પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેનેડાના ઓન્ટારિયોનાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરને પ્રધાનમંત્રીનું સંબોધન


સેન્ટર ખાતે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત

"સરદાર પટેલની પ્રતિમા માત્ર આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને જ મજબૂત બનાવશે નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે"

"ભારત માત્ર એક રાષ્ટ્ર જ નથી પણ એક વિચાર અને સંસ્કૃતિ પણ છે"

"ભારત બીજાનાં નુકસાનની કિંમત પર પોતાનાં ઉત્થાનનું સ્વપ્ન જોતું નથી"

"સ્વતંત્રતા સેનાનીઓએ એક એવા ભારતનું સ્વપ્ન સેવ્યું જે આધુનિક અને પ્રગતિશીલ હોય અને તેની વિચારસરણી, ફિલસૂફી અને તેનાં મૂળ સાથે ઊંડે સુધી જોડાયેલું હોય"

"સરદાર પટેલે હજારો વર્ષોના વારસાને યાદ કરવા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો"

"આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન, અમે સરદાર પટેલનાં સ્વપ્નનાં નવાં ભારતનું નિર્માણ કરવાના સંકલ્પ માટે પોતાને પુન:સમર્પિત કરીએ છીએ"

"ભારતની અમૃત પ્રતિજ્ઞાઓ વૈશ્વિક સ્તરે ફેલાઈ રહી છે અને વિશ્વને જોડે છે"

“આપણો સખત પરિશ્રમ માત્ર આપણા માટે નથી. સમગ્ર માનવતાનું કલ્યાણ ભારતની પ્રગતિ સાથે જોડાયેલું છે”

Posted On: 01 MAY 2022 9:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર (SMCC), માર્ખામ, ઓન્ટારિયો, કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનાં ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.

શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવ અને ગુજરાત દિવસ પર તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું કે કેનેડાની તેમની મુલાકાત દરમિયાન સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્રની સકારાત્મક અસર તેમણે અનુભવી છે.તેમણે ખાસ કરીને તેમની 2015ની મુલાકાત દરમિયાન ભારતીય મૂળના લોકોના સ્નેહ અને પ્રેમને યાદ કર્યો. "સનાતન મંદિરમાં સરદાર પટેલની આ પ્રતિમા ફક્ત આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને જ મજબૂત બનાવશે નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

ડાયસ્પોરામાં ભારતીય નૈતિકતા અને મૂલ્યોની ગહનતા વિશે વિસ્તૃત છણાવટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીયો ભલે ગમે તેટલી પેઢીઓ સુધી વિશ્વમાં ગમે ત્યાં રહે પરંતુ તેમની ભારતીયતા અને ભારત પ્રત્યેની વફાદારી ક્યારેય ઓછી થતી નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતીયો તેમનાંવસવાટના દેશ માટે સંપૂર્ણ સમર્પણ અને અખંડિતતા સાથે કામ કરે છે અને તેમનાં લોકતાંત્રિક મૂલ્યો અને ફરજની ભાવના તેમની સાથે રાખે છે.આ એટલા માટે છે કેમ કે “ભારત માત્ર એક રાષ્ટ્ર નથી પણ એક વિચાર પણ છે, તે એક સંસ્કૃતિ પણ છે. ભારત એ ઉચ્ચ સ્તરીય વિચાર છે- જે 'વસુધૈવકુટુમ્બકમ'ની વાત કરે છે. ભારત બીજાનાં નુકસાનની કિંમત પર પોતાનાં ઉત્થાનનું સ્વપ્ન જોતું નથી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેનેડા અથવા અન્ય કોઈ દેશમાં સનાતન મંદિર તે દેશનાં મૂલ્યોને પણ સમૃદ્ધ બનાવે છે. જ્યારે કેનેડામાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે તે સહિયારાં લોકશાહી મૂલ્યોની ઉજવણી છે."હું માનું છું કે, ભારતની આઝાદીના અમૃત મહોત્સવની આ ઉજવણી કેનેડાના લોકોને ભારતને વધુ નજીકથી સમજવાની તક આપશે", એમ તેમણે ઉમેર્યું.

સરદાર પટેલની પ્રતિમા અને સ્થાનને નવા ભારતનું વ્યાપક ચિત્ર ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓ એવા ભારતનું સ્વપ્ન સેવ્યું જે આધુનિક અને પ્રગતિશીલ હોય અને તેની વિચારસરણી, ફિલસૂફી અને તેનાં મૂળ સાથે ઊંડે સુધી જોડાયેલું પણ હોય. તેથી જ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવાં સ્વતંત્ર થયેલાં ભારતમાં, સરદાર પટેલે હજારો વર્ષોના વારસાને યાદ કરવા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. "આજે, આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન, અમે સરદાર પટેલનાં સ્વપ્નનાં નવાં ભારતનાં નિર્માણના સંકલ્પ માટે પોતાને પુન:સમર્પિત કરી રહ્યા છીએ અને 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' તેમાં એક મોટી પ્રેરણા છે", એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્રમાં 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'ની પ્રતિકૃતિનો અર્થ એ છે કે ભારતની અમૃત પ્રતિજ્ઞાઓ ભારતની સીમાઓ સુધી મર્યાદિત રહી નથી. આ પ્રતિજ્ઞા વિશ્વને જોડતી વૈશ્વિક સ્તરે ફેલાઈ રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ અમૃત સંકલ્પોનાં વૈશ્વિક પરિમાણનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, ત્યારે આપણે વિશ્વની પ્રગતિની નવી શક્યતાઓ ખોલવાની વાત કરીએ છીએ. તેવી જ રીતે, યોગના પ્રચારમાં, દરેક વ્યક્તિ રોગમુક્ત હોવાની લાગણી સહજ છે.ટકાઉ વિકાસ અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દાઓમાં ભારત સમગ્ર માનવ જાતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. “આપણોસખત પરિશ્રમ માત્ર આપણા માટે નથી. સમગ્ર માનવતાનું કલ્યાણ ભારતની પ્રગતિ સાથે જોડાયેલું છે”, પ્રધાનમંત્રીએભાર મૂકવા સાથે આ સંદેશને આગળ લઈ જવા માટે ભારતીય ડાયસ્પોરાની ઉન્નત ભૂમિકા માટે હાકલ કરીને સમાપન કર્યું હતું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1821895) Visitor Counter : 241