પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓના સેમિનારમાં સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ કલોલમાં IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
“ગામડાંઓની આત્મનિર્ભરતા માટે સહકાર સૌથી મોટું માધ્યમ છે, જે આત્મનિર્ભર ભારતની ઊર્જા ધરાવે છે”
“મહામારી અને યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં વધી ગયેલા ભાવો અને અને ઉપલબ્ધતાની અછતમાં પણ ખેડૂતોને કોઇ મુશ્કેલી આવવા દીધી નહોતી”
“કેન્દ્ર સરકારે ગયા વર્ષે રૂપિયા 1 લાખ 60 હજાર કરોડની ખાતર સબસિડી આપી છે, આ વર્ષે આ સબસિડી રૂપિયા 2 લાખ કરોડ કરતાં વધારે થવા જઇ રહી છે”
“દેશના ખેડૂતોના હિતો માટે જે કંઇપણ કરવાની જરૂર હતી તે બધુ જ કરવામાં આવ્યું છે અને અમે દેશના ખેડૂતોને વધુ તાકાતવર બનાવવાનું હજુ પણ ચાલુ રાખીશું”
“આત્મનિર્ભરતામાં ભારતની સંખ્યાબંધ મુશ્કેલીઓનો ઉપાય છે. સહકારી મંડળીઓ આત્મનિર્ભરતાનું એક મહાન મોડલ છે”
“સરકાર અમૃતકાળની લાગણી સાથે સહકારની ભાવનાને જોડવા માટે એકધારી આગળ વધી રહી છે”
Posted On:
28 MAY 2022 6:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓના સેમિનારમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કલોલમાં IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ, ડૉ. મનસુખભાઇ માંડવિયા, સાંસદો, ગુજરાત સરકારના ધારાસભ્યો અને અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત જનમેદનીને સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ આજે મહાત્મા મંદિર ખાતે એકઠા થયેલા હજારો ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગામડાઓની આત્મનિર્ભરતા માટે સહકાર એ ખૂબ જ મોટું માધ્યમ છે. તેમાં આત્મનિર્ભર ભારતની ઊર્જા છે. તેમણે કહ્યું હતું કે, પૂજ્ય બાપુ અને પટેલે કેવી રીતે ગામડાઓને આત્મનિર્ભર બનાવી શકાય તેની રીત બતાવી હતી. તેમના એ વિચારોને અનુરૂપ, આજે આપણે મોડલ સહકારી ગામના વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં છ ગામડાં પસંદ કરવામાં આવ્યા છે જ્યાં તમામ સહકારી સંબંધિત પ્રવૃત્તિઓનો અમલ કરવામાં આવશે.
એવી જ રીતે, પ્રધાનમંત્રીએ કલોલના IFFCO ખાતે નવા બાંધવામાં આવેલા નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતી વખતે દિલથી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુરિયાની આખી બોરીની શક્તિ અડધા લીટરની બોટલમાં આવી ગઇ છે, જેના કારણે પરિવહન અને સંગ્રહમાં મોટી બચત થઇ છે. આ પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની આશરે 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે, પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં દેશમાં આવા વધુ 8 પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, “આનાથી યુરિયાના સંદર્ભમાં આપણી વિદેશ પર રહેલી નિર્ભરતા ઓછી થશે અને દેશના નાણાંની બચત પણ થશે. મને વિશ્વાસ છે કે આ ઇનોવેશન યુરિયા સુધી સીમિત નહીં રહે. ભવિષ્યમાં અન્ય નેનો ખાતરો આપણા ખેડૂતોને ઉપલબ્ધ થશે.”
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આખી દુનિયામાં ભારત યુરિયાનું બીજું સૌથી મોટું વપરાશકાર રાષ્ટ્ર છે પરંતુ માત્ર ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. 2014માં તેમની સરકારની રચના થઇ તે પછી, સરકારે યુરિયાનું 100% નીમ કોટિંગ કર્યું હતું. આના કારણે દેશના ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરિયા મળી રહે તે સુનિશ્ચિત થઇ શક્યું છે. સાથે સાથે, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણામાં યુરિયાના ઉત્પાદનના બંધ કરવામાં આવેલા પ્લાન્ટને ફરી શરૂ કરવાની કામગીરી પણ હાથ ધવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હવે આ તમામ ફેક્ટરીઓમાં ઉત્પાદન શરૂ થઇ ગયું છે અને અન્ય ત્રણ ફેક્ટરીઓમાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થઇ જશે.
યુરિયા અને ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરોના સંદર્ભમાં આયાતની નિર્ભરતા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ મહામારી અને યુદ્ધના કારણે વૈશ્વિક બજારોમાં વધી ગયેલા ભાવો અને ઉપલબ્ધતાના અભાવ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ સરકારે ખેડૂતો સુધી સમસ્યાઓ પહોંચાડવા દીધી નથી અને મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારતમાં ખાતરનું કોઇ મુશ્કેલી આવવા દીધી નથી. 3500 રૂપિયાની યુરિયાની થેલી ખેડૂતને 300 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે જ્યારે સરકાર પ્રત્યેક થેલીએ 3200 રૂપિયા ચૂકવે છે. એ જ રીતે, DAPની એક થેલી પર સરકાર રૂ. 2500 ભોગવે છે જ્યારે અગાઉની સરકારો દ્વારા માત્ર 500 રૂપિયા ભોગવવામાં આવતા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે રૂપિયા 1 લાખ 60 હજાર કરોડની સબસિડી આપી હતી, આ વર્ષે આ સબસિડી રૂ. 2 લાખ કરોડથી વધુ થવાની છે. પ્રધાનમંત્રીએ દેશના ખેડૂતોના હિત માટે જે કંઇપણ કરવાની જરૂર હશે તે કરવાનું વચન આપ્યું હતું અને દેશના ખેડૂતોને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં સરકારે દેશ સમક્ષ આવી રહેલી સમસ્યાઓના તાત્કાલિક અને લાંબાગાળા એમ બંને પ્રકારે ઉકેલો લાવવા પર કામ કર્યું છે. તેમણે ભવિષ્યમાં કોઇપણ મહામારીના આંચકાનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય માળખામાં સુધારો કરવા, ખાદ્ય તેલની સમસ્યાઓનો સામનો કરવા માટે મિશન ઓઇલ પામ, ઓઇલની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે બાયો-ઈંધણ અને હાઈડ્રોજન ઈંધણ, કુદરતી ખેતી અને નેનો ટેકનોલોજીને વેગ આપવા જેવા ઉકેલોને પણ આ અભિગમના પરિણામો તરીકે ગણાવ્યા હતા. એવી જ રીતે, તેમણે કહ્યું કે, આત્મનિર્ભરતામાં ભારતની ઘણી મુશ્કેલીઓનો ઉકેલ છે. તેમણે સહકારી મંડળીઓને આત્મનિર્ભરતાના એક મહાન મોડેલ તરીકે ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એ બાબતે પણ નસીબદાર છે કે આપણને પૂજ્ય બાપુ અને સરદાર સાહેબ જેવા નેતાઓ મળ્યા હતા. સરદાર સાહેબે આદરણીય બાપુએ બતાવેલા માર્ગને સહકારથી આત્મનિર્ભરતા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. ડેરી ક્ષેત્રના સહકારી મોડલનું દૃશ્ટાંત આપણી સામે જ છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો હિસ્સો ઘણો મોટો છે. ડેરી ક્ષેત્ર પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતમાં, દૂધ આધારિત ઉદ્યોગો વ્યાપકપણે ફેલાયેલા હતા કારણ કે તેમાં સરકારના પ્રતિબંધો ઓછા હતા. સરકાર અહીં માત્ર સુવિધા આપનારની ભૂમિકા ભજવે છે, બાકીનું કામ કાં તો સહકારી મંડળીઓ અથવા ખેડૂતો કરે છે.
પ્રધાનમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર સહકારની લાગણીને અમૃતકાળની ભાવના સાથે જોડવા માટે એકધારી આગળ વધી રહી છે. આ ઉદ્દેશ્ય સાથે કેન્દ્રમાં સહકારી મંડળીઓ માટે અલગ મંત્રાલયની પણ રચના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં સહકારી આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, “સહકારી ક્ષેત્રની સૌથી મોટી તાકાત ભરોસો, સહકાર અને સામૂહિક શક્તિ સાથે સંગઠનની ક્ષમતામાં કરવામાં આવતી વૃદ્ધિ છે. આ અમૃતકાળ દરમિયાન ભારત સફળ થશે એ વાતની ગેરંટી છે.” સરકાર અમૃતકાળમાં નાની અને ઓછી આંકેલી વસ્તુને મોટી શક્તિ બનાવવા માટે કામ કરી રહી છે. આજે નાના ખેડૂતોને દરેક રીતે સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે, નાના પાયાના ઉદ્યોગો અને MSME ને ભારતની આત્મનિર્ભર પૂરવઠા સાંકળનો મજબૂત ભાગ બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “મને ખાતરી છે કે સહકાર આપણને આપણા લક્ષ્યો સાકાર કરવામાં મદદ કરશે અને ભારત સફળતા તેમજ સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે.”
SD/GP/JD
(Release ID: 1829018)
Visitor Counter : 291
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam