પ્રધાનમંત્રીનું કાર્યાલય
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની આખું વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
પ્રતિમાનું કામ પૂરું થાય ત્યાં સુધી નેતાજીની હૉલોગ્રામ પ્રતિમા એ જ સ્થળે હાજર રહેશે
પરાક્રમ દિવસે પ્રધાનમંત્રી ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે
2019થી 2022 માટેના સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારો પણ પ્રધાનમંત્રી એનાયત કરશે
Posted On:
21 JAN 2022 6:34PM by PIB Ahmedabad
મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી ઉજવવા અને આખું વર્ષ ચાલનારી ઉજવણીઓના ભાગરૂપે, સરકારે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. ગ્રેનાઇટથી બનેલી આ પ્રતિમા આપણી સ્વતંત્રતાની લડાઈમાં નેતાજીનાં અપાર યોગદાનની ઉચિત બિરદાવલી હશે અને તેમના પ્રતિ દેશની કૃતજ્ઞતાનું પ્રતીક હશે. પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી, નેતાજીની એક હૉલોગ્રામ પ્રતિમા એ જ સ્થળે વિદ્યમાન રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી જાન્યુઆરીએ સાંજે 6 કલાકે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરશે.
આ હૉલોગ્રામ પ્રતિમા 30,000 લૂમેન્સ 4કે પ્રોજેક્ટર દ્વારા સંચાલિત હશે. એક અદ્રશ્ય, હાઇ ગેઇન, 90% પારદર્શક હૉલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે ઊભી કરવામાં આવી છે કે એ મુલાકાતીઓને દેખાય નહીં. હૉલોગ્રામની અસર સર્જવા માટે આ સ્ક્રીન પર નેતાજીની 3ડી તસવીર પાડવામાં આવશે. હૉલોગ્રામ પ્રતિમાનું કદ ઊંચાઈમાં 28 ફિટ અને પહોળાઈમાં 6 ફિટનું રહેશે.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી વર્ષ 2019, 2020, 2021 અને 2022 માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારો પણ વિધિવત સમારોહમાં એનાયત કરશે. આ સમારોહ દરમ્યાન કુલ સાત પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
આપદા વ્યવસ્થાપનનાં ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા અપાયેલાં અમૂલ્ય યોગદાન અને નિ:સ્વાર્થ સેવાની કદર કરવા અને સન્માનિત કરવા માટે કેન્દ્ર સરકારે વાર્ષિક સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની રચના કરી છે. દર વર્ષે 23મી જાન્યુઆરીએ આ પુરસ્કાર જાહેર કરવામાં આવે છે. આ ઍવોર્ડમાં સંસ્થા હોય તો રૂ. 51 લાખ રોકડ પુરસ્કાર અને એક પ્રમાણપત્ર અને વ્યક્તિ હોય તો રૂ. 5 લાખ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
સ્વતંત્રતા સેનાનીઓને ઉચિત રીતે સન્માનિત કરવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. આ પ્રયાસોનું વિશેષ ધ્યાન દંતકથારૂપ સ્વતંત્રતા સેનાની અને સ્વપ્નદ્રષ્ટા નેતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ પર રહ્યું છે. આ બાબતે કેટલાંય પગલાં લેવામાં આવ્યાં છે, જેમાં એમની જન્મ જયંતીને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાતનો સમાવેશ થાય છે. આ ભાવનામાં, પ્રજાસત્તાક દિનની ઉજવણીઓ એક દિવસ વહેલી, 23મી જાન્યુઆરીથી શરૂ થશે.
SD/GP/JD
(Release ID: 1791640)
Visitor Counter : 774
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam