પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિમલામાં ‘ગરીબ કલ્યાણ સંમેલન’માં સંબોધન આપ્યું


“મારી પાસે આ 130 કરોડ ભારતીયોનો પરિવાર જ છે, આપ સૌ લોકો મારાં જીવનનું સર્વસ્વ છો અને આ જીવન પણ આપ સૌના માટે જ છે”

“હું એ સંકલ્પનું પુનરાવર્તન કરું છું કે સૌના કલ્યાણ માટે, પ્રત્યેક ભારતીયના સન્માન માટે, દરેક ભારતીયની સુરક્ષા માટે અને દરેક ભારતીયની સમૃદ્ધિ માટે તેમજ દરેક માટે સુખ-શાંતિપૂર્ણ જીવન માટે મારાથી જે પણ થઇ શકે તે હું કરીશ.”

“સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણે લોકોના માનસમાં સરકારનો અર્થ બદલી નાખ્યો છે”

“સરકાર એવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે જેને અગાઉ કાયમી સમસ્યાઓ માની લેવામાં આવી હતી”

“અમારી સરકારે પહેલા દિવસથી જ ગરીબોના સશક્તીકરણનું કામ શરૂ કર્યું છે”

“અમે મત બેંક માટે નહીં પરંતુ નવા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ”

“100% સશક્તીકરણ મતલબ ભેદભાવ અને તુષ્ટિકરણનો અંત. 100% સશક્તીકરણ મતલબ કે દરેક ગરીબને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય”

“નવા ભારતની ક્ષમતા સામે કોઇ જ લક્ષ્ય અશક્ય નથી”

Posted On: 31 MAY 2022 1:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ દેશની સત્તા સંભાળવા માટે આરૂઢ સરકારના આઠ વર્ષ પૂરા થવાના અવસરે આ નવતર જાહેર કાર્યક્રમ આખા દેશના રાજ્યના પાટનગરો, જિલ્લા હેડક્વાર્ટર્સ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે યોજવામાં આવી રહ્યો છે. આ સંમેલન દ્વારા દેશભરમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જનતા સાથે સીધો વાર્તાલાપ કરે છે જેથી સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો વિશે પ્રતિભાવ મેળવી શકાય.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના લાભાર્થીઓને 11મા હપતાની આર્થિક સહાય પણ રીલિઝ કરી હતી. આ હપતામાં 10 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને અંદાજે રૂપિયા 21,000 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાંથી લાભાર્થીઓ (PM-કિસાન યોજનાના) સાથે સંવાદ પણ કર્યો હતો. શિમલામાં યોજાયેલા આ કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર અર્લેકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જય રામ ઠાકુર અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

લદાખના એક લાભાર્થી શ્રી તાશી તુંડુપ સાથે સંવાદ કરતા પ્રધાનમંત્રીએ લદાખમાં પર્યટકોના આગમન અને સરકારી યોજનાઓ અંગેના તેમના અનુભવ વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ સૈન્યના જવાન તરીકે તેમની સેવાઓની પ્રશંસા કરી હતી. શ્રી તાશી તુંડુપે જણાવ્યું હતું કે, તેમને PMAY, શૌચાલય, ગેસ કનેક્શન અને ખેતી સંબંધિત લાભો જેવી યોજનાઓના લાભો મેળવવામાં કોઇ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

PMAY, ઉજ્જવલા, સ્વચ્છ ભારત અને જળ જીવન મિશન જેવી યોજનાના બિહારના લાભાર્થી શ્રીમતી લલિતા દેવીજીએ પોતાનો અનુભવ જણાવ્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને એ બાબતે માહિતગાર કર્યા હતા કે, આ યોજનાઓના કારણે તેમના જીવનમાં કેટલી સરળતા આવી અને તેમને કેટલું સન્માનપૂર્ણ જીવન મળ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઘરની સાથે સાથે બાળકોનાં ભણતર અને લગ્ન જેવી ઘણી બધી બાબતોની જવાબદારીઓ તેમના જીવનમાં આવશે. 

પશ્ચિમ ત્રિપુરાના શ્રી પંકજ શાહની એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને બીજી સંખ્યાબંધ યોજનાઓના લાભાર્થી છે તેમણે કેવી રીતે JJM, ONORC, PMAY અને વીજળીના જોડાણ જેવી સંખ્યાબંધ યોજનાઓના લાભો મેળવ્યા તેના વિશે માહિતી આપી હતી. તેમણે એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડના કારણે બિહારમાંથી તેમનું સ્થળાંતરણ થયું હોવા છતાં રેશન લેવામાં કોઇ જ સમસ્યા નથી પડી તેના વિશે પણ માહિતી આપી હતી.

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી કર્ણાટકના કાલબુર્ગીના રહેવાસી સુશ્રી સંતોષીએ આ યોજના અંગેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર અને મફત તપાસ અને દવાઓ તેના જીવનમાં ઘણા ફેરફારો લાવી રહી છે. પ્રધાનમંત્રીએ તેમની વાતચીતની ઉત્તમ રીત બદલ તેમની પ્રશંસા કરી હતી અને મજાકમાં કહ્યું હતું કે, તેમણે તો ચૂંટણી લડવી જોઇએ કારણ કે તેઓ ખૂબ જ લોકપ્રિયતા મેળવશે.

ગુજરાતના મહેસાણાના રહેવાસી અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થી શ્રી અરવિંદ પ્રધાનમંત્રી સાથે વાત કરતી વખતે ખૂબ જ ઉત્સાહિત થઇ ગયા હતા અને તેમણે માહિતી આપી હતી કે, તેમના મંડપ ડેકોરેશન વ્યવસાયના કારણે તેમના વ્યવસાયનું વિસ્તરણ થયું છે અને તેઓ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે પોતાના કર્મચારીઓને સરકારી યોજના વિશે માહિતગાર કર્યા અને રોજગારીનું સર્જન કર્યું તે બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમની પુત્રીને રમતગમતમાં આગળ વધવાની આકાંક્ષાઓ બદલ આશીર્વાદ પણ આપ્યા હતા.

આ સ્થળ ખાતે હિમાચલ પ્રદેશના સીરમોરથી આવેલા અને PMAY, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત યોજના, મુખ્યમંત્રી ગૃહિણી સુવિધા યોજનાના લાભાર્થી સમા દેવીજીએ પોતાના અનુભવો કર્યા હતા. પ્રધાનમંત્રીએ તેમની સાથે તેમની સ્થિતિ અને ખેતીમાં તેમની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ખુશીની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ યાદગાર પ્રસંગે હિમાચલ પ્રદેશમાં ઉપસ્થિતિ હોવાથી તેમને ખૂબ આનંદ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા 10 કરોડ કરતાં વધુ ખેડૂતોને તેમના બેંક ખાતામાં નાણાં પ્રાપ્ત થયા હોવા બદલ તેમણે ખેડૂતોને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. તેમણે સરકારના 8 વર્ષ પૂરાં થવાના અવસર પર પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળના લાભો જાહેર કરવામં આવ્યા તે અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે શિમલાથી દેશભરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ નાણાકીય લાભો રીલિઝ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે 130 કરોડ નાગરિકોની સેવા કરવાની તક આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કોરોના મહામારીના સમયમાં પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકોની જવાબદારી લઇને ગઇકાલે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રનની જાહેરાત દ્વારા સરકારના 8 વર્ષ પૂરાં થવાના આ પ્રસંગને અંકિત કરવા બદલ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પ્રસંગે હિમાચલમાં ઉપસ્થિત રહેવાના સૂચનને તેમણે તત્પરતાથી સ્વીકાર્યું હતું કારણ કે આ રાજ્ય તેમની કર્મભૂમિ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા પોતાને એક પ્રધાનમંત્રી નહીં પરંતુ 130 કરોડ ભારતીયોના પરિવારનો એક સભ્ય માને છે. તેઓ જ્યારે કોઇ ફાઇલ ઉપર સહી કરે છે ત્યારે જ પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી લે છે. તેમણે કહ્યું હતું કે તે ક્ષણ પૂરી થઇ જાય એટલે તુરંત જ, “હું પ્રધાનમંત્રી નથી રહેતો અને તમારા પરિવારનો એક સભ્ય અને 130 દેશવાસીઓનો પ્રધાન સેવક બની જઉં છુ. જો હું દેશ માટે કંઇ કરી શકું છું તો તે 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ અને શુભકામનાઓના કારણે જ શક્ય બને છે. ભાવુક થઇ ગયેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 130 કરોડ ભારતીયોના આ પરિવારની આશાઓ અને મહત્વાકાંક્ષાઓ સાથે જોડાવાથી, મારી પાસે તો આ પરિવાર જ છે, આપ સૌ લોકો મારાં જીવનમાં સર્વસ્વ છો અને મારું આ જીવન આપ સૌન માટે જ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પોતાના શાસનના આઠ વર્ષ પૂરાં કરી રહી છે, ત્યારે તેમણે ફરીથી તેમના સંકલ્પને પુનરાવર્તિત કર્યો કે તેઓ દરેકના કલ્યાણ માટે, દરેક ભારતીયના સન્માન માટે, દરેક ભારતીયની સુરક્ષા માટે અને સમૃદ્ધિ માટે જે પણ કરી શકશે તે કરશે જેથી દરેક ભારતીયને સુખ અને શાંતિનું જીવન મળે.

પ્રધાનમંત્રીએ 2014 પહેલાંના સમય અંગે અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ ભ્રષ્ટાચારની સામે લડવાના બદલે તેને આપણી પ્રણાલીનો એક આવશ્યક હિસ્સો માની લીધો હતો, સરકાર તેની સામે ઘુંટણિય પડી ગઇ હતી અને પછી લોકોને સ્પષ્ટપણે દેખાતું હતું કે, સરકારી યોજનાઓ હેઠળ તેમના માટે આપવામાં આવતા નાણાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે પહેલાં જ તેને લૂંટી લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે આજે જન ધન- આધાર અને મોબાઇલ (JAM) ની ત્રિપુટીને કારણે, લાભાર્થી સુધી તેમના જન ધન બેંક ખાતામાં સીધા જ નાણાં પહોંચી રહ્યા છે. પહેલાંના સમયમાં મહિલાઓને રસોડામાં ધુમાડો સહન કરવો પડતો હતો, આજે ઉજ્જવલા યોજનામાંથી LPG સિલિન્ડર મેળવવાની સુવિધા છે. પહેલાંના સમયમાં ખુલ્લામાં શૌચ કરવાની શરમનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે ગરીબોને શૌચાલયની ગરિમા પ્રાપ્ત થઇ છે. પહેલાંના સમયમાં સારવાર માટે પૈસા ભેગા કરવાની લાચારી હતી જ્યારે, આજે દરેક ગરીબને આયુષ્માન ભારતનો સહારો મળ્યો છે. પહેલાંના સમયમાં સતત ત્રિપલ તલાકનો ડર રહેતો હતો પરંતુ, હવે પોતાના અધિકાર માટે લડવાની હિંમત આવી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કલ્યાણકારી યોજનાઓ, સારું શાસન અને ગરીબોનું કલ્યાણ (સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ) ના કારણે લોકોના માનસમાં સરકારનો અર્થ બદલાઇ ગયો છે. હવે, સરકાર લોકો માટે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ હોય, શિષ્યવૃત્તિ હોય કે પછી પેન્શન યોજનાઓ હોય, બધામાં ટેકનોલોજીની મદદથી ભ્રષ્ટાચારની સંભાવનાઓ એકદમ ઓછી કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર એવી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે જેને અગાઉ કાયમી સમસ્યાઓ માની લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી લાભાર્થીઓની યાદીમાંથી 9 કરોડ નકલી નામો દૂર કરીને ચોરી અને લિકેજ દ્વારા કરતા અન્યાયનો અંત લાવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોનું સશક્તીકરણ કરવામાં આવે તેનાથી દૈનિક જીવનમાં તેમને જે સંઘર્ષો કરવો પડતો હતો તેમાં ઘટાડો થાય છે અને તેના કારણે તેમની ગરીબી દૂર કરવા માટે તેમનામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ વિચારધારા સાથે, અમારી સરકારે પહેલા દિવસથી જ ગરીબોનું સશક્તીકરણ કરવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે તેમના જીવનમાં રહેલી દરેક ચિંતાઓ ઓછી કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું ગૌરવ સાથે કહી શકુ છુ કે, દેશમાં લગભગ દરેક પરિવારને સરકારની કોઇને કોઇ યોજનાનો લાભ મળી રહ્યો છે. 

સશસ્ત્ર દળોમાં હિમાચલના દરેક પરિવારમાંથી આપવામાં આવેલા યોગદાનની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લગભગ ચાર દાયકા સુધી રાહ જોયા પછી આ સરકારે વન રેન્ક વન પેન્શનનો અમલ કર્યો છે અને ભૂતપૂર્વ જવાનોને એરિયર્સની રકમ ચુકવી છે. હિમાચલના પ્રત્યેક પરિવારને ઘણો લાભ થયો છે. આ દેશમાં દાયકાઓથી મત બેંકની રાજનીતિ ચાલતી હતી અને તેના કારણે દેશને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે મત બેંક માટે નહીં પરંતુ નવા ભારતના નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે 100% લાભાર્થીઓ સુધી 100% લાભો પહોંચે તે માટે વિવિધ પહેલ હાથ ધરી છે. તેમણે કહ્યું હતુ કે, સરકાર લાભાર્થીઓની સંતૃપ્તિ સુધી પહોંચવા માટે સંકલ્પબદ્ધ છે. 100% સશક્તીકરણનો અર્થ છે, ભેદભાવ સમાપ્ત કરવો, ભલામણો દૂર કરવી અને તુષ્ટિકરણ સમાપ્ત કરવું. 100% સશક્તીકરણનો અર્થ એ છે કે, દરેક ગરીબને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય.

દેશના વધી રહેલા કદ વિશે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે, ભારત મજબૂરીમાં લોકો સામે મિત્રતાનો હાથ નથી લંબાવતું પરંતુ મદદનો હાથ લંબાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન પણ આપણે 150 કરતાં વધારે દેશોમાં દવાઓ અને રસી મોકલી છે.

પ્રધાનમંત્રીએ આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, 21મી સદીના ઉજ્જવળ ભારત માટે કામ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. એક એવું ભારત કે જેની ઓળખ વંચિતતા નહીં પરંતુ આધુનિકતા હોય. આપણી ક્ષમતાઓ સામે કોઇ જ લક્ષ્ય અશક્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારત આખી દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્રોમાંથી એક છે. આજે ભારતમાં વિક્રમી પ્રમાણમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવી રહ્યું છે, આજે ભારત નિકાસના મામલે નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું છે. તેમણે પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, સૌએ આગળ આવવું જોઇએ અને આપણા દેશની પ્રગતિની સફરમાં પોતાની ભૂમિકા નિભાવવી જોઇએ.


***

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1829736) Visitor Counter : 301