ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલામાં, દાયકાઓ પછી નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ વિક્ષેપિત વિસ્તારોમાં ઘટાડો કર્યો


શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના સતત પ્રયાસોથી ઉત્તર પૂર્વમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે અને આ ક્ષેત્રનો ઝડપી વિકાસ સુનિશ્ચિત થયો છે તથા દાયકાઓ પછી AFSPA હેઠળના વિસ્તારોમાં ઘટાડો થયો

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબ ભારત સરકારે બળવાખોરીનો અંત લાવવા અને ઉત્તર પૂર્વમાં કાયમી શાંતિ લાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહે દાયકાઓથી ઉપેક્ષિત અને જે હવે શાંતિ, સમૃદ્ધિ અને અભૂતપૂર્વ વિકાસના નવા યુગનું સાક્ષી બની રહ્યું છે તેવા ઉત્તર પૂર્વ ક્ષેત્ર પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને ધ્યાન આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

શ્રી અમિત શાહે આ મહત્વપૂર્ણ અવસર પર ઉત્તર પૂર્વના લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 31 MAR 2022 3:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે, પૂર્વોત્તર રાજ્યોમાં એવા ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને વિકાસને વેગ મળ્યો છે. 2014 ની તુલનામાં, 2021માં આતંકવાદની ઘટનાઓમાં 74 ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, આ સમયગાળા દરમિયાન સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુમાં પણ અનુક્રમે 60 ટકા અને 84 ટકાનો ઘટાડો થયો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની સરકારના સતત પ્રયાસો અને પૂર્વોત્તરમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારણાને પરિણામે દાયકાઓ પછી નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ વિક્ષેપિત વિસ્તારોને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિઝનને સાકાર કરવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વના તમામ રાજ્યો સાથે સતત સંવાદ કર્યો છે. પરિણામે, મોટાભાગના ઉગ્રવાદી જૂથોએ ભારતના બંધારણ અને મોદી સરકારની નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કરીને શસ્ત્રો નીચે મૂક્યા છે. આજે આ તમામ વ્યક્તિઓ લોકતાંત્રિક પ્રક્રિયાનો હિસ્સો બની ગયા છે અને ઉત્તર પૂર્વની શાંતિ અને વિકાસમાં ભાગ લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 7,000 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પરિપૂર્ણ કરવા માટે, , ભારત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં બળવાખોરીનો અંત લાવવા અને પૂર્વોત્તર રાજ્યોમાં કાયમી શાંતિ લાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ઉદાહરણ તરીકે, જાન્યુઆરી, 2020નો બોડો કરાર જેણે આસામની પાંચ દાયકા લાંબી બોડો સમસ્યાનું સમાધાન કર્યું અને 4 સપ્ટેમ્બર, 2021ના ​​કાર્બી-એંગલોંગ કરાર જેણે આસામના કાર્બી પ્રદેશ પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને ઉકેલ્યો. તેવી જ રીતે, ત્રિપુરામાં આતંકવાદીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઓગસ્ટ 2019માં NLFT (SD) કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે પછી 23 વર્ષ જૂના બ્રુ-રેઆંગ શરણાર્થી સંકટને ઉકેલવા માટે 16 જાન્યુઆરી, 2020ના રોજ એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હેઠળ 37,000 આંતરિક રીતે વિસ્થાપિત લોકોને ત્રિપુરામાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. 29 માર્ચ, 2022ના રોજ, આસામ અને મેઘાલયની સીમાઓને લઈને અન્ય મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમગ્ર ઉત્તર પૂર્વ વિસ્તારને ઉગ્રવાદ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર સમયાંતરે રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે વાતચીત કરી રહી છે. શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર હેઠળ સુરક્ષાની સ્થિતિમાં થયેલા સુધારાને કારણે, AFSPA હેઠળ ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશનને 2015માં ત્રિપુરા અને 2018માં મેઘાલયમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું.

ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન સમગ્ર આસામમાં 1990થી અમલમાં છે. 2014માં શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી પરિસ્થિતિમાં થયેલા નોંધપાત્ર સુધારાને કારણે, હવે AFSPA 01.04.2022થી 23 જિલ્લાઓમાંથી સંપૂર્ણપણે અને આંશિક રીતે આસામના 1 જિલ્લામાંથી દૂર કરવામાં આવી રહી છે. .

આખા મણિપુર (ઇમ્ફાલ નગરપાલિકા વિસ્તાર સિવાય)માં 2004થી ડિસ્ટર્બ્ડ એરિયા ડિક્લેરેશન અમલમાં છે. શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, મણિપુરના 6 જિલ્લાના 15 પોલીસ સ્ટેશન વિસ્તારોને 01.04.2022ની અસરથી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશનમાંથી બાકાત રાખવામાં આવશે.

2015માં, AFSPA અરુણાચલ પ્રદેશના 3 જિલ્લાઓમાં, 20 કિમીના અંતરે આસામ સરહદે અરુણાચલ પ્રદેશનો પટ્ટો અને રાજ્યના અન્ય 9 જિલ્લાઓમાં 16 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લાગુ હતો. આ ધીમે ધીમે ઘટાડવામાં આવ્યું છે અને ડિસ્ટર્બ્ડ એરિયાઝ નોટિફિકેશન, હાલમાં માત્ર 3 જિલ્લાઓમાં અને અરુણાચલ પ્રદેશના અન્ય 1 જિલ્લામાં 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ છે.

ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન સમગ્ર નાગાલેન્ડમાં 1995થી અમલમાં છે. કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે AFSPA પાછી ખેંચવા માટે આ સંદર્ભમાં રચાયેલી સમિતિની ભલામણ સ્વીકારી છે. નાગાલેન્ડના 7 જિલ્લાના 15 પોલીસ સ્ટેશનોમાંથી 01.04.2022થી ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન પાછું ખેંચવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહે કહ્યું કે, દાયકાઓથી ઉપેક્ષિત ઉત્તર-પૂર્વ ક્ષેત્ર પ્રત્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અતૂટ પ્રતિબદ્ધતા અને ધ્યાનને કારણે આ પ્રદેશ હવે શાંતિ, સમૃદ્ધિ અને અભૂતપૂર્વ વિકાસના નવા યુગનો સાક્ષી બની રહ્યો છે. .

શ્રી અમિત શાહે આ મહત્વપૂર્ણ અવસર પર ઉત્તર પૂર્વના લોકોને શુભેચ્છા પાઠવી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1811919) Visitor Counter : 450