મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે સહકારી મંડળીઓને ખરીદદાર તરીકે ખરીદી કરવાની મંજૂરી આપવા માટે સરકારી ઇ-માર્કેટ પ્લેસ - સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (GeM - SPV) ના આદેશનું વિસ્તરણ કરવાની મંજૂરી આપી


આ પગલાંથી સહકારી સંસ્થાઓને સ્પર્ધાત્મક ભાવો મેળવવામાં મદદ મળશે

Posted On: 01 JUN 2022 4:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સહકારી મંડળીઓને GeM પર  ખરીદદાર તરીકે ખરીદી કરવાની મંજૂરી આપવા માટે GeMના આદેશનું વિસ્તરણ કરવાની મંજૂરી આપી છે.

સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM)ની શરૂઆત 9 ઑગસ્ટ 2016ના રોજ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી જેથી સરકારી ખરીદદારો માટે ખુલ્લુ અને પારદર્શક ખરીદીનું પ્લેટફોર્મ તૈયાર કરી શકાય. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 12 એપ્રિલ 2017ના રોજ મંજૂરી આપવામાં આવી તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 17 મે 2017ના રોજ રાષ્ટ્રીય સાર્વજનિક ખરીદી પોર્ટલ તરીકે ઇ-માર્કેટપ્લેસ (GeM SPV) નામથી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) સેટઅપ કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં, આ પ્લેટફોર્મ તમામ સરકારી ખરીદદારો દ્વારા ખરીદી માટે ખુલ્લુ છે: કેન્દ્ર અને રાજ્યના મંત્રાલયો, વિભાગો, જાહેર ક્ષેત્રના સાહસો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ, વગેરે દ્વારા અહીંથી ખરીદી થઇ શકે છે. હાલના આદેશ મુજબ, GeM ખાનગી ક્ષેત્રના ખરીદદારો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ નથી. પુરવઠાકારો (વિક્રેતા) સરકારી અથવા ખાનગી એમ તમામ વિભાગોમાંથી હોઇ શકે છે.

લાભાર્થીઓની સંખ્યા:

આ પહેલ સાથે 8.54 લાખ કરતાં વધુ નોંધાયેલી સહકારી સંસ્થાઓ અને તેમના 27 કરોડ સભ્યોને ફાયદો થશે. GeM પોર્ટલ દેશભરના તમામ ખરીદદારો અને વેચાણકર્તાઓ માટે ખુલ્લું છે.

વિગતો:

1. સામાન્ય ઉપયોગની વસ્તુઓ અને સેવાઓની ઑનલાઇન ખરીદીની સુવિધા પૂરી પાડવા માટે GeMને પહેલાંથી જ વન સ્ટોપ પોર્ટલ તરીકે પૂરતા પ્રમાણમાં તૈયાર કરવામાં આવ્યું છે. તે પારદર્શક, કાર્યક્ષમ છે, વ્યાપક સ્તરની અર્થવ્યવસ્થા ધરાવે છે અને ખરીદીમાં પણ તે ઝડપી છે. સહકારી મંડળીઓને હવે GeM પાસેથી વસ્તુઓ અને સેવાઓ મેળવવાની મંજૂરી આપવામાં આવશે.

2. સહકારી મંડળીઓને GeM પર ખરીદદાર તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવાથી સહકારી મંડળીઓને ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા સ્પર્ધાત્મક ભાવો મેળવવામાં મદદ મળશે.

3. GeM પર ઓનબોર્ડ કરવામાં આવનારી સહકારી સંસ્થાઓની માન્ય સૂચિ - પ્રારંભિક તેમજ અનુગામી વ્યાપકતા વધારવા માટે - GeM SPV સાથે પરામર્શ કરીને સહકારિતા મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવશે. આનાથી GeM પર ખરીદદારો તરીકે સહકારી મંડળીઓનું ઓનબોર્ડિંગ કરવાની ગતિ નક્કી કરતી વખતે GeM સિસ્ટમની ટેકનિકલ ક્ષમતા અને લોજિસ્ટિક્સ જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે તે સુનિશ્ચિત થઇ શકશે.

4. GeM દ્વારા સહકારી સંસ્થાઓ માટે સમર્પિત ઓનબોર્ડિંગની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે, હાલમાં પોર્ટલ પર રહેલા વધારાના વપરાશકર્તાઓને સહકાર આપવા માટે ટેકનિકલ માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમજ ઉપલબ્ધ સંપર્ક કેન્દ્રો, ક્ષેત્ર પરની તાલીમ અને અન્ય સહાયક સેવાઓ દ્વારા ઓનબોર્ડિંગ અને ટ્રાન્ઝેક્શનની સફર માટે સહકારી સંસ્થાઓને સહાય પૂરી પાડવામાં આવશે.

5. સહકારિતા મંત્રાલય દ્વારા સહકારી મંડળીઓને GeM પ્લેટફોર્મ પર વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી જરૂરી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવશે જેથી વધારવામાં આવેલી પારદર્શિતા, કાર્યદક્ષતા અને સ્પર્ધાત્મક ભાવોથી તેમને લાભ પ્રાપ્ત થઇ શકે.

6. GeM દ્વારા GeM પર વ્યાપક વિક્રેતા સમુદાયના હિતોનું રક્ષણ કરવા માટે તેમજ સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે, સહકારિતા મંત્રાલય સાથે પરામર્શ કરીને ચુકવણી પ્રણાલીઓની પદ્ધતિ નક્કી કરવામાં આવશે.

અમલીકરણની વ્યૂહનીતિ અન લક્ષ્યો:

GeM દ્વારા અન્ય બાબતોની સાથે સાથે GeM પોર્ટલ પર જરૂરી સુવિધાઓ અને કાર્યક્ષમતાઓનું સર્જન, માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન, હેલ્પડેસ્ક અને તાલીમ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી તેમજ સહકારી સંસ્થાઓના ઓનબોર્ડિંગ સહિત યોગ્ય પગલાંઓ શરૂ કરવામાં આવશે. સહકારિતા મંત્રાલય દ્વારા અમલીકણની એકંદર ગતિ અને વ્યવસ્થાતંત્ર નક્કી કરવામાં આવશે. સહકારિતા મંત્રાલય અને GeM (વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય) વચ્ચે સીમાચિહ્નો અને લક્ષિત તારીખોને પારસ્પરિક રીતે સંરેખિત કરવામાં આવશે.

રોજગારીના સર્જનની સંભાવના સહિત અસરો:

સહકારિતા મંત્રાલય ઇચ્છે છે કે, સહકારી મંડળીઓને GeM પરથી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવા માટે મંજૂરી આપવામાં આવે કારણ કે આ પોર્ટલને પહેલાંથી જ સામાન્ય ઉપયોગની વસ્તુઓ અને સેવાઓની ઑનલાઇન ખરીદી કરવાની સુવિધા પ્રદાન કરવા માટે વન સ્ટોપ પોર્ટલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તે પારદર્શક, કાર્યક્ષમ છે, વ્યાપક સ્તરની અર્થવ્યવસ્થા ધરાવે છે અને ખરીદીમાં ઝડપી છે. ઉપરોક્ત સંદર્ભને ધ્યાનમાં રાખીને, સહકારી મંડળીઓને તેમના દ્વારા જરૂરી વસ્તુઓ અને સેવાઓના ખરીદદારો તરીકે GeM પર નોંધણી કરાવવાની મંજૂરી આપવાથી સહકારી સંસ્થાઓને ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા સ્પર્ધાત્મક કિંમતો મેળવવામાં મદદ મળશે. આ ઉપરાંત, મંડળીઓના 27 કરોડ કરતાં વધારે સભ્યો હોવાથી, GeM દ્વારા ખરીદી કરવાથી સામાન્ય માણસને માત્ર આર્થિક રીતે ફાયદો થવાની સાથે સાથે, સહકારી સંસ્થાઓની વિશ્વસનીયતામાં પણ તેના કારણે વધારો થશે.

GeM દ્વારા કામગીરીની જરૂરિયાતો, ટેકનિકલ માળખાકીય સુવિધાઓનું સંચાલન અને તેમાં સામેલ બહુવિધ હિતધારકો સાથે કામ કરવા સહિત અદ્યતન ખરીદીનું પોર્ટલ ચલાવવાની ઊંડી સમજ પણ કેળવવામાં આવી છે. દેશમાં ખરીદીની ઇકોસિસ્ટમનું સર્જન કરવા માટે પ્રાપ્ત થયેલા સમૃદ્ધ અનુભવનો ઉપયોગ સહકારી સંસ્થાઓ માટે પણ પ્રાપ્તિની પ્રક્રિયાઓમાં કાર્યક્ષમતા અને પારદર્શિતા પેદા કરવા માટે નોંધપાત્ર રીતે થઇ શકે તેવું લાગી રહ્યું છે. આનાથી સહકારી મંડળીઓ માટે “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ”માં વધારો થવાની પણ અપેક્ષા છે અને સાથે GeM નોંધાયેલા વિક્રેતાઓને પણ મોટો ખરીદદાર આધાર પૂરો પાડી શકાશે.

સામેલ ખર્ચા:

GeM SPV દ્વારા પ્રસ્તાવિત વિસ્તૃત આદેશને સહકાર આપવા માટે હાલના પ્લેટફોર્મ અને સંગઠનનો લાભ લેવાનું ચાલુ રાખવામાં આવશે તો સાથે જ, તેને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધારાની તાલીમ તેમજ સહાયક સંસાધનો માટે કેટલાક રોકાણની પણ જરૂર પડ શકે છે. આ વધારાના ખર્ચાને આવરી લેવા માટે, GeM દ્વારા સહકારી મંડળીઓ પાસેથી યોગ્ય ટ્રાન્ઝેક્શન ફી વસૂલ કરવામાં આવી શકે છે, જેનો નિર્ણય સહકારિતા મંત્રાલય સાથે પારસ્પરિક રીતે પરામર્શ કરીને લેવામાં આવશે. આવા ચાર્જ GeM દ્વારા અન્ય સરકારી ખરીદદારો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ કરતા વધારે નહીં હોય. GeM માટે કામગીરીની સ્વ-સ્થાયીતા સુનિશ્ચિત કરવા માટે તેનું આયોજન કરવામાં આવશે અને આથી સરકાર પર કોઇ મોટી આર્થિક અસર પડે તેવી અપેક્ષા નથી.   

પૃષ્ઠભૂમિ:

GeM SPV એ તેની શરૂઆતથી આજદિન સુધીમાં નોંધનીય સફળતા પ્રાપ્ત કરી છે. તેના સકલ વ્યાપારી મૂલ્ય (GMV)માં નાણાકીય વર્ષ 2018-19થી નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન CAGRના 84.5% કરતાં વધારે દર સાથે વૃદ્ધિ થઇ છે. પોર્ટલ દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં GMVમાં 178% ની વૃદ્ધિ ડિલિવર કરવામાં આવી છે અને માત્ર નાણાકીય વર્ષ 2021-22માં જ INR 1 લાખ કરોડનો આંકડો ઓળંગી ગયું છે જે નાણાકીય વર્ષ 2020-21 સુધીના કુલ GMV કરતાં વધારે છે.

નાણાકીય વર્ષ

વાર્ષિક GMV (INR)

અગાઉના વર્ષ સામે વૃદ્ધિ

FY 2018-19

16,972 કરોડ

 

FY 2019-20

22,580 કરોડ

33%

FY 2020-21

38,280 કરોડ

70%

FY 2021-22

106760 કરોડ

178%

GeMના દરેક આધારસ્તંભ એટલે કે, સમાવેશીતા, પારદર્શિતા અને કાર્યદક્ષતાએ નોંધનીય પ્રગતિ કરી છે. તેના એકંદરે કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં MSMEsનું યોગદાન લગભગ 58% છે. વિશ્વ બેંક અને રાષ્ટ્રીય આર્થિક સર્વેક્ષણ 2021 સહિત વિવિધ સ્વતંત્ર અભ્યાસોએ GeMની વધુ સહભાગિતા અને ઓછા ખર્ચાળ વિકલ્પો પ્રદાન કરવાની ક્ષમતાને કારણે તેનાથી નોંધપાત્ર બચત થવાનો સંકેત આપ્યો છે.

ભારતમાં સહકારિતા અભિયાન નોંધનીય પ્રમાણમાં વધી રહ્યું છે અને ભારતમાં વંચિત વર્ગોની વિકાસલક્ષી જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે જેમાં ખાસ કરીને કૃષિ, બેન્કિંગ અને આવાસ ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરવામાં તેમની ભૂમિકા નોંધનીય છે. હાલમાં કુલ 8.54 લાખ નોંધાયેલી સહકારી મંડળીઓ છે. આ સહકારી મંડળીઓ સામૂહિક રીતે મોટા જથ્થામાં ખરીદી અને વેચાણ કરે છે. હાલમાં, GeMના વર્તમાન આદેશમાં “ખરીદદાર” તરીકે સહકારી સંસ્થાઓની નોંધણી આવરી લેવામાં આવી નથી.

SD/GP/JP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1830130) Visitor Counter : 259