પ્રધાનમંત્રીનું કાર્યાલય

21મી ભારત- રશિયા વાર્ષિક શિખર પરિષદ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 06 DEC 2021 8:10PM by PIB Ahmedabad

એક્સેલન્સી,

મારા પ્રિય મિત્ર વ્લાદિમીર પુતિન, 21મા ભારત- રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં આપનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું. તમારા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરૂં છું. હું જાણું છું કે વિતેલા બે વર્ષ દરમ્યાન કોરોના કાળમાં આ તમારી બીજી વિદેશ યાત્રા છે. ભારત પ્રત્યે તમારો જે લગાવ છે, તમારી જે વ્યક્તિગત કટિબધ્ધતા છે એ તેનું આ પ્રકારનું એક પ્રતિક છે. ભારત- રશિયા વચ્ચેના સંબંધોનું કેટલું મહત્વ છે તે આનાથી સ્પષ્ટ થાય છે. અને તે માટે હું આપનો ખૂબ જ આભારી છું.

કોવિડના પડકારો હોવા છતાં ભારત અને રશિયાના સંબંધોની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી. આપણી વિશિષ્ટ અને વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થતી ગઈ છે. કોવિડ વિરૂધ્ધ લડાઈમાં પણ બંને દેશો વચ્ચે બહેતર સહયોગ રહ્યો છે. રસીના ટ્રાયલ્સ હોય કે ઉત્પાદન હોય કે પછી માનવીય સહાયતા હોય અથવા એકબીજાના નાગરિકોને દેશમાં પરત ફરવા માટેની વ્યવસ્થા હોય.

એક્સેલન્સી,

વર્ષ 2021માં આપણાં દ્વિપક્ષી સંબંધો અનેક પાસાંઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ વર્ષે 1971ના શાંતિ, મૈત્રી અને સહયોગના પાંચ દાયકાના કરાર અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને બે દાયકા પૂરા થઈ રહ્યા છે. આ ખાસ વર્ષમાં તમારી સાથે ફરીથી મળવાનું થયું તે મારા માટે ઘણાં આનંદની વાત છે, કારણ કે આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં વિતેલા 20 વર્ષમાં જે નોંધપાત્ર પ્રગતિ થઈ છે તેના સૂત્રધાર તમે જ રહ્યા છો.

વિતેલા અનેક દાયકામાં વૈશ્વિક સ્તરે અનેક મૂળભૂત પરિવર્તનો આવ્યા છે. અનેક પ્રકારના જીઓ- પોલિટિકલ સમીકરણ ઉભરી આવ્યા છે, પરંતુ આ તમામ પરિવર્તનોની વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા  સતત ચાલુ રહી છે. બંને દેશોએ નિઃસંકોચ એક બીજાને સહયોગ તો આપ્યો જ છે, પરંતુ સાથે સાથે એક બીજાની સંવેદનશીલતાનો પણ વિશેષ ખ્યાલ રાખ્યો છે. સાચા અર્થમાં આ એકથી બીજા દેશ સાથેની મૈત્રીનું એક અજોડ અને વિશ્વાસપાત્ર મોડલ છે.

એક્સેલન્સી,

2021ની આપણી વ્યૂહાત્મક ભાગીદારી પણ એક વિશેષ બાબત છે. આજે આપણાં વિદેશ અને સંરક્ષણ પ્રધાનો વચ્ચે 2+2 સંવાદની પ્રથમ બેઠક થઈ છે. તેનાથી આપણાં વ્યવહારિક સહયોગને આગળ ધપાવવાની એક નવી વ્યવસ્થા શરૂ થઈ છે.

અફઘાનિસ્તાન અને અન્ય પ્રાદેશિક વિષયો અંગે પણ આપણે સતત એક બીજાના સંપર્કમાં રહ્યા છીએ. ઈસ્ટર્ન ઈકોનોમીક ફોરમ અને વ્લાદીવોસ્ટોક શિખર પરિષદથી શરૂ થયેલી પ્રાદેશિક ભાગીદારી આજે રશિયન ફારઈસ્ટ અને ભારતના રાજ્યો વચ્ચે વાસ્તવિક સહયોગમાં રૂપાંતર પામી રહી છે.

આર્થિક ક્ષેત્રોમાં પણ આપણાં સંબંધોને વધુ ઘનિષ્ટ બનાવવા માટે આપણે એક લાંબા ગાળાનું વિઝન અપનાવ્યુ છે. આપણે 2025 સુધી 30 અબજ ડોલરનો વેપાર અને 50 અબજ ડોલરનું મૂડી રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યો સુધી પહોંચવા માટે આપણે આપણાં વ્યાપારી સમુદાયોને માર્ગદર્શન આપવું જોઈએ.

અલગ અલગ સેક્ટરોમાં આજે થયેલી સમજૂતિઓથી આ પ્રક્રિયાને મદદ મળશે. મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શનથી આપણો સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થઈ રહ્યો છે. અવકાશ અને સિવિલ ન્યૂક્લિયર ક્ષેત્રોમાં પણ આપણો સહયોગ આગળ ધપી રહ્યો છે.

NAMમાં નિરિક્ષક અને IORA માં ડાયલોગ પાર્ટનર બનવા માટે રશિયાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ બંને મંચમાં રશિયાની ઉપસ્થિતિનું સમર્થન કરવું તે અમારા માટે એક આનંદની બાબત છે. દરેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારત અને રશિયાના અભિપ્રાયો એક સરખા રહ્યા છે. આજે બેઠકમાં આપણને તેની ઉપર ચર્ચા કરવાની તક મળશે.

એક્સેલન્સી,

ફરી એકવાર હું ભારતમાં આપનું સ્વાગત કરૂં છું. તમારા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરૂં છું. આટલી વ્યસ્તતાની વચ્ચે પણ તમે ભારત આવવા માટે જે સમય કાઢ્યો છે તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. મને વિશ્વાસ છે કે આજની ચર્ચા આપણાં સંબંધો માટે ખૂબ જ ઉલ્લેખનીય બની રહેશે.

ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર.



(Release ID: 1778645) Visitor Counter : 297