પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અગરતલામાં મહારાજા બીર બિક્રમ હવાઇમથકે નવનિર્મિત સંકલિત ટર્મનિલ ભવનનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રીએ ત્રિપુરાના અગરતલામાં વિકાસની બે મુખ્ય પહેલનો પ્રારંભ કર્યો

“ત્રિપુરા HIRA મોડલના આધારે તેની કનેક્ટિવિટીને મજબૂત બનાવી રહ્યું છે અને વિસ્તરણ કરી રહ્યું છે”

“માર્ગ, રેલવે, હવાઇ અને જળમાર્ગે કનેક્ટિવિટીની માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ રોકાણ ત્રિપુરાને નવા વ્યાવસાયિક અને ઔદ્યોગિક હબમાં તેમજ વેપાર કોરિડોરમાં રૂપાંતરિત કરી રહ્યું છે”

“ડબલ એન્જિનની સરકાર મતલબ સંસાધનોનો યોગ્ય ઉપયોગ, મતલબ કે સંવેદનશીલતા અને લોકોની શક્તિને મળતો પ્રવેગ, મતલબ કે સેવા અને સંકલ્પોની સિદ્ધિ અને સમૃદ્ધિની દિશામાં સંયુક્ત પ્રયાસ”

Posted On: 04 JAN 2022 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રિપુરામાં મહારાજા બીર બિક્રમ (MBB) હવાઇમથક ખાતે નવનિર્મિત સંકલિત ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના તેમજ વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટ મિશન 100 જેવી મહત્વપૂર્ણ પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ત્રિપુરાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી બિપ્લબ દેવ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રીમતી પ્રતિમા ભૌમિક સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીનું ભારત સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે સૌને સાથે લઇને આગળ વધશે. એવો અસંતુલિત વિકાસ કે જેમાં રાજ્યો પાછળ રહી જાય અને લોકો મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રહે તે સારી બાબત નથી. તેમણે ઉમેર્યું હતું કે, ત્રિપુરાના લોકોએ દાયકાઓ સુધી આ પરિસ્થિતિ જોઇ છે. શ્રી મોદીએ અપાર ભ્રષ્ટાચાર અને કોઇપણ પ્રકારની દૂરંદેશી વગરની અગાઉની સરકારોનો એ સમય યાદ કર્યો હતો જેમાં તેઓ રાજ્યમાં વિકાસ કરવાનો કોઇ ઇરાદો જ રાખતા નહોતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિ પછી વર્તમાન સમયમાં સત્તારૂઢ થયેલી સરકાર ત્રિપુરામાં કનેક્ટિવિટી સુધારવા માટે HIRA એટલે કે - H થી હાઇવે, I થી ઇન્ટરનેટ માર્ગ, R થી રેલ્વે અને A થી એરવેઝના મંત્ર સાથે આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ત્રિપુરા HIRA મોડલના આધારે તેની કનેક્ટિવિટીને વધુ મજબૂત કરી રહ્યું છે અને તેમાં વિસ્તરણ કરી રહ્યું છે.

નવા હવાઇમથક અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવાઇમથકમાં ત્રિપુરાની સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને આધુનિક સુવિધાઓનો સમન્વય છે. આ હવાઇમથક પૂર્વોત્તરમાં હવાઇ કનેક્ટિવિટી વધારે ઉન્નત કરવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે. પ્રધાનમંત્રીએ ટાંક્યુ હતું કે, ત્રિપુરાને પૂર્વોત્તરનો ગેટવે બનાવવા માટે અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. જમીન માર્ગો, રેલવે, હવાઇ અને જળમાર્ગો દ્વારા કનેક્ટિવિટીની માળખાકીય સુવિધાઓમાં અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ રોકાણ ત્રિપુરાને નવા વ્યાવસાયિક અને ઔદ્યોગિક હબમાં તેમજ વેપારના કોરિડોરમાં રૂપાંતરિત કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ડબલ એન્જિનની સરકાર બમણા વેગ સાથે વિકાસના કાર્યોને આગળ વધારે ત્યારે તેનો કોઇ જોટો મળતો નથી. ડબલ એન્જિનની સરકાર મતલબ સંસાધનોનો યોગ્ય ઉપયોગ, મતલબ કે સંવેદનશીલતા અને લોકોની શક્તિને મળતો પ્રવેગ, મતલબ કે સેવા અને સંકલ્પોની સિદ્ધિ અને સમૃદ્ધિની દિશામાં સંયુક્ત પ્રયાસ.

લોકોના કલ્યાણ માટે કલ્યાણકારી યોજનાઓ લાવવામાં ત્રિપુરાના રેકોર્ડની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યમાં મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાનો પ્રારંભ કરવા બદલ રાજ્યના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ યોજનાનો ઉદ્દેશ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી લોકો સુધી યોજનાઓ લઇ જવાની અને તેના પૂર્ણ સ્તર સુધી કવરેજની વ્યાપકતા વધારવાની જે દૂરંદેશીની વાત કરતી હતી તેને પરિપૂર્ણ કરવાનો છે. આ યોજના દરેક ઘર માટે નળ દ્વારા પાણીનો પૂરવઠો, આવાસ, આયુષમાન કવરેજ, વીમા કવચ, KCC અને રસ્તાઓને પ્રોત્સાહન આપશે જેનાથી ગ્રામીણ વસ્તીમાં આત્મવિશ્વાસ વધશે. પ્રધાનમંત્રીએ PMAY ના કવરેજમાં સુધારો કરવા માટે પરિભાષાઓમાં ફેરફાર કરવા માટે મુખ્યમંત્રીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમના આ પ્રયાસોના પરિણામે રાજ્યમાં 1.8 લાખ પરિવારોને પાકા મકાનો પ્રાપ્ત થયા છે જેમાંથી 50 હજાર મકાનોનો કબજો લોકોને આપી દેવાયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં જેઓ ભારતને આધુનિક બનાવી રહ્યા છે તે યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્થાનિક ભાષામાં શીખવવા પર પણ સમાન પ્રમાણમાં આગ્રહ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ત્રિપુરાના વિદ્યાર્થીઓ હવે મિશન-100 અને 'વિદ્યા જ્યોતિ' અભિયાન દ્વારા મદદ મેળવવા જઇ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 15થી 18 વર્ષ સુધીના વયજૂથમાં આવતા હોય તેમના રસીકરણના અભિયાનથી યુવાન વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઇપણ વિક્ષેપ ના આવે તે સુનિશ્ચિત થઇ શકશે. તેની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર થશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ત્રિપુરામાં 80 ટકા વસ્તીએ પ્રથમ રસીનો ડોઝ લઇ લીધો છે અને 65 ટકા લોકોએ રસીના બંને ડોઝ લઇ લીધા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ટૂંક સમયમાં ત્રિપુરામાં 15થી 18 વર્ષના વય જૂથના સંપૂર્ણ રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ત્રિપુરા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યોગ્ય વિકલ્પ આપવા બાબતે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. અહીં બનાવવામાં આવતી વાંસની સાવરણી, વાંસની બોટલના ઉત્પાદનો માટે દેશમાં એક વિશાળ બજાર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વાંસની વસ્તુઓના ઉત્પાદનમાં હજારો લોકોને રોજગારી કે સ્વરોજગારી પણ મળી રહી છે. તેમણે રાજ્યમાં ઓર્ગેનિક ખેતીમાં હાથ ધરવામાં આવેલી કામગીરીની પણ પ્રશંસા કરી હતી.

મહારાજા બીર બિક્રમ હવાઇમથકે નવા ઉદ્ઘાટન કરવામાં આવેલા સંકલિત ટર્મિનલ ભવનનું નિર્માણ અંદાજે રૂપિયા 450 કરોડના ખર્ચે થયું છે અને પોતાની રીતે અદ્યતન એવી આ ઇમારત 30,000 ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તે આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને અદ્યતન IT નેટવર્ક એકીકૃત સિસ્ટમથી સમર્થિત છે. વિદ્યાજ્યોતિ શાળાઓનો પ્રોજેક્ટ મિશન 100નો ઉદ્દેશ રાજ્યમાં હાલની 100 ઉચ્ચ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અદ્યતન સુવિધાઓ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ દ્વારા વિદ્યાજ્યોતિ શાળાઓમાં રૂપાંતરિત કરીને શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ નર્સરીથી માંડીને ધોરણ XII સુધીના લગભગ 1.2 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે અને આવનારા ત્રણ વર્ષમાં તેમાં લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ રાજ્યમાં ગ્રામ્ય સ્તરે પાયાના વિકાસ ક્ષેત્રોમાં સેવાઓ પહોંચાડવા મામલે સીમાચિહ્નરૂપ ધોરણો પ્રાપ્ત કરવાનો છે. આ યોજના માટે પસંદ કરવામાં આવેલા મુખ્ય ક્ષેત્રોમાં લોકોના ઘર સુધી નળના જોડાણો, ઘરેલુ વીજળીના જોડાણો, તમામ પ્રકારના હવામાનમાં ઉપયોગમાં લઇ શકાય તેવા માર્ગો, દરેક ઘર માટે કાર્યરત શૌચાલયો, દરેક બાળક માટે ઇમ્યુનાઇઝેશનની ભલામણ, સ્વ સહાય સમૂહોમાં મહિલાઓની ભાગીદારી વગેરે સામેલ છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1787506) Visitor Counter : 268