહ્યો હતો કે આજે હું મહાકાળીના ચરણોમાં આવીને શું માગું? મહાકાળીના આશીર્વાદ બાબતે ઈતિહાસ સાક્ષી છે. સ્વામી વિવેકાનંદજી મહાકાળીના આશીર્વાદ લઈને જનસેવાથી પ્રભુસેવામાં લીન થયા હતા. મા મને આશીર્વાદ આપે કે હું અધિક ઊર્જા સાથે અને અધિક ત્યાગ તથા સમર્પણ સાથે દેશના જન જનનો સેવક બનીને તેમની સેવા કરતો રહું. મારૂં જે કાંઈપણ સામર્થ્ય છે, મારા જીવનનું જે કાંઈપણ પુણ્ય છે તે દેશની માતાઓ અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે, સમર્પિત કરૂં છું. આ સમયે ગરવી ગુજરાતની ધરતી પરથી હું આજે દેશની આઝાદીના અમૃત મહોત્સવનું પણ સ્મરણ કરૂં છું.

સાથીઓ, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદીની  લડાઈ માટે આપ્યું છે તેટલું જ યોગદાન દેશના વિકાસ માટે પણ આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના ગર્વ અને શાનનો પર્યાય છે. ગુજરાતે ભારતના વેપારનું પણ નેતૃત્વ કર્યું છે અને ભારતના આધ્યાત્મને પણ સંરક્ષિત કરવાનો તેણે પૂરો પ્રયાસ કર્યો છે.

સદીઓના સંઘર્ષ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણે ગુલામી અને અત્યાચારના ઘાથી ભરેલા હતા. આપણી સામે તે સમયે પોતાના અસ્તિત્વને ફરીથી ઊભું કરવાનો પડકાર હતો. આપણે તે પડકારને સ્વિકારીને ઊભા થઈને લડ્યા હતા. ભારતની આ સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત સરદાર સાહેબના નેતૃત્વમાં ગુજરાતથી જ શરૂ થઈ હતી. સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ રાષ્ટ્રના પુનઃનિર્માણના સંકલ્પ તરીકે આપણી સામે આવ્યું હતું.

પાવાગઢ અને પંચમહાલ આજે સોમનાથની તે પરંપરાને આગળ ધપાવી રહ્યા છે અને તેનાથી ગુજરાતને સમગ્ર દેશમાં ઓળખ પ્રાપ્ત થઈ છે. આજે જે ધ્વજા ફરકાવવામાં આવી છે તે માત્ર મહાકાળીના મંદિરની જ ધ્વજા નથી, પણ ગુજરાતના અને દેશના સાંસ્કૃતિક ગૌરવની પણ ધ્વજા છે. પંચમહાલ અને ગુજરાતના લોકોએ સદીઓથી આ મંદિરની ભવ્યતા માટે પ્રયાસ કર્યા છે. હવે સોનાથી મઢેલા આ કળશની સાથે મંદિર સાથે જોડાયેલું સપનું પૂર્ણ થયું છે. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિધ્ધ થઈ છે. પંચમહાલ અને આ વિસ્તારમાં જૂની બાબતો તો મને યાદ છે, આજની પરંપરાનો મને એટલો ખ્યાલ નથી, પણ હું જે જૂની વાતો જાણું  છું તે મુજબ જ્યારે પણ કોઈના લગ્ન કે વિવાહ થાય ત્યારે આ મંદિરમાં આવીને ભક્તો લગ્નનું આમંત્રણ પત્ર હોય તે મહાકાળીના ચરણોમાં મૂકતા હતા. મને યાદ છે કે તે સમયે તો અહિંયા પૂજારી અને પંડિત લોકો રહેતા હતા. સાંજની આરતીના સમયે જેટલા પણ નિમંત્રણ આવ્યા હોય તે વાંચીને માને સંભળાવતા હતા, ભક્તિભાવથી સંભળાવતા હતા. સુરેન્દ્રકાકા જણાવી રહ્યા હતા કે આજે પણ આ પરંપરા ચાલી રહી છે. તે પછી જેમણે નિમંત્રણ મોકલ્યું હોય તેમને માતાના આશીર્વાદ સ્વરૂપે માતાના મંદિર તરફથી ભેટ પણ મોકલવામાં આવતી હતી. આ કેટલું મોટું સૌભાગ્ય છે. અને આ પરંપરા ઘણાં લાંબા સમયથી ચાલી આવી રહી છે, પરંતુ માતાએ આ વખતે આપણને સૌને આજે સૌથી મોટી ભેટ આપી છે. માતાના દરબારનો આ કાયાકલ્પ અને ધ્વજારોહણ હું સમજું છું કે  આપણાં સૌની ભક્તિ માટે, શક્તિના ઉપાસકો માટે આનાથી મોટી કઈ ભેટ હોઈ શકે. અને માતાના આશીર્વાદ વગર તે શક્ય બની શકતું નથી.

અહીંયા શ્રી કાલિકા મંદિર અંગેના જે કામ થયા છે તેમાં વધુ એક ખાસ બાબત છે. મહાકાળી મંદિરને એટલું ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે કે તેની સમગ્ર કામગીરીમાં ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ જેમનું તેમ જાળવી રાખવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞમાં ગુજરાત સરકાર, પવિત્ર તીર્થ યાત્રા બોર્ડ અને ટ્રસ્ટના લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું છે કે મંદિર પરિસરની પૂરી પરિક્રમા માટે, હમણાં જ સુરેન્દ્રભાઈ જણાવી રહ્યા હતા કે દૂધિયા તળાવ અને છાસિયા તળાવને જોડનારો એક પરિક્રમા પથ પણ તૈયાર કરવામાં આવશે. યજ્ઞ શાળા, ભોજન શાળા, પર્યટકો માટે ભક્તિ નિવાસ અને છાસિયા તળાવથી માતાજીના મંદિર સુધી લીફ્ટ જેવી સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે માંચી પાસે અતિથી ગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું પણ નિર્માણ કરવામાં આવશે. અગાઉ અહીં સુધી પહોંચવા માટે શ્રધ્ધાળુઓને ઘણાં કલાક લાગતા હતા. પગથિયાંથી ચડવું, યાત્રાનો થાક અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હતું. અગાઉ સીડીઓ પણ કેવી હતી, જે લોકો અગાઉ આવ્યા હશે તેમને ખ્યાલ હશે તેને સીડી કઈ રીતે કહેવામાં આવે તેવી હાલત હતી, પરંતુ આજે તે વ્યવસ્થા સારી બની છે. મંદિર સુધી પહોંચવા માટે સારા પત્થરથી સારી સીડીઓ બનાવવામાં આવી છે. સીડીઓની ઊંચાઈ પણ વધુ રાખવામાં આવી નથી. ગણતરીપૂર્વક યોગ્ય રાખવામાં આવી છે કે જેથી ચડનારને મુશ્કેલી પડે નહીં. અગાઉ મંદિર પરિસરમાં બે ડઝન લોકો એક સાથે પહોંચી શકતા ન હતા. આજે 100થી પણ વધુ લોકો એક સાથે આવી શકે છે અને પૂજા- અર્ચના પણ કરી શકે છે. ભીડનું દબાણ ઓછું થયું હોવાથી યાત્રિકો માટેની સુરક્ષામાં પણ વધારો થયો છે. અગાઉ મંદિર પરિસરના વિસ્તારમાં ભાગદોડ જેવી ઘટનાઓથી બચી શકાય તે માટે આપણે સતત જાગૃત રહેવું પડતું હતું. આ જગાએ હવે યાત્રિકોની સંખ્યા વધી જશે. આપણે તે બધા માટે વ્યવસ્થાની ચિંતા કરતાં રહેવું પડશે અને હું અત્યારથી જ તમામ કાલી ભક્તોને પ્રાર્થના કરૂં છું કે કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે તેમણે શિસ્તનું પાલન કરવું પડશે. અગાઉ ઘણી વખત અકસ્માતો થતા હતા. મોટી ચિંતા રહેતી હતી, પરંતુ માના આશીર્વાદથી ગાડી ફરી આગળ ધપતી હતી. હું આશા રાખું છું કે આપણે શિસ્તનું પણ પાલન કરીશું, કારણ કે મુશ્કેલ જગા છે, ઊંચુ સ્થળ છે, મુશ્કેલીઓની વચ્ચે કામ કરવાનું હોય છે તેથી આપણે શિસ્તનું જેટલું પણ પાલન કરીશું તેટલી યાત્રા પણ સારી રીતે થશે અને માતાના આશીર્વાદ પણ મળતા રહેશે. પહાડ ઉપર જે દૂધિયું તળાવ છે તેનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ તળાવની ચારે તરફ એક પરિક્રમા સર્ક્યુલર માર્ગ બનાવવામાં આવી રહ્યો છે તેનાથી લોકોને ઘણી સરળતા રહેશે.

મા મહાકાળીના ચરણોમાં આવીને આપણને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું મન થાય તે સ્વાભાવિક છે, પણ અગાઉ પાવાગઢની યાત્રા એટલી મુશ્કેલ હતી કે લોકો કહેતા હતા કે ઓછામાં ઓછું જીવનમાં એક વખત માતાના દર્શન થાય. આજે અહીંયા વધી રહેલી સુવિધાઓના કારણે મુશ્કેલ દર્શનને પણ સુલભ બનાવવામાં આવ્યા છે. માતાઓ, બહેનો, વૃધ્ધો, બાળકો, યુવાનો, દિવ્યાંગજન, દરેક વ્યક્તિ હવે અહીં સરળતાથી માના ચરણોમાં આવીને પોતાની ભક્તિનો, માતાના પ્રસાદનો સહજ લાભ મેળવી શકે છે.

હમણાં હું પોતે પણ અહીં પહોંચવા માટે ટેકનોલોજીના માધ્યમથી આવ્યો છું, રોપવેના માધ્યમથી આવ્યો છું. રોપવેના કારણે યાત્રા આસાન તો બની છે, પણ સાથે પાવાગઢની જે અદ્દભૂત ખૂબસુરતીનો રોપવેના કારણે આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં અનેક  તીર્થ અને પર્યટન સ્થળો આવા રોપવે સાથે જોડાયા છે. પાવાગઢ, સાપુતારા, અંબાજી અને ગિરનારમાં રોપવે હોવાના કારણે લોકોને ઘણી સગવડ મળી રહી છે.

પાવાગઢ, મા અંબા અને સોમનાથ, દ્વારકેશના આશીર્વાદથી જ ગુજરાત, ગરવી ગુજરાત બનીને રહ્યું છે. ગુજરાતના મહાન કવિ નર્મદે ગુજરાતના સાંસ્કૃતિક મહિમાનું વર્ણન કરતાં લખ્યું છે કે -

ઉત્તરમાં અંબા માતા, પૂર્વમાં કાળી માતા છે, દક્ષિણ દિશામાં કરતા રક્ષા કુંતેશ્વર મહાદેવ, અને સોમનાથમાં દ્વારકેશ છે, પશ્ચિમ કેરા દેવ, છે સહાય મા સાક્ષાત. જય જય ગરવી ગુજરાત.

(ઉત્તરમાં મા અંબામા, પૂર્વમાં કાળી મા, દક્ષિણ દિશામાં રક્ષા કરતા કુંતેશ્વર મહાદેવ, સોમનાથ અને દ્વારકેશ પશ્ચિમના દેવ છે, છે સહાય મા સાક્ષાત, જય જય ગરવી ગુજરાત).

આજે ગુજરાતની આ ઓળખ આસમાનને પણ આંબી રહી છે. કવિ નર્મદે ગરવી ગુજરાતની ઓળખ સ્વરૂપે જે જે સાંસ્કૃતિ કેન્દ્રોના નામ લીધા તે તમામ તીર્થ આજે એક નવી વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. આસ્થાની સાથે સાથે તીર્થો અને મંદિરોના વિકાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમામ તીર્થ ધામોમાં યાત્રિકોની સુવિધા માટે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના તીર્થોમાં હવે દિવ્યતા પણ છે, શાંતિ પણ છે, સમાધાન પણ છે, સંતોષ પણ છે અને તેનાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે છે.

જો માતાજીના મંદિરોની વાત કરીએ તો, શક્તિના સામર્થ્યની વાત કરીએ તો આપણે ગુજરાતના લોકો એટલા નસીબદાર છીએ કે મા શક્તિની પૂજા કરનારા ભક્તો માટે ગુજરાતમાં તો એક પૂર્ણ શક્તિ ચક્ર છે. એક શક્તિ રક્ષાચક્ર છે. ગુજરાતના રક્ષા કવચ સ્વરૂપે તે કામ કરી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં શક્તિ સ્વરૂપે માતાઓ ગુજરાતને નિરંતર આશીર્વાદ આપતી રહી છે અને ગુજરાતની રક્ષા કરતી રહી છે. બનાસકાંઠામાં મા અંબાજી છે, પાવાગઢમાં મા કાળી છે, ચોટીલામાં મા ચામુંડા, ઊંઝામાં ઉમિયા માતા, કચ્છમાં માતાના મઢમાં મા આશાપુરી છે. નવસારી પાસે ઉનાઈ માતા છે. ડેડીયાપાડાની પાસે દેવમોગરા માતાજી છે. ભાવનગર પાસે માટેલમાં ખોડીયાર માતા છે. મહેસાણામાં મા બહુચર માતા છે. ત્યાં આપણું ખોડલધામ, ત્યાં ઉમિયાધામ, ગિરનાર ઉપર મા અંબા જેવી અનેક માતાઓ ખૂણે ખૂણે છે અને આપણને નિરંતર આશીર્વાદ મળતા રહે છે તેથી આપણે કહી શકીએ કે આપણી ઉપર શક્તિના આશીર્વાદ છે. અંબાજીમાં ગબ્બર ફૂટહિલ્સ, હમણાં આપણાં ભૂપેન્દ્રભાઈ વર્ણન કરી રહ્યા હતા કે ત્યાં થ્રીડી વીડિયો પ્રોજેક્શન મેપીંગ શોની શરૂઆત કરવામાં આવી છે. સાથે સાથે મહા આરતી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રની પ્રસાદ યોજના હેઠળ ગબ્બર તીર્થનો પુનરોધ્ધાર કરવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિર પરિસરની વિકાસ યોજનાનું પણ કામ ચાલી રહ્યું છે. કોટેશ્વર મહાદેવ મંદિર, રિંછડીના મહાદેવ મંદિર જેવા પવિત્ર સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.

હમણાં થોડાંક સમય પહેલાં જ મને સોમનાથ મંદિરમાં પણ અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરવાની તક પ્રાપ્ત થઈ હતી. દ્વારકામાં વિવિધ ઘાટ, યાત્રી સુવિધાઓ અને મંદિરોના સૌંદર્યીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે. પંચમહાલના લોકોને મારો આગ્રહ છે કે બહારથી જે કોઈપણ શ્રધ્ધાળુ અહીંયા દર્શન કરવા માટે આવે તેમને તમે પોતાના રાજ્યના આ તમામ સ્થળોએ જવાનું જરૂરથી જણાવશો. માધવપુરમાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને મા રૂકમણિના વિવાહ થયા હતા ત્યાં રૂકમણિ મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે રીતે ભૂપેન્દ્રભાઈએ મને જણાવ્યું તે મુજબ હમણાં એપ્રિલ મહિનામાં જ આપણાં રાષ્ટ્રપતિજી માધવપુરના ઘેડના મેળાનું ઉદ્દઘાટન કરવા માટે જાતે જ અહીંયા આવ્યા હતા. તીર્થોનો આ વિકાસ માત્ર આસ્થાના વિકાસ પૂરતો જ સિમીત નથી, પણ આપણાં તીર્થો સમાજની ગતિશીલતા અને રાષ્ટ્રની એકતાના પણ ખૂબ મહત્વના જીવન પ્રતિક છે. આ તીર્થો અને મંદિરોમાં આવનારા શ્રધ્ધાળુઓ પોતાની સાથે અનેક નવી તક લઈને આવે છે અને તેનાથી આ વિસ્તારમાં પર્યટન પ્રવૃત્તિમાં વધારો થવાની સાથે સાથે રોજગારમાં પણ વધારો થાય છે. માળખાગત સુવિધાઓનો પણ વિકાસ થાય છે. આપણાં તીર્થ યાત્રીઓને સ્થાનિક સંસ્કૃતિથી પરિચીત તો કરવામાં આવે જ છે, પણ સાથે સાથે કલા, કૌશલ્ય તથા શિલ્પનો પ્રચાર અને પ્રસાર થાય છે અને આ બાબતના આપણે સૌ સાક્ષી છીએ. આપણું કેવડીયા, ત્યાંનું એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તે પછી ત્યાં પ્રવાસીઓની સંખ્યામાં જે વધારો થયો છે તેના કારણે આજે તે દુનિયાના મહત્વના પર્યટન ક્ષેત્રોમાંના એક સ્થાન તરીકે જાણીતું બન્યું છે અને દુનિયામાં તેણે પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રીતે સુવિધાઓમાં વધારો થયા પછી કાશી વિશ્વનાથ ધામ અને ચાર ધામ યાત્રામાં પણ શ્રધ્ધાળુઓની સંખ્યા રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ વખતે તો કેદારનાથમાં હજુ થોડાંક જ અઠવાડિયા થયા છે, પણ ત્યાં તમામ રેકોર્ડ તૂટી જાય તેટલા પ્રવાસીઓ પહોંચ્યા છે.

પાવાગઢના વિકાસથી મંદિરમાં આવનારા શ્રધ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે અને તેનો લાભ વડોદરા હોય, પંચમહાલ હોય, પૂરો આદિવાસી પટ્ટો હોય, આપણાં આદિવાસી ભાઈ- બહેનોના જીવનમાં ખૂબ મોટી તાકાત ભરી દે છે. જે શ્રધ્ધાળુઓ મંદિરમાં આવશે તે અહીંના વારસા અંગે પણ જાણકારી મેળવશે અને વિરાસત વનમાં પણ જશે. વિરાસત વન પ્રકૃતિ, પર્યાવરણ, પરંપરા અને આયુર્વેદ જેવા વિષયો અંગે દેશ માટે એક મોટા આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બની શકે તેમ છે. આવી જ રીતે આર્કિયોલોજીકલ પાર્ક અને પાવાગઢના કિલ્લા જેવા આકર્ષણો પણ વધવાના છે. વિકાસનું આ કાર્ય પંચમહાલને દેશના મહત્વના પર્યટન સ્થળ તરીકે ઉભરી આવવામાં મદદ કરશે.

પાવાગઢમાં આધ્યાત્મ પણ છે, ઈતિહાસ પણ છે. પ્રકૃતિ પણ છે, કલા અને સંસ્કૃતિ પણ છે. અહીંયા એક તરફ મા મહાકાળીની શક્તિપીઠ છે, તો બીજી તરફ જૈન મંદિરની ધરોહર પણ છે,  એટલે કે એક રીતે કહીએ તો પાવાગઢ ભારતની ઐતિહાસિક વિવિધતાની સાથે સર્વ ધર્મ સમભાવનું કેન્દ્ર બન્યું છે. યુનેસ્કોએ ચાંપાનેરના પુરાતન સ્થળને વિશ્વ ધરોહર વર્લ્ડ હેરિટેજની સ્થળ તરીકેનો દરજ્જો આપ્યો છે, જે અહીંયા વધતા જતા પર્યટન અને અહીંની ઓળખને પણ વધુ મજબૂત બનાવશે.

પંચમહાલમાં પર્યટનની સંભાવનાઓની સાથે સાથે અહીંના યુવાનો માટે મોટી સંખ્યામાં નવી તકો ઊભી થવાની છે. આપણાં આદિવાસી ભાઈ- બહેનો માટે ખાસ કરીને રોજગાર માટેની નવી તકો ઊભી થવાની છે. આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ તથા પરંપરાગત કૌશલ્યને પણ એક નવી ઓળખ પ્રાપ્ત થવાની છે. આપણું પંચમહાલ કે જે બૈજુ બાવરા જેવા મહાન ગાયકોની ધરતી બની રહ્યું છે તે પ્રતિભા આજે પણ અહીંની માટીમાં છે. જ્યાં વિરાસત, વન અને સંસ્કૃતિ મજબૂત હોય છે ત્યાં કલા અને પ્રતિભા પણ પલ્લવિત થતી હોય છે. આપણે આ પ્રતિભાને પણ ઉભારવાની છે તથા નવી ઓળખ આપવાની છે.

ચાંપાનેર એ એ સ્થળ છે કે જ્યાં વર્ષ 2006માં ગુજરાતનું ગૌરવ વધારે તેવી જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. હું જ્યારે ગુજરાતનો મુખ્ય મંત્રી બન્યો ત્યારે લોકો મને કહેતા હતા કે સાહેબ, ઓછામાં ઓછું સાંજે ભોજન કરતી વખતે તો વીજળી મળે તેવી વ્યવસ્થા કરો. અહીંયા મહાકાળીના ચરણોમાં બેસીને અમે જ્યોતિગ્રામ યોજના મારફતે ગુજરાતમાં અને દેશમાં પ્રથમ વખત ઘરોમાં ચોવીસે કલાક વીજળી પહોંચાડવાની સફળતા પ્રાપ્ત કરી હતી ત્યારે તે સમયના આપણાં રાષ્ટ્રપતિ શ્રી એ. પી. જે. અબ્દુલકલામ એ કાર્યક્રમમાં આવ્યા હતા અને તેમના કર-કમળો દ્વારા આપણે તેનો પ્રારંભ કર્યો હતો. જ્યોતિગ્રામ યોજનાએ ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય જોડ્યો છે અને તે યોજનાના કારણે ગુજરાતના લોકોને ચોવીસે કલાક વીજળી મળતી શરૂ થઈ હતી.

પાવાગઢનું નામ છે કે જે એક પ્રકારે હવાનો ગઢ છે અને અહીંયા વાયુદેવની પણ વિશેષ કૃપા રહેતી હોય છે. મને વિશ્વાસ છે કે આપણાં સાંસ્કૃતિ પુનરોત્થાન અને વિકાસની જે હવા તથા તેની સુગંધ પાવાગઢમાં વહી રહી છે તે ગુજરાત અને સમગ્રદેશમાં પહોંચશે તેવા ભાવ સાથે હું મા મહાકાળીના ચરણોમાં ફરી એક વખત નમન કરૂં છું અને આપ સૌને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે જ્યારે માતા કાળીના ચરણોમાં હું આવ્યો છું ત્યારે ગુજરાતનું વિશાળ ફલક અને અન્ય રાજ્યોમાંથી પણ માતા કાળીના ભક્તોની અગણિત સંખ્યા, ખૂબ શ્રધ્ધા સાથે અહીંયા આવે છે તે ભક્તોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે તેમણે જે સપનાં જોયા હશે, તેમના પૂર્વજોએ જે સપનાં જોયા હશે, તેમના પૂર્વજો જે આશા સાથે અહીંયા આવતા હતા અને નિરાશ થઈને પરત ફરતા હતા, આજે તેમના સંતાન તેમના પૂર્વજોને પણ કહી શકશે કે તમે ભલે કષ્ટ સહન કર્યા હોય, પરંતુ આજે હવે યુગ બદલાઈ ગયો છે. આજે કાળી માતા સંપૂર્ણ ગૌરવ સાથે આપણને આશીર્વાદ આપી રહ્યાં છે તેવી ભાવના સાથે હું ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમગ્ર ટ્રસ્ટી મંડળને, ગુજરાત સરકારને, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામોને દિલથી બિરદાવું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1835213) Visitor Counter : 390