પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પ્રથમ વૈશ્વિક આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું


“તાજેતરના સમયમાં ભારતીય આરોગ્ય સંભાળ ક્ષેત્રએ પ્રાપ્ત કરેલા વૈશ્વિક ભરોસાના કારણે ભારતને “ફાર્મસી ઓફ વર્લ્ડ” તરીકે ઓળખવામાં આવે છે”

“અમે સમગ્ર માનવજાતની સુખાકારીમાં માનીએ છીએ. અને અમે આ ભાવના કોવિડ-19 વૈશ્વિક મહામારી દરમિયાન સમગ્ર દુનિયાને બતાવી છે”

“ભારત પાસે ઘણી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટ્સ છે જેઓ આ ઉદ્યોગને ખૂબ ઊંચા શિખરે લઇ જવાનું સામર્થ્ય ધરાવે છે. “ડિસ્કવર અને મેક ઇન ઇન્ડિયા” માટે આ તાકાતને ખીલવવાની જરૂર છે”

“રસી અને દવાઓના મુખ્ય ઘટકોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા બાબતે આપણે અવશ્ય વિચાર કરવો જોઇએ. આ એવો મોરચો છે જેમાં ભારતે જીતવાનું છે”

“હું આપ સૌને ભારતમાં નવતર વિચાર કરવા, ભારતમાં આવિષ્કાર કરવા, મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ માટે આમંત્રણ પાઠવું છુ. તમારી ખરી શક્તિઓને શોધો અને દુનિયાની સેવા કરો”

Posted On: 18 NOV 2021 4:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના પ્રથમ વૈશ્વિક આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના કારણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર ખૂબ જ તીવ્રતા સાથે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભલે તે જીવનશૈલી હોય અથવા દવાઓ હોય, કે પછી મેડિકલ ટેકનોલોજી અથવા રસી હોય, આરોગ્ય સંભાળના દરેક પરિબળ પર છેલ્લા બે વર્ષમાં તીવ્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ પડકારો ઉભા થયા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં ભારતીય આરોગ્ય સંભાળ ક્ષેત્રએ પ્રાપ્ત કરેલા વૈશ્વિક ભરોસાના કારણે ભારતને ફાર્મસી ઓફ વર્લ્ડતરીકે ઓળખવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ વર્ણન કર્યું હતું કે, સુખાકારીની આપણી પરિભાષા માત્ર શારીરિક મર્યાદા પૂરતી સિમિત નથી. આપણે સમગ્ર માનવજાતની સુખાકારીમાં માનીએ છીએ. અને આપણે કોવિડ-19 વૈશ્વિક મહામારીના સમય દરમિયાન આપણી આ ભાવના દર્શાવી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે મહામારી દરમિયાન, આપણે મહામારીના પ્રારંભિક તબક્કા વખતે 150 કરતાં વધારે દેશોમાં જીવનરક્ષક દવાઓ અને તબીબી ઉપકરણોની નિકાસ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે આ વર્ષ દરમિયાન 65 મિલિયન કરતાં વધારે કોવિડની રસીના ડોઝ લગભગ 100 દેશોમાં નિકાસ કર્યા છે.

પ્રધાનમંત્રીએ આવિષ્કાર માટે ઇકોસિસ્ટમનું સર્જન કરવાની પણ એવી દૂરંદેશી બતાવી હતી જે ભારતને દવાની શોધ અને આવિષ્કારી તબીબી ઉપકરણોમાં અગ્રણી બનાવશે. તેમણે કહ્યું હતું કે, તમામ હિતધારકો સાથે વ્યાપક પરામર્શના આધારે નીતિગત હસ્તક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત પાસે ઘણી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેકનોલોજિસ્ટ્સ છે જેઓ આ ઉદ્યોગને ખૂબ ઊંચા શિખરે લઇ જવાનું સામર્થ્ય ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ડિસ્કવર અને મેક ઇન ઇન્ડિયામાટે આ તાકાતને ખીલવવાની જરૂર છે.

પ્રધાનમંત્રી સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ અનુરોધ કર્યો હતો કે, આજે, જ્યારે 1.3 અબજ ભારતીયોએ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે પોતાની જાતને આ અભિયાનમાં જોડી દીધી છે ત્યારે આપણે રસી અને દવાઓના મુખ્ય ઘટકોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા અંગે અવશ્ય વિચાર કરવો જોઇએ. આ એવો મોરચો છે જેમાં ભારતે જીતવાનું છે.

પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપનત કરતી વખતે તમામ હિતધારકોને ભારતમાં નવતર વિચાર કરવા, ભારતમાં આવિષ્કાર કરવા, મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમારી ખરી શક્તિઓને શોધો અને દુનિયાની સેવા કરો.

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

SD/GP/JD

 



(Release ID: 1772981) Visitor Counter : 201