પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 12મી જાન્યુઆરીએ તમિલનાડુમાં 11 નવી મેડિકલ કોલેજ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે


નવી મેડિકલ કોલેજોથી એમબીબીએસની બેઠકો 1450 સુધી વધારશે - પ્રધાનમંત્રીના સમગ્ર દેશમાં પોસાય તેવા તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય માળખામાં સુધારો કરવાના સતત પ્રયાસને અનુરૂપ

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ક્લાસિકલ તમિલનું નવું કેમ્પસ - કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું - શાસ્ત્રીય તમિલ ભાષાના સંરક્ષણ અને પ્રચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

ભારતીય વારસાના રક્ષણ અને જાળવણી અને શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ

Posted On: 10 JAN 2022 12:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમગ્ર તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઈમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના નવા કેમ્પસનું 12મી જાન્યુઆરી, 2022ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે.

આશરે રૂ. 4000 કરોડના અંદાજિત ખર્ચે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાંથી આશરે રૂ. 2145 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીની રકમ તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવી છે. જે જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે તેમાં વિરુધુનગર, નમક્કલ, ધ નીલગિરિસ, તિરુપુર, તિરુવલ્લુર, નાગપટ્ટિનમ, ડિંડીગુલ, કલ્લાકુરિચી, અરિયાલુર, રામનાથપુરમ અને કૃષ્ણાગિરીનો સમાવેશ થાય છે. આ મેડિકલ કોલેજોની સ્થાપના દેશના તમામ ભાગોમાં પોષણક્ષમ તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય માળખામાં સુધારો કરવાના પ્રધાનમંત્રીના સતત પ્રયાસોને અનુરૂપ છે. 1450 બેઠકોની સંચિત ક્ષમતા ધરાવતી નવી મેડિકલ કોલેજોની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના હેઠળ હાલની જિલ્લા/રેફરલ હોસ્પિટલ સાથે જોડાયેલ નવી મેડિકલ કોલેજોની સ્થાપનાહેઠળ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ, એવા જિલ્લાઓમાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવે છે, જ્યાં સરકારી કે ખાનગી મેડિકલ કોલેજ નથી.

ચેન્નાઈમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલ (CICT)ના નવા કેમ્પસની સ્થાપના ભારતીય વારસાના રક્ષણ અને જાળવણી અને શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે. નવું કેમ્પસ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે અને તે રૂ. 24 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. CICT, જે અત્યાર સુધી ભાડાના મકાનમાં કાર્યરત હતું, તે હવે નવા 3 માળના કેમ્પસમાં કાર્યરત થશે. નવું કેમ્પસ એક વિશાળ પુસ્તકાલય, ઈ-લાઈબ્રેરી, સેમિનાર હોલ અને મલ્ટીમીડિયા હોલથી સજ્જ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, CICT તમિલ ભાષાની પ્રાચીનતા અને વિશિષ્ટતા સ્થાપિત કરવા સંશોધન પ્રવૃત્તિઓ કરીને શાસ્ત્રીય તમિલના પ્રચારમાં યોગદાન આપી રહી છે. સંસ્થાના પુસ્તકાલયમાં 45,000 થી વધુ પ્રાચીન તમિલ પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ છે. શાસ્ત્રીય તમિલને પ્રોત્સાહન આપવા અને તેના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે, સંસ્થા સેમિનાર અને તાલીમ કાર્યક્રમો યોજવા, ફેલોશિપ આપવા વગેરે જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તેનો હેતુ વિવિધ ભારતીય તેમજ 100 વિદેશી ભાષાઓમાં થિરુક્કુરલનો અનુવાદ અને પ્રકાશિત કરવાનો પણ છે. નવું કેમ્પસ વિશ્વભરમાં શાસ્ત્રીય તમિલને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં સંસ્થાને કાર્યક્ષમ વાતાવરણ પૂરું પાડશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1788881) Visitor Counter : 238