પ્રધાનમંત્રીનું કાર્યાલય
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો જવાબ
Posted On:
07 FEB 2022 7:17PM by PIB Ahmedabad
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પીએમનો જવાબ
“મારું ભાષણ શરૂ કરતાં પહેલાં હું લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માગુ છું. તેમનાં સંગીત દ્વારા તેમણે આપણા રાષ્ટ્રને એકીકૃત કર્યું”
“'આઝાદી કા અમૃત મહોત્સવ' એ વિચારવાનો યોગ્ય સમય છે કે આવનારાં વર્ષોમાં ભારત વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા કેવી રીતે ભજવી શકે”
“અમે પણ માનીએ છીએ કે ટીકા લોકશાહીનો આવશ્યક ભાગ છે. પરંતુ, દરેક વસ્તુનો આંધળો વિરોધ ક્યારેય આગળનો માર્ગ નથી”
“જો આપણે વોકલ ફોર લોકલ વિશે વાત કરી રહ્યા છીએ, તો શું આપણે મહાત્મા ગાંધીનાં સપનાં પૂરાં નથી કરી રહ્યા? તો પછી વિપક્ષ દ્વારા શા માટે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે?”
“વિશ્વએ ભારતની આર્થિક પ્રગતિની નોંધ લીધી છે અને તે પણ જીવનકાળમાં એક વાર થતાં વૈશ્વિક મહામારીની મધ્યમાં”
“ભારત સરકારે એ સુનિશ્ચિત કર્યું કે મહામારી વચ્ચે 80 કરોડથી વધુ સાથી ભારતીયોને મફત રાશન મળે. અમારી પ્રતિબદ્ધતા છે કે કોઈપણ ભારતીયને ભૂખ્યા ન રહેવું પડે”
“ભારતની પ્રગતિ માટે નાના ખેડૂતને સશક્ત બનાવવો જરૂરી છે. નાના ખેડૂત ભારતની પ્રગતિને મજબૂત કરશે”
“પીએમ ગતિ શક્તિ આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોને ઉકેલવા માટે સર્વગ્રાહી અભિગમ રજૂ કરે છે. અમારો ભાર યોગ્ય કનેક્ટિવિટી પર છે”
“અમે નથી માનતા કે માત્ર સરકાર જ બધી સમસ્યાઓ હલ કરી શકે છે. અમે રાષ્ટ્રનાં લોકો, રાષ્ટ્રના યુવાનોમાં વિશ્વાસ કરીએ છીએ”
“અમે આપણા યુવાનો, સંપત્તિ સર્જકો અને ઉદ્યોગ સાહસિકોને ડરાવવાના અભિગમ સાથે સહમત નથી”
“સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું એ સૌથી મોટી રાષ્ટ્રીય સેવા છે”
“રાષ્ટ્ર, અમારા માટે જીવંત આત્મા છે, માત્ર સત્તા કે સરકારની વ્યવસ્થા નથી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિનાં સંસદને આપેલાં સંબોધન પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ તેમનું ભાષણ શરૂ કરતા પહેલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. “મારું ભાષણ આપતા પહેલા, હું લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. તેમનાં સંગીત દ્વારા તેમણે આપણા રાષ્ટ્રને એકીકૃત કર્યું હતું," એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ નવા સંકલ્પો કરવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્યને ફરીથી સમર્પિત કરવામાં વર્તમાન યુગનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. "'આઝાદી કા અમૃત મહોત્સવ' એ વિચારવાનો યોગ્ય સમય છે કે આવનારા વર્ષોમાં ભારત વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા કેવી રીતે ભજવી શકે છે. એ પણ એટલું જ સાચું છે કે ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિકાસની ઘણી ફાળ ભરી છે,” એમ તેમણે કહ્યું હતું. વધુમાં, તેમણે આગળ કહ્યું કે, કોરોના પછીના સમયગાળામાં એક નવી વિશ્વ વ્યવસ્થા ઝડપથી આકાર લઈ રહી છે. "આ એક વળાંક છે જ્યાં આપણે ભારત તરીકે આ તક ગુમાવવી જોઈએ નહીં", એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ વંચિત અને ગરીબોની બદલાતી સ્થિતિ વર્ણવી હતી જેઓ સુવિધાઓ દ્વારા નવું ગૌરવ મેળવી રહ્યાં છે. “અગાઉ, ગેસ કનેક્શન મોભાનું પ્રતીક હતું. હવે, ગરીબમાં ગરીબ લોકો પાસે તે પહોંચે છે અને તેથી જ તે ખૂબ જ આનંદદાયક છે. ગરીબ પાસે બેંક ખાતાની સુવિધા છે, ડીબીટી સેવા વિતરણમાં મદદ કરી રહ્યું છે...આ મોટા ફેરફારો છે", એમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે ગરીબ વ્યક્તિ તેના ઘરમાં વીજળીને કારણે આનંદ અનુભવે છે, ત્યારે તેની ખુશી રાષ્ટ્રના આનંદને બળ આપે છે. તેમણે મફત ગેસ કનેક્શનને કારણે ગરીબ ઘરોમાં ધૂમાડા મુક્ત રસોડાંના આનંદની પણ વાત કરી.
પ્રધાનમંત્રીએ લોકશાહીની યોગ્ય કામગીરીનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભારતની સદીઓ જૂની લોકશાહી પરંપરાને ઉજાગર કરી હતી. “અમે લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ. અને, અમે એમ પણ માનીએ છીએ કે ટીકા એ લોકશાહીનો આવશ્યક ભાગ છે. પરંતુ, દરેક વસ્તુનો આંધળો વિરોધ ક્યારેય આગળનો રસ્તો નથી હોતો", એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વડા પ્રધાને રાજકીય હેતુ માટે મહામારીનો ઉપયોગ કરવાની હકીકત પર સંતાપ વ્યક્ત કર્યો હતો. જ્યારે માર્ગદર્શિકા સૂચવતી હતી કે લોકો જ્યાં હતા ત્યાં જ રહે એવા વખતે લોકડાઉનને અનુસરતા લોકો પર દબાણ કરીને, તેમને મુંબઈ અને દિલ્હી છોડીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેમના વતન જવા માટે કહેવામાં આવ્યું અને ડરાવવામાં આવ્યા એની તેમણે ટીકા કરી હતી.
શ્રી મોદીએ જેને સાર્વત્રિક સમર્થન મળવું જોઈએ એવા પ્રયાસોના આંધળા વિરોધ માટે પણ ખેદ વ્યક્ત કર્યો હતો. “જો આપણે વોકલ ફોર લોકલ વિશે વાત કરી રહ્યા છીએ, તો શું આપણે મહાત્મા ગાંધીનાં સપનાં પૂરાં નથી કરી રહ્યાં? તો પછી વિપક્ષ દ્વારા તેની મજાક કેમ ઉડાવવામાં આવે છે? અમે યોગ અને ફિટ ઈન્ડિયા વિશે વાત કરી હતી પરંતુ વિપક્ષોએ તેની પણ મજાક ઉડાવી હતી,” એમ તેમણે કહ્યું. "વિશ્વે ભારતની આર્થિક પ્રગતિની નોંધ લીધી છે અને તે પણ જીવનકાળમાં એક વાર આવે એવી મહામારીની મધ્યમાં", એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ સો વર્ષ પહેલાંની ફલૂ મહામારીને યાદ કરી હતી અને નોંધ્યું કે મોટાભાગના મૃત્યુ ભૂખમરાને કારણે થયાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન મહામારીમાં, કોઈ પણ ભારતીયને ભૂખે મરવા દેવાયો નથી અને સૌથી મોટા સામાજિક સુરક્ષા પગલાંમાંથી એક લેવામાં આવ્યું હતું. “ભારત સરકારે સુનિશ્ચિત કર્યું કે મહામારીની વચ્ચે 80 કરોડથી વધુ સાથી ભારતીયોને મફત રાશન મળે. એ અમારી પ્રતિબદ્ધતા છે કે કોઈપણ ભારતીયે ભૂખ્યા ન રહેવું પડે," એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબી સામે મુકાબલો કરવાનો એકમાત્ર અસરકારક માર્ગ નાના ખેડૂતોની ચિંતાઓનું ધ્યાન રાખવાનો છે. તેમણે વિલાપ વ્યક્ત કર્યો કે ઘણા લાંબા સમયથી નાના ખેડૂતોની અવગણના કરવામાં આવી રહી છે. “જેઓએ આટલા વર્ષો સુધી રાષ્ટ્ર પર શાસન કર્યું છે અને મહેલોમાં રહેવા ટેવાયેલા છે તેઓ નાના ખેડૂતના કલ્યાણની વાત કરવાનું ભૂલી ગયા છે. ભારતની પ્રગતિ માટે નાના ખેડૂતને સશક્ત બનાવવો જરૂરી છે. નાના ખેડૂત ભારતની પ્રગતિને મજબૂત કરશે', એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ શાસન વ્યવસ્થા અને પ્રોજેક્ટ ડિલિવરીના નવા અભિગમ પર લંબાણપૂર્વક વાત કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટ જેવા લાંબા સમયથી પડતર પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો જે વર્તમાન સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો. તેમણે પીએમ ગતિ શક્તિનું ઉદાહરણ પણ ટાંક્યું જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોને ઉકેલવા માટે સર્વગ્રાહી અભિગમ રજૂ કરે છે અને ઉદ્યોગની લોજિસ્ટિક્સ પસંદગીને ઘટાડશે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે યોગ્ય કનેક્ટિવિટી-જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. "અમારી સરકારે એમએસએમઈઝની વ્યાખ્યા બદલી અને તેનાથી આ ક્ષેત્રને મદદ મળી", એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરતાની નવી માનસિકતા વિશે પણ વાત કરી જે નવીન નીતિઓ દ્વારા આગળ વધારાઇ છે. તેમણે નવાં ક્ષેત્રો ખોલીને દેશની પ્રતિભા અને યુવાનોના ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો. “અમે નથી માનતા કે માત્ર સરકાર જ બધી સમસ્યાઓ ઉકેલી શકે છે. અમે રાષ્ટ્રનાં લોકો, રાષ્ટ્રના યુવાનોમાં વિશ્વાસ કરીએ છીએ. ઉદાહરણ તરીકે સ્ટાર્ટ-અપ ક્ષેત્ર લઈ લો. સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં વધારો થયો છે અને આ આપણા લોકોની તાકાત દર્શાવે છે”, તેમણે તાજેતરના સમયમાં ગુણવત્તાયુક્ત યુનિકોર્નના ઉદયને પણ પ્રકાશિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "અમે અમારા યુવાનો, સંપત્તિ સર્જકો અને ઉદ્યોગ સાહસિકોને ડરાવવાના અભિગમ સાથે સહમત નથી." 2014 પહેલાં માત્ર 500 સ્ટાર્ટઅપ્સ હતા. છેલ્લાં 7 વર્ષમાં 60 હજાર સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યાં છે અને ભારત યુનિકોર્નની સદી તરફ આગળ વધી રહ્યું છે. સ્ટાર્ટઅપના મામલે ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
તેમણે કહ્યું કે 'મેક ઈન ઈન્ડિયા'ની મજાક ઉડાવવી એ ભારતની ઉદ્યોગ સાહસિકતા, ભારતના યુવાનો અને મીડિયાના ઉદ્યોગની મજાક ઉડાવવા સમાન છે. તેમણે એમ પણ કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું એ સૌથી મોટી રાષ્ટ્રીય સેવામાંની એક છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં વૈશ્વિક સમસ્યાઓનું બહાનું આપીને ફુગાવાનો ખુલાસો કરવામાં આવતો હતો, જ્યારે ભારત આજે મુશ્કેલ વૈશ્વિક પરિસ્થિતિ છતાં તેના માટે કોઈ બહાનું કાઢ્યાં વિના ફૂગાવાની સામે બાથ ભીડી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "રાષ્ટ્ર, અમારા માટે જીવંત આત્મા છે, માત્ર સત્તા અથવા સરકારની વ્યવસ્થા નથી". તેમણે પુરાણો અને સુબ્રમણ્ય ભારતીનો ઉલ્લેખ કરીને ભારતની એક સર્વવ્યાપી વિભાવનાને સમજાવી હતી જ્યાં સમગ્ર ભારતને જીવંત આત્મા તરીકે ગણવામાં આવે છે. તેમણે તમિલનાડુના લોકો દ્વારા સીડીએ જનરલ બિપિન રાવતને આપવામાં આવેલ આદરને અખંડ ભારતની રાષ્ટ્રીય લાગણીના ઉદાહરણ તરીકે વર્ણવ્યો હતો.
પ્રધાનમંત્રી રાજકીય પક્ષો, નાગરિકો અને યુવાનોને અમૃત કાલના શુભ સમયગાળા દરમિયાન સકારાત્મક ભાવના સાથે યોગદાન આપવાનું આહ્વાન કરીને સમાપન કર્યું હતું.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1796414)
Visitor Counter : 247
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam