મંત્રીમંડળ

કેન્દ્રીય મંત્રીમંડળે અમુક ખનીજોના સંદર્ભમાં રોયલ્ટી દરો નિર્ધારિત કરવા માટે ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957ના બીજા શેડ્યૂલને મંજૂરી આપી

Posted On: 09 MAR 2022 1:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા, ગ્લુકોનાઇટ, પોટાશ, એમરલ્ડ, પ્લેટિનમ સમૂહની ધાતુઓ (PGM), એન્ડેલ્યૂસાઇટ, સિલિમાઇનાઇટ અને મોલીબ્ડેનમ ખનીજની રોયલ્ટીના દર નિર્ધારિત કરવા માટે ખાણ અને ખનીજો  (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957 (અહીંથી આગળ અધિનિયમ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે)ના સૂધારાના બીજા શેડ્યૂલ માટે ખાણ મંત્રાલય દ્વારા મૂકવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

આ મંજૂરી આપવાથી ગ્લુકોનાઇટ, પોટાશ, એમરલ્ડ, પ્લેટિનમ સમૂહની ધાતુઓ, એન્ડેલ્યૂસાઇટ અને મોલીબ્ડેનમ ખનીજના સંદર્ભમાં ખાણકામ બ્લૉકની હરાજી સુનિશ્ચિત થઇ શકશે અને તેના કારણે આ ખનીજોની આયાતમાં ઘટાડો થઇ શકશે, ખાણકામ ક્ષેત્રમાં તેમજ વિનિર્માણ ક્ષેત્રમાં સશક્તીકરણની તકોનું સર્જન થઇ શકશે અને તેના કારણે સમાજના વિશાળ વર્ગનો સહિયારો વિકાસ સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહેશે. ખનીજ પોલીમોર્ફમાં આવતી એન્ડેલ્યૂસાઇટ, સિલિમાઇનાઇટ અને કેનાઇટ ખનીજોની રોયલ્ટીનો દર અગાઉના સ્તરે જ જાળવી રાખવામાં આવ્યો છે.

આ મંજૂરી આપવાથી દેશના અર્થતંત્ર માટે ઘણી મહત્વપૂર્ણ ખનીજોના સંદર્ભમાં આયાતના વિકલ્પ તરફ આગળ વધી શકાશે અને મૂલ્યવાન વિદેશી હુંડિયામણની અનામતની બચત થઇ શકશે. તેનાથી ખનીજોના સ્થાનિક ઉત્પાદન દ્વારા દેશની વિદેશી નિર્ભરતામાં ઘટાડો થઇ શકશે. આ મંજૂરી આપવાથી દેશમાં પ્રથમ વખત ગ્લુકોનાઈટ, પોટાશ, એમરલ્ડ, પ્લેટિનમ સમૂહની ધાતુઓ, એન્ડેલ્યૂસાઇટ અને મોલીબ્ડેનમના સંબંધમાં ખનીજ બ્લૉક્સની હરાજી સુનિશ્ચિત થઇ શકશે.

દેશમાં ખનીજ સંપત્તિની ફાળવણીમાં પારદર્શકતા અને બિન-ભેદભાવની નીતિ સુનિશ્ચિત કરવા માટે હરાજી દ્વારા ખનીજ મુક્તિઓ આપવાની નવી કાયદા વ્યવસ્થાના અમલીકરણ માટે આ અધિનિયમમાં 2015માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી હરાજીની કાયદા વ્યવસ્થા વધુ પરિપકવ બની છે. ખનીજ ક્ષેત્રને વધુ વેગવાન બનાવવા માટે, 2021માં આ અધિનિયમમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા હેઠળ, સરકારે ખનીજ બ્લૉક્સની હરાજી માટે, ઉત્પાદનમાં વધારો કરવા, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા અને દેશના સકલ ઘરેલુ ઉત્પાદ (GDP)માં ખનીજના યોગદાનમાં વધારો કરવા માટે મોટું પ્રોત્સાહન આપ્યું છે.

આદરણીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલીઆત્મનિર્ભર ભારતની દૂરંદેશીના નેતૃત્વ હેઠળ ખાણ મંત્રાલય દ્વારા દેશમાં ખનીજોના અન્વેષણ અને ખનનમાં વધારો કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે હરાજી માટે વધારે બ્લૉક ઉપલબ્ધ થયા છે. ખનનની પ્રવૃત્તિઓ માત્ર કાચી લોહ ધાતુ, બોક્સાઇટ, ચૂનાના પથ્થર જેવી પરંપરાગત ખનીજો પૂરતું સિમિત નથી પરંતુ ઊંડાણમાં રહેલી ખનીજો, ખાતર માટેની ખનીજો, મહત્વપૂર્ણ ખનીજો અને આયાત કરવામાં આવતી ખનીજોના ખનન માટે પણ તે પ્રવૃત્તિમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે.

છેલ્લા 4-5 વર્ષમાં, જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ખનીજ ઉત્ખનન નિગમ લિમિટેડ જેવી કેન્દ્રીય એજન્સીઓએ અન્વેષણનું કામ હાથ ધર્યું છે અને કેટલાક એવા બ્લૉકના રિપોર્ટ્સ રાજ્ય સરકારોને સોંપ્યા છે જેમાંથી દેશમાં હજી સુધી ખનીજોનું ખનન કરવામાં આવ્યું નથી. જ્યારે ગ્લુકોનાઇટ/પોટાશ, એમરલ્ડ, પ્લેટિનમ સમૂહની ધાતુઓ (PGM), એન્ડેલ્યૂસાઇટ અને મોલીબ્ડેનમ જેવી ખનીજોની વાત આવે છે, ત્યારે દેશ આપણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે આ ખનીજોની આયાત પર નિર્ભર છે. ખનીજ મામલે આત્મનિર્ભરતા તરફ લેવામાં આવેલા એક મોટા પગલાં તરીકે, ઘણી રાજ્ય સરકારોએ હરાજી માટે આવા ખનીજ બ્લૉક્સને ઓળખી કાઢ્યા છે. જો કે, આ ખનીજો માટે રોયલ્ટીનો દર અલગથી પૂરો પાડવામાં આવ્યો ન હતો અને આ ખનીજોના ખનનને પ્રોત્સાહન આપવા માટે તે યોગ્ય ન હતું.

તદ્અનુસાર, મંત્રાલયે હરાજીમાં બહેતર સહભાગીતાને પ્રોત્સાહન આપવા માટે રોયલ્ટીના વાજબી દર સૂયવ્યા હતા જેને આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો સાથે સઘન પરામર્શ હાથ ધર્યા પછી આ દરો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ખાણ મંત્રાલય આ ખનીજ બ્લૉક્સની હરાજી સક્ષમ કરવા માટે જરૂરી આ ખનીજોની સરેરાશ વેચાણ કિંમત (ASP)ની ગણતરી માટે પદ્ધતિ પણ પૂરી પાડશે.

રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવેલા સક્રીય સહકાર સાથે, દેશમાં 145 કરતાં વધારે ખનીજ બ્લૉકની સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી છે. વર્ષ 2021માં કરવામાં આવેલા સુધારાઓને કારણે તેમાં વધારે વેગ પ્રાપ્ત થવાથી, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન વધુ 146 બ્લૉકને હરાજી માટે મૂકવામાં આવ્યા છે. આમાંથી, નાણાકીય વર્ષ દરમિયાન 34 બ્લૉકની હરાજી સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. ગ્લુકોનાઇટ/પોટાશ, એમરલ્ડ, પ્લેટિનમ સમૂહની ધાતુઓ (PGM), એન્ડેલ્યૂસાઇટ અને મોલીબ્ડેનમ જેવી ખનીજોના રોયલ્ટી દરોના નિર્ધારણ અને ASPની મદદથી હરાજી માટેના બ્લૉકની સંખ્યામાં વધારો થશે.

ગ્લુકોનાઇટ અને પોટાશ જેવી ખનીજોનો ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં ખાતર તરીકે કરવામાં આવે છે. પ્લેટિમન સમૂહની ધાતુઓ (PGM) ખૂબ જ ઊંચુ મૂલ્ય ધરાવતી ધાતુઓ છે અને તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં તેમને આવિષ્કારી ઉપકરણો માટે કરવામાં આવે છે. એન્ડેલ્યૂસાઇટ, મોલીબ્ડેનમ જેવી ખનીજો ખૂબ જ મહત્વની ખનીજો છે અને તેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે કરવામાં આવે છે.

આ ખનીજોના સ્વદેશી ખનનને પ્રોત્સાહન આપવામાં આવે તે દેશના હિતમાં છે અને તેનાથી પોટાશ ખાતર તેમજ અન્ય ખનીજોની આયાતમાં ઘટાડો આવી શકશે. આ ખાણ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી ખાણકામ ક્ષેત્રમાં રોજગારી સર્જનમાં પણ વધારો થવાની અપેક્ષા છે. તેનાથી ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટે ખનીજોની ઉપલબ્ધતામાં વધારો કરવાનું અને કૃષિ ક્ષેત્રને સહકાર આપવાનું સુનિશ્ચિત થઇ શકશે.

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1804319) Visitor Counter : 220