પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહિલાઓ માટેના રાષ્ટ્રીય આયોગના 30મા સ્થાપના દિવસ કાર્યક્રમને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું


“દેશનાં તમામ મહિલા આયોગોએ એમનો વ્યાપ વધારવો રહ્યો અને પોતાના રાજ્યોની મહિલાઓને નવી દિશા આપવી રહી”

“આત્મનિર્ભર ભારત અભિયાન મહિલાઓની ક્ષમતાઓને દેશના વિકાસ સાથે જોડી રહ્યું છે”

“2016 પછી ઊભરેલાં 60 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સમાં, 45 ટકા પાસે ઓછાંમાં ઓછાં એક મહિલા ડિરેક્ટર છે”
“2015થી, 185 મહિલાઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાયાં. આ વર્ષે વિવિધ શ્રેણીઓમાં પુરસ્કાર વિજેતાઓમાં 34 મહિલાઓ છે, આ એક વિક્રમ છે”

“આજે ભારત એવા દેશોમાં છે જ્યાં મહત્તમ માતૃત્વ રજાની જોગવાઇ છે”

“જ્યારે જ્યારે કોઇ પણ સરકારે મહિલાઓની સલામતીને અગ્રતા નથી આપી, મહિલાઓએ સત્તામાંથી એમની રવાનગીને સુનિશ્ચિત કરી છે”

Posted On: 31 JAN 2022 5:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગથી મહિલાઓ માટેનાં રાષ્ટ્રીય આયોગના 30મા સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનો થીમ, ‘શી ધ ચૅન્જ મેકર’ છે જેનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓને ઉજવવાનો છે. મહિલાઓ માટેના રાજ્ય આયોગો, રાજ્ય સરકારોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, યુનિવર્સિટી અને કૉલેજના શિક્ષણ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ, સ્વયંસેવી સંગઠનો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને વેપાર સંગઠનો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની; રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. મુંજપરા મહેન્દ્રભાઇ કાળુભાઇ અને શ્રીમતી દર્શના જરદોશ; મહિલાઓ માટે રાષ્ટ્રીય આયોગનાં ચેરપર્સન સુશ્રી રેખા શર્મા અને અન્યો આ અવસરે હાજર રહ્યાં હતાં.

સમારોહને સંબોધતા, પ્રધાનમંત્રીએ મહિલાઓ માટેના રાષ્ટ્રીય આયોગના 30મા સ્થાપના દિવસની શુભકામનાઓ આપી હતી. “30 વર્ષોનું સીમાચિહ્ન, પછી કોઇ વ્યક્તિનાં જીવનમાં હોય કે સંસ્થાનાં, એ બહુ મહત્વનું છે. આ નવી જવાબદારીઓ માટેનો અને નવી ઊર્જા સાથે આગળ વધવા માટેનો સમય છે”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે, બદલાતા ભારતમાં, મહિલાઓની ભૂમિકા સતત વિસ્તરી રહી છે. આથી, તેમણે કહ્યું હતું, મહિલાઓ માટેનાં રાષ્ટ્રીય આયોગનું વિસ્તરણ પણ તાતી જરૂરિયાત છે. દેશનાં તમામ મહિલા આયોગોએ એમનો વિસ્તાર વધારવો રહ્યો અને પોતાના રાજ્યોમાં મહિલાઓને નવી દિશા આપવી રહી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સદીઓથી, ભારતની તાકાત નાના સ્થાનિક ઉદ્યોગો કે એમએસએમઈઝ રહ્યાં છે. આ ઉદ્યોગોમાં, મહિલાઓની પુરુષો જેવી જ સમાન ભૂમિકા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જૂની વિચારધારાએ મહિલાઓને અને એમની કુશળતાને ઘરેલુ કામ સુધી મર્યાદિત રાખી. દેશનાં અર્થતંત્રને આગળ વધારવા આ જૂની વિચારધારાને બદલવી આવશ્યક છે. મેક ઇન ઇન્ડિયા આજે આ કરી રહ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન મહિલાઓની ક્ષમતાને દેશના વિકાસ સાથે જોડી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. આ પરિવર્તન દ્રશ્યમાન છે કેમ કે મુદ્રા યોજનાનાં આશરે 70 ટકા લાભાર્થીઓ મહિલાઓ છે. છેલ્લાં 6-7 વર્ષોમાં દેશે મહિલા સ્વ-સહાય જૂથોની સંખ્યામાં ત્રણ ગણો વધારો જોયો છે. એવી જ રીતે, 2016 પછી ઊભરેલાં 60 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સમાં, 45 ટકા પાસે ઓછાંમાં ઓછાં એક મહિલા ડિરેક્ટર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નૂતન ભારતના વૃદ્ધિ ચક્રમાં મહિલાઓની સહભાગિતા અથાક રીતે વધી રહી છે. મહિલાઓના આયોગોએ સમાજના ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓની આ ભૂમિકાને મહત્તમ સ્વીકૃતિ આપવા અને પ્રોત્સાહિત કરવા કામ કરવું જોઇએ. પ્રધાનમંત્રીએ માહિતી આપી જે 2015થી. 185 મહિલાઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ વર્ષે પણ, વિવિધ શ્રેણીઓમાં, પુરસ્કાર વિજેતાઓમાં, 34 મહિલાઓ છે. આ એક વિક્રમ છે કેમ કે મહિલાઓને આટલા પુરસ્કારો અભૂતપૂર્વ છે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે છેલ્લાં 7 વર્ષોમાં, દેશની નીતિઓ મહિલાઓ પ્રતિ વધારે સંવેદનશીલ બની છે. આજે ભારત એવા દેશોમાં છે જ્યાં મહત્તમ માતૃત્વ રજાની જોગવાઇ છે. નાની વયે લગ્ન દીકરીઓનાં શિક્ષણ અને કારકિર્દીને રૂંધે નહીં એ માટે દીકરીઓનાં લગ્નની વય વધારી 21 વર્ષો કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ સશક્તીકરણથી ગ્રામીણ મહિલાઓનાં ઐતિહાસિક અંતર વિશે પણ વાત કરી હતી. તેમણે પગલાંઓની યાદી આપી જેવાં કે 9 કરોડ ગેસ જોડાણો અને શૌચાલયો. પીએમ આવાસ યોજનાનાં પાકાં ઘરો ઘરની મહિલાનાં નામે, ગર્ભાવસ્થા દરમ્યાન મદદ, જન ધન ખાતાં જે આ મહિલાઓને બદલાતા ભારતનો અને મહિલા સશક્તીકરણનો ચહેરો બનાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે મહિલાઓ સંકલ્પ લે છે, ત્યારે તેઓ એ માટેની દિશા માત્ર સ્થાપે છે. એટલે જ, જ્યારે જ્યારે કોઇ સરકાર મહિલાઓની સલામતીને અગ્રતા નથી આપતી, મહિલાઓને સત્તાસ્થાનેથી એમની વિદાય સુનિશ્ચિત કરી છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે સરકાર મહિલાઓ સામેના ગુના માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે કામ કરી રહી છે. આ બાબતે કડક કાયદાઓ છે જેમાં બળાત્કારના જઘન્ય અપરાધ માટે મોતની સજા સામેલ છે. ફાસ્ટ ટ્રેક અદાલતો છે અને પોલીસ મથકોમાં વધુ મહિલા હેલ્પ ડેક્સ, 24 કલાક હેલ્પ લાઇન, સાયબર ગુનાઓને પહોંચી વળવા પોર્ટલ જેવાં પગલાંઓ લેવાયાં છે.

SD/GP/JD



(Release ID: 1794022) Visitor Counter : 1227