પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂણેના દેહુ ખાતે જગદગુરુ શ્રીસંત તુકારામ મહારાજ શિલા મંદિરનું ઉદ્ઘાટન કર્યું


“ભારત દુનિયાની સૌથી જૂની જીવંત સંસ્કૃતિઓમાંની એક હોવાનો શ્રેય ભારતની સંત પરંપરા અને ઋષિઓને જાય છે”

“આપણે જ્યારે આપણા સાંસ્કૃતિક મૂલ્યો સાથે સુમેળમાં આગળ વધીએ છીએ ત્યારે સંત તુકારામના અભંગ આપણને ઊર્જા પ્રદાન કરે છે”

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની ભાવના આપણી મહાન સંત પરંપરા પરથી પ્રેરિત છે”

“દલિત, વંચિત, પછાત, આદિવાસી, કામદારોના કલ્યાણને આજે દેશની પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે”

“આજે જ્યારે આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના વિકાસના પર્યાય બની રહ્યા છે, ત્યારે અમે વિકાસ અને વારસો બંને એકસાથે આગળ વધે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ”

Posted On: 14 JUN 2022 3:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂણેના દેહુ ખાતે જગદગુરુ શ્રીસંત તુકારામ મહારાજ શિલા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ ખુશીની ભાવના વ્યક્ત કરી હતી કે, તેઓ આજે દેહુની પવિત્ર ભૂમિમાં ઉપસ્થિત રહી શક્યા છે. પ્રધાનમંત્રીએ આપણા શાસ્ત્રોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સંતોનો સત્સંગ મળવો એતો માણસના જન્મનો દુર્લભ લ્હાવો છે. સંતોની કૃપા અનુભવાય તો આપોઆપ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, આજે દેહુની આ પવિત્ર તીર્થભૂમિ પર આવીને હું પણ એવી જ ધન્યતા અનુભવી રહ્યો છું. તેમણે ઉમેર્યું હતું કે, દેહુનું શિલા મંદિર માત્ર ભક્તિની શક્તિનું કેન્દ્ર નથી પરંતુ આ મંદિર ભારતના સાંસ્કૃતિક ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે. આ પવિત્ર સ્થળના ફરી નિર્માણ માટે હું મંદિર ટ્રસ્ટ તેમજ તમામ ભક્તોનો આભાર વ્યક્ત કરું છું.

તેમણે થોડા મહિના પહેલાં પાલીકી માર્ગમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ચાર-માર્ગીકરણની પરિયોજનાનો શિલાન્યાસ કરવાનો વિશેષ અધિકાર પ્રાપ્ત થયો તે પ્રસંગ પણ યાદ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું કામ પાંચ તબક્કામાં અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું કામ ત્રણ તબક્કામાં પૂરું થશે. આ તબક્કામાં કુલ 11000 કરોડ રૂપિયા કરતાં વધુના ખર્ચે 350 કિલોમીટરથી વધુ લાંબા ધોરીમાર્ગનું નિર્માણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતને દુનિયાની સૌથી જૂની જીવંત સંસ્કૃતિઓમાંની એક હોવાનું જે ગૌરવ પ્રાપ્ત થયું છે. તેમણે કહ્યું હતું કે, જો આ ગૌરવનો શ્રેય કોઇને જતો હોય તો તે આપણા ભારતની સંત પરંપરા અને ઋષિઓને શ્રેય મળે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ભૂમિ છે. દરેક યુગમાં આપણા દેશ અને સમાજને દિશા આપવા માટે કોઇને કોઇ મહાન આત્માએ આ ભૂમિ પર અવતાર લીધો છે. આજે આ દેશ સંત કબીરદાસની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. તેમણે શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ, સંત નિવૃત્તિનાથ, સંત સોપાનદેવ અને આદિ-શક્તિ મુક્તા બાઇજી જેવા સંતોની ચાવીરૂપ જયંતિઓની પણ નોંધ લીધી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંત તુકારામજીના કરુણાભાવ, દયાભાવ અને સેવાભાવ આજે પણ આપણી સાથે તેમના અભંગમાં છે. આ અભંગથી અનેક પેઢીઓને પ્રેરણા મળી છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સમય સાથે શાશ્વત અને સુસંગત રહે છે તે અભંગ છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે પણ જ્યારે દેશ તેના સાંસ્કૃતિક મૂલ્યો સાથે સુમેળમાં આગળ વધી રહ્યો છે, ત્યારે સંત તુકારામના અભંગો આપણને ઊર્જા આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ અભંગોપરંપરાના પ્રતિષ્ઠિત સંતોની ભવ્ય પરંપરાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ માણસો વચ્ચેના ભેદભાવ સામે બોધ આપતા ઉપદેશો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ઉપદેશો જેટલા આધ્યાત્મિક ભક્તિ માટે છે એટલા જ તે દેશ અને સમાજની ભક્તિ માટે પણ છે. તેમણે કહ્યું હતું કે, આ સંદેશ વારકરી ભક્તોની વાર્ષિક પંઢરપુર યાત્રાને રેખાંકિત કરે છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની ભાવના આવી મહાન પરંપરાઓથી જ પ્રેરિત છે. તેમણે ખાસ કરીને લૈંગિક સમાનતાની ભાવના અને વારકરી પરંપરામાં અંત્યોદય ભાવનાની પ્રેરણા તરીકે નોંધી હતી. પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે દલિત, વંચિત, પછાત, આદિવાસીઓ, કામદારોનું કલ્યાણ એ દેશની પ્રથમ પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્રીય નાયકોના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તુકારામ જેવા સંતોને શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જુનો પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે વીર સાવરકરને આઝાદીની લડાઇમાં સજા કરવામાં આવી ત્યારે, તેઓ જેલમાં ચીપલી જેવી હાથકડી વગાડીને તુકારામજીના અભંગો ગાતા હતા. તેમણે કહ્યું હતું કે, સંત તુકારામે જુદા જુદા સમયે દેશમાં ભાવના અને ઊર્જાનો સંચાર કર્યો છે. તેમણે એવો પણ નિર્દેશ કર્યો કે, પંઢરપુર, જગન્નાથ, મથુરામાં વ્રજ પરિક્રમા અથવા કાશી પંચકોસી પરિક્રમા, ચારધામ કે અમરનાથ યાત્રા જેવી યાત્રાઓઆપણા રાષ્ટ્રની વિવિધતાને એક કરે છે અને એક ભારત શ્રેષ્ઠ, ભારતની ભાવનાનું નિર્માણ કરે છે.

પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે આપણી પ્રાચીન ઓળખ અને પરંપરાઓને જીવંત રાખવાની જવાબદારી આપણી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે જ્યારે આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર  ભારતના વિકાસના પર્યાય બની રહ્યા છે, ત્યારે અમે વિકાસ અને વારસો બંને એકસાથે આગળ વધે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. તેમણે પાલકી યાત્રાના આધુનિકીકરણ, ચારધામ યાત્રા માટે નવા ધોરી માર્ગોનું નિર્માણ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ ધામનો જીર્ણોદ્ધાર અને સોમનાથમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યના ઉદાહરણો આપ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રસાદ યોજના હેઠળ તીર્થસ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રામાયણ સર્કિટ અને બાબાસાહેબના પંચ તીર્થનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો દરેક વ્યક્તિ દ્વારા સાચી દિશામાં પ્રયાસ કરવામાં આવે તો સૌથી જટીલ સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે આઝાદીના 75મા વર્ષમાં દેશ કલ્યાણકારી યોજનાઓની સંતૃપ્તિ દ્વારા 100 ટકા સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો છે. આ યોજનાઓ દ્વારા ગરીબો પ્રાથમિક જરૂરિયાતો સાથે જોડાઇ રહ્યા છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં સૌને સહભાગી થવાનું આહ્વાન કર્યું હતું અને જીવનના દરેક ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. તેમણે સૌને આ રાષ્ટ્રીય સંકલ્પોને તેમની આધ્યાત્મિક પ્રતિજ્ઞાનો ભાગ બનાવવા પણ કહ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતી અને યોગને લોકપ્રિય બનાવવા અને યોગ દિવસની ઉજવણી માટે તમામ ઉપસ્થિતોને ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.

સંત તુકારામ એક વારકરી સંત અને કવિ હતા. તેઓ કિર્તન તરીકે ઓળખાતા આધ્યાત્મિક ગીતો દ્વારા અભંગ ભક્તિ કવિતા અને સમુદાય લક્ષી પૂજા માટે ખાસ ઓળખાતા હતા. તેઓ દેહુમાં રહેતા હતા. તેમના નિધન બાદ શિલા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ઔપચારિક રીતે તેનું નિર્માણ મંદિર તરીકે કરવામાં આવ્યું નહોતું. હવે અહીં પથ્થરોથી ચણતર કરીને 36 શિખરોવાળું મંદિર બાંધવામાં આવ્યું છે અને તેમાં સંત તુકારામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

SD/GP/JD



(Release ID: 1833991) Visitor Counter : 189