પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહત્વની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે પ્રધાનમંત્રીએ વિવિધ જિલ્લાઓના ડીએમ સાથે વાતચીત કરી
“જ્યારે બીજાની આકાંક્ષાઓ તમારી બની જાય અને અન્યોનાં સપનાં પૂરાં કરવાનું તમારી સફળતાને માપવાનું માપદંડ બની જાય ત્યારે એ કર્તવ્ય પથ ઈતિહાસ રચે છે”
“આજે આકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિના અવરોધો સમાપ્ત કરી રહ્યા છે. તેઓ ગતિરોધક બનવાને બદલે ગતિવર્ધક બની રહ્યા છે”
“ આજે, આઝાદીના અમૃત કાળ દરમ્યાન, દેશનું લક્ષ્ય સેવા અને સુવિધાઓની 100 ટકા સંતૃપ્તિ હાંસલ કરવાનું છે”
“ડિજિટલ ઇન્ડિયાના સ્વરૂપમાં દેશ એક મૂક ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. આમાં કોઇ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ”
Posted On:
22 JAN 2022 1:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહત્વની સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિવિધ જિલ્લાઓના ડીએમ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી.
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.
નીતિ આયોગના સીઈઓએ આકાંક્ષી જિલ્લા કાર્યક્રમની પ્રગતિ અને અમલીકરણની રૂપરેખા આપી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે આ કાર્યક્રમે ટીમ ઇન્ડિયાની ભાવના દ્વારા ચાલિત સ્પર્ધાત્મક અને સહકારી સમવાયી તંત્રનો લાભ લીધો છે. આ પ્રયાસો આ જિલ્લાઓ દરેક માપદંડમાં નોંધપાત્ર રીતે સારો દેખાવ કરવામાં પરિણમ્યા છે, આ એ હકીકત છે જેને વૈશ્વિક નિષ્ણાતોએ પણ સ્વતંત્ર રીતે સ્વીકારી છે. બિહારના બાંકાથી સ્માર્ટ ક્લાસરૂમની પહેલ; ઓડિશાના કોરાપુટમાં બાળ લગ્ન અટકાવવા મિશન અપરાજિતા ઈત્યાદિ જેવી શ્રેષ્ઠ પદ્ધતિઓ અન્ય જિલ્લાઓએ પણ અમલી કરી છે. જિલ્લાઓના દેખાવ અને એની સામે જિલ્લાના મહત્વના અધિકારીઓના કાર્યકાળની સ્થિરતાનું વિશ્લેષણ પણ રજૂ કરવામાં આવ્યું હતું.
આકાંક્ષી જિલ્લાઓમાં થયેલા કેન્દ્રીત કામને અનુરૂપ, પસંદ કરાયેલા 142 જિલ્લાઓને આગળ લાવવાનાં મિશન અંગે ગ્રામીણ વિકાસ સચિવે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય આ ઓળખી કઢાયેલા જિલ્લાઓની ઉન્નતિ માટે વિકાસ નથી થયો એવા ક્ષેત્રોના સમાધાન માટે ભેગાં મળી કામ કરશે. 15 મંત્રાલયો અને વિભાગોને લગતા 15 ક્ષેત્રો ઓળખી કાઢવામાં આવ્યા છે. આ ક્ષેત્રોમાં, ચાવીરૂપ દેખાવ સૂચકો- કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ (કેપીઆઇ) ઓળખી કાઢવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પસંદગી પામેલા જિલ્લાઓમાં કેપીઆઇ આગામી એક વર્ષમાં રાજ્યની સરેરાશને વટાવી જાય અને તેઓ બે વર્ષમાં રાષ્ટ્રીય સરેરાશની સમકક્ષ આવી જાય. દરેક સંબંધિત મંત્રાલય/વિભાગે એના કેપીઆઇની શ્રેણીઓ ઓળખી કાઢી છે, એના આધારે જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ તમામ હિતધારકો સાથે એક કેન્દ્રબિંદુએ આવીને આ જિલ્લાઓમાં મિશન મોડ પર વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની સંતૃપ્તિ હાંસલ કરવાનો છે. વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવોએ તેમનાં મંત્રાલયો કેવી રીતે આ લક્ષ્યાંકો સિદ્ધ કરવા આગળ વધશે એના વિશેની કાર્ય યોજનાની રૂપરેખા રજૂ કરી હતી.
અધિકારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે જ્યારે અન્યોની આકાંક્ષાઓ તમારી બની જાય, જ્યારે અન્યોનાં સપનાંને પૂરાં કરવાનું તમારી સફળતાને માપવાનો માપદંડ બની જાય છે ત્યારે કર્તવ્ય પથ ઈતિહાસ રચે છે. આજે આપણે આ ઈતિહાસ દેશના આકાંક્ષી જિલ્લાઓમાં બનતો જોઇ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે વિવિધ પરિબળો એક સ્થિતિ તરફ દોરી ગયાં હતાં જ્યાં, આકાંક્ષી જિલ્લાઓ, ભૂતકાળમાં પાછળ રહેવા માંડ્યા. સાકલ્યવાદી વિકાસને સુગમ બનાવવા, આકાંક્ષી જિલ્લાઓ માટે વિશેષ રીતે હાથ પકડવાનું કરવામાં આવ્યું. હવે પરિસ્થિતિ બદલી છે, કેમ કે આજે, આકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિના અવરોધોને સમાપ્ત કરી રહ્યા છે. આકાંક્ષી જિલ્લાઓ ગતિરોધક બનવાને બદલે ગતિવર્ધક બની રહ્યા છે. આકાંક્ષી જિલ્લાઓમાં અભિયાનને લીધે થયેલાં વિસ્તરણ અને રિડિઝાઇનિંગ પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. આનાથી સમવાયી ભાવના અને બંધારણની સંસ્કૃતિને નક્કર સ્વરૂપ મળ્યું છે, જેનો આધાર છે કેન્દ્ર-રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રનું ટીમ વર્ક, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આકાંક્ષી જિલ્લાઓમાં વિકાસ માટે, વહીવટીતંત્ર અને લોકો વચ્ચે સીધું અને લાગણીશીલ જોડાણ બહુ જ અગત્યનું છે. એક પ્રકારે શાસનનો ‘ટોચેથી તળિયે’ અને ‘તળિયેથી ટોચે’નો પ્રવાહ. આ અભિયાનનું મહત્વનું પાસું ટેકનોલોજી અને નવીનીકરણ છે, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ એવા જિલ્લાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યાં કુપોષણ, સ્વચ્છ પીવાનાં પાણી અને રસીકરણ જેવાં ક્ષેત્રોમાં ટેકનોલોજી અને નવીનીકરણના ઉપયોગથી ઉત્કૃષ્ટ પરિણામો મેળવાયાં છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આકાંક્ષી જિલ્લાઓમાં દેશની સફળતા માટેનું મુખ્ય કારણ એક કેન્દ્રબિંદુ તરફ આવવું એ છે. તમામ સંસાધનો એ જ છે, સરકારી વ્યવસ્થા પણ એ જ છે, અધિકારીઓ પણ એ જ છે પરંતુ પરિણામો અલગ છે. સમગ્ર જિલ્લાને એક એકમ તરીકે જોવાથી અધિકારી પોતાના પ્રયાસોની ગંભીરતા અનુભવી શકે છે અને જીવનના હેતુની સંવેદના આપે છે અને અર્થપૂર્ણ ફેરફાર લાવવાનો સંતોષ આપે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લાં 4 વર્ષો દરમ્યાન, જન-ધન ખાતાં લગભગ દરેક આકાંક્ષી જિલ્લામાં 4-5 ગણા વધી ગયાં છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યું છે અને વીજળી દરેક ગામે પહોંચી છે. લોકોનાં જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર થયો છે, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મુશ્કેલ જીવનનાં કારણે આકાંક્ષી જિલ્લાઓનાં લોકો વધારે સખત પરિશ્રમી, હિમ્મતવાન અને જોખમો લેવા સક્ષમ હોય છે અને આ શક્તિની ઓળખ થવી જોઇએ.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આકાંક્ષી જિલ્લાઓએ એ સાબિત કરી આપ્યું છે કે અમલીકરણમાં વાડાઓ ખતમ થવાથી સંસાધનોનો મહત્તમ શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. તેમણે આ સુધારાનાં બહુગુણી લાભો પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે જ્યારે વાડાઓનો અંત આવે છે, 1+1 એ બે નથી થતાં, પણ 1+1, 11 થાય છે. આપણે આજે આકાંક્ષી જિલ્લામાં આ સામૂહિક શક્તિ જોઇએ છીએ, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. આકાંક્ષી જિલ્લાઓમાં શાસનના અભિગમ અંગે વિસ્તૃત છણાવટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પહેલાં તો લોકો સાથે એમની સમસ્યાઓ ઓળખવા વાત કરવામાં આવી. બીજું, આકાંક્ષી જિલ્લાઓમાં અનુભવના આધારે કાર્યશૈલીને સતત સુધારવામાં આવી અને માપી શકાય એવા સૂચકો, પ્રગતિની રિઅલ ટાઇમ ધોરણે દેખરેખ, જિલ્લાઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને સારા વિચારો-પદ્ધતિને અન્યત્ર અમલી કરવાને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. ત્રીજું, અધિકારીઓના સ્થિર કાર્યકાળ જેવા સુધારાઓથી અસરકારક ટુકડીઓની રચનાને પ્રોત્સાહિત કરવામાં આવી. આનાથી મર્યાદિત સંસાધનો સાથે પણ મોટાં પરિણામો મેળવવામાં મદદ મળી. પ્રધાનમંત્રીએ યોગ્ય અમલીકરણ અને દેખરેખ માટે ફિલ્ડ મુલાકાત, નિરીક્ષણ અને રાત્રિ રોકાણ માટેની વિગતે માર્ગદર્શિકા વિકસાવવા કહ્યું હતું.
પ્રધાનમંત્રી નૂતન ભારતની બદલાયેલી માનસિકતા તરફ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. તેમણે પ્રતિપાદિત કર્યું કે આજે, આઝાદીના અમૃત કાળ દરમ્યાન દેશનું લક્ષ્ય સેવાઓ અને સુવિધાઓમાં 100% સંતૃપ્તિ હાંસલ કરવાનું છે. એટલે, આપણે અત્યાર સુધીમાં જે સીમાચિહ્ન સિદ્ધ કર્યાં છે એની સરખામણીએ આપણે લાંબી મજલ કાપવાની છે અને ઘણાં મોટા વ્યાપે કામ કરવાનું છે. તેમણે જિલ્લાઓનાં તમામ ગામો સુધી રસ્તાઓ લઈ જવા, આયુષ્માન કાર્ડ્સ, બૅન્ક ખાતા દરેક જણ સુધી લઈ જવા, દરેકને માટે ઉજ્જવલા ગેસ જોડાણ, વીમો, પેન્શન, આવાસ માટે સમયબદ્ધ લક્ષ્યાંકો પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક જિલ્લા માટે બે વર્ષનાં વિઝન માટે અનુરોધ કર્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે દરેક જિલ્લો સામાન્ય લોકોની જીવન જીવવાની સુગમતાને સુધારવા આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનાં કાર્યો ઓળખી કાઢી શકે. એવી જ રીતે, આ ઐતિહાસિક યુગમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરવા માટે 5 કાર્યોને આઝાદી કા અમૃત મહોત્સવ સાથે જોડી શકાય.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ ડિજિટલ ઇન્ડિયાનાં સ્વરૂપમાં એક મૂક ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. આમાં કોઇ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ. તેમણે દરેક ગામમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચે અને સેવાઓ અને સુવિધાઓને ઘર આંગણે પહોંચાડવાનું માધ્યમ બને એની અગત્યતા પર ભાર મૂક્યો હતો, તેમણે નીતિ આયોગને જિલ્લા ડીએમ્સ વચ્ચે નિયમિત વાતચીતની પદ્ધતિ ઘડી કાઢવા કહ્યું હતું. કેન્દ્રીય મંત્રાલયોને આ જિલ્લાઓનાં પડકારોનું દસ્તાવેજીકરણ કરવા કહેવાયું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોએ 142 જિલ્લાઓની એક યાદી તૈયાર કરી છે જે વિકાસમાં એટલા બધા પાછળ નથી પણ એક કે બે માપડંદોમાં નબળા છે. પ્રધાનમંત્રીએ આકાંક્ષી જિલ્લાઓમાં જે રીતે કરવામાં આવ્યું એ જ સામૂહિક અભિગમ સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “તમામ સરકારો-ભારત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને સરકારી વ્યવસ્થા માટે એક નવો પડકાર-ચૅલેન્જ છે. હવે આપણે ભેગા મળીને આ પડકાર પૂરો કરવાનો છે” એમ શ્રી મોદીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ નાગરિક સેવકોને સેવાઓમાં એમના પ્રથમ દિવસને, એ પેશનને યાદ કરવાનો અનુરોધ કર્યો હતો અને દેશની સેવા કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એમને એ જ ભાવનાથી આગળ વધવા જણાવ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964