પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોવિડ-19ની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીઓ સાથે કરેલી ચર્ચાના અંતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
13 JAN 2022 7:50PM by PIB Ahmedabad
વર્ષ 2022ની આ પ્રથમ બેઠક છે. સૌથી પહેલાં તો હું આપ સૌને લોહરી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મકર સંક્રાંતિ, પોંગલ, ભોગલી બીહુ, ઉતરાયણ અને પોષ પર્વ માટે પણ તમને આગોતરી શુભેચ્છા પાઠવું છું. 100 વર્ષની આ સૌથી મોટી મહામારી સામે ભારતની લડત હવે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. પરિશ્રમ આપણો એક માત્ર માર્ગ છે અને વિજય એ એક માત્ર વિકલ્પ છે. 130 કરોડ ભારતવાસીઓના ખુદના પ્રયાસોથી આપણે કોરોના સામેની લડત જીતીને જરૂર બહાર આવીશું. અને મેં તમારા પાસેથી જે વાતો સાંભળી તેમાં પણ મને આવો જ વિશ્વાસ દેખાઈ રહ્યો હતો. હમણાં ઓમિક્રોન સ્વરૂપે જે નવો પડકાર આવ્યો છે, જે રીતે કેસની સંખ્યા વધી રહી છે તે અંગે આરોગ્ય સચિવ તરફથી તમને વિસ્તારપૂર્વક જાણકારી પૂરી પાડવામાં આવી છે. અમિત શાહજીએ પણ શરૂઆતમાં કેટલીક વાતો તમારી સમક્ષ મૂકી છે. આજે અનેક મુખ્યમંત્રી સમુદાય તરફથી પણ અને તે પણ ભારતના અલગ અલગ ખૂણેથી ઘણી મહત્વપૂર્ણ બાબતો આપણી સમક્ષ આવી છે.
સાથીઓ,
ઓમિક્રોન બાબતે અગાઉ જે સંશયની સ્થિતિ હતી તે હવે ધીરે ધીરે સ્પષ્ટ થતી જાય છે. અગાઉ જે વેરિયન્ટ હતા તેની તુલનામાં અનેક ગણી વધુ ઝડપથી ઓમિક્રોન વેરિયન્ટ સામાન્ય લોકોને સંક્રમિત કરી રહ્યો છે. અમેરિકા જેવા દેશમાં એક દિવસમાં 14 લાખ સુધી નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં આપણાં વૈજ્ઞાનિક અને આરોગ્ય નિષ્ણાતો દરેક સ્થિતિ અને આંકડાઓ ઉપર સતત અભ્યાસ કરી રહ્યા છે. એ બાબત સ્પષ્ટ છે કે આપણે સતર્ક રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, પરંતુ અત્યંત ગભરાટની સ્થિતિ ના આવે તે અંગે પણ આપણે ધ્યાન રાખવું પડશે. આપણે એ પણ જોવાનું રહેશે કે તહેવારોની આ મોસમમાં લોકોની અને શાસનની સતર્કતા ક્યાંય ઓછી ના પડે. અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જે રીતે પૂર્વ ધારણાથી, સક્રિય રીતે અને સામુહિકપણે જે અભિગમ અપનાવ્યો હતો તે આ વખતની જીત માટેનો પણ મંત્ર છે. આપણે કોરોનાના સંક્રમણને જેટલું મર્યાદિત રાખી શકીશું, તેટલી જ પરેશાની ઓછી થશે. આપણે જાગૃતિના મોરચે વિજ્ઞાન આધારિત માહિતી ઉપર ભાર મૂકવાની સાથે સાથે આપણી તબીબી માળખાકીય સુવિધાઓ અને તબીબી માનવબળ પણ વધારવું પડશે.
સાથીઓ,
દુનિયાના મોટાભાગના નિષ્ણાતોનું એવુ કહેવુ છે કે વેરિયન્ટ ભલે કોઈપણ હોય, કોરાના સામે લડવાનું સૌથી સચોટ હથિયાર રસી જ છે. ભારતમાં બનેલી રસી તો દુનિયાભરમાં પોતાની શ્રેષ્ઠતા પૂરવાર કરી ચૂકી છે, એ દરેક ભારતીય માટે ગર્વનો વિષય છે કે આજે ભારત પુખ્તવયની લગભગ 92 ટકા વસતિને પ્રથમ ડોઝ આપી ચૂક્યું છે. દેશમાં બીજા ડોઝનો વ્યાપ પણ 70 ટકાની આસપાસ પહોંચી ચૂક્યો છે અને આપણાં રસીકરણ અભિયાનને એક વર્ષ પૂરૂ થવામાં હજુ ત્રણ દિવસ બાકી છે. છેલ્લા 10 દિવસની અંદર ભારતે આશરે પોતાના 3 કરોડો કિશોરોનું રસીકરણ કર્યું છે તે ભારતનું સામર્થ્ય બતાવે છે અને આ પડકારને પાર પાડવા માટેની આપણી તૈયારી પણ દર્શાવે છે. આજે રાજ્યો પાસે પૂરતી માત્રામાં રસી ઉપલબ્ધ છે. ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશન ડોઝ જેટલો વહેલો લગાવવામાં આવશે તેટલું જ આપણી આરોગ્ય વ્યવસ્થાનું સામર્થ્ય વધશે. 100 ટકા રસીકરણ માટે આપણે હર ઘર દસ્તક અભિયાનને પણ ઝડપી બનાવવાનું છે. હું આજે આપણાં એ હેલ્થકેર વર્કર્સ, આપણી આશા બહેનોને પણ અભિનંદન પાઠવું છું કે જેમણે મોસમની કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ રસીકરણ અભિયાનને ઝડપી બનાવવામાં લાગી ગયા હતા.
સાથીઓ,
રસીકરણ અંગે કોઈપણ પ્રકારનો ભ્રમ ફેલાવવાની કોઈ પણ કોશિશને આપણે ટકવા દેવાની નથી. ઘણી વખત આપણને એવું સાંભળવા મળે છે કે રસી લગાવવા છતાં પણ સંક્રમણ થઈ રહ્યું છે તો શું ફાયદો? માસ્ક અંગે પણ આવી જ અફવાઓ ઉડતી રહે છે કે તેનાથી લાભ થતો નથી. આવી અફવાઓનો સામનો કરવાનું ખૂબ જ જરૂરી છે.
સાથીઓ,
કોરોના સામેની આ લડાઈમાં આપણે એક બાબત ઉપર ઘણું ધ્યાન આપવાનું છે. હવે આપણી પાસે કોરોના સામેની લડાઈનો બે વર્ષનો અનુભવ છે અને દેશવ્યાપી તૈયારી પણ છે. સામાન્ય લોકોની આજીવિકા અને આર્થિક ગતિવિધીઓને ઓછામાં ઓછું નુકશાન થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. અર્થવ્યવસ્થાની ગતિ જળવાઈ રહે તે રીતે રણનીતિ ઘડતી વખતે આ બાબતો અંગે ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. અને એટલા માટે સ્થાનિક કન્ટેન્મેન્ટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું બહેતર બની રહેશે. જ્યાંથી વધુ કેસ આવી રહ્યા હોય ત્યાં વધુને વધુ ઝડપથી ટેસ્ટીંગ કરવામાં આવે તેની ખાત્રી રાખવી પણ એટલી જ આવશ્યક છે. આ ઉપરાંત આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે હોમ આઈસોલેશનમાં પણ વધુમાં વધુ લોકોની સારવાર થઈ શકે અને તે માટે હોમ આઈસોલેશન સાથે જોડાયેલી માર્ગરેખાઓને, પ્રોટોકોલને અનુસરવાનું છે અને પરિસ્થિતિ અનુસાર તેમાં સુધારો કરવાનું પણ ખૂબ જ જરૂરી છે. હોમ આઈસોલેશન દરમ્યાન ટ્રેકીંગ અને સારવારની વ્યવસ્થા જેટલી બહેતર હશે તેટલી જ હોસ્પિટલમાં જવાની જરૂર ઓછી પડશે. સંક્રમણનો ખ્યાલ આવતાં જ લોકો સૌથી પહેલાં કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરે છે એટલા માટે આવશ્યક પ્રતિભાવ મળે અને તે પછી દર્દીનું સતત ટ્રેકીંગ તેનો આત્મવિશ્વાસ વધારવામાં ઘણી મદદ કરે છે.
મને ઘણી ખુશી છે કે અનેક રાજ્ય સરકારો આ દિશામાં ખૂબ સારી રીતે નવા નવા અને ઈનોવેટીવ પ્રયાસો પણ કરી રહી છે, પ્રયોગ પણ કરી રહી છે. કેન્દ્ર સરકારે ટેલિ-મેડિસીન અંગે પણ ઘણી સુવિધાઓ વિકસીત કરી છે. તેનો વધુને વધુ ઉપયોગ થાય તો કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઘણી મદદ મળશે. એટલે સુધી કે જરૂરી દવાઓ અને જરૂરી માળખાગત સુવિધાઓની વાત છે તો તે માટે કેન્દ્ર સરકાર દર વખતની જેમ દરેક રાજ્યની પડખે ઉભી છે. પાંચથી 6 મહિના પહેલાં રૂ.23 હજાર કરોડનું એક વિશેષ પેકેજ આપવામાં આવ્યું હતું તેનો સદુપયોગ કરીને અનેક રાજ્યોએ આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓને મજબૂત બનાવી છે. આ નિર્ણય હેઠળ સમગ્ર દેશમાં મેડીકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોમાં 800થી વધુ પિડિયાટ્રિક કેર યુનિટને મંજૂરી આપવામાં આવી છે. આશરે દોઢ લાખ નવા ઓક્સિજન, આઈસીયુ અને એચડીયુ બેડઝ તૈયાર કરવામાં આવ્યા છે. 5000થી વધુ ખાસ એમ્બ્યુલન્સ અને 950થી વધુ લિક્વીડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટેન્કની ક્ષમતા પણ ઉમેરવામાં આવી છે. ઈમર્જન્સી માળખાકિય સુવિધાઓની ક્ષમતા વધારવા માટે આવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આપણે આ માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ કરતાં રહેવાનું છે.
કોરોનાને હરાવવા માટે આપણે પોતાની તૈયારીઓને કોરોનાના દરેક વેરિયન્ટથી આગળ રાખવાની છે. ઓમિક્રોન સાથે કામ પાર પાડવાની સાથે સાથે આપણે આવનારા કોઈપણ સંભવિત વેરિયન્ટ માટે પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાની છે. મને વિશ્વાસ છે કે આપણાં સૌના પરસ્પરના સહયોગ, એક સરકારનો બીજી સરકાર સાથે સમન્વય, કોરોના સામેની લડતમાં દેશને એવી જ તાકાત પૂરી પાડતો રહેશે. એક વાત આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણાં દેશમાં દરેક ઘરમાં એવી પરંપરા છે કે જે આયુર્વેદિક ચીજો છે અને જે ઉકાળો વગેરે પીવાની પરંપરા છે તે આ સિઝનમાં ખૂબ ઉપયોગી બની રહેશે. તેને કોઈ દવા તરીકે ઓળખતું નથી, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને હું તો દેશવાસીઓને પણ આગ્રહ કરૂં છું કે આપણી જે પરંપરાગત ઘરગથ્થુ ચીજો છે તેનાથી આવા સમયમાં ઘણી મદદ મળે છે. આપણે આ બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
સાથીઓ,
આપ સૌએ સમય કાઢ્યો, આપણે પરસ્પરની ચિંતાઓ વ્યક્ત કરી અને આપણે સૌએ સાથે મળીને સંકટ ગમે તેટલું મોટું હોય તો પણ આપણી તૈયારીઓ, સામનો કરવાનો આપણો વિશ્વાસ અને વિજયી બનવાનો સંકલ્પ દરેકની વાતોમાં દેખાઈ રહ્યો છે અને આપણે સામાન્ય નાગરિકને પણ આવો જ વિશ્વાસ પૂરો પાડવાનો છે અને સામાન્ય નાગરિકોના સહયોગથી આપણે આ પરિસ્થિતિને પણ સફળતા સાથે પાર કરીશું. આપ સૌએ સમય કાઢ્યો તે માટે હું હૃદયપૂર્વક તમારા સૌનો આભાર વ્યક્ત કરૂં છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964