પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદઘાટન કર્યું
“જનરલ બીપિન રાવતનું નિધન દરેક ભારતીય માટે, દરેક રાષ્ટ્રભક્ત માટે બહુ મોટી ખોટ છે”
“આપણે જે વીરોને ગુમાવ્યા છે દેશ એમના પરિવારોની સાથે છે”
સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજના પૂર્ણ થઈ એ વાતની સાબિતી છે કે જ્યારે આપણી વિચારધારા પ્રામાણિક હોય છે, કામ પણ એટલું જ દમદાર હોય છે”
સરયૂ નહેર પરિયોજનામાં 5 દાયકામાં જેટલું થયું એનાથી વધારે કામ અમે છેલ્લાં 5 વર્ષો કરતા ઓછા સમયમાં કર્યું છે. આ ડબલ એન્જિનની સરકાર છે.આ ડબલ એન્જિન સરકારના કામની ઝડપ છે”
Posted On:
11 DEC 2021 3:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના બલરામપુરના સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજનાનું ઉદઘાટન કર્યું હતું. આ અવસરે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે એમના નિધનથી દરેક ભારત પ્રેમી માટે, દરેક રાષ્ટ્રભક્ત માટે એક બહુ મોટી ખોટ પડી છે. તેમણે કહ્યું કે જનરલ બીપિન રાવતજી દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે જેટલી મહેનત કરી રહ્યા હતા, સમગ્ર દેશ એનો સાક્ષી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત દુ:ખમાં છે તેમ છતાં દર્દ સહન કરીને પણ આપણે ન તો આપણી ગતિ અટકાવીએ છીએ, ન પ્રગતિ. ભારત અટકશે નહીં. દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓમાં તાલમેલ સુદૃઢ કરવાનું અભિયાન, ઝડપથી આગળ વધતું રહેશે. જનરલ બીપિન રાવત, આવનારા દિવસોમાં, પોતાના ભારતને નવા સંકલ્પો સાથે આગળ વધતું જોશે. દેશની સરહદોની સુરક્ષા વધારવાનું કામ, સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના સપૂત, દેવરિયામાં રહેતા ગ્રૂપ કૅપ્ટન વરૂણ સિંહજીનું જીવન બચાવવા માટે ડૉકટર ઘણી મહેનત કરી રહ્યા છે. હું મા પાટેશ્વરી પાસે એમનાં જીવનની રક્ષાની પ્રાર્થના કરું છું. દેશ આજે વરૂણ સિંહના પરિવારની સાથે છે, જે વીરોને આપણે ગુમાવ્યા છે, એમના પરિવારોની સાથે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની નદીઓનાં જળનો સદઉપયોગ થાય, ખેડૂતોનાં ખેતર સુધી પૂરતું પાણી પહોંચે, એ સરકારની સર્વોચ્ચ અગ્રતામાંની એક છે. સરયૂ નહેર રાષ્ટ્રીય પરિયોજના સંપન્ન થઈ એ એ વાતની સાબિતી છે કે જ્યારે વિચારધારા ઇમાનદાર હોય છે ત્યારે કામ પણ મજબૂત-દમદાર થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે આ પરિયોજના પર કામ શરૂ થયું હતું ત્યારે એનો ખર્ચ 100 કરોડ રૂપિયા કરતા પણ ઓછો હતો. આજે એ લગભગ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા બાદ પૂરી થઈ છે. અગાઉની સરકારોની બેદરકારીથી 100 ગણી વધારે કિમત દેશે ચૂકવવી પડી છે. “સરકારી પૈસા છે તો મારે શું, એ વિચાર દેશના સંતુલિત અને સંપૂર્ણ વિકાસમાં સૌથી મોટી અડચણ બની ગયો હતો. આ વિચારે જ સરયૂ નહેર પરિયોજનાને લટકાવી પણ, ભટકાવી પણ. પ્રધાનમંત્રીએ કહ્યું. “સરયૂ નહેર પરિયોજનામાં જેટલું કામ 5 દાયકાઓમાં થઈ શક્યું હતું, એનાથી વધારે કામ અમે 5 વર્ષ કરતા ઓછા સમયમાં કરી બતાવ્યું છે. આ જ ડબલ એન્જિનની સરકાર છે. આ ડબલ એન્જિન સરકારનાં કામની ઝડપ છે. અમારી અગ્રતા પ્રોજેક્ટને સમયસર પૂરા કરવાની છે.”
પ્રધાનમંત્રીએ બાણ સાગર પરિયોજના, અર્જુન સહાયક સિંચાઇ પરિયોજના, ગોરખપુરમાં એઈમ્સ અને ખાતર પ્લાન્ટ જેવી લાંબા સમયથી પડતર પરિયોજનાઓનાં નામ ગણાવ્યાં હતાં જે આ ‘ડબલ એન્જિન’ની સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. તેમણે કેન બેતવા લિંક પરિયોજનાને પણ આ સરકારની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. 45000 કરોડ રૂપિયાની પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની ગત મીટિંગમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પરિયોજના બુંદેલખંડ વિસ્તારને જળ સંકટની સમસ્યામાંથી છૂટકારો મેળવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે પહેલી વાર નાના ખેડૂતોને સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ, મત્સ્ય પાલન અને ડેરી ને મધમાખી ઉછેરમાં આવકના વૈકલ્પિક સ્ત્રોત અને ઈથેનોલમાં વ્યાપક અવસર જેવાં કેટલાંક મહત્વનાં પગલાં લેવાઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું છેલ્લા સાડા ચાર વર્ષોમાં ઉત્તર પ્રદેશમાંથી જ 12000 કરોડ રૂપિયાની કિમતનું ઈથેનોલ ખરીદાયું છે. પ્રધાનમંત્રીએ કુદરતી ખેતી અને ઝીરો બજેટ ખેતી વિશે 16મી ડિસેમ્બરે આયોજિત થનારા કાર્યક્રમ માટે ખેડૂતોને આમંત્રિત કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ રાજ્યના 30 લાખથી વધુ પરિવારોને ‘પીએમએવાય’હેઠળ પાકાં ઘર મળ્યાં છ, જેમાંથી મોટા ભાગનાં ઘર સંબંધિત પરિવારોની મહિલાઓનાં નામે છે. પ્રધાનમંત્રીએ ‘સ્વામિત્વ યોજના’ના વિવિધ લાભો વિશે પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કોરોના કાળમાં અમે સંપૂર્ણ ઇમાનદારીથી પ્રયાસ કર્યા છે કે કોઇ ગરીબ ભૂખ્યો ન રહે. એ માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળતા મફત રાશનના અભિયાનને હાલ હોળીથી આગળ સુધીની મુદત માટે લંબાવાયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલાના સમયમાં માફિયાને સંરક્ષણ મળતું હતું. એનાથી વિપરિત, આજે માફિયાનો સફાયો થઈ રહ્યો છે અને ફરક સાફ દેખાઇ રહ્યો છે. પહેલા બાહુબલીઓને ઉત્તેજન અપાતું હતું. આજે યોગીજીની સરકાર ગરીબ, દલિત, પછાત અને આદિવાસી, તમામને સશક્ત બનાવવામાં લાગી છે. એટલે તો યુપીના લોકો કહે છે- ફરક દેખીતો છે. પહેલા જમીન પર માફિયાઓ દ્વારા ગેરકાયદે કબજો થવો સામાન્ય વાત હતી, જ્યારે આજે યોગીજી આ પ્રકારના અતિક્રમણ પર બુલડોઝર ચલાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભાર આપીને કહ્યું કે એટલે તો યુપીના લોકો કહે છે- ફરક દેખીતો છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1780834)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam