પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંરક્ષણ ક્ષેત્ર પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું


"સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર તાજેતરના વર્ષોનો ભાર બજેટમાં સ્પષ્ટપણે દેખાય છે"

"વિશિષ્ટતા અને આશ્ચર્યજનક તત્વો ત્યારે જ બની શકે છે જ્યારે તમારા પોતાના દેશમાં સાધનો વિકસાવવામાં આવે"

"આ વર્ષના બજેટમાં દેશમાં સંશોધન, ડિઝાઇન અને વિકાસથી લઈને ઉત્પાદન સુધીની ગતિશીલ ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની બ્લૂપ્રિન્ટ છે"

ઘરેલું ખરીદી માટે 54 હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સિવાય 4.5 લાખ કરોડ રૂપિયાથી વધુના સાધનોની પ્રાપ્તિ પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે

"પારદર્શક, સમય-આધારિત, ટ્રાયલ, પરીક્ષણ અને પ્રમાણપત્રની વ્યવહારિક અને ન્યાયી પ્રણાલીઓ ગતિશીલ સંરક્ષણ ઉદ્યોગના વિકાસ માટે જરૂરી છે"

Posted On: 25 FEB 2022 11:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં કરાયેલી જાહેરાતો પર ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ શીર્ષક હેઠળના બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું હતું. આ વેબિનારનું આયોજન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધિત પોસ્ટ-બજેટ વેબિનારની શ્રેણીમાં આ ચોથો વેબિનાર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વેબિનારની થીમ ‘આત્મનિર્ભરતા ઇન ડિફેન્સ- કોલ ટુ એક્શન’ રાષ્ટ્રના મૂડને દર્શાવે છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરવાના તાજેતરના વર્ષોના પ્રયાસો આ વર્ષના બજેટમાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે યાદ કર્યું કે ગુલામીના સમયગાળા દરમિયાન અને આઝાદી પછી તરત જ ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઘણું મજબૂત હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય નિર્મિત શસ્ત્રોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું કે "જો કે, પછીના વર્ષોમાં, આપણાં આ પરાક્રમમાં ઘટાડો થયો, તેમ છતાં તે દર્શાવે છે કે ક્ષમતાઓની કોઈ કમી નથી, ન તો તે સમયે અને ન તો અત્યારે". 

પ્રધાનમંત્રીએ પ્રતિસ્પર્ધીઓ પર આશ્ચર્યજનક તત્વ રાખવા માટે સંરક્ષણ પ્રણાલીના કસ્ટમાઇઝેશન અને વિશિષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, "વિશિષ્ટતા અને આશ્ચર્યજનક તત્વો ત્યારે જ બની શકે છે જ્યારે તમારા પોતાના દેશમાં સાધનો વિકસાવવામાં આવે", પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષના બજેટમાં દેશમાં સંશોધન, ડિઝાઇન અને વિકાસથી લઈને ઉત્પાદન સુધીની ગતિશીલ ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની બ્લૂપ્રિન્ટ છે. સંરક્ષણ બજેટના લગભગ 70 ટકા માત્ર સ્થાનિક ઉદ્યોગ માટે રાખવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે, અત્યાર સુધીમાં, 200થી વધુ સંરક્ષણ પ્લેટફોર્મ અને ઉપકરણોની સકારાત્મક સ્વદેશીકરણ સૂચિઓ બહાર પાડી છે. આ ઘોષણા પછી, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સ્થાનિક ખરીદી માટે 54 હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 4.5 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના સાધનોની પ્રાપ્તિ પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે. ત્રીજી યાદી ટૂંક સમયમાં અપેક્ષિત છે.

પ્રધાનમંત્રીએ શસ્ત્રોની પ્રાપ્તિની લાંબા સમયથી દોરેલી પ્રક્રિયા પર દુઃખ વ્યક્ત કર્યો હતો જે ઘણીવાર એવા સંજોગોમાં પરિણમે છે જ્યાં શસ્ત્રો કાર્યરત થતાં સુધીમાં જૂના થઈ શકે છે. "આ માટેનો ઉકેલ 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'માં છે", તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું, પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરતાના મહત્વને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા માટે સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ શસ્ત્રો અને સાધનસામગ્રીના મામલામાં જવાનોના ગર્વ અને લાગણીઓને જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને કહ્યું હતું કે આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આ વિસ્તારોમાં આત્મનિર્ભર હોઈએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સાયબર સુરક્ષા હવે ડિજિટલ વિશ્વ સુધી સીમિત નથી રહી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની ગઈ છે. "જેટલી વધુ આપણે સંરક્ષણ ક્ષેત્રમાં આપણી પ્રચંડ IT શક્તિનો ઉપયોગ કરીશું, તેટલા વધુ આપણે આપણી સુરક્ષાને લઈને આત્મવિશ્વાસ ધરાવીશું".

કોન્ટ્રાક્ટ માટે સંરક્ષણ ઉત્પાદકો વચ્ચેની સ્પર્ધાની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ઘણીવાર નાણાં-ફોકસ અને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. શસ્ત્રોની ગુણવત્તા અને ઇચ્છનીયતાને લઈને ઘણી મૂંઝવણ ઊભી કરવામાં આવી હતી. આત્મનિર્ભર ભારત અભિયાન આ સમસ્યાનો પણ સામનો કરે છે.

પ્રધાનમંત્રીએ દૃઢ નિશ્ચય સાથે પ્રગતિનું ઝળહળતું ઉદાહરણ બનવા માટે ઓર્ડનન્સ ફેક્ટરીઓની પ્રશંસા કરી હતી અને પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે 7 નવા સંરક્ષણ ઉપક્રમો કે જેઓ છેલ્લા વર્ષોમાં સામેલ કરવામાં આવ્યા હતા તે ઝડપથી તેમના વ્યવસાયનું વિસ્તરણ કરી રહ્યા છે અને નવા બજારો સુધી પહોંચી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે “આપણે છેલ્લા 5-6 વર્ષમાં સંરક્ષણ નિકાસ 6 ગણી વધારી છે. આજે આપણે 75 થી વધુ દેશોને મેડ ઈન ઈન્ડિયા ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ અને સેવાઓ પ્રદાન કરી રહ્યા છીએ.”

મેક ઈન ઈન્ડિયા માટે સરકારના પ્રોત્સાહનના પરિણામે, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન માટે 350 થી વધુ નવા ઔદ્યોગિક લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે. જ્યારે 2001 થી 2014 સુધીના ચૌદ વર્ષમાં માત્ર 200 લાયસન્સ આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ખાનગી ક્ષેત્રે પણ DRDO અને સંરક્ષણ PSUsની સમકક્ષ આવવું જોઈએ, તેથી સંરક્ષણ R&D બજેટના 25% ઉદ્યોગ, સ્ટાર્ટ-અપ્સ અને એકેડેમિયા માટે રાખવામાં આવ્યા છે. બજેટમાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલ મોડલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. "આ ખાનગી ઉદ્યોગની ભૂમિકા માત્ર વિક્રેતા અથવા સપ્લાયર ઉપરાંત ભાગીદાર તરીકે સ્થાપિત કરશે", તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગતિશીલ સંરક્ષણ ઉદ્યોગના વિકાસ માટે અજમાયશ, પરીક્ષણ અને પ્રમાણપત્રની પારદર્શક, સમયબદ્ધ, વ્યવહારિક અને ન્યાયી પ્રણાલીઓ આવશ્યક છે. આ માટે સ્વતંત્ર સિસ્ટમ સમસ્યાઓના નિરાકરણમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

પ્રધાનમંત્રીએ બજેટની જોગવાઈઓના સમયસર અમલીકરણ માટે હિતધારકોને નવા વિચારો સાથે આગળ આવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે તેમને તાજેતરના વર્ષોમાં બજેટની તારીખમાં એક મહિનાની વૃદ્ધિનો સંપૂર્ણ લાભ લેવા અને જ્યારે બજેટ અમલીકરણની તારીખ આવે ત્યારે મેદાનમાં ઉતરવા જણાવ્યું હતું.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1801011) Visitor Counter : 231