સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કોવિડ-19 સામે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણ પ્રગતિની સમીક્ષા કરી



“અગાઉ આપણે કોવિડ સામે મજબૂત લડાઈ બતાવી છે અને આ અનુભવનો ઉપયોગ ઓમિક્રૉન વેરિઅન્ટ સામે પ્રયાસો પર ફરી ધ્યાન કેન્દ્રીત કરવામાં થવો જ જોઇએ”

મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વનાં અવરોધકોની ચર્ચા થઈ; રાજ્યોને ઈસીઆરપી-2 હેઠળ મંજૂર ફંડ્સનો વધુ સારો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો

રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને કો-વિનનો ઉપયોગ કરીને જિલ્લાવાર લાભાર્થીઓના અંદાજ દ્વારા રસીના ડૉઝની જરૂરિયાત જણાવવાની સલાહ અપાઇ

કોવિડ-19 સામેની આપણી સામૂહિક લડાઈ માટે ટેસ્ટ, ટ્રેક, ટ્રિટ, વેક્સિનેટ અને કોવિડ અનુરૂપ વર્તણૂક મંત્ર રહેશે

Posted On: 02 JAN 2022 2:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો સાથે વર્ચ્યુઅલી વાતચીત કરીને કોવિડ19 સામે જાહેર આરોગ્યની તૈયારીઓ અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મીટિંગ ઓમિક્રૉન વેરિઅન્ટના વધતા જતા કેસો અને 15-18 વર્ષના વયજૂથ માટે રસીકરણ શરૂ કરવાના તેમજ ઓળખી કાઢવામાં આવેલા જોખમપાત્ર વર્ગ માટે અગમચેતીના ડૉઝ આપવાના તાજેતરના નિર્ણયોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી. આ મીટિંગ કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ દ્વારા અધિકૃત કરાઇ હતી.

આ મીટિંગમાં જોડાયેલા રાજ્યોના આરોગ્ય મંત્રીઓમાં શ્રી એસ પેંગ્ન્યુ ફોમ (નાગાલેન્ડ), શ્રી એન કે દાસ (ઓડિશા), ડૉ. પ્રભુરામ ચૌધરી (મધ્ય પ્રદેશ), શ્રી મા સુબ્રહ્મણ્યમ (તમિલનાડુ), શ્રી કેશન મહંતા (આસામ), શ્રી અનિલ વીજ (હરિયાણા), શ્રી સત્યેન્દ્ર જૈન (દિલ્હી) શ્રી એલો લિબાંગ (અરૂણાચલ પ્રદેશ), શ્રી બન્ના ગુપ્તા (ઝારખંડ), શ્રી મંગલ પાંડે (બિહાર), શ્રી ટી. એસ. સિંહ દેવ (છત્તીસગઢ), સુશ્રી ચંદ્રિમા ભટ્ટાચાર્જી, રાજ્ય કક્ષાનાં આરોગ્ય મંત્રી, (પશ્ચિમ બંગાળ) અને અન્યનો સમાવેશ થતો હતો.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ શરૂઆતમાં જ નોંધ્યું હતું કે વૈશ્વિક રીતે દેશો અગાઉની પિક્સની સરખામણીએ કોવિડ-19 કેસોમાં 3-4 ગણો ઉછાળો અનુભવી રહ્યા છે. ઓમિક્રૉન વેરિઅન્ટ અત્યંત ચેપી હોઇ, કેસોમાં વધારે ઉછાળો મેડિકલ વ્યવસ્થાને કચડી નાખી શકે છે. આથી તેમણે રાજ્યોને સલાહ આપી હતી કે ઊંચા ઉછાળાને સંભાળી લેવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં કોઇ કચાશ રાખવામાં ન આવે જેથી કોવિડ-19નાં આ પ્રકરણમાંથી ભારત હેમખેમ બહાર આવી શકે.

ડૉ. માંડવિયાએ આ બાબતમાં કહ્યું હતું કે કોવિડ વેરિઅન્ટ ગમે તે હોય, તૈયારીઓ અને રક્ષણ માટેનાં પગલાં એ જ છે. તેમણે રાજ્યોને અનુરોધ કર્યો હતો કે તેઓ તેમની ટીમોને ગ્રાઉન્ડ સ્તરે કામ કરવા માટે અને દેખરેખ અને કન્ટેનમેન્ટ યંત્રણાઓને મજબૂત કરવામાં ફરી કામે લગાડે. ત્યારબાદ, કોવિડ વ્યવસ્થાપનનાં વિવિધ પાસાંઓ અંગે સર્વગ્રાહી અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા; ટેસ્ટિંગ વધારવા; સંક્રમણની સાંકળને તોડવા કડક નિયંત્રણનાં પગલાંઓનો સમાવેશ થાય છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ અવરોધ-સંકડામણની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મહામારી સામેની લડાઇમાં રાજ્યના વહીવટીતંત્રોએ જે સમર્પણ અને ધીરજ બતાવી છે અને સાથે સાથે લોકોનાં કલ્યાણને પણ સુનિશ્ચિત કર્યું છે એની પ્રશંસા કરતા ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું હતું, “આપણે અગાઉ કોવિડ સામે મજબૂત લડાઈ બતાવી છે અને આ અનુભવનો ઉપયોગ ઓમિક્રૉન વેરિઅન્ટ સામે પ્રયાસો પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવામાં થવો જ જોઇએ.” તેમણે હાલના ઉછાળાનાં સમાધાન માટે કન્ટેનમેન્ટનાં પગલાં પર નવેસરથી અને કડક રીતે ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સાથે કોવિડ અનુરૂપ વર્તણૂકને અનુસરવાની ચાલુ રહેલી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

 

રસીકરણ ઝુંબેશની નિર્ણાયક મહત્તા પર ભાર મૂકતા મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું કે, “આપણે 15-18 વર્ષનાં વયજૂથનાં રસીકરણ અને પાત્ર લાભાર્થીઓ માટે અગમચેતીના ડૉઝ બાબતે આયોજન પર આપણે ધ્યાન કેન્દ્રીત કરવું જ રહ્યું.” ડો. મનસુખ માંડવિયાએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા માટે પણ અનુરોધ કર્યો હતો કે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્રહરોળનાં કાર્યકરો જોખમપાત્ર વર્ગોમાંથી હોવાથી તેઓનું સંપૂર્ણ રસીકરણ થાય.

તમામ પાત્ર વયસ્કોના પહેલા ડૉઝનાં રસીકરણમાં 90 ટકાની રાષ્ટ્રીય સરેરાશ સિદ્ધ કરવામાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પ્રયાસોની પ્રશંસા કરતી વખતે તેમણે જે રાજ્યોની રસીકરણની પ્રગતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે એમને રસીકરણ અભિયાન વધારવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યોને એવી પણ સલાહ અપાઇ હતી કે રાષ્ટ્રીય રસીકરણ કવરેજને પહોંચી વળવા અને એનાથી આગળ વધવા માટે તેઓ સાપ્તાહિક યોજના તૈયાર કરે અને આ યોજનાના અમલીકરણની દૈનિક ધોરણે આરોગ્ય મંત્રાલયના સચિવ/અધિક મુખ્ય સચિવ સ્તરે [પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે એ પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મણિપુર પર ખાસ ભાર] સમીક્ષા કરે.

નવી રસીકરણની માર્ગદર્શિકાના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ અપાઇ હતી કે 15-18 વયજૂથ માટે રસી મૂકનારા અને રસીકરણ ટીમના સભ્યોનાં અભિગમને સુનિશ્ચિત કરે અને 15-18 વર્ષનાં વયજૂથનાં રસીકરણ માટે સમર્પિત સેશન સ્થળોને ઓળખી કાઢે. રસી મૂકતી વખતે રસીઓની ભેળસેળ ટાળવા માટે અલગ સીવીસી, અલગ સેશન સ્થળો, અલગ લાઇન ( જો રસીકરણ સ્થળ એ જ હોય જ્યાં પુખ્ત વયના માટે પણ રસીકરણ ચાલતું હોય) અને અલગ રસીકરણ ટીમ (જો એ સ્થળે હોય તો) માટે પ્રયત્ન રાખવા. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને કો-વિનનો ઉપયોગ કરીને લાભાર્થીઓના જિલ્લાવાર અંદાજ મારફત રસીના ડૉઝીસની જરૂરિયાત જણાવવા પણ સલાહ અપાઇ હતી. તેમને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોવેક્સિનના વિતરણને ઓળખી કાઢેલ સેશન સ્થળોને વિતરણ માટે અગાઉથી યોજના કરે અને પૂરતી જાણકારી પૂરી પાડવા ઓછામાં ઓછા 15 દિવસ અગાઇ સેશન્સ પ્રસિદ્ધ કરે.

ડૉ. મનસુખ માંડવિયાએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રસીનું ઉત્પાદન વધારવા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઇ રહ્યાં છે. તેમણે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરી કે તેઓ એમની શ્રેષ્ઠ પદ્ધતિઓ જણાવે જેથી સમગ્ર દેશને લાભ થઈ શકે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનું ધ્યાન એ હકીકત પર દોર્યું હતું કે સામૂહિક રીતે તેમણે ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પૅકેજ (ઈસીઆરપી-2) હેઠળ ઉપલબ્ધ મંજૂર ફંડ્સના માત્ર 17% કરતા સહેજ વધુનો જ ઉપયોગ કર્યો છે. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ઈસીઆરપી-2 હેઠળ આઇસીયુ બૅડ્સ, ઑક્સિજન બૅડ્સ, પીડિયાટ્રિક આઇસીયુ/એચડીયુ બૅડ્સ ઇત્યાદિ સંદર્ભમાં ભૌતિક પ્રગતિ ઝડપી કરવા જણાવાયું હતું. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેલિ-મેડિસિન અને ટેલિ-કન્સલ્ટેશન માટે માનવ સંસાધનોની તાલીમ અને ક્ષમતા નિર્માણ, એમ્બ્યુલન્સોની સમયસર ઉપલબ્ધતા, સંસ્થાગત ક્વોરન્ટાઇન માટે કોવિડ સુવિધાઓ કાર્યરત કરવા રાજ્યોની તૈયારી અને હૉમ આઇસોલેશનમાં છે એમના પર અસરકારક દેખરેખ સહિતના માટે આઇટી સાધનોનો અસરકારક ઉપયોગ કરવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે તેમણે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ઈસીઆરપી-2 હેઠળ મંજૂર ફંડ્સનો વધારે સારો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો અને આ બાબતે કોઇ સૂચનો હોય તો એ પણ માગ્યાં હતાં.

અધિક સચિવ અને એનએચએમના એમડી શ્રી બિકાસ શીલ વિગતવાર પ્રેઝન્ટેશન મારફત રાજ્યો દ્વારા ઈસીઆરપી 2 ફંડ્સના ઉપયોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સ્થિતિ વિશે બોલ્યા હતા. અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગ્નાનીએ દેશમાં રસીકરણની સ્થિતિ અંગે અપડેટ રજૂ કર્યું હતું. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી લવ અગરવાલે રાજ્યોમાં કોવિડ ટ્રેજેક્ટરીનું સૂક્ષ્મ વિશ્લેષણ રજૂ કર્યું હતું અને કેસોમાં તાજેતરના ઉછાળાને હાથ ધરવા ટેસ્ટિંગ, દેખરેખ અને કન્ટેનમેન્ટ પગલાંઓ વધારવા સૂચવ્યું હતું. અગ્ર સચિવ (આરોગ્ય), સંબંધિત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) અને સ્ટેટ સર્વેલન્સ અધિકારીએ એમની ચિંતાના મુદ્દાઓની ચર્ચા કરતી વખતે એમનાં પ્રતિભાવો અને સૂચનો આપ્યાં હતાં.

 



(Release ID: 1786953) Visitor Counter : 260