પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને બીજી ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી

Posted On: 21 MAR 2022 6:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને આજે બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી હતી જે દરમિયાન તેઓએ બંને દેશો વચ્ચેના બહુવિધ સંબંધોની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.

શરૂઆતમાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વીન્સલેન્ડમાં ભયંકર પૂરના કારણે થયેલા વિનાશ અને એનાં પરિણામે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ જૂન 2020માં પહેલી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન સ્થપાયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંબંધોના વિસ્તૃત અવકાશ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો જે હવે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સલામતી, શિક્ષણ અને નવીનતા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ક્રિટિકલ મિનરલ્સ, જળ વ્યવસ્થાપન, નવી અને રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી, કોવિડ-19 સંબંધિત સંશોધન વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ 29 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવા માટેની વિશેષ ચેષ્ટા બદલ  માનનીય શ્રી સ્કોટ મોરિસનનો આભાર માન્યો હતો. આ કલાકૃતિઓમાં સદીઓ જૂનાં શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલીક ભારતના વિવિધ ભાગોમાંથી 9મી-10મી સદીની છે. કલાકૃતિઓમાં 12મી સદીના ચોલા કાંસ્ય, 11મી-12મી સદીનાં રાજસ્થાનનાં જૈન શિલ્પો, 12મી-13મી સદીની ગુજરાતની દેવી મહિસાસુરમર્દિનીની મૂર્તિ, 18મી-19મી સદીનાં ચિત્રો અને પ્રારંભિક જિલેટીન સિલ્વર ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાયની કાળજી લેવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોરિસનનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ સહિયારાં મૂલ્યો અને સમાન હિતો સાથેના સાથી લોકશાહી તરીકે બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલનની પણ પ્રશંસા કરી હતી, જેમાં મુક્ત, ખુલ્લાં, સર્વસમાવેશક અને સમૃદ્ધ ભારત-પ્રશાંતનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઘેરી બની રહેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ પાસાઓને આવરી લેતું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. બંને પક્ષો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ પ્રધાનમંત્રીઓ વચ્ચે વાર્ષિક શિખર સંમેલન સ્થાપવા માટે પણ સંમત થયા હતા, આમ દ્વિપક્ષીય સંબંધોમાં વિશેષ પરિમાણ ઉમેર્યું હતું.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964     



(Release ID: 1807933) Visitor Counter : 212